કોરોના નિમિત્તે ભારતના બે વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓ વચ્ચે થોડાં વર્ષ પહેલાં થયેલી ચર્ચાની અહીં યાદ આવે છે. ચર્ચામાં એક તરફ હતા અર્થશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર ડૉ. અમર્ત્ય સેન જેઓ અર્થશાસ્ત્રી ઉપરાંત ફિલોસોફર પણ છે અને ચર્ચામાં બીજી તરફે હતા ડૉ. જગદીશ ભગવતી, જેમને હજુ સુધી નોબેલ પારિતોષિક મળ્યું નથી, પણ ઘણાં વર્ષોથી તેને માટે તેમનું નામ બોલાય છે. ઘણાં લોકો એમ માને છે કે ડૉ. સેન કરતાં ડૉ. ભગવતી વધારે મોટા, વધારે મૌલિક અને નોબેલ માટે વધારે લાયકાત ધરાવનારા અર્થશાસ્ત્રી છે. આમ છતાં નોબેલ કમિટિએ ડૉ. સેનને પારિતોષિક માટે પસંદ કર્યા હતા, કારણ કે તેમણે રોકાણ અને રળતર અંગે નવી વાત કરી હતી.
સેન-ભગવતી ચર્ચાને આપણે કોરોના નિમિત્તે; ચીન, અમેરિકા અને કેરળના અનુભવને આધારે મૂલવવાનો પ્રયત્ન કરીશું.
અમર્ત્ય સેન એમ માને છે કે ગરીબ અને વિકાસશીલ દેશોએ બને એટલું રોકાણ માનવીય વિકાસ પાછળ કરવું જોઈએ. માણસ અનેક પ્રકારની શક્તિઓ અને સંભાવનાઓ લઈને જન્મે છે અને એનો તાગ મેળવવો મુશ્કેલ છે. ગરીબનાં ઝૂંપડામાં રવીન્દ્રનાથ (કવિ), રસ્સેલ (ફિલસૂફ), આઇન્સ્ટાઇન (વિજ્ઞાની) કે પિકાસો (ચિત્રકાર) પેદા થઈ શકે છે. આવી અગાધ શક્તિ અને સંભાવના વેડફાઈ ન જાય એ માટે કે પછી ઓળખાયા વિના જ લુપ્ત ન થઈ જાય એ માટે તેને તક પૂરી પાડવી જોઈએ. એ કેવી રીતે શક્ય બને?
એ બની શકે જો કોઈ પણ બાળકને તકથી વંચિત રાખવામાં ન આવે તો. કોઈ પણ એટલે કોઈ પણ. એમાં સ્ત્રીનો સમાવેશ થાય છે એટલે લૈંગિક સમાનતાનો સમાવેશ થાય છે. એમાં હરિજન, આદિવાસી અને છેવાડાના માણસનો સમાવેશ થાય છે એટલે નાત-જાત અને વર્ગના ભેદભાવરહિત સામાજિક સમાનતાનો સમાવેશ થાય છે. એમાં ગરીબ જુલાહા મુસલમાનનો, ગરીબ હરિજન ખ્રિસ્તીનો, ગરીબ મઝહબી શીખનો અને ગરીબ દલિત બૌદ્ધનો પણ સમાવેશ થવો જોઈએ એટલે કોમી પૂર્વગ્રહોરહિત ધાર્મિક સમાનતાનો સમાવેશ થાય છે. આ સમાનતા એટલે માત્ર કાયદાકીય સમાનતા નહીં, પણ હમણાં કહ્યું એમ તકની સમાનતા. સમાન તક મળવી જોઈએ. જે તક અને વાતાવરણ બ્રાહ્મણના છોકરાને કે સુખી માણસના છોકરાને ઉપલબ્ધ હોય એ ગરીબ લોકોને પણ ઉપલબ્ધ હોવાં જોઈએ.
ના, આમાં કોઈ માનવતાનો દૃષ્ટિકોણ નથી. માનવતા તો હોવી જ જોઈએ, પરંતુ ડૉ. સેન કહે છે કે એ સૌથી વધુ પરિણામકારક અર્થશાસ્ત્ર છે. દેશને સૌથી વધુ ફાયદો કરાવનારું રોકાણ છે. માનવતાની એરણે નહીં, ફાયદા-નુકસાનની એરણે જોશો તો પણ એમાં ઘણો ફાયદો છે. આ સિવાય જાગૃત સજ્જ સમાજ ગમે તેવા સંકટનો સામનો કરી શકે છે.
