બજેટમાં ગરીબલક્ષી યોજનાઓ માટે ઓછી નાણાં ફાળવણી અને વર્ષાંતે આવી યોજનાઓ હેઠળ વણવપરાયેલાં નાણાં બજેટમાં ગરીબોનું સ્થાન દર્શાવે છે.
આકાંક્ષી ભારત, સૌનો આર્થિક વિકાસ અને બહેતર સમાજની થીમ પર આ વરસનું કેન્દ્રીય બજેટ રજૂ થયું છે. ૨૦૨૦-૨૧ના નાણાંકીય વરસના આવક ખર્ચના હિસાબો સાથે ભાવિ યોજનાઓનો અંદાજ આ બજેટમાંથી મળે છે. આમ આદમીને બજેટથી શું સસ્તું થશે કે મોંઘું તેનો અને પગારદાર, મધ્યમ વર્ગને આવકવેરામાં મળનારી રાહતનો ઈંતજાર હોય છે. સંસદમાં કે રાજ્યોની વિધાનસભાઓમાં બજેટ જેવા અઘરા વિષય ઉપર ઉપરછલ્લી જ ચર્ચાઓ થાય છે. તેનાથી પણ બજેટનો સાચો ક્યાસ કાઢી શકાતો નથી. બજેટનું આમ આદમીની દ્રષ્ટિએ મૂલ્યાંકન કે ગરીબોને થનારા લાભાલાભની ચર્ચા પણ માધ્યમોમાં બહુ ઓછી થાય છે.
આપણા ગ્રામીણ અને કૃષિપ્રધાન દેશની અર્થનીતિ કૃષિ કેન્દ્રિત હોવી જોઈએ. ૨૦૨૦-૨૧નું બજેટ એ રીતે મહત્ત્વનું છે કે તેમાં ગ્રામીણ અને કૃષિક્ષેત્રની બજેટ ફાળવણીમાં ૧૮%ની વૃદ્ધિ થઈ છે. ગ્રામીણ ભારતનું ડિજિટલાઈઝેશન, ૧૦૦ જિલ્લામાં જળ સંકટ નિવારણ, ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા જેવી બાબતો હરખ જન્માવે છે. પરંતુ ખાતર પરની સબસિડી જે ગયા વરસે રૂ.૭૯,૯૯૮ કરોડ હતી તે આ વરસે ઘટાડીને રૂ.૭૧,૩૦૯ કરોડ કરી દેવામાં આવી છે. તે જાણીને ફાળ પડે છે. સરકારે આ બજેટમાં ખાતર, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના સસ્તા અનાજ અને પેટ્રોલિયમ પેદાશો પરની સબસિડી પણ ઘટાડી છે. પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવી હશે તો સબસિડીનો બોજ ઘટાડવો પડશે તેવું સરકારના અર્થપંડિતો માને છે. ૨૦૧૯-૨૦માં સબસિડી જી.ડી.પી.ના ૧.૧% હતી, તેને સરકાર ૨૦૨૦-૨૧માં ૧% અને ૨૦૨૨-૨૩માં એથી પણ ઘટાડીને ૦.૯% કરવા માંગે છે.
અર્થતંત્રમાં પ્રવર્તતી મંદી અને બેરોજગારીનો કોઈ ઉકેલ આ બજેટમાં જોવા મળતો નથી. ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર માટેના મહત્ત્વના સાધન ‘મનરેગા’માં, ૨૦૧૯-૨૦ની રૂ. ૭૧,૨૦૦ કરોડની બજેટ ફાળવણી આ વરસે ઘટાડીને રૂ. ૬૧,૫૦૦ કરોડ કરી છે. મનરેગાના બજેટમાં ૧૦,૦૦૦ કરોડનો, ગત વરસ કરતાં ૧૩%નો, ઘટાડો ગ્રામીણ બેરોજગારીને વધુ વકરાવશે. રોજગાર સંબંધી વિવિધ કેન્દ્રીય યોજનાઓ માટે ૨૦૧૯-૨૦ના વરસમાં સુધારેલી બજેટ જોગવાઈ રૂ. ૩,૫૦૧.૭૯ કરોડ સામે આ વરસે રૂ. ૨,૬૪૬.૩૯ કરોડ છે, જે ૪૨.૨% ઓછી છે.
