કોવિડ-૧૯
ગયા અઠવાડિયે ઓફિસના કામે બિહારના મુઝફ્ફરપૂર જિલ્લામાં જવાનું થયું. મુઝફ્ફરપુર જિલ્લો બિહારમાં પટણા અને પૂર્વી ચંપારણ પછી વિસ્તારની દ્રષ્ટિએ ત્રીજા નંબરનો જિલ્લો. અમદાવાદથી નીકળતી વખતે કોરોનાનું ભારતમાં તો આગમન થઈ ગયું હતું, પરંતુ ગુજરાત કે બિહારમાં આ બાબતે કોઈ પણ કેસ પોઝિટિવ નોંધાયો ન હતો. તેથી અન્ય લોકોની જેમ મેં પણ માની લીધું કે અત્યારે બિહાર જવું સેફ છે. જો કે આ વાઇરસની ગંભીરતાને ધ્યાનમાં રાખી સેફ્ટીનાં કેટલાંક પગલાં અમે પણ લીધેલાં. બિહાર પહોંચ્યા બાદ મુઝફ્ફરપુર જિલ્લાના કેટલાંક ગામોમાં કામ અર્થે જવાનું થયું. આ દરમિયાન ત્યાંના સ્થાનિક લોકો સાથે વાતચીત પણ થઈ અને આ ઉપરાંત ગામોમાં સ્વચ્છતા અને આરોગ્યરક્ષા અંગે લોકોની તૈયારી જોતાં સમજાયું કે આ બીમારી સામે લડવા માટે ખૂબ જ તૈયારીની જરૂર છે. અને આ તૈયારીઓ સામે સૌથી મોટી અડચણો છે અહીંના લોકોની માનસિકતા, જીવનશૈલી અને સામાજિક માન્યતાઓ. બિહાર, ભારતનું એ રાજ્ય છે જે કુલ વસ્તીના પ્રમાણમાં દેશમાં ત્રીજા નંબર ધરાવે છે. અહીં દર ચોરસ કિલોમીટરે સરેરાશ જન સંખ્યા ૧,૧૦૦થી પણ વધુ છે જે ભારત દેશની દર ચોરસ કિલોમીટરે સરેરાશ વસતીના ત્રણ ગણાથી પણ વધુ છે. આ ઉપરાંત ઓછો શિક્ષણ દર, વધુ બેરોજગારી, અસમાનતા, પીવા માટે શુદ્ધ પાણીનો અભાવ, ગરીબી જેવી અનેક મુશ્કેલીઓનો બિહાર સામનો કરી રહ્યું છે આવા સમયે શું કોરોનાનો માર ઝીલી શકવા બિહાર તૈયાર છે?
બિહાર રાજ્યમાં કોરોના વાઇરસ સંક્રમિત દરદીનું તા. રરમીએ મૃત્યુ થયું એ કોરોનાના કારણે દેશમાં છઠ્ઠું મૃત્યુ હતું. ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આ મૃત્યુ પહેલાં બિહાર રાજયમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા શૂન્ય હતી. આ ઘટનાએ ઘણા સવાલો ઊભા કરી દીધા, સવાલ સરકારની તૈયારીઓ પર, સવાલ લોકોની જાગૃતતા પર, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર પર તો લોકોમાં સ્વચ્છતા તથા હાઇજિનની જાણકારી પર.
નોવેલ કોરોના વાઇરસનું સંક્રમણ જ્યારે વિશ્વમાં વધી રહ્યું છે, વિશ્વભરમાં સંક્રમિત લોકોની સંખ્યા આઠ લાખ ઉપર પહોંચી ગઈ છે અને મૃત્યુ આંક લગભગ ૩૯,૪૦૦ સુધી પહોચી ગયો છે ત્યારે સમગ્ર ભારતમાં પણ આના ગંભીર પરિણામોને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે. ભારતમાં પણ સંક્રમિત લોકોની સંખ્યા ૧,રપ૦ સુધી પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક ૩ર સુધી. ટેલિવિઝન, સોશિયલ મીડિયા, ન્યૂઝ પેપર્સ દરેક જગ્યા એ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે લોકોને અપીલ કરાઇ રહી છે. ત્યારે સવાલ એ થાય કે બિહારમાં આ કેટલું શક્ય છે?
