સરકારનું અંદાજપત્ર એક વાર્ષિક રૂટિન બાબત છે, પરંતુ ભારતમાં તે એક ઉત્તેજના અને ઉત્સુકતાની બાબત બનતી આવી છે. એનાં કારણોની ચર્ચામાં નહિ જઈએ પણ બજેટનું મહત્ત્વ શું છે તે આપણે સમજી લઈએ. બજેટ દ્વારા બે ઉદ્દેશો પાર પાડવાનું લક્ષ્ય રાખવામાં આવે છે. એક અર્થશાસ્ત્રમાં જો કોઈ પ્રશ્નો ઊભા થયા હોય તો તે અંગે ભરવા જેવાં અને ભરી શકાય તેવાં પગલાં ભરવાં. બીજું, સરકારનાં રૂટિન કાર્યો અને ભારત જેવા વિકાસશીલ દેશોમાં વિકાસ અને કલ્યાણનાં કાર્યો માટે નાણાકીય સાધનોનો પ્રબંધ કરવો. તેથી બજેટના આરંભમાં નાણાપ્રધાન દ્વારા જે વ્યાખ્યાન કરવામાં આવે છે તેમાં દેશના અર્થતંત્રની સમીક્ષા કરવામાં આવે છે અને વર્ષ દરમિયાનની પોતાની કામગીરીનો હેવાલ આપવામાં આવે છે. આગલા વર્ષે રજૂ કરવામાં આવેલા અંદાજપત્રના સંદર્ભમાં એ હેવાલ આપવામાં આવે છે અને એના અનુસંધાનમાં નવા વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે.
અંદાજપત્રની આ પરંપરાના સંદર્ભમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે રજૂ કરવામાં આવેલા અંદાજપત્રને તપાસીએ. દેશના અર્થતંત્રમાં ઊભો થયેલો અને બહુ ચર્ચાયેલો પ્રશ્ન જી.ડી.પી.ના વૃદ્ધિદરમાં થયેલો મોટો ઘટાડો છે. તેને સ્લો ડાઉન તરીકે ચર્ચવામાં આવે છે. સરકાર તેના આગામી વર્ષ માટેના અંદાજપત્રમાં તેને અંગે શું પગલાં ભરે છે તે જાણવાની લોકોમાં ઉત્સુકતા હતી. સ્લો ડાઉનને દૂર કરવા માટે સરકાર શું કરી શકે એમ છે તેની અર્થશાસ્ત્રીઓ ચર્ચા કરતા હતા, પણ નાણાપ્રધાને બધાને ભોંઠા પાડ્યા. દેશના બજેટના ઇતિહાસમાં તેમના સહુથી લાંબા પ્રવચનમાં નાણાપ્રધાને ‘સ્લો ડાઉન’ શબ્દ એક વખત પણ ઉચ્ચાર્યો નહિ. મતલબ કે અર્થતંત્રમાં સ્લો ડાઉન તરીકે ઓળખાતી સમસ્યા ઊભી પણ છે તે મુદ્દો જ સ્વીકાર્યો નહિ. તેથી સ્લો ડાઉન માટે તેમના અંદાજપત્રમાં કોઈ પગલાની અપેક્ષા જ રાખવાની રહી નહિ. અલબત્ત, સરકારની જે વિત્તીય હાલત છે તેમાં સરકાર ઝાઝું કંઈ કરી શકે તેમ પણ નથી. પણ સ્લો ડાઉનના પ્રશ્નને બાજુ પર મૂકવામાં આવ્યો તેમાં સરકારની જે માનસિકતા પ્રતિબિંબિત થાય છે તે એક નોંધવા જેવી બાબત છે. સરકાર તેમાં પોતાની નિષ્ફળતા જુએ છે. દૃઢ નેતૃત્વ ધરાવતી સરકાર કોઈ પણ બાબતમાં નિષ્ફળ જાય તેવું બને જ નહિ પણ અર્થતંત્ર કોઈ પણ શાસકને ગાંઠતુ નથી તે કડવી વાસ્તવિકતા દેશના વર્તમાન શાસકો સમજી લે તે દેશના હિતમાં છે. ૨૦૦૮ની અમેરિકાની મંદીને મોટાભાગના દેશો રોકી શક્યા નહોતા અને ભરાય એટલાં પગલાં ભર્યા પછી લાંબા સમય સુધી મંદીને દૂર કરી શક્યા નહોતા. બજારના માધ્યમથી ચાલતા અર્થતંત્રમાં તેજીમંદીના રૂપમાં આર્થિક અસ્થિરતા અંતર્ગત છે.
