ઇશ્કે ચબૂક
[સવાસો વરસ પહેલાં ભાવનગરમાં પ્રિય થઇ પડનાર બુકસેલર અબ્દુલહુસેન આદમજીનો એક રમૂજી પ્રસંગ ભાવનગરના જ એક લેખક રામુ ઠક્કરની કલમે]
મોટાં શહેરો ફરતા કોટ કે કિલ્લા હતા. એવો એક કોટ ભાવનગરની ફરતોયે હતો. કોટને ચાર દરવાજા. પૂર્વે રૂવાપરી દરવાજો. અંદરની સાંકડી સડક – આજે જે વોરા બજાર છે – ઉપર બન્ને બાજુએ નાગરોનાં અને વણિકોનાં મકાનો. ઉત્તર બાજુએ બે મજલાવાળું લીલા થાંભલાવાળું મકાન. ભોંયતળિયે ચોપડીની દુકાન હતી.
દુકાનના ઓટલાની દીવાલની લગોલગ એક લંબચોરસ તકિયે અઢેલીને દુકાનના માલિક અબ્દુલહુસેન એક મેલીદાટ, કાણાં પડી ગયેલી જાજમ પર બેસતા. સામે બાજઠ જેવું પડ્યું રહેતું. તેની ઉપર રૂશનાઇથી ભરેલો પિત્તળનો ખડિયો, એક-બે કલમો અને ચોપડો હોય.
ઓગણીસમી સદીના આઠમા-નવમા દસકામાં અબ્દુલહુસેન એક સાધારણ ફેરિયો હતો. આંકની ચોપડી, દેશી હિસાબ, ગજરામારુની વાર્તા, ગુલબંકાવલીની વાર્તા, સદેવંત સાવળીંગાના દસ અવતારની વાર્તા, શુકનાવળી વગેરે એ વખતમાં પૈસે-બે પૈસે વેચાતી ચોપડીઓની ફેરી કરતો. એમાંથી ધીમેધીમે ભજનસાગર અને મંગળા હાથીની વાર્તા જેવી બબ્બે આનાની ચોપડીઓ વેચતો થયેલો. એ ધીમેધીમે તેણે દુકાન નાખેલી. દુકાન જામતી ગઈ, અને થોડાં વરસ પછી તો અબ્દુલહુસેન ભાવનગરના સર્વથી મોટા ‘બુકસેલર ઍન્ડ સ્ટેશનર’ તરીકે ને પછીથી ‘પબ્લીશર’ તરીકે પ્રખ્યાત થયા. એની દુકાનમાં પઈની બેના હિસાબે મળતી સ્લેટપેનથી માંડીને સવા રૂપિયાના કમ્પાસ-બૉક્સ, આંકની ચોપડીઓથી માંડીને ‘યોગવાશિષ્ટ’, શેક્સ્પીઅર, ‘શાહનામા’ અને ‘ગુલિસ્તાન’ સુધીની ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, અને ફારસી ચોપડીઓના ઢગલેઢગલા નજરે પડતા. થોડે દૂરની વખારમાં વીસ-પચીસ હજાર ચોપડીઓનો ગંજ અબ્દુલહુસેનની જાહોજલાલીના સમયમાં ખડકાયેલો રહેતો.
એના ઘરાકોમાં એકડા ઘૂંટતા વિદ્યાર્થીથી માંડીને કૉલેજના પ્રિન્સીપાલ સુધીના તમામ શિક્ષિતોનો સમાવેશ થતો. 1880-85થી 1920-25 સુધીના ચાર દસકામાં આખા ભાવનગરમાં એક પણ ભણેલો-શીખેલો માણસ એવો ન મળે કે જેણે અબ્દુલહુસેનને જોયા-જાણ્યા ન હોય અને એમની દુકાનેથી એકાદ ચોપડી પણ ખરીદ કરી ન હોય.
