અમદાવાદમાં ઉત્તમ કોટિનાં નાટકો ઓછાં મળે, માટે જે મળે તે દશકાઓ સુધી યાદ રહે. ૧૯૮૬-૮૭ના અરસામાં અમદાવાદમાં હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરના ઉપક્રમે ધર્મવીર ભારતી લિખિત ‘અન્ધા યુગ’(મૂળ હિન્દી)નું દસેક દિવસ સુધી મંચન થયું હતું. નિર્દેશક હતા યોગેશ ઠક્કર અને કિરણ જોષી. આજે જ્યાં હુસૈન-દોશી ગુફા કે કનોરિયા સેન્ટર ફોર આટ્ર્સ છે તે પરિસરની ઝાડીઓ કુરુક્ષેત્ર બની હતી, અને મહાભારતના યુદ્ધના છેલ્લી સાંજ-રાતની ઘટનાઓ ફરી ઘટી હતી.
આઝાદી પછીના ભારતનાં ચાર-પાંચ શ્રેષ્ઠ નાટકોમાંનું આ એક છે. ભારતી ‘ધર્મયુગ’ના સંપાદક તરીકે પત્રકાર તો પહેલી હરોળના હતા જ, ઉપરાંત નવલકથા (‘સૂરજ કા સાતવાં ઘોડા’), કવિતા અને નાટકમાં પણ તેમણે ભારે પ્રદાન કર્યું. આ નાટક મહાભારતના યુદ્ધના અંતિમ સાંજે-રાત્રે – જ્યારે દ્વાપરયુગ પૂરો થયો અને કલિયુગ શરૂ થયો તે વિલક્ષણ ઘડીએ – બનતી ઘટનાઓ રજૂ કરે છે. તેમણે ૧૯૫૪માં લખેલી આ કૃતિ પર વિભાજનના લોહિયાળ પડછાયાઓ સુસ્પષ્ટ છે. સપાટી પર તો યુદ્ધની વિભીષિકાની વાત છે, કૌરવ-પાંડવ બંને પક્ષે શું કિંમત ચૂકવી તે દર્શાવ્યું છે. પણ ઊંડે ઊંડે કલિયુગી સમાજના સમસ્યાઓ ચીતરી છે. મુખ્ય પાત્રોમાં અશ્વત્થામા અને ગાંધારી છે, એટલે કૌરવના દૃષ્ટિકોણથી મહાભારત જોવાનો પ્રયાસ એમ પણ લાગે, પરંતુ આ બે પાત્રો જે પ્રશ્નો સાથે ઝઝૂમી રહ્યા છે તે પ્રશ્નો સૌના છે. સત્ય ક્યાં પૂરું થાય છે અને ક્યાંથી નરો-વા-કુંજરો-વા-ના અર્ધસત્યની સીમા શરૂ થાય છે? કૌરવ હોવા છતાં પાંડવ પક્ષે યુદ્ધ લડીને, ધર્મ સાથે ઊભા રહીને યુયુત્સુએ અંદરોઅંદર ખલાસ થઈ જવામાંથી જાતને બચાવી, પણ જ્યારે માતાના મોંઢે અભિશાપ સાંભળવા પડ્યા ત્યારે એને દોષભાવ કનડે છે. બધાં પાત્રો એક પલ્લામાં ક્રોધ-ઘૃણા અને બીજામાં ક્ષમા-અહિંસા વચ્ચે સંતુલન સાધવા મથે છે, પણ હજુ રણભૂમિમાં મૃતદેહો પડ્યા છે, અને એક પલ્લું બહુ ભારે છે.