નાણાપ્રધાને ચાલુ નાણાકીય વર્ષ માટે આગલા વર્ષે રજૂ કરેલા અંદાજપત્રમાં મૂકવામાં આવેલા અંદાજોની બાબતમાં શું બન્યું તે બે-ત્રણ દાખલામાં તપાસીએ. ચાલુ નાણાકીય વર્ષ માટે કેન્દ્ર સરકારની કરની કુલ આવક રૂ.૨૪.૬૧ લાખ કરોડ થશે એવો અંદાજ મૂકવામાં આવ્યો હતો (તેમાંથી રાજ્યોનો હિસ્સો બાદ કરવાનો) સરકારને થયેલી આવકમાં ત્રણ લાખ કરોડની ઘટ પડી. સરકારી સાહસોના શેર વેચીને વેચીને રૂ. એક લાખ કરોડથી અધિક આવક મેળવવાનો અંદાજ હતો. તેની જગ્યાએ સરકાર રૂ. ૬૫,૦૦૦ કરોડ મેળવી શકી. આવકમાં ઘટ પડી એટલે સરકારને તેના ખર્ચમાં કાપ મૂકવો પડ્યો. પણ સરકાર તેની આવકમાં પડેલી ઘટના પ્રમાણમાં તેના ખર્ચમાં ઓછો ઘટાડો કરી શકી તેથી તેની રાજકોષીય ખાધ જી.ડી.પી.ના ૩.૩ ટકાથી વધીને ૩.૮ ટકા થઈ. રાજકોષીય ખાધ વાસ્તવમાં છે તેના કરતાં ઓછી દર્શાવવા માટે નાણાપ્રધાને જે તરકીબ કરી છે તે સમજી લઈએ.
અન્ન સબસિડીનો મૂળ અંદાજ રૂ. ૧.૮૪ લાખ કરોડનો હતો તે સુધારેલા અંદાજમાં ઘટાડીને રૂ. ૧.૦૯ લાખ કરોડ દર્શાવ્યો છે. સબસિડીમાં ખરેખર ઘટાડો કરવામાં આવ્યો નથી પણ તેનો બોજો અન્નનિગમ પર નાખવામાં આવ્યો છે એ માટે અન્નનિગમ બજારમાંથી કે બીજા માર્ગે લોન મેળવશે પણ એ રાજકોષીય ખાધનો ભાગ નહિ ગણાય. ‘કૅગ’ના અહેવાલ પ્રમાણે છેલ્લાં બે વર્ષો દરમિયાન બજેટ બહાર ખર્ચ બતાવીને દોઢથી બે ટકા જેટલી ઓછી રાજકોષીય ખાધ નાણાપ્રધાને દર્શાવી છે. આવતા નાણાકીય વર્ષ માટે ૩.૫ ટકાની રાજકોષીય ખાધ દર્શાવી છે તેમાં પણ આ જ તરકીબનો ઉપયોગ કરવામાં આવ્યાં છે.
આ વિગતો નોંધવાનું પ્રયોજન સ્પષ્ટ કરીએ. સરકાર તેની આવકના અંદાજો ઉદારતાથી મૂકે છે જેથી તે વિવિધ શીર્ષકો હેઠળ વિશેષ નાણાં ફાળવી શકે અને વિવિધ દબાવજૂથોને સંતોષી શકે, પછી આવક ઓછી થતાં ખર્ચમાં કાપ મૂકવામાં આવે તેની નોંધ બહુ ઓછી લેવાય છે. અલબત્ત, ખર્ચમાં આવશ્યકતા જેટલો ઘટાડો કરી શકાતો નથી તેમાં રાજકારણ કામ કરી જાય છે. બજેટને રાજકારણથી મુક્ત રાખવાનું શક્ય નથી. રાજકારણના ભાગ રૂપે રાજકોષીય ખાધ ઓછી દર્શાવવામાં આવે છે તેથી અંદાજપત્રમાં દર્શાવેલ આંકડાઓને સંદેહપૂર્વક વાંચવા પડે. આ ભૂમિકા સાથે અંદાજપત્રની કેટલીક વિગતોની ચર્ચા કરીએ.
