સામ્રાજ્યમાં અને સંસ્થાનમાં શો ફરક છે? આ કૉલમનો સુજ્ઞ વાચક ફરક ન જાણતો હોય એવું હું માનતો નથી, છતાં થોડું ઝીણવટથી સમજી લેવું જોઈએ. સામ્રાજ્ય એટલે એક પછી એક પ્રદેશો જીતી લઈને રાજ્યનો વિસ્તાર કરવો. રાજા કે બાદશાહ જો પ્રતાપી હોય તો તેઓ સામ્રાજ્ય વિસ્તારતા. સિકંદર છેક ભારત સુધી આવ્યો હતો એમ ઇતિહાસ કહે છે. પણ જીતેલા પ્રદેશમાં રાજ કેવી રીતે કરવું એ એક પ્રશ્ન દરેક સામ્રાજ્ય વિસ્તારનારા સામે ઉપસ્થિત થતો હતો. જો પોતાના જ દેશના એક રાજાએ બીજા રાજાને હરાવ્યો હોય તો તેનો પ્રદેશ પોતાના પ્રદેશમાં ભેળવી શકાય. પણ જ્યાં પ્રજા, ભાષા, સંસ્કૃતિ એમ બધું જ અલગ હોય તો ત્યાં શાસન કેવી રીતે કરવું?
જૂના યુગમાં સમ્રાટો એવા પ્રદેશોમાં સૂબાઓ કે પ્રતિનિધિ નિયુક્ત કરતા જે તેમના વતી રાજ કરતા. એમાં માત્ર વિદેશમાં કે દૂર વસતા સમ્રાટની આણ પોકારવામાં આવતી, બાકી વ્યવહારમાં દરેક અર્થમાં સૂબાઓનું રાજ હતું. એ પછી સરંજામશાહીની વ્યવસ્થા વિકસી જેમાં સૂબાઓને કહી દેવામાં આવતું હતું કે તમારે સમ્રાટને મહેસૂલી આવકમાંથી આટલો ભાગ આપવો અથવા ઠરાવેલી આટલી રકમ આપવાની; પછી તમારે જે કરવું હોય તે કરો. ભારતમાં અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોએ ભારતને સંસ્થાન(કૉલોની)માં ફેરવવા માંડ્યું ત્યાં સુધી મરાઠાઓ સરંજામશાહીથી રાજ કરતા હતા.
બ્રાહ્મણ પેશ્વાઓને પોતાના દેશમાં સામ્રાજ્ય કેમ વિસ્તારાય એનું તો ભાન નહોતું, પણ તેમની નજર સામે અસ્તિત્વમાં આવી રહેલા અંગ્રેજોના રાજ્યનું સ્વરૂપ પણ તેમના ધ્યાનમાં નહોતું આવ્યું. તેમના મનમાં એવો પણ પ્રશ્ન નહોતો થયો કે છ હજાર માઈલ્સ દૂરથી આવેલા મુઠ્ઠીભર અંગ્રેજો શાસનની જે વ્યવસ્થા વિકસાવી રહ્યા છે એ તેમની સરંજામશાહી કે સૂબાશાહી કરતાં જુદી છે. એ સ્વરૂપને સમજવાનું કુતૂહલ પણ નહોતું થયું. શું આપણે એમ કહી શકીએ ભારતીય માનસ કુતૂહલશૂન્ય છે? હા, લગભગ એમ કહી શકાય. પરલોકનું હાથ લાગેલું જ્ઞાન આપણને એટલું બધું પ્રભાવિત કરે છે કે આ-લોકનું જ્ઞાન મેળવવાનું આપણે ‘મ્લેચ્છો’ પર છોડી દીધું હતું!
