તાજેતરમાં એકતાળીસમાં વર્ષમાં પ્રવેશેલી સેવા રૂરલ સંસ્થાની જાહેર સ્વાસ્થ્ય માટેની કામગીરીથી ઝઘડિયામાં માતા અને નવજાતશિશુનાં મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે. ઉપરાંત આ સંસ્થા આખા પંથકમાં આંખની સારવાર, મહિલા આરોગ્ય જાગૃતિ, રોજગાર તાલીમ અને દિવ્યાંગ સહાય માટે પણ મોટા પાયે કાર્યરત છે.
આ હૉસ્પિટલમાં ડગલે ને પગલે એવું જણાઈ આવે છે કે રોજના સેંકડો ગરીબ દરદીઓને કમાણીની કોઈ ગણતરી વિના સાચા દિલથી સાજા કરે છે. તેના મકાનમાં સાદાઈ અને ચોખ્ખાઈ છે, આખા માહોલમાં માણસાઈ છે. સરળ ગુજરાતીમાં ઠેરઠેર લખેલી માહિતીમાં સારવારના દર પણ છે. આજની તારીખમાં સુદ્ધાં અહીં સામાન્ય સારવાર માટે પચાસથી વધુ રૂપિયાની જરૂર પડતી નથી. ઓપરેશન પાંચ હજારથી સાડા આઠ હજાર રૂપિયામાં થાય છે. કુદરતી સુવાવડ સત્યાવીસસો રૂપિયા, સિઝેરિયન સાડા તેર હજાર રૂપિયા (ગયાં વર્ષે માત્ર માત્ર 16% સિઝેરિયન થયાં). મોતિયાનું ઑપરેશન વિનામૂલ્ય, ફેકો મશીનથી ઑપરેશન પાંચ હજારથી સાડા અઢાર હજાર રૂપિયા. બધાં ઑપરેશનોના શુલ્કમાં થિએટર, રૂમ, એનેસ્થેશિયા અને અન્ય માટેનાં શુલ્ક આવી જાય છે. અનેક દવાઓ ચાળીસ ટકા સુધીનાં વળતરે મળે છે. આઈ.સી.યુ.ના પાંચસો, સ્પેશ્યલ રૂમના ચારસોથી છસો અને જનરલ વૉર્ડના બસો રૂપિયા. વૉર્ડના દરદીઓને દરરોજ સવાર-સાંજ જમવાનું અને નાસ્તો, પ્રસૂતાને ઘીનો શીરો નિ:શુલ્ક આપવામાં આવે છે. દરદીના સંબંધીઓને માત્ર છત્રીસ રૂપિયામાં ધોરણસરનું ભોજન મળે છે. સરકારી સહાય યોજનાઓનો તેમ જ દાતાઓની સખાવતોનો દરદીઓ માટે પ્રામાણિકતા-પારદર્શિતાથી ઉપયોગ કરવામાં આવે છે. એટલે 85% દરદીઓને ઉપરોક્ત ઓછા દરમાં પણ રાહતથી કે વિનામૂલ્યે સારવાર મળે છે. કમાણી કે નફો થાય એવું અહીં કશું થતું નથી. આરોગ્યક્ષેત્રે અવળા અભરખાના આ જમાનામાં ચોવીસ કલાક હૉસ્પિટલના કૅમ્પસમાં જ રહીને તબીબી ફરજ નિભાવતા કે સંશોધન કે સંસ્થાવિસ્તરણમાં સતત પરોવાયેલા રહેતા નિષ્ણાત દાકતરોનો સરેરાશ પગાર એક લાખ દસ હજાર છે !
ઓછા પગાર કે નજીવા માનદ્દ વેતનવાળા ડૉક્ટરો હોવા છતાં સેવા રૂરલની કસ્તૂરબા હૉસ્પિટલની સવાર-સાંજની ઓ.પી.ડી. છસો દરદીઓથી ઊભરાય છે. રોજ વીસેક દરદીઓ તાત્કાલિક સારવાર માટે 108માં આવે છે. રોજ પંદરથી વધુ પ્રસૂતિઓ થાય છે. બસો જેટલા દાખલ દરદીઓમાં રોજ સાઠ જેટલા નવા ઉમેરાય છે. લગભગ બધા દરદીઓ જનરલ વૉર્ડમાં જ હોય છે. કારણ કે સેમી અને સ્પેશ્યલ રૂમો માત્ર પાંચ જ છે. અંદરનાં અને બહારના બધા દરદીઓનાં વાન ને વેશ જોતાં ગરીબો માટેની હૉસ્પિટલ એટલે શું તેનો પૂરેપૂરો ખ્યાલ આવે છે.