અંદાજપત્રને એક જુદા લાગે તેવા અભિગમથી રજૂ કરીને અર્થતંત્રમાં પ્રવર્તતા સ્લો ડાઉનને નજરઅંદાજ કરવામાં આવ્યું. આકાંક્ષુ ભારત, સર્વસમાવેશક આર્થિક વિકાસ અને કાળજી લેતો સમાજ એવા રૂપાળાં લાગે એવા શીર્ષકો નીચે વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. દા.ત. ખેતી, સિંચાઈ અને ગ્રામીણ વિકાસ, પાણી અને સેનિટેશન, શિક્ષણ અને કૌશલ્યનિર્માણનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ખેતી માટેનાં ૧૬ પગલાં ભરવામાં આવશે એમ સૂચવવામાં આવ્યું છે. એ પૈકી બે પગલાંની ચર્ચા ઉદાહરણરૂપ નીવડશે. ખેતપેદાશોની વેચાણવ્યવસ્થા, કરાર આધારિત ખેતી, પશુઓની વેચાણ વ્યવસ્થા અંગે કેન્દ્ર સરકારે ‘મૉડેલ ઍક્ટ’ તૈયાર કર્યા છે. પણ ખેતી રાજ્યોનો વિષય હોવાથી રાજ્યો તે અપનાવે તો જ તેનો અમલ થઈ શકે. તેથી રાજ્યોને તે મૉડેલ ઍક્ટ અપનાવવા પ્રેરવામાં આવશે. પણ આમાં વાત એમ છે કે ૨૦૦૩માં વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે પણ ખેતપેદાશોની વેચાણ વ્યવસ્થા માટે મૉડેલ ઍક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને તે રાજ્યો અપનાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી પણ તે દિશામાં ઝાઝું કંઈ થઈ શક્યું નથી. તેથી ૧૭ વર્ષે ફરીથી એ વાત કરવી પડી છે. ખેતીમાં સમાવિષ્ટ બીજું એક પગલું : દેશમાં દૂધના પ્રોસેસની ક્ષમતામાં મોટો વધારો કરાશે એમ સૂચવાયું છે. પણ આ કામગીરી કોણ કરશે, તે માટેનાં નાણાં ક્યાંથી આવશે તે અંગે કોઈ આયોજન નથી. આ બધાં પગલાંને આકાંક્ષુ ભારત શીર્ષક નીચે મૂકવામાં આવ્યાં છે. તેના કારણનું અનુમાન થઈ શકે. વડાપ્રધાન મોદીએ ૨૦૧૭માં ખેડૂતોની આવક પાંચ વર્ષમાં બમણી કરવાની તેમની આકાંક્ષા પ્રગટ કરી હતી અને તે દોહરાવતા રહ્યા છે.
મોદી સરકારની કાર્યશૈલી આમાં વ્યક્ત થાય છે. ૨૦૧૯માં વડાપ્રધાને તેમની બીજી આકાંક્ષા પ્રગટ કરી : ભારતનાં અર્થતંત્રને પાંચ વર્ષમાં, એટલે ૨૦૨૪માં પાંચ ટ્રિલિયન ડૉલરનું કરવામાં આવશે. અત્યારે તે લગભગ ત્રણ ટ્રિલિયન ડૉલરનું છે. ખેડૂતોની આવક પાંચ વર્ષમાં બમણી કરવા માટે તેમાં વાર્ષિક ૧૫ ટકાના દરે અને ભારતના અર્થતંત્રને ૨૦૨૪માં પાંચ ટ્રિલિયન ડૉલરનું કરવા માટે જી.ડી.પી.માં વાર્ષિક દસ ટકાના દરે વધારો થવો જોઈએ. દુનિયાના ઇતિહાસમાં કોઈ દેશ આ દરે ખેતી અને જી.ડી.પી.માં વધારો કરી શક્યો નથી. આ મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકો માટે કોઈ નક્કર આયોજન છે નહિ. મોદી સરકારે ૨૦૧૪માં સત્તા પર આવ્યા પછી પહેલું કામ આયોજનપંચને બરખાસ્ત કરવાનું કર્યું પણ વડાપ્રધાન પંચવર્ષીય આયોજનની લક્ષ્યાંકો નક્કી કરવાની માનસિકતામાંથી બહાર આવ્યા નથી. નક્કર આયોજનના અભાવમાં આ ઊંચા અને પ્રભાવક જણાતાં લક્ષ્યાંકો કેવળ જુમલા બની રહે છે.