બિહાર રાજ્ય નેપાળ સાથે પણ ઘણી લાંબી સરહદ ધરાવે છે. અને સ્થાનિકો જાહેર તથા ખાનગી વાહનો દ્વારા આ સરહદ ખૂબ જ સરળતાથી પાર કરી શકે છે. આ સમયે નેપાળમાંથી પણ કોરોના સંક્રમિત વ્યક્તિ બિહાર રાજયમાં આવી શકવાની સંભાવના ઘણી રહેલી છે. જો કે કોરોના વાઇરસના ભારતમાં આગમન પહેલાં જ બિહાર રાજ્ય સરકારે અગમચેતીના ભાગ રૂપે નેપાળ બોર્ડર પર જરૂરી સ્ક્રિનિંગ વ્યવસ્થા ગોઠવી દીધી હતી, જેથી નેપાળથી આવતા કોરોના સંક્રમિત લોકો પર નજર રાખી શકાય, પરંતુ બિહાર સરકાર સામે સૌથી મોટો પડકાર ભારત દેશના વિભિન્ન ભાગોમાંથી પરત ફરી રહેલા બિહાર રાજ્યના લોકો છે. બિહાર એક એવું રાજ્ય છે જ્યાં રોજગારીની પૂરતી તકો ન હોવાથી અહીંના યુવાનો રોજગારી માટે ભારત દેશના અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરતાં હોય છે. સ્થળાંતર કરનારા મોટા ભાગના યુવાનો બિહાર રાજ્યનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે જે દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર તરફ રોજગારી અર્થે જાય છે. આ એવાં રાજ્યો છે જ્યાં નોવેલ કોરોના વાઇરસ સંક્રમિત લોકોની સંખ્યા પણ વધુ છે. કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવી કોઈ બિહારનો યુવક પોતાના ગામ સુધી પહોંચે તે દરમિયાન જો તેની યોગ્ય તપાસ કરવામાં ન આવી તો આવનારા દિવસોમાં આ રાજયમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ સ્વરૂપ ધારણ કરી શકે છે. જો નોવેલ કોરોના વાઇરસનું સંક્રમણ બિહારના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોચી ગયું તો તેના પર અંકુશ મેળવવો ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ શકે છે. બિહારના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાઇરસ પ્રત્યેની સામાન્ય જાગૃતિનો અભાવ ખૂબ જ છે, ગામોમાં સ્વચ્છતા અને હાઇજિનનો ખૂબ જ મોટો અભાવ વાઇરસ ફેલાવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત જે સૌથી મોટો પડકાર છે તે ગ્રામ્ય સ્તરે મેડિકલ ઇનફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓ પૂરી પાડવાનું. બિહાર રાજ્યની કુલ વસ્તીના ૮૮ ટકાથી વધુ વસ્તી ગામડાંઓમાં વસેલી છે, તો આવામાં સવાલ એ થાય કે શું રાજ્યની સરકાર રાજ્યના દરેક ગામના લોકોની તબીબી સારવાર થઈ શકે તે માટે સજ્જ છે ખરી?
આજે વિશ્વના ઘણા નિષ્ણાતોએ ભારત દેશમાં પ્રસરી રહેલા કોરોના વાઇરસ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક લોકોનું કહેવું છે કે ભારત ઇટાલી જેવી પરિસ્થિતિ વધુમાં વધુ એક મહિનો દૂર છે તો અમેરિકાથી માત્ર પંદર દિવસ દૂર છે. પરંતુ હકીકત જોવા જઈએ તો બિહારની કુલ વસ્તી ઇટાલીની કુલ વસ્તી કરતાં દોઢ ગણી છે. જો યોગ્ય સમયે યોગ્ય પગલાં ન લેવાયા તો ભારત તો દૂરની વાત છે પરંતુ માત્ર બિહાર જ બીજું ઇટાલી બની શકે છે. આથી કદાચ જરૂરત છે તો માહિતીને લોકો સુધી પહોંચાડવાની, લોકોને કોરોના અને તેનાથી થતી અસરોથી અવગત કરાવાની અને ગ્રામ્ય વિસ્તારો સુધી હોસ્પિટલ્સ તથા અન્ય મેડિકલ સુવિધા પહોંચાડવાની. જેથી કોરોના સંક્રમિત લોકોને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી શકે. કેન્દ્ર સરકાર અને બિહાર રાજ્ય સરકાર આ માટે જરૂરી નિર્ણયો લઈ આ મહામારી સામે લોકોને રક્ષણ આપે તેવી અપેક્ષા રહેશે.
[લખ્યા તા.ર૩-૦૩-ર૦, આંકડાકીય વિગત તા.૩૧-૦૩-ર૦]
Email: mehtaaarsh90@gmail.com
સૌજન્ય : “નિરીશક”, 01 ઍપ્રિલ 2020; પૃ. 07, તેમ જ 09