‘જેમ ઉત્ક્રાંતિવાદનો ઉલ્લેખ કર્યા વિના ડાર્વિનની વાત ન થઈ શકે, સાપેક્ષવાદનું નામ લીધા વિના આઈન્સ્ટાઈનની વાત ન થઈ શકે. એવી જ હિંદુ-મુસલમાન સુમેળનો મુદ્દો લાવ્યા વિના ગાંધીજીની વાત ન થઈ શકે. પણ આપણા વડાપ્રધાન હિંદુ-મુસલમાન સુમેળની સદંતર બાદબાકી કરીને ગાંધીજી વિશે ભાષણો પર ભાષણો ઠપકારે છે – આ ટિપ્પણી છે જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાની. જાહેર બાબતોમાં સક્રિયપણે સામેલ થતા ગુહાએ ‘ઉલગુલન’ સંસ્થાના ઉપક્રમે ગાંધી અને આજના ભારત વિશે અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હૉલમાં વક્તવ્ય આપ્યું. જાણીતા ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિક અને મિત્રો દ્વારા સંચાલિત ‘ઉલગુલન’નો અર્થ છે અવિરત સંઘર્ષ. (આ પંજાબી ભાષાનો શબ્દ છે, એવું જાણવા મળ્યું.)
સાંજે છ વાગ્યાનો કાર્યક્રમ હતો, પરંતુ સવા પાંચ-સાડા પાંચથી જ હોલ પર ગીરદી થવા લાગી હતી. ધોળાં માથાં ઓછાં ને કાળાં માથાં ઘણાં વધારે હતાં. પોલીસ દેખાય એવી સંખ્યામાં હતી અને આયોજકોએ ગુહાની સલામતી માટે પણ પૂરતી અને આગોતરી કાળજી લીધી હોય, એવું બાઉન્સરોની હાજરી પરથી જણાતું હતું. શરૂઆતમાં યજમાન આનંદ યાજ્ઞિકે ભૂમિકા બાંધી અને યુવા અભ્યાસી શારીક લાલીવાલાએ ગુહાની કામગીરી તથા સિદ્ધિઓનો ખ્યાલ આપીને માહોલ બાંધ્યો, ત્યારે લગભગ સાતસો બેઠકોની ક્ષમતા ધરાવતો આખો હૉલ ભરાઈ ગયો હતો. (બેઠકોની સંખ્યામાં થોડી ભૂલચૂક લેવીદેવી). ગાંધીઆશ્રમની બહાર યોજાયેલા સી.એ.એ. વિરોધી પ્રદર્શનની જેમ હૉલમાં પણ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હતા.
રામચંદ્ર ગુહાએ તેમની લાક્ષણિક શૈલીમાં, વક્તવ્ય કળાને બદલે વિષય પર ધ્યાન આપીને, અવાજના અનિયમિત ચઢાવઉતાર સાથે, લગભગ વાતચિત કરતા હોય એવા અંદાજમાં પોણો કલાક રસપ્રદ વ્યાખ્યાન આપ્યું. ત્યાર પછી શારીક લાલીવાલાએ શ્રોતાઓ તથા ગુહા વચ્ચે સેતુ બનીને, અભ્યાસ ઉપરાંત રમૂજના ચમકારા સાથે, ચાળીસેક મિનિટમાં સવાલજવાબનો દૌર ચલાવ્યો. રામચંદ્ર ગુહાના વક્તવ્ય અને તેમની સાથેના સવાલજવાબમાં આવેલા કેટલાક મહત્ત્વના મુદ્દાનો સાર :
ગુહાએ વ્યાખ્યાનમાં ગાંધીજીના વિચારો અને આજની વર્તમાન પરિસ્થિતિમાં તેને કેવી રીતે વિચારવા અને જીવવા તે વિશે વાત કરી હતી. તેમણે ગાંધીજીના મતે સ્વરાજની ઇમારત મુખ્ય ચાર પાયા છે તેમ જણાવ્યું હતું : પ્રથમ પાયો એટલે અસ્પૃશ્યતા નિવારણ, અત્યારના સંદર્ભમાં સામાજિક ન્યાય. એટલે કે સમાજની અંદર લોકો વચ્ચે સુમેળ હોય તેવી સ્થિતિ. તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીમાં સામાજિક ન્યાયની સભાનતા તેમને આફ્રિકાના પ્રવાસ દરમ્યાન થઈ હતી કે જ્યાં તેઓ વિવિધ ધર્મના લોકોને મળ્યા. આમ, ગાંધીજી જન્મતાની સાથે જ બધી જ સમસ્યાઓ વિષે સભાન હતાં તેવું ન હતું, પરંતુ સમય અને વિવિધ લોકો સાથેના સંવાદે તેમના વિચારો વિકસાવવામાં મદદ કરી હતી. વર્તમાન ભારતમાં સામાજિક ન્યાય તો જાણે નેવે જ મૂકાઈ ગયો હોય તેમ લાગે છે.