ભારતમાં અને અન્ય દેશોમાં અંગ્રેજો અને બીજા યુરોપિયન દેશો જે રાજ્ય વ્યવસ્થા વિકસાવી રહ્યા હતા એ સંસ્થાનની વ્યવસ્થા હતી. કોઈ સૂબો નહોતો કે કોઈ ચોથાઈ જેવી ભાગીદારીની વ્યવસ્થા નહોતી. શાસન સીધું હતું અને એ પગારદાર નોકરો દ્વારા કરવામાં આવતું હતું. ભારતમાં પોતાને સર્વશ્રેષ્ઠ સમજનારા કોઈ ચિત્પાવન બ્રાહ્મણે તેની નજર સામે ક્યારે ય જોયું નહોતું એવું અનોખું રાજ્ય આકાર લઈ રહ્યું હતું અને તે છતાં ય તેને સમજવાની તસદી લીધી નહોતી. આમ લખવાનો હેતુ બ્રાહ્મણોનું અપમાન કરવાનું નથી, પરંતુ એ બતાવવાનું છે કે એક નજર બહારની દુનિયા પર પણ કરવી જોઈએ અને મિથ્યાભિમાન ટાળવું જોઈએ. શ્રેષ્ઠત્વનો ભાવ દીવાલ બનીને આપણને જ કેદ કરે એ હદે તેને પોષવાનો ન હોય. આજના યુગમાં જ્યારે હિંદુ શ્રેષ્ઠતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે આ કથન ફરી પાછું પ્રાસંગિક થતું નજરે પડી રહ્યું છે. જો હિંદુ સવર્ણોએ અને મુસ્લિમ ભદ્રવર્ગે શ્રેષ્ઠત્વની દીવાલો બાંધીને પોતે જ પોતાને કેદ ન કર્યા હોત તો તેમની નજર સામે આકાર લઈ રહેલ રાજ્યનું અનોખું સ્વરૂપ સમજાયું હોત અને તેનાથી કેમ બચવું એનો પણ કોઈ માર્ગ સૂઝ્યો હોત.
શાસનનું એક અનોખું સ્વરૂપ યુરોપિયનોએ વિકસાવ્યું હતું જેને સંસ્થાન (કૉલોની) કહેવામાં આવે છે. લશ્કરી આક્રમણ કરીને એક પ્રદેશ જીતી લીધો પછી તેની બધી સંપત્તિ જીતનારની. આનો અર્થ એ થયો કે સંસ્થાનવાદી રાજ્યવ્યવસ્થામાં પ્રજાનું કોઈ મહત્ત્વ નહોતું, સંસાધનોનું મહત્ત્વ હતું અને પ્રજા પણ એક ઉત્પાદક અને ઉપભોક્તા તરીકે સાધન માત્ર હતી. આ એક એવી વ્યવસ્થા હતી જેમાં પ્રજા રૈયત તો નામ પૂરતી હતી, સાધન વિશેષ હતી. આ શોષણ કરનારી વ્યવસ્થા હતી એટલે તેને સંસ્થાનવાદ તરીકે ઓળખાવવામાં આવે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માલિકોએ ભારતમાં પગ પણ નહોતો મુક્યો. તેઓ નોકરો દ્વારા રાજ્યવિસ્તાર કરતા હતા અને વિસ્તારિત રાજ્યને સંસ્થાન બનાવીને તેનું નોકરો દ્વારા શોષણ કરતા હતા. તેઓ જે સમૃદ્ધિ ભોગવી રહ્યા હતા એ સમૃદ્ધિ જ્યાંથી આવે છે એ પ્રદેશને જોવાની પણ તેમને જરૂર નહોતી લાગી.
નોકરો દ્વારા શાસિત અને પ્રજાને પણ સંપત્તિ-ઉત્પાદક એક સાધન માત્ર માનનારી શોષણકેન્દ્રી વ્યવસ્થા એટલે સંસ્થાનવાદ. ઈંગ્લેંડમાં નામ પૂરતી રાજાશાહી હતી અને આજે પણ છે, એટલે અંગ્રેજોને સંસ્થાનની જગ્યાએ સામ્રાજ્ય શબ્દ વધારે માફક આવતો હતો. બ્રિટિશ સામ્રાજ્ય શબ્દપ્રયોગ ગૌરવશાળી લાગતો હતો જ્યારે સંસ્થાન શબ્દ શોષણવાચક હતો એટલે તેમાં શરમનો અનુભવ થતો હતો. આમ પણ બાયબલમાં કિંગડમ ઑફ ગૉડની વાત આવે જ છે એટલે બ્રિટિશ સામ્રાજ્યને પણ બ્રિટિશ સામ્રાજ્યવાદીઓ કિંગડમ ઑફ ગૉડના વિસ્તાર તરીકે લેખાવતા હતા. ભારત નસીબદાર છે કે એ બ્રિટિશ સામ્રાજ્યનો હિસ્સો છે જે દરેક અર્થમાં કિંગડમ ઑફ ગૉડ જેવું જ આદર્શ છે. આવી શબ્દછલનાનો પ્રતિવાદ કરતા કહેવામાં આવ્યું હતું કે જો એ સામ્રાજ્ય છે તો એ શોષણ કરનારો સામ્રાજ્યવાદ છે, પ્રજાને પોતાની માનનારું સામ્રાજ્ય નથી. આમ સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદ એ એક બીજાના પર્યાય તરીકે વપરાય પણ સંસ્થાનવાદ વધારે ઉપયુક્ત સંજ્ઞા છે.