અંદાજપત્રમાં ૨૦થી અધિક ચીજોની આયાતજકાતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉના અંદાજપત્રમાં મોદી સરકાર વિવિધ ચીજોની આયાતજકાત વધારતી આવી છે આ નીતિ અર્થશાસ્ત્રમાં આયાત અવેજીકરણ તરીકે ઓખળાય છે. આયાત થતી ચીજોની આયાત મોંઘી કરીને દેશમાં તેમના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો આ નીતિનો ઉદ્દેશ છે. આયોજનના પ્રથમ ત્રણ દસકા દરમિયાન દેશમાં ઉદ્યોગીકરણને પ્રોત્સાહન આપવા માટે આ નીતિ અપનાવવામાં આવી હતી. પણ તેના પરિણામે અપેક્ષિત ઔદ્યોગિક વિકાસ સધાયો નહિ અને બિનસ્પર્ધાત્મક ઉદ્યોગો વિકસ્યા. ૧૯૯૧માં જે ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી તેમાં આયાતજકાતમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરીને ઉદ્યોગોને સ્પર્ધાત્મક બનવાની ફરજ પાડવામાં આવી. પણ મોદી સરકાર ફરીથી આયાતઅવેજીકરણની નિષ્ફળ નીવડેલી નીતિ અપનાવી રહી છે.
અંદાજપત્રમાં રાજકોષીય ખાધ ઓછી દર્શાવવા માટે ફરીથી અનાજ અને ખાતર પરની સબસિડી રૂ. ૭૮,૦૦૦ કરોડ જેટલી ઓછી દર્શાવવામાં આવી છે. એ માટે અનાજ કે યુરિયાના ભાવ વધારવામાં આવ્યા નથી એનો અર્થ સ્પષ્ટ છે. એ બોજો અન્નનિગમ અને ખાતર કંપનીઓ પર લાદવામાં આવ્યો છે. ખેતી ક્ષેત્ર સાથે સબસિડીને સુધારવાની બાબતમાં અર્થશાસ્ત્રીઓમાં સર્વસંમતિ પ્રવર્તે છે. પણ દૃઢ નેતૃત્વ ધરાવતી હોવાનો દાવો કરતી મોદી સરકાર એ સુધારા કરવાની રાજકીય હિંમત હજી સુધી દાખવી શકી નથી. આ પ્રશ્નને સંક્ષેપમાં સમજી લઈએ.
સબસિડી અને ટેકાના ભાવે ઘઉં અને ચોખા ખરીદવાની આ નીતિ દેશમાં હરિયાળી ક્રાંતિના અવતરણ માટે અમલમાં મૂકવામાં આવી હતી અને તેને સારી સફળતા પણ મળી. પણ છેલ્લા બે અઢી દસકાથી તે કાલગ્રસ્ત થઈ છે. તેનાં કેટલાંક માઠાં પરિણામો આવ્યાં છે. તેના પરિણામે અન્ય પાકોના ભોગે ઘઉં અને ડાંગરના વાવેતરને પ્રોત્સાહન મળ્યું છે. તે ખેતપેદાશોની ટેકાના ભાવે અન્નનિગમ ખરીદી કરતું હોઈ તેની પાસે તેનો ઘણો વધારે પડતો જથ્થો એકઠો થયો છે. દા.ત. ચોખાના બફર સ્ટોક માટે ૧.૩૫ કરોડ ટનનો જથ્થો પર્યાપ્ત ગણાય. પણ એનો એનાથી લગભગ બમણો જથ્થો અન્નનિગમ પાસે એકઠો થયો છે. આ ચોખાની પડતર કિંમત કિલોના રૂ. ૩૫ હતી તેની સામે સરકાર તે કિલોના રૂ. ત્રણના ભાવે સસ્તા અનાજની દુકાનો દ્વારા વેચે છે. ઘઉં માટે એ કિંમતો અનુક્રમે રૂ. ૨૫ અને રૂ. બે છે. સરકારના આર્થિક સલાહકારે આ વેચાણ તળિયાના ૨૦ ટકા પૂરતું મર્યાદિત રાખવાની ભલામણ કરી છે. યુરિયા પર મોટા પ્રમાણમાં સબસિડી અપાતી હોવાથી ખેડૂતો દ્વારા