પણ અહીં સવાલ એ આવે છે કે દરેકને એક સમાન તક અને જીવનમાં આગળ વધવા માટેનું એક સરખું ઉપજાઉ વાતાવરણ કેવી રીતે મળે? એને માટે બને એટલું વધુ રોકાણ શિક્ષણ અને આરોગ્ય પાછળ કરવું જોઈએ. કોઈ ઉત્તમ શિક્ષણ અને ઉત્તમ આરોગ્યથી વંચિત ન રહેવું જોઈએ. ગામડાંમાં ભણતા વિદ્યાર્થીને પણ પ્રયોગશાળાઓ અને તકનીકીશાળાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. સામાજિક પ્રશ્નોની મુક્ત ચર્ચા થઈ શકે એવા મંચ ઉપલબ્ધ હોવા જોઈએ અને મોટા પ્રમાણમાં લોકશિક્ષણ કરનારી સ્વયંસેવી સંસ્થાઓને પ્રોત્સાહન આપવું જોઈએ. લોકશિક્ષણના અનેક માધ્યમો હોઈ શકે અને સમય સાથે નવાં નવાં માધ્યમો પેદા કરવામાં સરકારે મદદ કરવી જોઈએ. આ ઉપરાંત સરકારી તંત્ર જવાબદેહ અર્થાત્ લોકાભિમુખ હોવું જોઈએ અને એ માટે લોકતંત્ર મૂળ (ગ્રાસરૂટ) સુધી પહોંચવું જોઈએ. જો આવી અનુકૂળતા સાકાર કરી આપવામાં આવે તો કોઈ રવીન્દ્રનાથ કે રસ્સેલની અથવા આઇન્સ્ટાઇન કે પિકાસોની સંભાવના વેડફાશે નહીં.
ટૂંકમાં વિકાસ માનવકેન્દ્રી, માનવલક્ષી અને માનવસંચાલિત હોવો જોઈએ. અંતે માનવી પોતે પોતાને અને પોતાના દ્વારા સમાજને ઉપર લઈ જાય છે; સરકાર કે મૂડી નહીં. સરકાર અને મૂડીએ સહયોગીની ભૂમિકા ભજવવી જોઈએ. આવો મત ડૉ. અમર્ત્ય સેન ધરાવે છે.
ડૉ. જગદીશ ભગવતી જુદો મત ધરાવે છે. તેમનું કહેવું એમ છે કે મૂડી સહિતનાં કોઈ પણ સાધનો અમર્યાદિત નથી હોતાં. એનું પ્રતિ વ્યક્તિ (પર કેપીટા) સામાજિક વિકાસ માટે રોકાણ કરવામાં આવે તો એ ઊગી નીકળે જ એ જરૂરી નથી. એમાં જેમ દરેક રોકાણમાં વેડફાટ થાય છે એમ અહીં પણ થાય અને આમાં તો વળી વેડફાટનું પ્રમાણ ઘણું મોટું પણ હોઈ શકે છે. કારણ એ છે કે આવું રોકાણ કાં તો સરકાર દ્વારા કરવું પડે અથવા સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા કરવું પડે અને તેમનો ઉદ્દેશ નફો કરવાનો હોતો નથી એટલે અંગત સ્વાર્થના અભાવમાં તકેદારી ઓછી હોવાની.
તો પછી ઉપાય શું? ડૉ. ભગવતીના મત મુજબ મૂડીએ મૂડીને પેદા કરવા દેવી જોઈએ અને સાધનોએ સાધનોને પેદા કરવા દેવા જોઈએ. એ બંને એની મેળે નીચે સુધી પહોંચશે. કમાઈને ખર્ચવાનું હોય, ખર્ચીને કમાવાનું ન હોય અને ડૉ. સેન કહે છે એમ એ ખર્ચો નહીં પણ રોકાણ હોય તો કમાતા જઈને પોરો ખાતા ખાતા રોકાણ કરવાનું હોય એક સાથે નહીં. રોકાણ ઉત્પાદક હોવું જોઈએ અને સામાજિક રોકાણ અર્થાત્ માનવીમાં કરેલું રોકાણ તાત્કાલિક ઉત્પાદક નીવડી શકે એવી સંભવના બહુ ઓછી છે.