સૂત્રધાર તરીકે અરવિંદ વૈદ્ય અને ગાંધારીની ભૂમિકામાં ડાયના રાવલનું કામ આજે પણ એટલું જ તાજું છે. પણ વૃદ્ધ યાચક તરીકે કિરણ જોષી અને અર્ધસત્યથી મરાયેલા પિતાના પ્રતિશોધની આગમાં બળતા અશ્વત્થામાની મુખ્ય ભૂમિકામાં યોગેશ ઠક્કરે એટલી ઊંચાઈ હાંસલ કરી બતાવેલી જે આ મહાન નાટકના કોઈ પણ મંચનમાં કદાચ કોઈએ અતિક્રમી નહિ હોય. આજે પટકથાલેખક તરીકે વિખ્યાત અભિજાત જોષી એ વખતે વિદ્યાર્થી અવસ્થામાં આ પરફૉર્મન્સથી એવા અભિભૂત હતા કે, વિજયનગર ઘરેથી સાયકલ સવારી શરૂ થાય અને સ્કૂલ ઑફ આર્કિટેક્ચર કેમ્પસમાં હઠીસિંહ સેન્ટર સુધી પહોંચે ત્યાં સુધી ‘અન્ધા યુગ’ પહેલા પાનાથી શરૂ કરીને મુક્ત કંઠે એ બોલતા કે ગાતા જાયઃ
જિસ યુગ કા વર્ણન ઈસ કૃતિ મેં હૈં
ઉસકે વિષય મેં વિષ્ણુ-પુરાણમેં કહા હૈઃ
ઉસ ભવિષ્ય મેં
ધર્મ-અર્થ હ્રાસોન્મુખ હોંગે
ક્ષય હોગા ધીરે ધીરે સારી ધરતી કા.
સત્તા હોગી ઉનકી
જિનકી પૂંજી હોગી.
જિનકે નકલી ચહરે હોંગે
કેવલ ઉન્હે મહત્ત્વ મિલેગા.
રાજશક્તિયાં લોલુપ હોગી,
જનતા ઉનસે પીડિત હોકર,
ગહન ગુફાઓમેં છિપ છિપ કર દિન કાટેંગી
(ગહન ગુફાએં – વે સચમુચ કી યા અપને કુંઠિત અંતર કી)
યુદ્ધોપરાન્ત,
યહ અન્ધા યુગ અવતરિત હુઆ
જિસમે સ્થિતિયાં, મનોવૃત્તિયાં, આત્માએ સબ વિકૃત હૈ
હૈ એક બહુત પતલી ડોરી મર્યાદા કી
પર વહ ભી ઉલઝી હુઈ હૈ દોનોં હી પક્ષોં મેં
સિર્ફ કૃષ્ણમેં સાહસ હૈ સુલઝાને કા
વહ હૈ ભવિષ્ય કા રક્ષક, વહ હૈ અનાસક્ત
પર શેષ અધિકતર હૈ અન્ધે
પથભ્રષ્ટ, આત્મહારા, વિગલિત
અપને અન્તર કી અન્ધગુફાઓં કે વાસી
યહ કથા ઉન્હી અન્ધો કી હૈ
યા કથા જ્યોતિ કી હૈ અન્ધો કે માધ્યમ સે.
પછી તો ફરી આ નાટકનાં દર્શન છેક ૨૦૧૧માં થયા. દિલ્હીમાં શીલા દીક્ષિતે કલા-સંસ્કૃતિ વિભાગને ઘણો ધમધમતો રાખેલો, તેમાં જયપુરના ભાનુ ભારતીએ આ નાટક રજૂ કરેલું. રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય(નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, એન.એસ.ડી.)ના ખેરખાંઓ તેમાં ભાગ ભજવે. ગાંધારી આકાશ ભણી જોઈને પોતાના પુત્રોની હત્યા માટે કૃષ્ણ પર પોતાનો ગુસ્સો ઠાલવે છે, શાપ આપે છે, પણ જ્યારે કૃષ્ણ શાપ માથે ચડાવે છે, ત્યારે પસ્તાઈને કહે છે કે તેં મારા શાપનો અસ્વીકાર કેમ ન કર્યો. કૃષ્ણ મૃદુ સ્વરે (આકાશવાણીથી, નેપથ્યમાંથી) ઉત્તર આપે છે :
ઐસા મત કહો માતા!
