= = = = નાનપણમાં બા મને ઘણાં ઘરકામ શીખવે – રજસ્વલા હોય એ દિવસોમાં ખાસ જરૂર પડતી. કહેતી – તને જીવનમાં બહુ કામ આવશે. તે હે કોરોના ! સાંભળ, બા-નાં એ વચનો સાચાં પડી રહ્યાં છે. = = = =
= = = = હે કોરોના ! માણસે સિદ્ધ કરેલું વર્તમાન મનુષ્યજીવન ભલે તારે હાથે નષ્ટભ્રષ્ટ થાય. પણ માણસજાત નવું સ્વપ્ન સેવશે અને નવો સ્વપ્નલોક કલ્પીને એક નવી જ દુનિયાનું સર્જન કરશે. જાણ કે મનુષ્ય રીઢો સ્વપ્નદૃષ્ટા છે … = = = =
હે કોરોના ! અમે એવું માનીને ચાલીએ છીએ કે તને અમારા પારસ્પરિક સંસર્ગોનો અને સમ્પર્કોનો લાભ નહીં આપીએ તો તું અમને કંઈ કરશે નહીં, આઈ મીન, તું સ્વીકારી લઈશ કે અમને ઉપાડી જવામાં તને તકલીફ પડવાની છે. તારો મુકાબલો કરવા માટેનો એથી સારો ઉપાય હાલ અમારી પાસે નથી.
બાકી, તારા આગમને એટલું ચૉક્કસ કે અમારી મતિ મારી ગઈ છે, વિવેકબુદ્ધિ હરાઈ ગઈ છે. અમે બધા બે ભાગમાં વ્હૅંચાઈ ગયા છીએ : એક ભાગમાં છે, બુધો લોકો. બીજા ભાગમાં છે, ન-બુધો લોકો.
એમને પણ બચાવવા માગું છું – ખરેખર તો ઘરમાં રહીને મારે ફળિયા-શેરીને ગુજરાતને ભારતને અને દુનિયાને બચાવવી છે.
બીજા જે ન-બુધો છે એમનામાં બુદ્ધિ નથી એવું નથી. જો ને, તેઓ ‘સાથી હાથ બઢાના’-માં વિશ્વાસ કરે, ખભાથી ખભો મિલાવીને જીવવા કરે, તે બુદ્ધિ વિના થોડું શક્ય બને? તને કહું, ‘વિના સહકાર નહીં ઉધ્ધાર’ એમનું જીવનસૂત્ર છે. એમને અરધો કલાક પણ જો એકલા પડવાનું આવે તો જીવન ઝૅર લાગે છે. તેઓ પાસે હાલ કામ નથી ને જાણે તારી જોડે દોસ્તી કરવાને મેદાને પડ્યા છે. ઘરમાં રહેતાં એમને કીડીઓ કયડે છે. તે ચડ્ડા-ટીશર્ટમાં શેરીઓમાં ફર્યા કરે છે. એમને તારી કશી જ બીક નથી. કેમ કે તું અદૃશ્ય છું. કોઈ કોઈ તો એવા શૂરા છે કે ક્રિકેટ વૉલિબૉલ ને બૅડમિન્ગટન રમે છે. ધૂળની એમને પરવા નથી. કેટલાયે ન-બુધો પહેલાં તો મન્દિરે પોતાના બર્થડે-ને દિવસે કે બેસતા વરસે જાય, પણ હવે રોજ્જે જાય છે. એકલા નથી જતા, સ્કૂટર પર પાછળ બાબાને બાબા પાછળ બેબીને અને છેડે પત્નીને બેસાડી જાય છે. મન્દિરે એમના જેવા બીજા ઘણા હોય છે. એવો દરેક ન-બુધો ભગવાનને કહે છે કે – મને, મારી વાઈફને ને મારાં બાબા-બેબીને કોરોનાથી (તારાથી) બચાવી લેજે, પ્રભુ ! કેટલાક ન-બુધો રાહત-કાર્યક્રમોમાં જોડાઈ જાય છે, સેવા કરવા. સૌ ભેગા મળીને હાથ-હથેળીઓ પ્રયોજીને સામુદાયિક શ્રમ કરે છે. સૌને જમાડે છે, જાતે પણ જમે છે. કેટલાક ભેગા મળીને સોસાયટીમાં ભજનો ગાય છે. રૂમના ખૂણે બેસી રામનામ જપતાં એમને ચૂંક આવે છે. ભેગા બેસી પાનાં પણ રમે છે.