અહીં બાય ધ વે એક વાત કહેવી જરૂરી છે. આ ચર્ચા ૨૦૧૨-‘૧૩નાં વર્ષોમાં થઈ હતી, જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જવાની તૈયારી કરી રહ્યા હતા. તેમણે તક ઝડપીને ડૉ. જગદીશ ભગવતીની આંગળી પકડી લીધી હતી અને પોતે જાણે કે તેમના પટશિષ્ય હોય એમ પોતાની જાતને ઝડપી વિકાસને વરેલા હોય એ રીતે પ્રોજેક્ટ કરી હતી. સામાજિક વિકાસના વેદિયાવેડા ડૉ. મનમોહન સિંહ જેવા માસ્તર કરે; ગુજરાતીનો બચ્ચો તો ઝડપી રોકાણ, ઝડપી વિકાસ, ઝડપી સમૃદ્ધિ અને એ પછી વહેંચણીની વાત કરે. ડૉ. ભગવતીએ નરેન્દ્ર મોદીને ત્યારે આશીર્વાદ આપ્યા હતા. જો કે તે ‘દિ ને આજની રાત એ પછી ભગવતીએ નરેન્દ્ર મોદીની તારીફમાં આજ સુધી મોઢું ખોલ્યું નથી એ જુદી વાત છે.
તો વિકાસના આ બે મોડેલ વિશે બે ભારતીય અર્થશાસ્ત્રીઓ વચ્ચે ચર્ચા થઈ હતી. ભૌતિક વિકાસ દ્વારા માનવીય વિકાસ એમ ડૉ. ભગવતી કહે છે અને માનવીય વિકાસ દ્વારા ભૌતિક વિકાસ એમ ડૉ. સેન કહે છે.
હવે આને કોરોનાના સંદર્ભમાં તપાસીએ. કોરોનાનું સંકટ કેરળે જે રીતે હાથ ધર્યું અને તેમાં કેરળે જે સફળતા મેળવી તેની આજે આખા જગતમાં તારીફ થઈ રહી છે. જગતમાં એવું કોઈ પ્રતિષ્ઠિત અખબાર કે સામયિક નહીં હોય અને એવી કોઈ આરોગ્યસંસ્થા નહીં હોય જેણે કેરળની પ્રસંશા ન કરી હોય. છેલ્લા કેટલા ય દિવસથી કેરળમાં કોરોના વાઈરસની વૃદ્ધિનો ગ્રાફ સીધો થઈ ગયો છે એટલે કે હવે નવા કેસો ઉમેરાતા નથી. ચીન આવો દાવો કરે છે, પણ ચીન પર જગતને ભરોસો નથી. આ પણ ડૉ. સેને કહ્યું છે એમ એક નિર્ણાયક પરિબળ છે. જો તમારા દાવાની સત્યતા ભરોસાપાત્ર ન હોય તો એની કિંમત કોડીની છે. સોવિયેત રશિયાની જે રીતે બાંધી મૂઠી ખુલ્લી ગઈ હતી એમ ચીનની પણ એક દિવસ ખુલ્લી શકે છે.
ચીને શું કર્યું એ જાણવામાં જગતને રસ નથી, કેરળે શું રસ્તો અપનાવ્યો એ જાણવામાં જગતને રસ છે. કારણ જગતને ખાતરી છે કે કેરળે માનવીય સભ્યતાને છાજે એ રીતે સંકટને હાથ ધર્યું છે, જંગલીપણું નથી અપનાવ્યું. એવી કઈ અનુકૂળતા હતી જેનો કેરળે લાભ લીધો છે?
એક તો એ કે ડૉ. અમર્ત્ય સેન કહે છે એમ માનવીય વિકાસના તમામ માપદંડોમાં કેરળ મોખરે છે. શિક્ષણ, આરોગ્ય, સ્ત્રી જાગૃતિ અને સ્ત્રીઓનો સહભાગ, પ્રતિ વ્યક્તિ અખબાર અને સામયિકોનું વાંચન, વૈજ્ઞાનિક મિજાજ, પ્રજાના પ્રશ્નોને વાચા આપતા ગ્રામીણ સ્તરના મંચો, સત્તાનું વિકેન્દ્રીકરણ અને ગ્રામીણ સ્તરે સુધ્ધાં લોકશિક્ષણ અને લોકજાગૃતિનું કામ કરનારો સ્વયંસેવી સંસ્થાઓનો સહભાગ એમ દરેક રીતે કેરળ આગળ છે. બીજું એ કે સરકાર અને કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ (શાસ્ત્ર અને સાહિત્યનો અર્થ મલયાળી ભાષામાં વિજ્ઞાન અને ટેકનોલોજી અથવા પ્યોર સાયન્સ અને એપ્લાઇડ સાયન્સ એવો થાય છે) જેવી સ્વયંસેવી સંસ્થાઓ વચ્ચે સંકટ સમયે સહકાર હંમેશાં જોવા મળે છે. ૨૦૧૮માં કેરળમાં પૂર આવ્યું હતું ત્યારે પણ ભાગીદારીની આ તરાહ જોવા મળી હતી. ગયા વર્ષે નીપા વાઈરસ વખતે પણ ભાગીદારી જોવા મળી હતી.