જબ તક મૈં જીવિત હું
પુત્રહીના નહિ હો તુમ
પ્રભુ હૂં યા પરાત્પર
પર પુત્ર હું તુમ્હારા
તુમ માતા હો
આ સંવાદ ઓમ પુરીના અવાજમાં સાંભળ્યાને યાદ કરતાં આજે પણ આંખમાં પાણી આવી જાય. ગોવિન્દ નામદેવ, ઝાકીર હુસૈન વગેરે સાથે તિકમ જોષી પણ બળુકો અભિનેતા છે, પણ એક વાર યોગેશ ઠક્કરને અશ્વાત્થામા તરીકે જોયા પછી, બીજા કોઈ બેસે નહિ (એ વ્યવસાયે ત્યારે પણ અને અત્યારે વકીલ છે એ જાણીએ ત્યારે અશ્વત્થામા વકીલની ભૂમિકામાં કેવા દેખાતા હશે એમ વિચાર આવે). તિકમ જોષી વળી હાઈટ-બોડીમાં પણ જરા અશ્વત્થામાની પોકેટ એડિશન જેવા લાગે. છતાં, મુખ્ય વાત હતી એ કે, ભાનુ ભારતીએ મંચન માટે ફિરોઝશાહ કોટલાના વેરાન, સૂમસામ ખંડેરો પસંદ કરેલા. એક તરફ કોટલા ક્રિકેટ ગ્રાઉન્ડ અને બીજી તરફ જૂના ઈન્ડિયન એક્સપ્રેસ-જનસત્તાથી શરૂ થઈને પ્રેસ સ્ટ્રીટ, પાછળ કબ્રસ્તાન અને ખાંચમાંથી આવે સલ્તનત કાળની આ જગ્યા, જ્યાં લોકો આજે પણ એ જિનને પૂજવા દીવાબત્તી કરે છે જે જિને દિલ્લીને અનેકવાર પડતી થયા પછી પણ ઇતિહાસમાં ગુમ થવા દીધું નથી.
ફિરોઝશાહ કોટલાની પસંદગીનો પણ ઈતિહાસ છે. એન.એસ.ડી.ના પિતામહ જેવા ઈબ્રાહિમ અલ્કાઝીએ ૧૯૬૩માં પુરાણા કિલ્લા અને કોટલા પર ખૂલ્લામાં કુરુક્ષેત્ર ઊભું કરેલું.તે ભારતીય રંગમંચની તવારીખમાં વિશિષ્ટ ઘટના તરીકે યાદ કરાય છે. ત્યારના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પણ એ મંચન જોવા આવ્યા હતા. અલ્કાઝીને ખુલ્લા મંચનો વિચાર ક્યાંથી આવ્યો હશે? ધર્મવીર ભારતીએ લેખકની નોંધમાં જ લખેલું કે, “મંચનું વિધાન થોડું બદલીને આને ખુલ્લા મંચ પર લોકનાટ્યમાં પણ પરિવર્તિત કરી શકાય છે.” અલ્કાઝીની પહેલાં એ જ પંગતના મહારથી સત્યદેવ દુબેએ પણ આ નાટક ભજવેલું, પણ ક્યાં અને કેવી રીતે તેની માહિતી નથી. અમદાવાદમાં પણ ઠક્કર-જોષીએ ખુલ્લા મંચની પ્રણાલિ ચાલુ રાખી.