ભરૂચથી વીસ કિલોમીટર પર ઝઘડિયા મુકામે આવેલી સેવા રૂરલ સંસ્થા ગુજરાતનું એક સેવાતીર્થ છે. ‘સેવા’ એવાં અંગ્રેજી અદ્યાક્ષરો ‘સોસાયટી ફૉર એજ્યુકેશન વેલફેર ઍક્શન’ એવાં સંસ્થાનાં પૂરા નામ માટેના છે. તાજેતરમાં એકતાળીસમાં વર્ષમાં પ્રવેશેલી સેવા રૂરલની કસ્તૂરબા હૉસ્પિટલના દર દસ દરદીઓમાંના છ અભાવગ્રસ્ત આદિવાસી સ્ત્રી-પુરુષો છે. તેમાંથી લગભગ બધાં ભરૂચ અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા-સાગબારા વિસ્તાર સહિતનાં બે હજાર જેટલાં ગામોનાં છેવાડાના ગરીબ અર્ધશિક્ષિત લોકો છે.
આવા વંચિતો માટે કામ કરવામાં સંસ્થાની એક બહુ મોટી સિદ્ધિ એ છે કે તેણે બે લાખ જેટલી વસ્તી ધરાવતાં ઝઘડિયા તાલુકામાં ગયાં પંદર વર્ષમાં માતાઓનાં સુવાવડ દરમિયાન થતાં મરણ અને નવજાત શિશુઓનાં બાળકનાં મરણની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડી છે. આ જીવનદાયી સુધારો માત્ર હૉસ્પિટલની અંદરની પ્રસૂતિઓ થકી જ થયો નથી. તેની પાછળ સંસ્થાના ડૉક્ટરો અને આરોગ્ય કાર્યકરોનું સમર્પણ છે. તેઓ વર્ષોથી દર વર્ષે સેંકડો માતાઓની તેમ જ નવજાત બાળકોની સાતત્ય અને ચોકસાઈથી સારસંભાળ લીધી છે. વળી, તેના માટે ગયાં ત્રણેક વર્ષમાં ‘આઇ.એમ. ટેકો’ નામનાં વિશેષ મોબાઇલ સૉફટવેરનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. આ સૉફ્ટવેરનાં ડેવલપમેન્ટ, ટેસ્ટિન્ગ અને ઑપરેશનની લગભગ બધી કામગીરી સેવા રૂરલના સંશોધક તબીબોએ અને સ્ટાફ મેમ્બરોએ ઉપાડી લીધી છે. અત્યારે રાજ્ય સરકાર સવા છ કરોડ લોકોને આવરી લેતાં કમ્યૂનિટી હેલ્થ પ્રોજેક્ટમાં હેઠળ તમામ અગિયાર હજાર જેટલી આશા બહેનોને સ્માર્ટ ફોન ટેકો ઍપ્લિકેશન અને તેની તાલીમ આપી રહી છે.
હૉસ્પિટલનાં કુલ ચૌદમાંથી છ વૉર્ડ મહિલાઓ માટે રાખતી આ સંસ્થાની નારીકેન્દ્રીતા દર વર્ષે હજારો કિશોરીઓ માટે સ્વાસ્થ્ય તાલીમ તેમ જ માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન કાર્યક્રમો અને સ્રીરોગ ઉપચાર શિબિરો થકી વિસ્તરી છે. સંસ્થામાં 54% કર્મચારીઓ મહિલાઓ છે. છ મહિના પગાર સાથેની પ્રસૂતિ રજા તો મળે જ છે, સાથે તેમનાં સંતાનો માટે છ વર્ષ સુધી ‘કિલ્લોલ’ નામનું રંગબિરંગી સંભાળ કેન્દ્ર સંસ્થાનાં સંકુલમાં જ ચલાવવામાં આવે છે. શારદા મહિલા વિકાસ સોસાયટી એ સંસ્થાનું અવિભાજ્ય અંગ છે. તે હેઠળ મહિલાઓની રોજગારી માટે ત્રીસથી વધુ વર્ષ પાપડ ઉત્પાદન કરવામાં આવ્યું. ગયાં વર્ષથી બહેનો ગારમેન્ટ મેકીન્ગની તાલીમ મેળવીને તેના થકી આજીવિકા રળે છે. મહિલાઓ માટે લગભગ દર મહિને કાર્યશિબિર, વ્યાખ્યાન, ઉજવણી જેવા કાર્યક્રમ યોજાય છે. મહિલાઓ પરના બેફામ અત્યાચારોના દેશમાં સેવા રૂરલને અમેરિકાની ‘ગ્રેટ પ્લેસ ટુ વર્ક ઇન્સ્ટિટ્યૂટ’નું ‘બેસ્ટ વર્કપ્લેસ ફૉર વિમેન’ તરીકેનું પ્રમાણપત્ર મળ્યું છે. શારદા સોસાયટીનું એક બહુ ઉમદા કામ એટલે શાળા અભ્યાસ ઉપરાંત જરૂરી ટ્યૂશન ક્લાસ પોષાતાં ન હોય તેવાં બાળકો માટેના વિનામૂલ્ય ટ્યૂટોરિયલ. આ વર્ગો માટે ‘સેવા’એ શિક્ષિકાઓની નિમણૂક કરી છે અને એક અલગ જગ્યા ભાડે લીધી છે અને, બાય ધ વે, લોકસેવાને નામે પ્લૉટો હડપ કરવાના જમાનામાં આ સંસ્થાએ તેનાં પાર્કિંન્ગ માટે નજીકમાં એક મકાન અને એક પ્લૉટ ભાડે રાખ્યાં છે. સંચાલન માટેની જગ્યાને બદલે દરદીઓ માટેની જગ્યાને વધુ મહત્વની ગણીને સેવાએ તેની વહીવટી કચેરીને પાંચ કિલોમીટર પર આવેલા ગુમાનદેવ મુકામે ખસેડી છે.