વહેલી સવારે દુકાન ખુલે અને ઓટલા ઉપર પેલી મેલીદાટ જાજમ પથરાય, તકિયો મુકાય ને ઢળતું મેજ ગોઠવાય. અબ્દુલહુસેન આસન જમાવે ને બપોર સુધી ત્યાં બેસી રહે. તરેહ તરેહના ઘરાકો આવે. નિશાળિયાઓ, કૉલેજીઅનો, પંડિતો, શાસ્ત્રીઓ, કવિઓ, લેખકો, પ્રોફેસરો અને નિશાળના મહેતાજીઓ જાતજાતનાં પુસ્તકો લેવા આવે. અબ્દુલહુસેન ઘણાખરાનાં નામ જાણે.
‘ઍસિસ્ટન્ટ’ તરીકે બે દીકરા : કીકાભાઇ અને નાનાભાઇ. બન્ને જવાન, ખડતલ, મીઠાબોલા અને મહેનતુ. ખડે પગે.
અબ્દુલહુસેનના મોંમાંથી એક પછી એક હુકમ છૂટતો જાય : “કીકાભાઇ, આને નેસફીલ્ડનું ગરામર આપજે.” “નાનાભાઇ, એક ગુજરાતી મહાભારત લાવજે..” “એક માર્ગોપડેસિકા.” “એક લેમ ટેલ [‘લૅમ્બ્સ ટેલ્સ’], “એક ગોખલેનું એરિથમેતીક”, “કમલાશંકરનું વ્યાકરણ”, “સરસ્વતટીચંડરના ચાર ભાગ”, “વિકાર ઑફ વેકફીલ્ડ” : એ બોલતા જાય અને દીકરાઓ એવડી મોટી દુકાનમાં ઉપરાછાપરી ગોઠવેલી ચોપડીઓના ઢગલામાંથી માગેલી ચોપડીઓ પલવારમાં હાજર કરે. મોટા ભાગના ઘરાકો ઉધાર ખરીદી કરે. ખરીદી અબ્દુલહુસેન ચોપડામાં ટપકાવીને ઘરાકની સહી લે. બિલની પ્રથા હતી નહીં.
એક સવારે દુકાનના ઓટલા પર અને રસ્તા પર આઠ-દસ ઘરાકો ઊભા હતા. અબ્દુલહુસેન એક પછી એક હુકમ છોડ્યે જતા હતા ને ઘરાકો સાથે માથાફોડ કરતા જતા હતા.
એવામાં ભાનુશંકર માસ્તર દુકાને આવી ચડ્યા, પૂછ્યું, “કાં અબ્દુલહુસેન, તમારો આંકડો કેટલો થાય છે? હિસાબ ચૂકતે કરી નાખવો છે.”
“બેસ ટારે સામ્મો.” એમ કહી વોરાજીએ ખાતાવહી ખોલી. બોલવા લાગ્યા : “માગસર વડ બીજ ને ગરેઉ – લખ : મારગોપડેસિકા એક, સારા છ આના…”
“છ આના,” ભાનુશંકરે કહ્યું.
“અરે, હમનાં ટો લખ, પછી સરવાલા ઉપર હું ટુને થોરુંઘનું કાપી ડઈસ.”
“માગસર વડ આઠમ ને બુઢ… યાગ્નવલક્ય સમૃટિ, તન રૂપિયા બાર આના, જુલીઅસ સીઝર નોતવાલું, સવા રૂપિયો, ફૂતપતી એક, એક આનો. લઈખું?”
“ફાગન સુડ બારસ ને મંગલ, ગોખલે એરીઠમેતીક એક રૂપિયો છ આના, પઢિયારનું ‘સરગનું વિમાન’, દોર રૂપિયો, સસ્ટા સાહિતનું શાંટી પર્વ દોર રૂપિયો, ‘ઇશ્કેચબૂક’ સવા રૂપિયો.”