આ નાટકની ત્રીજી આવૃત્તિ હમણાં જોવા મળી – ગુજરાતીમાં. એન.એસ.ડી. દર વર્ષે ‘ભારત રંગ મહોત્સવ’નું આયોજન કરે છે, તે નાટકો માટે દેશનો સૌથી વધુ સમ્માનિત કાર્યક્રમ ગણાય છે. આ વર્ષે પહેલીથી ૨૧મી ફેબ્રુઆરી દરમિયાન સંખ્યાબંધ ભાષાઓના અનેક નાટકોમાં ગુજરાતીમાં બે છેઃ ‘અન્ધા યુગ’ સાતમીએ ભજવાયું અને ‘બંજારા (ભવાઈ)’ ૧૪મીએ. ખુલ્લામાં નહિ, પણ શ્રીરામ કલા કેન્દ્રના નાટ્યગૃહમાં. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નાટ્યકલા વિભાગે તેની રજૂઆત કરી. સુધીર કુલકર્ણીના ગુજરાતી રૂપાન્તર પરથી નિર્દેશન ચવાણ પ્રમોદ આર.નું હતું. તેમણે ભાષા બદલવાની સાથેસાથે ઘણું બદલ્યું છે, અને ક્યાંક ગુજરાતી પરિવેશ તો ક્યાંક આંતરરાષ્ટ્રીય કે સમકાલીન સંદર્ભો ઉમેર્યા છે. અમુક રીતે અનુઆધુનિક (પોસ્ટમૉડર્ન) સ્પર્શ પણ છે. રંગકલાના મહારથીઓએ જે કૃતિને પ્રણાલિગત ઢબે જ રજૂ કરી છે, તેમાં ખાસ્સા ધરમૂળના ફેરફાર કરીને રજૂ કરવાના અભિગમ માટે પ્રમોદને દાદ આપવી પડે. તેમાં કૃતિ સાથે છેડછાડનો સવાલ નથી, બલકે, તેમાં મૂળ પાઠનાં ઓછા ઉજાગર થયેલાં પાસાં સારી પેઠે ઉપસીને બહાર પણ આવે છે. ધર્મવીર ભારતીએ તો આવી રચનાત્મક છેડછાડને સામેથી આમંત્રણ આપેલું જ હતું, જેમ કે, ‘અધિક કલ્પનાશીલ નિર્દેશક ઈસકે રંગમંચ કો પ્રતીકાત્મક ભી બના સકતે હૈ.’
ફેરફારોનું એક પાસું ભાષાના સ્તરે છે. એકસમાન કાવ્ય શૈલીમાં સંસ્કૃતપ્રચુર સંવાદોના સ્થાને ગુજરાતીમાં વિવિધ બોલીઓ આવે છે, બે સ્થળે અંગ્રેજી અમેરિકી લઢણ સાથે પણ આવે છે. તેમાં ગામઠી બોલી બોલતાં પાત્રો વચ્ચે ‘સહિષ્ણુતા’ જેવા શબ્દો વાપરે ત્યારે ખૂંચે પણ ખરું, પણ એકંદરે ભાષાની મજા આવે. બીજો ફેરફાર વેશભૂષામાં, ડગલાથી લઈને ટ્રેકસુટ સુધીના. ત્રીજો ફરક પાત્રોમાં, વૃંદમાં રંગલો-રંગલી દેખા દે, અને મૂળ નાટકમાં જે લોકનાટ્યનો ભાવ હતો તે બહાર લાવે. ચોથો ફરક સંગીતમાં, જેમાં વાંસળીના સૂરની સાથે ક્યારેક પાશ્ચાત્ય અસરની લોકપ્રિય શૈલી પણ સંભળાય. અંધત્વના સંકેત માટે કાળાં ચશ્માં, વ્હીલચેર, ચીચૂડો ઈત્યાદિ સામગ્રી મહાભારતના યુદ્ધની અઢારમી રાતને લંબાવીને આપણા સમય સુધી લઈ આવે છે. અશ્વત્થામા ઉત્તરાના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર ફેંકે છે ત્યારે વ્યાસ કહે છે, ‘યહ ક્યા કિયા? અશ્વત્થામા, નરાધમ! યહ ક્યા કિયા?’ તેના સ્થાને સંયુક્ત રાષ્ટ્રનું ચિહ્ન લઈને આવેલા સુટબુટધારી અધિકારીઓ પૂછે છે, ‘વોટ હેવ યુ ડન, અશ્વાત્થામા?’ તેમાં આજની મહાસત્તાઓનાં વિશ્વનિકંદન કરી શકતાં શસ્ત્રો ઈંગિત છે. નૃત્યનાટિકાનો પણ ભાવ છે, ગુજરાતી ગરબા (‘ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર …’) અને હેલા સાથે. મૂળ નાટકનું સૌથી વધુ નોંધપાત્ર પાસું છે સંવાદો, જે અહીં મોટા ભાગે સંગીત અને નૃત્ય નીચે દબાઈ જાય છે.
