ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૨૦૧૯માં ફરીથી કેન્દ્રમાં સત્તાનું સુકાન સંભાળ્યું એ પછી ઘણી બધી ઊથલપાથલો શરૂ થઈ ગઈ છે. બાબરી – મસ્જિદનો ચુકાદો, કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદી નાગરિકતા ધારામાં સુધારો વગેરે … સમગ્ર દેશમાં આ અંગે ઘણું લખાયું, ચર્ચાઓ ચાલી, લોક-આંદોલનો પણ થયાં. આ બધાં પરિવર્તનો અંગે લોકોમાં પાયાની જાણકારી મળે તેમ જ રાષ્ટ્રીય સ્તરનાં સમાચારપત્રોમાં પણ આ અંગે શું પ્રકાશિત થઈ રહ્યું છે તે વાત સામાન્ય લોકો સુધી પહોંચે તે જરૂરી છે. આ જરૂરિયાતને ધ્યાને લેતાં હેમન્તકુમાર શાહે આ વિષયે ઝડપભેર લેખન અને અનુવાદ કાર્ય પૂર્ણ કર્યું અને ૩૦-૧-૨૦૨૦, ગુરુવાર ને ગાંધી શહીદ દિને તે સંબંધિત પુસ્તકો લોકોનાં ચરણે ધરી શકાયાં. ત્રણ પુસ્તકોમાં
૧. કલમ – ૩૭૦ (અનુવાદ), પૃ. ૮૦, કિંમત રૂ. ૬૦
૨. નાગરિકતા અને નોંધણી CAA + NRC + NPR (અનુવાદ), પૃ. ૯૨, કિંમત રૂ. ૫૦
૩. નવો કાયદો અને નાગરિકતા CAA + NRC + NPR (લેખન), પૃ. ૧૬, કિંમત રૂ. ૧૦
ગોવર્ધનરામ સ્મૃતિમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, શંકરસિંહ વાઘેલા અને સામાજિક કર્મશીલ તથા ‘નયામાર્ગ’ના તંત્રી ઇન્દુકુમાર જાનીના હસ્તે ત્રણેય પુસ્તકોના લોકાર્પણ કરાયાં.
આ બંને મહાનુભાવોએ પોતાનાં મંતવ્યો ટૂંકમાં રજૂ કર્યાં બાદ હેમન્તકુમારે ત્રણે તંત્રી પુસ્તકોનો ટૂંકો પરિચય આપ્યો. મહાનુભાવોની રજૂઆતમાં દેશની વર્તમાન સ્થિતિ માટેનું દર્દ અને તેમાં બદલાવ લાવવા માટેનો આક્રોશ વ્યક્ત થતો દેખાતો હતો. થોડીક ઝલક જોઈએઃ
• લોકાર્પણનો દિવસ ગાંધી શહીદ દિન ઉપરાંત વસંતપંચમીનો દિવસ પણ હતો. મનોજ ખંડેરિયાના ગઝલસંગ્રહ ‘રસ્તા વસંતના’ને યાદ કરીને કહેવામાં આવ્યું કે જેમ વસંતનાં વધામણાં કરવામાં આવે છે, તેમ આપણે વારંવાર નેતાઓના મુખે ‘અચ્છે દિન’નાં વધામણાંની વાતો સાંભળતા હતા પરંતુ એક સાથે કહેવું પડે છે, પણ ‘અચ્છે દિન’ આવ્યા કે ન બે કરોડ નોકરીઓ પેદા થઈ અને ન ખાતામાં ૧૫-૧૫ લાખ પણ જમા થયા! સાચા વિકાસની રાહ પર ચાલવાના સ્થાને દેશ કોઈ ખાઈ તરફ ફેંકાઈ રહ્યો છે. ન કરવાનાં કામો કરી રહ્યાં છે. તેમની પ્રાયોરિટી ગઝલની છે. પાછા કહે છે, આ તો અમે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું જ હતું, તે જ કરી રહ્યા છીએ.
પ્રજાને cronology સમજાવવામાં આવે છે, જેમાં લાચાર વ્યક્તિને detention centres – કેદખાનામાં ધકેલી દેવામાં આવે છે.
• દેશમાં જગ્યાએ-જગ્યાએ શાહીનબાગ ખૂલી રહ્યા છે. બહેનો ઝઝૂમી રહી છે. ભલે ગોદીમીડિયા મશ્કરી કરતું હોય, તેમની પાસેથી શીખવા જેવું છે.
