કેટલાક લોકો કહેતા ફરે છે, વડાપ્રધાન મોદીએ તો કોરોના સામેની લડતમાં દુનિયાભરમાં ડંકા વગાડી દીધા. થાળી-તાળી-ઢોલ-પિપૂડાં વગાડ્યાં એ ડંકા વગાડ્યા ન કહેવાય; મૂર્ખામીનો તમાશો કર્યો કહેવાય. સતત બે મહિના લૉક ડાઉન રાખવું એ મહાન સ્ટ્રેટેજી ન કહેવાય, મજબૂરી કહેવાય. ભારત પાસે નથી પૂરતી હોસ્પિટલો, નથી સલામતીનાં સાધનો, નથી જે મૅડિકલ સ્ટાફ કામ કરે છે તેમના માટે માન-સન્માન, નથી સામાન્ય જનતામાં સમજદારી કે જાગૃતિ. પછી લૉક ડાઉન જ કરવું પડે ને! નથી ગરીબો, મજદૂરો, સ્થળાંતરિત મજદૂરો માટેની કોઈ યોજના કે સગવડો! આ લોકો જાતે વ્યવસ્થા કરવા બહાર નીકળે તો પોલીસના ડંડા પડે છે, ને તમે કહો છો દેશ-વિદેશમાં ડંકા પડે છે!
સરકાર તો ખાનગી હોસ્પિટલો અને હોટેલોમાં દરદીઓને ધકેલી રહી છે, નથી એમાં કોઈ સરકારી મદદ આપવાની વાત, નથી સરકાર પાસે પૂરતી વ્યવસ્થા (અને હજુ તો ભારતમાં હવે કોરોનાનો કેર વધી રહ્યો છે), નથી દરેક રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને પ્રધાન મંત્રીનાં રાહત ફંડ અને PM Cares જેવા ખાનગી ફંડોમાં ઉઘરાવેલા રૂપિયાનો કોઈ ઉપયોગ કે હિસાબ. શેના ડંકા વગાડી દીધાં એ તો કહો?
નિષ્ણાતો ચેતવી રહ્યા છે કે ભારતમાં ચેપનાં લક્ષણ વગર કોરોના ફેલાય એવી શક્યતા ગંભીર છે. હજુ સાચવવાનો સમય છે અને સરકારને તો એમાં પણ હિન્દુ-મુસ્લિમ થાય તેમાં રસ છે! ડંકા જ વગાડો તમતમારે, બીજું કશું થાય તેમ નથી.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 ઍપ્રિલ 2020