આ એવું રાજ્ય હતું જે નોકરોથી ચાલતું હતું. અને નોકરો પણ કેવા? કૌવતની દ્રષ્ટીએ સામાન્ય અને પાછા ભ્રષ્ટ. તેજસ્વી લોકો ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરી કરવા આટલે દૂર આવવા તૈયાર નહોતા થતા એટલે કંપની જે મળે તેમને ભારત મોકલતી હતી. તેમને ભ્રષ્ટાચાર કરીને કમાઈ ખાવાની છૂટ હતી. આ ઉપરાંત લૈંગિક અને અન્ય શિથિલતાઓ સામે પણ આંખ આડા કાન કરવામાં આવતા હતા. કંપનીને હરામના નફામાં નુકસાન હતું અને અમલદારોને ફાંટ ભરીને ધન ઘેર લઈ જવા મળતું હતું. આમ શેઠ-નોકર બંને મળીને ભારતમાં શોષણ કરતા હતા. શેઠને ખબર હતી કે નોકર કેવો છે અને શું કરે છે.
સ્થિતિ એવી બની કે નોકરિયાતો સામાન્ય કૌવત ધરાવતા હતા અને મિશનરીઓ, ભારતમાં નસીબ અજમાવવા આવનારા ખાનગી અંગ્રજ નાગરિકો અને જિજ્ઞાસાથી પ્રેરાઈને પૂર્વનો અભ્યાસ કરવા આવતા અભ્યાસીઓ વધારે બુદ્ધિ ધરાવતા હતા અને એમ બનવું સ્વાભાવિક હતું. આ લોકો ભારત દેશ કેવો છે, તેનો સમાજ કેવો છે, ભારતમાં શું બની રહ્યું છે, કંપની શું કરે છે, અમલદારો કેવા છે વગેરેની જાણ પત્રો દ્વારા અથવા પ્રવાસવર્ણન કે સંસ્મરણો લખીને પોતાના વતનને કરતા હતા. બીજી બાજુ બ્રિટિશ સરકારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં ધંધો કરવાનો અને રાજ કરવાનો ઈજારો યાવદ્ચન્દ્ર દિવાકરૌ નહોતો આપ્યો. આમની સભામાં દર વીસ વર્ષે ઈજારાશાહીનો ચાર્ટર રિન્યુઅલ માટે આવતો હતો. રિન્યુઅલ વખતે કંપનીના અને કંપનીના અમલદારોના ગોરખધંધા ચર્ચાનો વિષય બનતા હતા. આનાથી બચવા માટે કંપનીએ એક ખાસ પ્રકારનું વહીવટીતંત્ર અને અમલદારશાહી વિકસાવ્યાં હતાં.
નોકર દ્વારા શોષણ કરવાનું હતું, ક્ષમતાની દૃષ્ટિએ સરેરાશ નોકરથી ચલાવી લેવાનું હતું, નોકરની દરેક પ્રકારની શિથિલતાની બાબતે સહિષ્ણુ રહેવાનું હતું અને છતાં ઘરઆંગણે લોકપ્રવાદથી બચી નીકળવાનું હતું. આ ચોક્કસ હેતુ માટે ખાસ વિકસાવવામાં આવેલા વહીવટીતંત્રે અને અમલદારશાહીએ આધુનિક ભારતનો ચહેરો કંડારવામાં અને તેની નિયતિ ઘડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ઉપર જે ચાર લક્ષણ કહ્યાં છે એ ચારેય લક્ષણ આઝાદી પછી આજે પણ જોવા મળે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે ઘર આંગણે એટલે બ્રિટન અને આમની સભા હતાં અને આપણા શાસકો માટે ઘર આંગણે એટલે દેશમાં અને સંસદ થાય છે.
ગૂંચ પડેલા દોરામાં સામો છેડો જ ન જડે એવું વહીવટીતંત્ર અને અસંવેદનશીલ નોકરશાહી એ અંગ્રેજો પાસેથી મળેલો વારસો છે. આ બધાં આધુનિક ભારતનાં ઘડતરના પદાર્થો (ઇન્ગ્રેડીયનટ્સ) છે એ નહીં ભૂલતા.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 16 ફેબ્રુઆરી 2020