વપરાતાં ખાતરોમાં સમતુલન જળવાતું નથી. ખેડૂતોને ઘણાં રાજ્યોમાં સિંચાઈ માટે વીજળી મફત અથવા નજીવી કિંમતે અપાતી હોવાથી ભૂતળનાં પાણીનો વધુ પડતો ઉપયોગ થાય છે. તેના પરિણામે દેશના ઘણા પ્રદેશોમાં ભૂતળના પાણી ચિંતાજનક હદે ઘટી ગયાં છે. આ માઠાં પરિણામો ટાળવા માટે સબસિડી આપવાનું બંધ કરીને લગભગ તેટલી જ રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ જાય એવી ભલામણ અનેક અર્થશાસ્ત્રીઓ લાંબા સમયથી કરતા આવ્યા છે. પણ દેશમાં છેલ્લા બે દસકામાં આવેલી કોઈ સરકારે આ સુધારો કરવાની રાજકીય હિંમત દાખવી નથી. મોદી આવા મોટા સુધારા કરશે એવી આશા કેટલાક અર્થશાસ્ત્રીઓ રાખતા હતા પણ તેઓ નિરાશ થયા છે.
આ અંદાજપત્રમાં કરવેરામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં આવકવેરામાં આવેલો એક સુધારો ચર્ચવા જેવો છે. આવકવેરાના દર ઘટાડવામાં આવશે એવી આશા લોકો રાખતા હતા. કોર્પોરેશન વેરામાં કરવામાં આવેલા ઘટાડાથી આ આશા બંધાઈ હતી. લોકોની એ અપેક્ષા વૈકલ્પિક આવકવેરો આપીને સંતોષવામાં આવી છે. જે કરદાતાઓ આવકવેરાની કરમાફીઓ જતી કરવા તૈયાર હોય તેમના માટે ઓછા દરના આવકવેરાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેમાં સાત સ્લેબ અને છ દર રાખવામાં આવ્યા છે. તેની સરખામણીમાં ચાલુ આવકવેરામાં ચાર સ્લેબ અને ત્રણ દર છે. તળિયાનો અને ટોચનો દર બંનેમાં સમાન છે. નાણાંપ્રધાને એવો અંદાજ આપ્યો છે, જો બધાં જ કરદાતાઓ આ નવો આવકવેરો પસંદ કરે તો કરવેરાની આવકમાં ૪૦,૦૦૦ કરોડનો ઘડાટો થાય. આ વેરાના સંદર્ભમાં તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે સમય જતાં કરમાફીની છૂટછાટ વગરનો જ આવકવેરો રાખવામાં આવશે.
આવકવેરામાં જે આવક માફીઓ આપવામાં આવી છે તે લોકો બચત કરવા પ્રેરાય તે હેતુથી આપવામાં આવેલી છે. દા.ત. મકાન માટે લીધેલી લોનના વ્યાજને નિયત મર્યાદામાં કરમાફી આપવામાં આવે છે. લોકો બચત કરીને મકાન બાંધવા પ્રેરાય તે એનો ઉદ્દેશ છે. વિવિધ કરમાફીઓ દ્વારા આવી ભૌતિક અસ્કામતોમાં બચત રોકાય તથા નાણાકીય અસ્કાયામતોમાં બચત રોકાય તે હેતુઓ રહેલા છે. અત્યારે અર્થતંત્રમાં કૌટુંબિક બચતોમાં ઘટાડો થઈ રહ્યો છે. તે સ્થિતિમાં આવકવેરાની કરમાફીઓ રદ કરવાનું કેટલે અંશે ઇચ્છનીય ગણાય એ વિચારવું ઘટે, પણ આ અંદાજપત્ર દેશની વર્તમાન આર્થિક સ્થિતિથી નિરપેક્ષ રહીને રચાયેલું હોવાથી આવી નાની બાબતોમાં તેમાં લક્ષમાં લેવામાં ન આવે એ સહજ છે.
પાલડી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, ૧૬ ફેબ્રુઆરી 2020; પૃ. 05 – 06