બીજો પાયો છે હિન્દુ-મુસ્લિમ એકતા. ગાંધીજીએ હંમેશાં દેશની અંદર વિવિધ ધર્મો વચ્ચે સુમેળ ભર્યું વાતાવરણ રહે તેનો પ્રયત્ન કર્યો હતો. તેઓ કદી પણ દેશના ભાગલા પાડવાની તરફેણમાં ન હતા. દેશમાં આજે સત્તા પક્ષ દ્વારા કોઈકને કોઈક રીતે કોઈ એક ચોક્કસ ધર્મ પ્રત્યે ભેદભાવ રાખવામા આવે છે અથવા તો તેમના દેશ પ્રેમ ઉપર શંકા ઊભી કરવામાં આવે છે. તેમની વિરુદ્ધ સતત લોકોના મનમાં ઘૃણા ઊભી કરવામાં આવી રહી છે, અને કૈંક અંશે સત્તા પક્ષ તેમાં સફળ પણ થયો છે. જ્યાં સુધી આપણે ધર્મ અને જાતિના વાડાઓમાંથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી જુદાં જુદાં પ્રકારે હિંસા થતી જ રહેશે. યુરોપમાં જે રાષ્ટ્રવાદ આવ્યો તેમાં એક દેશ, એક ભાષા અને એક ધર્મની વાત પ્રચલિત થઈ હતી, પરંતુ ભારતમાં તેવા પ્રકારના રાષ્ટ્રવાદને કોઈ જ સ્થાન નથી. ગુહાએ સમજાવ્યું કે ફ્રાંસના રાષ્ટ્રવાદમાં ઇંગ્લૅંડ સામેની નફરત અને ઈગ્લેંડમાં રાષ્ટ્રવાદી બનવા માટે ફ્રાંસને નફરત કરવી જરૂરી હતી. શું આપણે ભારતમાં આ પ્રકારનો રાષ્ટ્રવાદ જોઈએ છે? શું આપણે આપણાં દેશને પ્રેમ કરવા માટે બીજા દેશને કે પછી ત્યાંનાં લોકોને નફરત કરવી જરૂરી છે? અને જો આપણે એવું કરીએ તો પછી આપણી સંસ્કૃતિ કે જે વસુધૈવ કુટુંબકમ્ની વાત કરે છે, તેનું શું થશે?
ગાંધીજીના વિચારનો ત્રીજો પાયો છે અહિંસા. અહિંસા ઉપર વાત કરતાં ગુહાએ જણાવ્યુ કે ગાંધીજી માટે હિંસા એટલે માત્ર કોઈને મારવા કે કોઈને હાનિ પહોંચાડવા એટલાં પૂરતું સીમિત ન હતું પરંતુ વિચારોમાં પણ હિંસા ન હોય તે તેમના માટે મહત્ત્વનું હતું. વર્તમાન ભારતમાં દેશના ચૂંટાયેલા પ્રધાનો દ્વારા જે ભાષા બોલવામાં આવે છે તે ચોક્કસ હિંસાનું જ પ્રતીક છે તેમ કહેવાય.
