ચેન્નઈના ઑર્થોપેડિક ડૉક્ટર પ્રદીપકુમાર માટે બે દિવસ અત્યાચારથી પણ બદતર સાબિત થયા છે. તેમણે એક મિત્ર તો ગુમાવ્યો, જે ખુદ એક ન્યૂરો સર્જન હતો, પણ લોકોએ ગુસ્સામાં આવીને મિત્રના મૃતદેહને દફન કરવા ન દીધો. પ્રદીપકુમારે તેમના દોસ્તને સન્માનજનક અલવિદા ફરમાવવા માટે જાતે માટી નાખવી પડી. તેમણે દોસ્ત ડો. સિમોન હરક્યુલસને રાતના અંધારામાં હૉસ્પિટલના સ્ટાફના બે જણની મદદથી જાતે ખાડો ખોદીને દફનાવી દીધા, જેથી લોકો તેમને બીજી વાર મારવા ન આવે. લોકોને વાંધો એ હતો કે ડૉક્ટરના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે, તો અડોશપડોશમાં કોરોના ફેલાશે! જે ડૉકટરે કોરોનાના દરદીઓના જાન બચાવવા માટે ખુદનો જાન આપી દીધો, તેમને મૃત્યુ પછી બેઇજ્જતી 'જોવી' પડી.
ડૉ. પ્રદીપકુમારે આ શબ્દોમાં તેમની વ્યથા સંભળાવીઃ
હું આખો દિવસ રડું છું. મને ખબર નથી કે કેટલા લોકોને અંતિમ સંસ્કારના અનુભવ છે. મેં (ડૉક્ટર તરીકે) મારા હાથમાં મોત જોયું છે, પણ મેં કોઈને દફનાવ્યા નથી. મારા ઘરમાં ય નહીં. આવું તો કોઈના દુશ્મન સાથે પણ ન થજો. એ બહુ કઠણ હતું. ડૉ. સિમોન એટલો સજ્જન અને દયાળુ હતો કે કોઈ તેને નફરતથી જોઈ શકે નહીં. પણ એટલી બધી અફવાઓ ચાલે છે અને દરેકને સોશિયલ મીડિયા પર એક્સપર્ટ થઈ જવું છે. લોકોને ખબર જ નથી કે મૃતદેહને દફન કરવાથી કોરોના ન ફેલાય.
રવિવારે સાંજે અમે કબ્રસ્તાન જવાનાં હતાં. લોકો ત્યાં ભેગા થઈ ગયા અને અમને અટકાવ્યા. એટલે અમે જગ્યા બદલી. વિશ્વ આરોગ્ય સંગઠનની ગાઇડલાઇન પ્રમાણે બાર ફૂટનો ખાડો ખોદ્યો. પંદર મિનિટમાં જ એક ટોળું આવ્યું અને અમારી પર પથ્થરમારો શરૂ કર્યો. તે લાકડીઓથી અમને મારવા માંડ્યા. પચાસ-સાઠ લોકો હતા અને જે વસ્તુ હાથમાં આવતી હતી, તેનાથી અમને મારતા હતા. ટોળાંની એક જ જીદ હતી કે અમે મૃતદેહ લઈને જતા રહીએ. તેમણે અમારી પર હુમલો કર્યો. અમને લોહી નીકળે તેટલા માર્યા. જે એમ્બ્યુલન્સમાં ડૉ. સિમોનનો મૃતદેહ હતો, તેનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. એમ્બ્યુલન્સના ડ્રાઈવરને લોહી નીકળ્યું હતું. અમારે પાછા હૉસ્પિટલમાં દોડવું પડ્યું. ડૉ. સિમોનનાં ૫૨ વર્ષનાં પત્ની અને ૧૬ વર્ષનો દીકરો ત્યાં જ હતાં. ટોળાંથી બચવા તેમને નાસી જવું પડ્યું. તેમની દીકરી પણ કોરોના પોઝિટિવ છે અને એ તો પિતાને અંતિમ વિદાય આપવા પણ આવી ન શકી.
ડો. સિમોન હરક્યુલસને એપ્રિલની શરૂઆતમાં કોરોનાનો ચેપ જણાયો હતો અને ત્યારથી તે હૉસ્પિટલમાં હતા. તેમની સ્થિતિ બગડતી ગઈ અને તેમને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. રવિવારે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમાં એ બચી ના શક્યા. તેમના મૃતદેહને પરિવાર કિલપૌક કબ્રસ્તાનમાં લઇ ગયો હતો, પણ ત્યાંથી એક ટોળાંએ તેમને ભગાડી મૂક્યા. બીજા કબ્રસ્તાનમાં તેમની પર હુમલો થયો પછી પોલીસને બોલવવી પડી.
ડૉ. પ્રદીપ પર્સનલ પ્રોટેકટિવ સાધનો અને બે વૉર્ડ બૉય સાથે ખુદ એમ્બ્યુલન્સ ચલાવીને મૃતદેહને ફરી પાછો કબ્રસ્તાનમાં લઈ ગયા. તેમણે કહ્યું, “ત્યારે ય લોકો ત્યાં હતા. બિહામણી શાંતિ પથરાયેલી હતી. મેં અને વૉર્ડ બૉયે ફટાફટ મૃતદેહને ખાડામાં ઉતાર્યો. અમને ફરીથી માર પડશે, એવી બીક લાગતી હતી. ખાડો પુરવા માટે ય કોઈ આગળ ના આવ્યું. એક જ પાવડો હતો, જે મેં એક વૉર્ડ બૉયને આપ્યો અને અમે બે જણાએ હાથ વડે માટી ભરવાનું શરૂ કર્યું. એ જોઈને એક પોલીસકર્મી મદદમાં આવ્યા. ખાડો પૂરતાં અમને એક કલાક લાગ્યો. ત્યારે રાતનો દોઢ વાગ્યો હતો."
આ ઘટનામાં પોલીસે વીસ લોકોની ધરપકડ કરી છે. ડો. પ્રદીપ કહે છે, "હું તમને હાથ જોડું છું. અમે (ડૉકટરો) પણ કોરોનાથી ગભરાઈએ છીએ. અમે જો તમને સારવાર આપવાનું બંધ કરી દઈશું, તો બહુ લોકો મરી જશે, પછી તમારાં સગાં-વહાલાં તમારા અંતિમસંસ્કાર કરવા નહીં આવે. ડો. સિમોન સાથે જે થયું તે બરાબર નથી. માણસને યોગ્ય રીતે અલવિદાનો હક તો ખરો કે નહીં?"
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 ઍપ્રિલ 2020