આપણે બધાં, ભેગાં, સૌ, સોસાયટી, મંડળી, જૂથ, વર્તુળ, પક્ષ તેમ જ સંસર્ગ અને સમ્પર્ક એમના રક્તકણો છે. એ વિના એમને લોહી અટકી ગયું લાગે છે. આ સૌ ન-બુધોને એક જ વાત સમજાઈ ગઈ છે કે સાથે રહીશું તો છેવટે સૌ સારાં વાનાં થશે. પણ તેઓ નથી જાણતા કે છેવટે તે ક્યારે …
એવો એક ન-બુધો ગઈ કાલે એક બુધોને કહે – તમે મિસ્ટર એકલપેટા છો, સૂમડા, ઘરકૂકડી. કોરોનામાં જરા તો સહકાર આપો ! જવાબમાં બુધોએ કહ્યું : તમે મિસ્ટર જે સહકાર આપી રહ્યા છો એ કોરોના માટે પૂરતો છે. જરા આઘા ખસો તો, જો તમે હશો તો થોડા દા’ડા પછી જરૂર મળશું …
મને ખબર છે, કોરોના, તારું પણ એ જ કહેવું છે કે – હું શું કરું? હરતાફરતા મળે એને પહેલા લેતો જઉં છું, બીજું તો શું કરું …
છોડો, એ બધી ફાલતુ વાતો ! ગઈ કાલે મેં તને કહ્યું કે હું હવે ગૃહિણી છું, એ મારું અગ્રિમ સ્વરૂપાન્તર છે, તે તદ્દન સાચું છે. જો કે મને ગૃહિણીને ‘હોમ-મિનિસ્ટર’ કહેનાર કોઈ અહીં છે નથી. એટલે એ બિરુદથી છેતરાઈ જવાનો સવાલ જ નથી. બાકી મને ખબર છે કે એ પતિલોકોને ઘરનું એક પણ કામ કરવું નથી હોતું – સિવાય કે સવાર-સાંજ તૈયાર થાળીએ જમવા બેસવું ને રાતે પથારીમાં થાક ઉતારવો. એવા જમનારાને, ગુજરાતીમાં, ‘પાત્રેસમેત’ અને એમ થાક ઉતારનારાને ‘શૈયાસુખવાસી’ કહેવાય છે. પણ હાલ એમનો છૂટકો નથી તે કાલાવ્હાલા થઈને હરેક કામમાં જોતરાતા રહે છે. તારા પ્રતાપે કહ્યાગરા કન્થ થઈ ગયા છે – જો કે કામચલાઉ ધોરણે …
પણ તું જાણ કે પરમ્પરાગત ભારતીય સમાજમાં ગૃહિણી એટલે શું. બહુ લાંબી ને ન-ગમતી ઘણી વ્યાખ્યાઓ છે મારી પાસે, પણ એમાં પ્રમુખ આ છે : ગૃહિણી એટલે રસોઇયણ નામનો વિશિષ્ટ મનુષ્યજીવ. સંજોગવસાત્ એ વિશેષતા મને પણ સાંપડી છે. એટલું સારું છે કે એ પરમ્પરાગત ગૃહિણીની માફક મારે વૈતરાં નથી કરવાનાં. ચાર-પાંચ-સાતનાં ભોજન ચા-નાસ્તા કે મીઠાઈઓ નથી બનાવવાનાં. હું મારા પૂરતી ગૃહિણી છું. એટલે મારા પૂરતાં ચા-નાસ્તા બનાવી લઉં છું. ને ભોજન – ભોજન મોટો શબ્દ છે – ડિનર તો ક્હૅવાય જ નહીં – બનાવી લઉં છું. મને શીરો સરસ આવડે છે. પણ હાલ તો ભાખરી ને રોટલી વણતાં ને છેલ્લા પરિણામે પ્હૉંચાડતાં શીખી રહ્યો છું. પિતાજીએ કહેલું – ચૉપડીમાં મૅઢું ઘાલીને વાંચ. પ્રૉફેસર તે સંશોધનના મારા વિદ્યાર્થીઓને ઊંડા નિરીક્ષણનો મહિમા સમજાવતો. પણ મેં જોયું કે એ બોધપાઠ દરેક વખતે ખરો નથી પડતો. જેમ કે,
વઘાર મૂક્યો હોય ત્યારે એમાં મૉં ઘાલીને ન જોવાય; કેમ કે, નહિતર, તતડતી રાઈનો એકાદ દાણો આંખની કીકીને વાગે !