ચોથો પાયો છે આર્થિક સ્વાવલંબન. ગુહાએ આ વાત સમજાવતા પર્યાવરણ અને વૈશ્વિક તાપમાનના મુદ્દાને પણ ધ્યાનમાં લીધો હતો અને જણાવ્યું હતું કે જો આર્થિક વૃદ્ધિના મોડલની પસંદગીઓ વિચારપૂર્વક કરી હોત તો આજે દેશમાં પર્યાવરણના પ્રશ્નો ઓછાં હોત. આજે વિવિધ સરકારો દ્વારા વ્યાવસાયિક તાલીમ માટેનાં કેન્દ્રો ઊભાં કરવામાં આવે છે અને બજેટમાંથી તેની પાછળ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે ત્યારે એક પ્રશ્ન ચોક્કસ ઊભો થાય કે શું આ તાલીમ શાળા શિક્ષણ કે પછી કૉલેજ શિક્ષણનો જ ભાગ ન હોવો જોઈએ?
સી.એ.એ. અતાર્કિક, અનૈતિક અને કસમયનો છે
હિંદુ-મુસલમાન સુમેળની વાત કરતાં પહેલાં તેમણે અત્યારના સૌથી ચર્ચાસ્પદ એવા સી.એ.એ.ની વાત કરી અને તેના માટે ત્રણ વિશેષણ વાપર્યાં : ઇલલોજિકલ, ઇમમોરલ ઍન્ડ ઇલટાઇમ્ડ. ‘ઇલલોજિકલ’ કારણ કે તેમાં શ્રીલંકાના (હિંદુ અને ખ્રિસ્તી) તમિલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ‘ઇમમોરલ’ કારણ કે તેમાં મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા છે. અને સી.એ.એ.ને અમિત શાહ જેની વારેઘડીએ ધમકી આપ્યા કરે છે તે એન.આર.સી. સાથે મૂકવામાં આવે, તો તે ભારતભરના મુસ્લિમોને ભયજનક તથા અસલામતી પ્રેરક લાગી શકે. ‘કસમય’નો એટલે કે દેશમાં આર્થિક સહિતની બીજી અનેક સમસ્યાઓ વધારે મહત્ત્વની છે. ઇશાન ભારતનાં રાજ્યોનું ગાડું માંડ ચીલે ચડ્યું હતું. તે આ સરકારની નીતિઓથી ફરી ઠેરનું ઠેર આવી ઊભું છે.
એ સવાલોમાં એક સવાલ એવો આવ્યો કે તમે એને અત્યારે કસમયનો ગણાવતા હો, તો તેના માટે કોઈ યોગ્ય સમય હોઈ શકે? ગુહાનો જવાબ હતો કે કસમયનો કહેવા પાછળનો આશય એ હતો કે ધારો કે એ તાર્કિક અને નૈતિક હોત તો પણ તેનો સમય બરાબર ન હતો. તેમણે કહ્યું કે ગાંધીજી ન હોત તો પણ, કોઈ પણ ઠેકાણાસરનો, ઉન્નત નાગરિક સી.એ.એ.નો વિરોધ કરત. ગુહાએ ભારપૂર્વક કહ્યું કે સર્વોચ્ચ અદાલત આવા અન્યાયી કાયદાને કોઈ કારણસર બહાલી આપે તો પણ નાગરિકોએ તેનો અહિંસક વિરોધ ચાલુ રાખવો જોઈએ.
આઝાદ ભારતના ઇતિહાસમાં ચોથી આફત
ગુહાએ કહ્યું કે ઇતિહાસકાર તરીકે મને ‘બધું રસાતાળ જશે’ (અપોકેલીપ્સ) અને ‘અહીં જ સ્વર્ગ ઊતરી આવશે’ (યુટોપિઆ) – એવા બંને દાવા તરફ શંકાની નજરે જોવાનું મને શીખવવામાં આવ્યું છે. એટલે વર્તમાન સ્થિતિને હું અભૂતપૂર્વ આફત ગણતો નથી. અગાઉ ત્રણ વાર દેશ આવા ગંભીર સંકટમાંથી પસાર થઈ ચૂક્યો છે. (૧) ૧૯૬૦ના દાયકામાં પૂર્વાર્ધમાં ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે (૨) ૧૯૭૫ની કટોકટી વખતે (૩) ૧૯૮૦ના અંત અને ૧૯૯૦ની શરૂઆતમાં ઠેકઠેકાણે થયેલાં કોમી તોફાનો વખતે. ગુહાના કહેવા પ્રમાણે, આ ચોથો પ્રસંગ છે અને લોકો લોકશાહીની વૈવિધ્યની તાકાત વડે તેમાંથી પણ પાર ઉતરશે.
