“Migratory species connect the planet and together we welcome them home.”
જાહેરાતમાં
ઉષ્માભર્યું આ વાક્ય વાંચી થયું
નસીબદાર છો,
નાગરિકતાનો પ્રશ્ન તમને નડતો નથી.
વિહરવાની આઝાદી
તમે ઠાઠથી માણો છો.
શિયાળુ વતન છોડી
ઉનાળુ વતન ભણી
સીધા નીકળી પડો છો.
જ્યારે જ્યાં હોવ એ તમારું વતન
ના પાસપોર્ટ ના વિઝાની ઝંઝટ
ના NRC કે CAAનું સંકટ,
એક દેશથી બીજા દેશ તરફની ઉડાનમાં
કોઈ દેશની ઍર-સ્પેસનો ઇનકાર નહીં.
આપણા ગ્રહની કડી માની
તમને ઘરમાં આવકાર
વિના કોઈ ભેદભાવ
ને અમારા હિજરતી વિશ્વબંધુઓ સાથે
જાતપાતના ભેદભાવ
તમને વૈશ્વિક નાગરિકતા
ને અમને નહીં
આ તે ક્યાંનો ન્યાય ?
[ગુજરાત રાજ્ય જંગલખાતા અને પર્યાવરણ, વન અને ઋતુ પરિવર્તન મંત્રાલય દ્વારા ગાંધીનગરમાં 17થી 22 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત COPB(Conference of the Parties to the Convention on Migratory Species)ની દૈનિકમાં પ્રકાશિત જાહેરાત પરથી પ્રેરિત.]
e.mail : rupaleeburke@yahoo.co.in
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2020; પૃ. 14