ગુમાનદેવમાં સંસ્થાએ 1987થી ચલાવેલ વિવેકાનંદ ગ્રામીણ ટેકનિક કેન્દ્ર નક્કર પરિણામદાયી ઉપક્રમ છે. તેમાં અત્યાર સુધી ત્રણેક હજાર અર્ધશિક્ષિત આદિવાસી યુવકોને આઇ.ટી.આઈ.ની ઢબે તેર ટ્રેડ્સ્ સઘન નિવાસી તાલીમ મળી છે. સો ટકા પ્લેસમેન્ટ ધરાવતાં આ કેન્દ્રની કેટલીક સક્સેસ સ્ટોરિઝ પણ છે. બાર એકર પર માવજતથી વિકસાવવામાં આવેલાં કેન્દ્રનાં સંકુલમાં સર્જનાત્મક રીતે ચાલતાં આરોગ્ય તાલીમ કાર્યક્રમોમાં દેશભરની સંખ્યાબંધ સંસ્થાઓના કાર્યકરો પ્રશિક્ષણ મેળવી ચૂક્યા છે. સેવા રૂરલ ઘણાં વર્ષથી દર અઠવાડિયે જુદાં જુદાં ગામોમાં થઈને કુલ પચાસેક વિનામૂલ્ય નેત્ર-શિબિરો યોજે છે. તેમાંથી ઑપરેશનની જરૂરિયાતવાળા દરદીઓને ઝગડિયાની હૉસ્પિટલમાં લઈ જઈને વિનામૂલ્યે શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષૂ વ્યક્તિઓનાં ભણતર અને તેમના માટેનાં સક્રિય જીવન-માર્ગદર્શનમાં પણ સેવા રૂરલ વર્ષોથી નોંધપાત્ર ફાળો આપતી રહી છે. સેવા રૂરલની મુલાકાતમાં એના ઘણાં કર્મચારીઓ વર્ષોથી સંસ્થા સાથે કેવો આત્મીય ભાવ ધરાવતા હોઈ શકે છે તેની ઝલક મળે છે. તદુપરાંત ડૉક્ટરોની નિપુણતા-નિસબત-નિ:સ્વાર્થ વૃત્તિના, કર્મચારીઓના ઉમદાપણાના, દરદીઓની હૉસ્પિટલ માટેની લાગણીના હૃદયસ્પર્શી કિસ્સાઓ તો લગભગ રોજબરોજ મળી શકે છે.
સેવા રૂરલ વિશે પ્રમાણમાં ઓછા લોકો જાણે છે. પ્રસિદ્ધિથી દૂર રહીને નિસ્વાર્થ ભાવે પ્રામાણિકતા પૂર્વક ગરીબોની સેવા થકી ઇશ્વર સુધી પહોંચવાનો સંસ્થાનો આદર્શ છે. એ તેના સ્થાપક ડોક્ટર અનિલભાઈ દેસાઈ (1941-2019) પાસેથી આવ્યો છે. વિવેકાનંદ અને ગાંધીજીમાંથી પ્રેરણા પામીને સંસ્થા ઊભી કરનારા અનિલભાઈ દેસાઈની તસ્વીરો કે પ્રતીમાઓ જેવી સ્થૂળ યાદ સંસ્થામાં જોવા મળતી નથી. છતાં તેમનાં જીવનકાર્યની અમીટ છાપ સંસ્થામાં જ નહીં પણ આખા ય પંથક પર છે.
સેવા રૂરલ સંસ્થા ‘જીવન અંજલિ થાજો’ શબ્દોનું પ્રત્યક્ષ રૂપ છે.
*****
13 ફેબ્રુઆરી 2020
[“નવગુજરાત સમય”, શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની રજૂઆત]