દસ ટકા એવું તો એમને સાંભળવું ય ગમતું નથી.
તમે પંદર કે પચીસ ટકા કહો.
અરે પચાસ ટકાયે પણ ખરીદવી છે કોને ?
શા માટે ?
ચોપડી વળી.
ચોપડીની વાત થાય છે.
ચોપડી કંઈ ખરીદીને વંચાય ?
કવિ કે લેખક કઈ વાડીમાં પરસેવો પાડવા જાય છે ?
આકાશેથી ઊતરે એમનેમ.
ખાતર પાણી કંઈ નહીં.
નકરી મોજમાં લખવાનું.
એના તો વળી પૈસા હોય ?
રૂપિયાથી તોળીને એ આકાશી પદારથને હલકો કરી દેવો ?
તો પછી લેખક બિચારો ધરૂજતો ફફડતો
આવે મારે દ્વાર.
કંઈ ખોટું કરતો હોય એવા ભાવથી થમાવી દે
એનું જતનથી ઉછેરેલું બાળ તમારા હાથમાં.
મફત ભેટ.
મફતમાં મળેલી વસ્તુનાં શાં મૂલ?
જરીક આમતેમ ઉથલાવી
કે ફગાવે ઊંચે માળિયે.
કાં રમે છોકરાં.
પસ્તીવાળો તો છે જ.
“ચોપડી રે બાઈ ચોપડી
કેવાં તમારાં મૂલ?”
“આમ રઝળીએ રેઢિયાળ
આમ અમે અમૂલ.”
નર્મદાનગર, જિલ્લો ભરૂચ
e.mail : ramnikagravat@@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2020; પૃ. 14