• માણસને માણસ તરીકે જોવાની જરૂર છે. ન હિન્દુ, ન મુસ્લિમ, પરંતુ ‘ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા’વાળી સાહિર લુધિયાનવીની વાત યાદ રાખવાની છે.
• આજે વાસ્તવિક રીતે કોઈ મુદ્દો નથી. તેને મુદ્દો બનાવવામાં આવે છે. ત્યાર બાદ ૧૦૦-૨૦૦ ગોબેલ્સ ભેગા થાય તેટલો પ્રચાર કરવામાં આવે છે. ખોટી વાતનું માર્કેટિંગ કરવામાં આવે છે.
• ખોટી રીતે રાષ્ટ્રવાદની વાત કરીને સમાજને તોડી રહ્યા છે. રાષ્ટ્રવાદ શબ્દનો સંદર્ભ સમયે-સમયે બદલાતો રહે છે.
• ઝીણા કટ્ટર મુસ્લિમ ન હતા. ત્રીજી પેઢીએ હિન્દુ હતા. કાશ્મીરમાં ગઈ કાલના પંડિતો આજે મુસ્લિમ અટક ધારણ કરવાવાળા પણ છે.
• કલમ ૩૭૦ હટાવવી એ મુસ્લિમો સામેનું કાવતરું છે.
• કેટલીક ઘટનાઓ પાછળ કાવતરાની શંકા જઈ શકે છે. કશ્મીરમાં સૈનિકોને air-liftથી લઈ જવા જોઈએ, તેવી માંગણી પણ ધ્યાન આપવામાં ન આવ્યું. બાલાકોટ હુમલામાં એક કાગડો મર્યો અને એક માણસને લાગ્યું હતું એમાં ૨૦૦ માણસ મર્યાની વાત ક્યાંથી આવી?
• દેશમાં વર્ષોથી વસ્તી-ગણતરી એક રૂટિન કામ પ્રમાણે કોઈ હોબાળા વગર થતી રહી છે.
• લોકજાગૃતિ, પ્રસાર-પ્રચાર, પુસ્તક-પ્રકાશન વગેરે સ્થિતિ બદલાવામાં થોડા મદદગાર થઈ શકે, પરંતુ તેટલું પૂરતું નથી. પ્રશ્નના પોલિટિકલ પાસાને સમજવાની જરૂર છે. સત્તાપરિવર્તન તેનો મહત્ત્વનો ઉકેલ છે. સત્તાપક્ષનાં મૂળિયાં જ્યાં ઊંડાં હોય ત્યાંથી તે ઉખાડવાં પડે. પોલિટિકલ સાયન્સને સમજીને ઉકેલ શોધવા જોઈએ. અતિ સત્તા માણસને ભ્રષ્ટ કરે છે.
• હવે પુસ્તકોની વાત કરીએ તો કલમ-૩૭૦ તથા નાગરિકતા અને નોંધણી, એમ બંને પુસ્તકોમાં તરફેણ અને વિરોધ બંને પ્રકારના લેખો છે.
કલમ ૩૭૦ : તરફેણના લેખકો વેંકૈયા નાયડુ, રામ માધવ, સ્વપ્ન દાસગુપ્તા, રાકેશ દ્વિવેદી, અર્જુન રામ મેઘવાલ. વિરોધના લેખકો : ફૈઝાન મુસ્તુફા, પ્રતાપ ભાનુ મહેતા, અમિતાભ મત્તુ, સ્વામિનાથન, મણિશંકર ઐયર, વિવેક તનખા, વજાહત હબિબુલ્લાહ, કરણ થાપર, શૈયદ આતા, આશુતોષ વાર્ષનેય, હાસીબ દ્રેબૂ, કાંતિ વાજપેયી, સુહરિથ પાર્થસારથી + ચાર તંત્રીલેખો મૂકવામાં આવ્યા છે.
નાગરિકતા અને નોંધણી : તરફેણના લેખકો – સ્વપ્ન દાસગુપ્તા, અર્જુન રામ મેઘવાલ, સુરેશકુમાર, અરુણ આનંદ, રમેશ પોખરિયલ, રામ માધવ, ગૌરવ ભાટિયા. વિરોધના લેખકો – ટી.કે. અરુણ, નીરજા ગોપાલ, ફૈઝાન મુસ્તુફા, ક્રિસ્ટોફી જેફરલોટ અને શારિક લાલીવાલા, પી. ચિદમ્બરમ્, ગૌતમ ભાટિયા, ગિલેસ વેરનિયર્સ, રાજમોહન ગાંધી, સંજીવ બરુઆ, અભિજિત બેનર્જી અને એસ્થર ડફલો, જગદીપ છોકર, હર્ષ મંદર, પ્રશાંત ભૂષણ અને શેરિલ ડિસોઝા, રામચંદ્ર ગુહા.