દેશની અર્ધી આબાદી એવી મહિલાઓનાં આરોગ્ય, પેન્શન અને પરિવહન માટે રૂ. ૯,૫૦૦ કરોડ ફાળવ્યા છે. મહિલાઓ શિક્ષણમાં આગે કદમ કરી રહી હોવાની આંકડાકીય વિગતો મહિલા નાણાં મંત્રીએ બજેટ ભાષણમાં આપી છે. પ્રાથમિક શિક્ષણમાં છોકરીઓનો પ્રવેશ દર ૯૪.૩૨% છે જ્યારે છોકરાઓનો ૮૯.૨૮% છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં છોકરીઓની પ્રવેશ ટકાવારી અનુક્રમે ૮૧.૩૨% છે. અને ૫૯.૭૦% છે. જે છોકરાઓની ૭૮% અને ૫૭.૫૪% કરતાં ઘણી વધારે છે. પરંતુ કન્યા શિક્ષણમાં વૃદ્ધિ માટે સરકારે કોઈ અલાયદું બજેટ ફાળવેલ નથી. હા, નાણાં મંત્રીએ મહિલાઓની લગ્ન વય મર્યાદા જે હાલમાં ૧૮ વરસ છે તે વધારવા ટાસ્ક ફોર્સ રચવાની મહત્ત્વની જાહેરાત કરી છે.
અનુસૂચિત જાતિ અને જનજાતિને તેમની વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવણી કરવાની જોગવાઈ ૧૯૭૯-૮૦થી અમલી શેડ્યુલ્ડ કાસ્ટ સબપ્લાન અને ટ્રાયબલ સબપ્લાનમાં છે. પરંતુ તેનો ભાગ્યે જ અમલ થાય છે. દેશમાં અનુસૂચિત જાતિની વસ્તી આજે આશરે ૧૬.૬% છે તે હિસાબે તેમના વિકાસ માટે રૂ. ૩૦.૪૨ લાખ કરોડના કુલ બજેટમાંથી રૂ. ૫.૦૫ લાખ કરોડ ફાળવવાના થાય છે. પરંતુ વર્તમાન બજેટમાં રૂ.૮૩,૦૦૦ કરોડ જ ફાળવ્યા છે. અનુસૂચિત જન જાતિની ૮.૬% વસ્તી માટે રૂ. ૨.૬૧ લાખ કરોડ ફાળવવાને બદલે રૂ. ૫૩,૦૦૦ કરોડ (કુલ બજેટના ૧.૬૭%) જ ફાળવ્યા છે. ગત વરસોમાં એસ.સી.એસ.ટી. ખાસ અંગભૂત યોજનાઓ હેઠળ જે બજેટ એલોકેશન થયું હતું તે પણ પૂરતું વપરાયું નથી. ૨૦૧૭-૧૮માં શેડ્યુલ્ડ કાસ્ટ સબપ્લાનમાં બજેટ ફાળવણી પૈકી રૂ. ૨,૯૦૧ કરોડ, ૨૦૧૮-૧૯માં રૂ. ૨,૨૭૬ કરોડ અને ૨૦૧૯-૨૦ના જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં રૂ. ૩૫,૭૯૭.૯૬ કરોડનો ખર્ચ થયો નથી. ચાલુ નાણાકીય વરસે દલિતો માટેની બજેટ ફાળવણીના ૪૪ % નાણાં વયરાયાં વિનાના રહ્યાં છે અને આવું વરસોવરસ બને છે. ટ્રાયબલ સબપ્લાનમાં પણ ૨૦૧૮-૧૯માં રૂ. ૨,૫૪૫ કરોડ વણવપરાયેલા રહ્યા હતા. તા.૩૧-૦૧-૨૦૨૦ સુધીમાં ટી.એસ.પી. હેઠળ ૬૨% જ ખર્ચ થયો છે અને ૩૮% રકમ હજુ વણવપરાયેલ છે.