વાંધો એ નથી કે આર.એસ.એસ.એ આઝાદીની લડાઈમાં ભાગ ન લીધો
આર.એસ.એસ.એ આઝાદીની લડાઈમાં કેવો ને કેટલો ભાગ લીધો હતો? એવા સવાલનો ગુહાએ આપેલો જવાબ હતો, લગભગ નહીંવત્. ઓલમોસ્ટ ઝીરો. એટલે તો તેમને ઓલ્ટરનેટિવ આઇકોનોગ્રાફી – સમાંતર નેતાગીરી ઉછીની લાવવી પડે છે. ગાંધીજી સાથે મતભેદ ધરાવતા ભગત સિંહ અને સુભાષચંદ્ર બોઝને તે લઈ આવે છે. એ બંને નેતાઓ ગાંધીજી સાથે હિંસા-અહિંસાના મુદ્દે અસંમત હતા, પણ હિંદુ-મુસલમાન સુમેળ બાબતે સુભાષચંદ્ર બોઝ, ભગત સિંહ અને ગાંધીજી સરખા વિચાર ધરાવતા હતા. (એ વાત આર.એસ.એસ. ભૂલાવી દે છે) તેમણે કહ્યું કે આર.એસ.એસ.ને આઝાદીની લડતમાં ભાગ ન લીધો, એ મુદ્દે હું તેની ટીકા કરતો નથી. (I don’t hold it against RSS). એમ તો આંબેડકરે પણ આઝાદીની લડતમાં ભાગ લીધો ન હતો, પરંતુ તેમની વેલ્યુ સીસ્ટમ શી હતી ને આર.એસ.એસ.ની શી છે? આફતના સમયે આર.એસ.એસ.ની સેવાપ્રવૃત્તિઓ અંગે પુછાયેલા સવાલના જવાબમાં ગુહાએ કહ્યું કે એ તેમાં સાચાં સેવાભાવી માણસો હશે ને સેવા પણ સાચી, પરંતુ આવી સેવા તો ઇઝરાયેલમાં ‘હમાસ’ પણ કરે છે અને બીજાં આ પ્રકારનાં સંગઠનો પણ કરે છે. એનાથી તેમની વિચારધારા યોગ્ય ગણાવી ન શકાય.
ઇઝરાયેલને તેમણે અન્ય એક પ્રસંગની પણ યાદ કરીને કહ્યું કે ભારત ઇઝરાયેલમાંથી પ્રેરણા લેવાની વાત કરે છે. તેનો કેસ જુદો છે. તે નાનો દેશ છે અને યહૂદીઓને ઐતિહાસિક રીતે અભૂતપૂર્વ ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે. છતાં, ભારતે ઇઝરાયેલમાંથી શીખવું જ હોય તો ત્યાં સર્વોચ્ચ અદાલતને કે યુનિવર્સિટીઓને કે પ્રસાર માધ્યમોને મળેલી સ્વતંત્રતામાંથી ઘડો લેવા જેવો છે. ત્યાં સરકાર યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલરો નક્કી કરતી નથી.
ગાંધી-આંબેડકર સાથે આવ્યાનો આનંદ
ગાંધીજીનું વિગતવાર જીવનચરિત્ર લખનાર ગુહાએ ડૉ. આંબેડકર વિશે પણ યથા યોગ્ય ભાવ પ્રગટ કર્યો. કેરળના દલિત સુધારક નારાયણગુરુને અને મહારાષ્ટ્રના જોતિબા ફુલેને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે શરૂઆતનાં વર્ષોમાં ગાંધીજી જ્ઞાતિના મુદ્દે ધીમેથી આગળ વધ્યા હતા. તેમના પુસ્તક ‘હિંદ સ્વરાજ’માં સ્વરાજના ચારમાંથી બે પાયા-અહિંસા અને હિંદુ-મુસલમાન એકતા વિશે વિગતે લખાણ છે. પણ અસ્પૃશ્યતા અને દલિત પ્રશ્નની વાત તેમાં મળતી નથી. ‘હિંદ સ્વરાજ’ને પવિત્ર ગ્રંથ સમકક્ષ ન ગણવું જોઈએ, એમ કહીને તેમણે ડૉક્ટરો વિશેના ગાંધીજીના નકારાત્મક અભિપ્રાયો અને તેમને મળેલા આધુનિક તબીબી સુવિધાઓના લાભની અછડતો ઉલ્લેખ કર્યો હતો.