ચાર લેખો પ્રશ્નોત્તર સ્વરૂપના છે. અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના બે તંત્રીલેખો પણ છે.
નવો કાયદો અને નાગરિકતા પુસ્તકમાં સી.એ.એ., એન.આર.સી. અને એન.પી.આર. શું છે અને તે કેવી રીતે સમાનતા તથા ધર્મનિરપેક્ષતાનાં મૂલ્યોને હણે છે, તેની સાદી સમજણ આપવામાં આવી છે.
વક્તવ્યમાં હેમન્તકુમારે કહ્યું કે કેટલીક ખોટી વાતો ફેલાવવામાં આવે છે, જેમ કે કલમ-૩૭૦ તો કામચલાઉ જોગવાઈ હતી. બંધારણ-નિષ્ણાત અને ઉપકુલપતિ નાલસર યુનિવર્સિટી, હૈદરાબાદના શ્રી ફૈઝાન મુસ્તુફા કામચલાઉ જોગવાઈની વાત ખોટી છે તેમ કહે છે, (જુઓ પાન ૨૫ પુસ્તક કલમ-૩૭૦) બંધારણની કલમ ૧૪થી દરેક ભારતની વ્યક્તિને રાજ્ય કાયદા સમક્ષ સમાનતાની અથવા કાયદાના સમાન રક્ષણની ના પાડી શકશે નહીં. તેમ જ કલમ-૧૫ કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, નીતિ, જ્ઞાતિ, સ્ત્રી-પુરુષ અથવા જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં. (જુઓ પાન-૪, પુસ્તક : નવો કાયદો અને નાગરિકતા)
વિશ્વમાં હાલ સાઉદી અરેબિયા, યેમન, મોરિટાનિયા અને વેટિકન સિટી એમ ચાર જ દેશો ધર્મરાજ્યો છે. દુનિયાના ૩૩ દેશોમાં વસ્તીમાં મુસ્લિમોની બહુમતી છે. પણ તેમનો કોઈ સત્તાવાર ધર્મ નથી. તેઓ ધર્મરાજ્ય નથી.
જણાય છે કે આસામ, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીરમાં આશરે ૪૦,૦૦૦ રોહિંગ્યા મુસ્લિમ ભાઈ-બહેનો ૨૦૧૪ના આસપાસના વર્ષોમાં આવ્યાં છે. આ બધાં માટે નિરાંતે વિચારવાની જરૂર છે. દુનિયાના વિવિધ દેશોમાં ૧૮૦ લાખ ભારતીયો વસે છે. તેમાંથી ૬૦ લાખ તો અમેરિકામાં જ વસે છે. આમાં પાંચ લાખ ભારતીયો ગેરકાયદેસર સ્થળાંતરિત થયા છે, તેવો અંદાજ છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ ૬૦ લાખ ભારતીયોને પાછા ભારત ધકેલી દેવાની વાત કરે તો શું થશે?
સરકારના વડા ભારતમાં ડિટેન્શન કૅમ્પસ અંગે ખોટું બોલે તે કેવી વાત કહેવાય? વિશ્વગુરુ બનવા થનગની રહેલા ભારતે શાંતચિત્તે વિચાર કરવાની જરૂર છે.
આશરે ૧૦૦ જેટલા શ્રોતાઓની હાજરીમાં બહેન મનીષાનાં ગીતો અને આત્મન હેમન્તકુમાર શાહનું સંચાલન વગેરેએ કાર્યક્રમને સાર્થક બનાવ્યો. કેટલાક મિત્રોએ આ પુસ્તકો માટે આર્થિક સહાય પણ આપી.
ત્રણ પુસ્તકોની કુલ કિંમત રૂ. ૧૨૦ છે, પણ ૩૦ એપ્રિલ સુધીમાં ખરીદનારને એક સેટ રૂ. ૧૦૦માં અને પાંચ સેટ કે વધુ સેટને રૂ. ૮૦માં આપવામાં આવશે. રવાનગી ચાર્જ અલગ
સંપર્ક : યજ્ઞ પ્રકાશન, વડોદરા. ફોન : ૦૨૬૫-૨૪૩૭૯૫૭
સૌજન્ય : “નિરીક્ષક” 16 ફેબ્રુઆરી 2020; પૃ. 11 તેમ જ 10