“ઊભા રહો, શું છેલ્લું શું?”
“’ઇશ્કેચબૂક’, સવા રૂપિયો.”
“એ શું? હું એવી કોઇ ચોપડી લઈ ગયો નથી.”
અબ્દુલહુસેને મોટો રોજમેળ કાઢ્યો, કહ્યું : “અરે જો, ટૂંએ આમાં સઈ કીઢેલી છે.”
“પણ, વોરાજી, ‘ઇશ્કેચબૂક’ને હું શું કરું?”
“ટે હું સું જાનું? હું ટો ટું ચોપરી લઈ ગીઓ એટલું જાનું. એ વલી ટારી સઈ બી છે.”
માસ્તર વિચારમાં પડ્યા. ‘ઇશ્કેચબૂક’ તેમને કોઇ ફારસી કે ઉર્દૂ ચોપડીનું નામ લાગ્યું. માસ્તરની સાત પેઢીમાં કોઇ ફારસી કે ઉર્દૂ ભણેલું નહીં. છતાં પોતે સહી કરેલી એ વાત પણ સાચી.
“અબ્દુલહુસેન, આ ચોપડી મેં લીધેલી નથી.” આખરે ભાનુશંકરે કહ્યું.
“ટારે મારો ચોપરો ખોતો, એમ? ટુંએ નઇ લીઢેલી ટો ચોપરામાં આવી કાંસી? ને ટુંએ સઈ કાંસી કીઢી?”
“પણ આ ચોપડી ઉતાવળમાં બીજાને બદલે મારા નામે મૂકી દીધી હશે ને મેં સહી કીધી હશે.”
“એવાં બાનાં નઈ ચાલે, ભાનુસંકર! ટારે જોઇએ ટો આનો ઓછો આપજે. ચાલ. પન ચોપરી ટુંએ લીઢેલી છે. કેમ, કીકાભાઇ, ટુંને યાડ છે કે? આ ભાનુને એક ‘ઇશ્કેચબૂક’ આપેલી ટે?”
“હા રે હા,” કીકાભાઇએ સાક્ષી પૂરી. “અંઇ હટી નઈ ટે હું વલી વખારેસી લઈ આવેલો.”
“બરાબર, ચાલ લખ આગલ…”
“પણ આ ‘ઇશ્કેચબૂક’નું શું?”
“ટારે માઠાફોડ કરવી હોય ટો બપોર પછી આવજે. અટ્યારે ઘરાગીના વખટે મને ફરસુત નઠી.”
“પણ અબ્દુલહુસેન, મારી વાત તો સાંભળો. મારા ઘરમાં કોઇને ઉર્દૂ કે ફારસી નામેય વાંચતા આવડતું નથી. એ ચોપડી હું કોને માટે લઈ ગયો હોઉં?”
“અરે, અક્કલના ઓઠમીર! ટને કોને કીઢું કે એ ફારસી કે ઉર્ડૂ છે? અરે ભલા આડમી, એ ટો અંગરેજી ચોપરી છે.”
“અંગ્રેજી? ’ઇશ્કેચબૂક’ અંગ્રેજી ચોપડી? તમારી પાસે છે બીજી?”
“સટાવન પરી હસે. નાનાભાઇ, એક ‘ઇશ્કેચબૂક’ લાવજે ટો!”
નાનાભાઇએ એક અંગ્રેજી ચોપડી હાજર કરી. વૉશિંગ્ટન અરવિંગની લખેલી ‘સ્કેચબુક’ હતી.
“આ તો ‘સ્કેચબુક’ છે.” માસ્તરે કહ્યું.
“ટો હું બી સું કહું છ! ‘ઇશ્કેચબૂક’ ટો હું બે કલાકઠી બોલું છ.”
ભાનુશંકર માસ્તરે પોતાની યાદીમાં લખી લીધું : ‘સ્કેચ બુક’, સવા રૂપિયો.”