એવું એવું નવું તો હું સતત શીખી રહ્યો છું. જેમ કે, શિસ્તપાઠ : ખાણીપીણી માટે રોજ્જે બે-યે-બે ટાઈમ મંડ્યા રહેવાનું ને એથી જ્યારે છૂટા થવાય કે તરત વગર ભૂલ્યે કંઈ ને કંઈ બીજાં ઘરકામ કરવાનાં. એ બીજામાં જે મોટામાં મોટું છે એ વાસણ માંજવાનું. માંજેલા વાસણ અને રસોઇનો સમ્બન્ધ ‘ઇન્ટિમેટ’ છે. નાનપણમાં બા મને ઘણાં ઘરકામ શીખવે – રજસ્વલા હોય એ દિવસોમાં ખાસ જરૂર પડતી. કહેતી – તને જીવનમાં બહુ કામ આવશે. તે હે કોરોના ! સાંભળ, બા-નાં એ વચનો સાચાં પડી રહ્યાં છે. આઠ-દસ વર્ષની વયે જેમણે વાસણ માંજેલાં એઓ – શ્રી સુમન શાહ – સવારસાંજ વાસણ માંજે છે. એમને કેટલુંક આવડતું’તું પણ કેટલુંક એમાં ઉમેરી રહ્યા છે. જેમ કે, રોટલી વણવા માટેની પાટલી, વેલણ, ચીપિયો ને સાણસી બીજીવાર એક જ સ્થાનેથી મળે એ માટે એ ચારેયને તેઓ ભેગાં રાખે છે. સાણસીને હંમેશાં તત્પર રાખે છે કેમ કે રસોઈનાં સર્વ સાધનોમાં એ એમને સર્વોપકારક સમાજાઈ છે. ખાસ તો, ઉભરો આવે ત્યારે તરત કામે લગાડાય, તે છે સાણસી !
આમેય હે કોરોના ! કોઈપણ ઉભરાને શમાવવો હોય તો સાણસી-પ્રકારના અંકુશની જરૂર પડવાની. તને રોજે રોજ ઉભરાતાને અમે એવી જ કોઈ મહા સાણસીથી અંકુશમાં લઈશું, લઈશું જ ! એ દુ:ખદ વાત છે કે તારો છેવટનો મુકાબલો કરવાનો હાલ અમારી પાસે કોઈ કારગત ઇલાજ નથી. તારી લાખ કે લાખ્ખો પર પ્હૉંચનારી સંહારલીલાને અમે રોકવા મથીએ છીએ પણ સફળતાની આશા ઓછી છે. એવું જણાય છે કે તું દુનિયાને બદલી નાખીશ. પણ યાદ રાખજે કે માણસ પોતાના ભાગ્યનો વિધાતા છે. ભાગ્યસર્જક છે. સાહિત્ય ફિલસૂફી કલા જ્ઞાન અને વિજ્ઞાન જાતે સરજી શકે છે. હવેથી પોતાની ભૂલોને ઓળખીને શીખવા-જેવું બધું શીખી લેશે ને તને નેસ્તનાબુદ કરીને રહેશે. એણે સિદ્ધ કરેલું વર્તમાન મનુષ્યજીવનસ્વપ્ન ભલે તારે હાથે નષ્ટભ્રષ્ટ થાય. પણ માણસજાત નવું સ્વપ્ન સેવશે અને નવો સ્વપ્નલોક કલ્પીને એક નવી જ દુનિયાનું સર્જન કરશે. હે કોરોના! જાણ કે મનુષ્ય રીઢો સ્વપ્નદૃષ્ટા છે…
મને બહુ જ ગુસ્સો આવે, ચિત્તમાં ક્રોપપ્રકોપ ફાટે, ત્યારે હું તેટલા પૂરતો ચૂપ થઈ જવાનું પસંદ કરું છું …
= = =
(April 2, 2020 : Ahmedabad)
Not Coronavirus, but mankind will change the world…