ગાંધીજી અને ડૉ. આંબેડકર વચ્ચે દેખીતા મતભેદ છતાં, આપણને તે બંનેનો ખપ છે એ વાત ગુહાએ ભારપૂર્વક કહી. તેમણે કહ્યું કે દલિતોના મુદ્દે ગાંધીજીની ભૂમિકામાં આવેલા ક્રમિક પરિવર્તનમાં આંબેડકરનો મહત્ત્વનો ફાળો હતો. એવી જ રીતે, આટલા રૂઢિચુસ્ત સમાજમાં ડૉ. આંબેડકર જે કંઈ કરી શક્યા અને તેમને અમુક રીતે સાંખી લેવામાં આવ્યા, એવું વાતાવરણ સર્જવામાં ગાંધીજીની મહત્ત્વની ભૂમિકા હતી. ગુહાએ કહ્યું કે આંબેડકરને ગાંધીવાદીઓએ ઘણા વખત સુધી ખરાબ ચીતર્યે રાખ્યા. છેક ૧૯૯૦ના દાયકા સુધી. અરુણ શૌરીએ આંબેડકર વિશેનું એક શોચનીય / Lamentable પુસ્તક લખ્યું હતું. ઘણાં આંબેડકરવાદીઓ ગાંધીજીના વિચારોમાં આવેલું પરિવર્તન ધ્યાનમાં લેતા નથી.
સી.એ.એ. વિરોધી પ્રદર્શનમાં જામિયાના વિદ્યાર્થીઓ ગાંધી અને આંબેડકરને સાથે લઈ આવ્યા, એ બહુ મોટું કામ થયું.
ગાંધીજીની વાત કેવી રીતે આગળ લઈ જવાય?
યંત્રવત્ રીતે કે આંખ મીંચીને (મિકેનીકલી કે બ્લાઇન્ડલી) ? ગાંધીજીનું અનુકરણ ન થાય. ગુહાએ કહ્યું કે આજની ઘણી બાબતો વિશે ગાંધીજીએ તેમના સમયે વિચાર્યું નહીં હોય. એટલે ગાંધીજી મહાન ખરા, પણ એ એકલા જ મહાન, એવું નહીં. ગાંધીજીએ આપણને નૈતિક માળખું ચીંધી આપ્યું. તેને સાકાર કરવા માટે આપણે ગાંધીજી ઉપરાંત બીજા લોકોના વિચાર પણ લેવા જોઈએ. એવી જ રીતે, જેન્ડર (લિંગભેદ) અને કાસ્ટ (જ્ઞાતિભેદ) જેવા મુદ્દે ગાંધીજીનું મૂલ્યાંકન કરતી વખતે તેમના સમયને પણ ધ્યાનમાં લેવો પડે. તેમના સમયમાં તેમનું મૂલ્યાંકન કરવું પડે. એક વિદેશી અભ્યાસની ટીપ્પણી ગુહાએ યાદ કરી, ‘તમને ગાંધી બહુ સસ્તામાં મળી ગયા છે. એટલે તમને એમની કિંમત નથી.’
એકાદ વર્ષ પહેલાં રામચંદ્ર ગુહા અમદાવાદ યુનિવર્સિટીના ગાંધી સ્ટડીઝનો અભ્યાસક્રમ ભણાવવા આવે, એવા પૂરા સંજોગો હતા. પણ રાજકીય (સરકારી) દોરીસંચારના પગલે એ આયોજનની કસુવાવડ થઈ. એ બાબતે સવાલ પૂછાવા છતાં, તેને અંગત ગણાવીને ગુહાએ કશી ટીપ્પણી ન કરી. ઉપરથી સરકારી દબાણો ધરાવતી સંસ્થાઓની સ્થિતિ વિશે સહાનુભૂતિ વ્યક્ત કરીને કહ્યું કે તમે અમદાવાદ યુનિવર્સિટીને ટેકો આપજો.