આમ તો આ નાટકની અન્ય આવૃત્તિઓ જોયા પછી આવાં પરિવર્તનો ખૂંચે, અને પ્રેક્ષકનો અનુભવ ઘણો ડિસઓરિએન્ટિંગ રહે. પણ ઘણા ઠેકાણે પ્રયોગના ફાયદા પણ છે. ગાંધારીની ભૂમિકા ભજવતી પાંચ સ્ત્રીઓ દેહથી કપાયેલાં બબ્બે માથાં લઈને ત્રણચાર મિનિટ સુધી બીજું કાંઈ નહિ ને માત્ર ઊંચે જતા સૂરે ચિચિયારીઓ કરતી રહે છે, તે દૃશ્ય કોઈ પણ પ્રેક્ષકને હચમચાવીને યુદ્ધની કારુણિકાનું ભાન કરાવી રહે છે. શબ્દોની ભાષાનો અનુવાદ રંગો, પ્રકાશ, માનવદેહ અને નૃત્યના શબ્દાવલિથી કરવાનો પ્રયાસ ઘણે અંશે સફળ થાય છે. નાટકનું નામ જાણ્યા વગર, એટલે કે ધર્મવીર ભારતીની કાલજયી કૃતિ હોવા અંગેની પૂર્વધારણાઓ બાજુએ મૂકીને અને નવીન રચના તરીકે જ, આ ‘અન્ધા યુગ’ જુઓ, તો અનેક સ્તરે આનંદનો અનુભવ છે.
નિર્દેશકની નોંધમાં પણ એવા જ અભિગમનો ઈશારો છે. પ્રમોદ લખે છે, “આ મંચન પ્રણાલિગત માળખાને વળગી રહેવાના બદલે માત્ર નાટકના થિમેટિક કન્ટેન્ટ પર જ ફોકસ કરે છે. તે સ્થળ-કાળની મર્યાદાઓ ઓળંગીને આગળ જોવાનો પ્રયાસ કરે છે … અહીં ઉપસ્થિત થતા પ્રશ્નો છે માનવીની સહનશક્તિ અને યુદ્ધની યાતના વિશે છે, જેનો ભોગ સ્ત્રીઓ, બાળકો અને યુવાનો બનતા હોય છે. ‘ક્યારે વિશ્વમાં શાંતિ થશે’ તે શોધ છે.” એ પછી જરા ભાર આપીને ઉમેર્યું છે કે, “વિવિધ સિસ્ટમો એક પ્રદેશને અને તેના રહેવાસીઓને કેવી રીતે અશાંતિ અને રાજકીય ધમાચકડી તરફ ખેંચી જાય છે – જેમાં માત્ર સામાન્ય પ્રજાનો જ ભોગ લેવાતો હોય છે – તે અંગેની મારી સમજ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.” એ દિશામાં વધુ સ્પષ્ટ સંકેતો પણ ઉમેરી શકાયા હોત, જ્યારે દિલ્હીની સડકોના મંચ પર એ જ મુદ્દાઓ ભજવાઈ રહ્યા છે, પણ એ તો વધુ અર્થઘટનની વાત થઈ. સમજદાર માટે પ્રમોદનો આટલો ઈશારો પણ કાફી છે.
E-mail : ashishupendramehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, ૧૬ ફેબ્રુઆરી 2020; પૃ. 12 – 13