બાકી રાબેતાના સમયમાં મોટા ભાગે તો કેરળની સરકાર અને કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ વચ્ચેનો સંબંધ બાખડવાનો જ હોય છે. સરકાર અને કર્મશીલો લગભગ હંમેશાં સામસામે હોય છે, પણ ક્યારે ય તેમને ‘દેશદ્રોહી’ કે ‘કેરળદ્રોહી’ના લેબલો ચોડવામાં આવતા નથી. કેરળના શાસકોએ ભક્તોને પેદા નથી કર્યા અને કેરળમાં જાગૃતિ એટલી છે કે બહુ સહેલાઇથી ભક્તો પેદા પણ ન થઈ શકે. આ જે લોકસંગઠનોની શક્તિ છે એ ઘણી વ્યાપક છે અને છેક નીચે સુધી (ગ્રાસરૂટ) છે.
૩૧મી જાન્યુઆરીએ ત્રણ વિદ્યાર્થીઓ ચીનના વાહુન પ્રદેશમાંથી કોરોનાની બીમારી લઈને કેરળ આવ્યા. તેમના સંસર્ગથી ઉત્તર કેરળમાં કોરોનાના કેસ વધવા માંડ્યા. ત્યાં સુધીમાં જગતને જાણ થઈ જ ગઈ હતી કે આ કોરોના વાઈરસ શું છે અને કઈ રીતે સંક્રમિત થાય છે. પણ આ જાણકારી એ લોકો માટે ઉપલબ્ધ હતી જે જાણવા માગતા હતા. કેરળમાં જ્યારે કેસ વધવા માંડ્યા ત્યારે કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ, બીજી આરોગ્યના ક્ષેત્રમાં કામ કરતી સ્વયંસેવી સંસ્થાઓ, અને કેરળના આરોગ્ય પ્રધાન કે.કે. શૈલજાએ એક બેઠક યોજી અને કોરોનાની સંક્રમણપદ્ધતિનો અભ્યાસ કરીને નિર્ણય લીધો છે કે 'બ્રેક ધ ચેઈન’નું મિશન હાથ ધરવામાં આવે. આપણા વડા પ્રધાન ફેબ્રુઆરી મહિનામાં નમસ્તે ટ્રમ્પની ઇવેન્ટ યોજવામાં મશગુલ હતા ત્યારે કેરળમાં બ્રેક ધ ચેઈનનો કેમ્પેઈન ચાલતો હતો.
અહીં ‘બ્રેક ધ ચેઈન’ની વિગતો આપવાની જરૂર નથી, કારણ કે લેખનો મુખ્ય મુદ્દો સેન-ભગવતી અભિગમનો છે. અમેરિકા અને યુરોપના દેશોનો ભૌતિક વિકાસ ત્રણ ચીજોના અભાવને કારણે નિષ્ફળ નીવડ્યો છે. પહેલો અભાવ લોકજાગૃતિનો. બીજો અભાવ પ્રજાકીય પહેલનો અને ત્રીજો અભાવ રાજા-પ્રજા વચ્ચેની ભાગીદારીનો. કેરળમાં આ ત્રણેય ચીજ છે અને માટે કેરળની આજે આખા જગતમાં પ્રસંશા થઈ રહી છે.
કેરળના અનુભવે તમને એમ નથી લાગતું કે ખરું રોકાણ માનવમાં કરેલું રોકાણ છે અને ખરો વિકાસ માનવીય વિકાસ છે? જો ભગવતી અભિગમ યોગ્ય હોત તો જગતના સૌથી સમૃદ્ધ દેશ અમરિકાની જે હાલત થઈ છે એવી ન થઈ હોત. માટે ભારતે બુલેટ ટ્રેનના દેખાડા અને હિંદુ-મુસ્લિમ રમત રમવાનું બંધ કરીને કેરળમાં બન્યું એમ માનવવિકાસ પાછળ ધ્યાન આપવું જોઈએ. ૨૧મી સદીમાં હવે સંકટો છાશવારે આવવાનાં છે.
ટૂંકમાં જાગતો માણસ અને ઝઘડતો માણસ જ સંકટને તરી શકે. કેરળ આમ સૂચવે છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23 ઍપ્રિલ 2020