ગાંધીઆશ્રમ – ગૂજરાત વિદ્યાપીઠ નિષ્ક્રિય છે એવી કાર્યક્રમના આરંભે જ આનંદ યાજ્ઞિકે કરેલી ટીપ્પણી અંગે સવાલજવાબના સમયમાં સાબરમતી આશ્રમના સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈએ સ્પષ્ટતા કરી. તેમનો મુદ્દો હતો કે બધી સંસ્થાઓની નક્કી કરેલી અને જુદી જુદી ભૂમિકા છે. માટે, વ્યક્તિગત ધોરણે ટ્રસ્ટીઓ અભિપ્રાય રજૂ કરી શકે, પણ ‘ગાંધી આશ્રમ’ તરીકે એટલે કે ગાંધીજીના વિચારના પ્રતિનિધિ તરીકે કોઈ કશી પ્રતિક્રિયા ન આપી શકે. (એમ કરવું એ ધૃષ્ટતા ગણાય.) કાર્તિકેયભાઈએ કહ્યું કે એ અર્થમાં હું, તમે, આપણે બધા ગાંધીઆશ્રમ છીએ. ભૂતકાળમાં Collected Works of Mahatma Gandhiનાં સો ખંડોમાં કેવાં ચેડાં થયાં હતાં, અને દીનાબહેન પટેલે તેને સુધારવાનું કામ કર્યું. તેનો પણ ટૂંકો ઉલ્લેખ કર્યો. રામચંદ્ર ગુહાએ તેમની દલીલ માન્ય રાખી અને કહ્યું કે કામ સરસ જ છે, પણ તમારે સૌએ વડાપ્રધાનને (આશ્રમથી) જરા છેટા (At arms length) રાખવા જેવા હતા. તેમણે પોતાની રાજકીય કારકિર્દી આગળ ધપાવવામાં ગાંધીનો બહુ ઉપયોગ કરી લીધો છે. ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓએ સી.એ.એ.-વિરોધી પતંગ ચગાવ્યા, તેમાં પોલીસ આવી પડી, તેની પણ ગુહાએ ટીકા કરી.
ગુહાનાં પત્ની કુંવારા હતાં અને એન.આઈ.ડી.માં ભણતાં હતાં, ત્યારે ગુહા તેમને મળવા અવારનવાર અમદાવાદ આવતા. (૧૯૭૯ આસપાસ) ત્યારનાં માણેક ચોકનાં, એલિસબ્રીજનાં, નળ સરોવરનાં સંસ્મરણો તાજાં કરીને ગુહાએ કહ્યું કે મોદી શાહ પહેલાં પણ ગુજરાત હતું ને તેમના પછી પણ રહેવાનું છે. એ આપણે યાદ રાખવું જોઈએ.
અમદાવાદ યુનિવર્સિટીમાં નિમણૂકમાં નિમણૂકવાળી ઘટના પછી, સી.એ.એ. વિરોધી પ્રદર્શનોમાં બૅંગ્લોરની સડક પર એક પાટિયું લઈને ઊભેલા ગુહાની પોલીસે થોડા સમય માટે ધરપકડ કરી, તેની વીડિયોથી ઘણી ટીકા થઈ હતી. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઇતિહાસકારનું શાંતિપૂર્ણ-અહિંસક વિરોધ પ્રદર્શન ખમી ન શકે, એ તે કેવી સરકાર? છતાં, તમામ પ્રકારની સંભાવનાઓ ધ્યાનમાં રાખીને અમદાવાદના કાર્યક્રમને આયોજકોએ અર્ધજાહેર રાખ્યો હતો. સામાન્ય રીતે કરવામાં આવે એવા સોશિયલ મીડિયા સહિતના વ્યાપક પ્રચારપ્રસારથી દૂર રહીને, મીડિયાને પણ સલામત અંતરે (કે બાકાત) રાખીને, પાસ થકી જ એન્ટ્રી મળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરંતુ શ્રોતાઓની હાજરી પર તેની જરા ય અસર ન વરતાઈ. બે કલાકનો આખો કાર્યક્રમ સરસ રીતે પાર પડ્યો અને શ્રોતાઓને ચર્ચા-વિચારણાના ઘણા મુદ્દા મળ્યા. એ તેની મોટી સફળતા ગણાય.
E-mail : uakothari@gmail.com,
E-mail : atman.shah@sxca.edu.in
સૌજન્ય : “નિરીક્ષક” 16 ફેબ્રુઆરી 2020; પૃ. 08 – 10