દલિતો આદિવાસીઓના વિકાસ માટે તેમનો શૈક્ષણિક વિકાસ જરૂરી હોવાનું સૌ સ્વીકારે છે. પરંતુ તે માટેના સરકારી પ્રયાસો કેવા પાંખા છે તેનું પ્રતિબિંબ બજેટમાં જોવા મળે છે. અનુસૂચિત જાતિના વિધાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવા ૨૦૧૮-૧૯માં રૂ. ૫,૯૨૮.૧૬ કરોડ ફાળવ્યા હતા. આ વરસે તેમાં ૫૦%નો ધરખમ કાપ કરીને રૂ.૨,૯૮૭.૩૩ કરોડ જ કરી નાંખવામાં આવ્યા છે. નેશનલ ફેલોશીપનું ગત વરસનું રૂ. ૩૬૦ કરોડનું બજેટ એલોકેશન ઘટાડીને રૂ.૩૦૦ કરોડ કરી દીધું છે. જો કે પ્રિ મેટ્રિક સ્કોલરશીપમાં ફાળવણી ૧૧૫ કરોડથી વધારીને ૭૦૦ કરોડ કરી છે. પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ અને નેશનલ ફેલોશીપ પર ચલાવેલી તલવાર દલિતોના ઉચ્ચ શિક્ષણને રૂંધી નાંખશે. અનુસૂચિત જન જાતિની પ્રિ.મેટ્રિક સ્કોલરશીપમાં ૪૦ કરોડ ઘટાડ્યા છે પણ પોસ્ટ મેટ્રિકમાં ૭૪ કરોડ વધાર્યા છે. આ વધારો ઘટાડો કોઈ તર્ક આધીન છે કે આડેધડ નાણાં ફાળવણી છે તે આંકડાઓ પરથી કળી શકાતું નથી.
દલિત સફાઈ કામદારો દ્વારા હાથથી થતી મળ સફાઈ અને ગટર સફાઈ અટકાવવાની પ્રતિબદ્ધતા દરેક સરકારો વ્યક્ત કરતી હોય છે. વર્તમાન નાણાં મંત્રીએ પણ ગટરો અને ખાળકૂવાની સફાઈ હાથેથી નહીં થાય અને તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. પણ તે માટે કોઈ જ નાણાં ફાળવણી કરી નથી. આઘાતજનક બાબત તો એ છે કે સફાઈ કર્મચારીઓના પુનર્વાસ માટે વરસ ૨૦૧૬-૧૭માં માત્ર રૂ. ૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં રૂ. ૫ કરોડની જ ફાળવણી કરી હતી ૨૦૧૮-૧૯માં બજેટ ફાળવણી રૂ. ૭૦ કરોડ સામે રૂ. ૮૫.૭૬ કરોડનો ખર્ચ થયો હતો તેને ધ્યાનમાં રાખીને બજેટ વધારાતું નથી. .
અન્ય પછાતવર્ગોની વસ્તી દેશમાં ૫૨% છે પરંતુ તેમના આર્થિક શૈક્ષણિક વિકાસ માટે પૂરતાં નાણાં ફાળવવામાં આવતા નથી. તેમની સ્કોલરશીપ અને અન્ય શૈક્ષણિક યોજનાઓ, છોકરા અને છોકરીઓ માટેની છાત્રાલય માટેની બજેટ ફાળવણી ગયા વરસની જ યથાવત રાખી છે. તેમાં એક રૂપિયાનો પણ વધારો કર્યો નથી. દેશની લઘુમતીઓના વિકાસ માટે ગત વરસ કરતાં રૂ. ૩૨૯ કરોડની વધુ બજેટ ફાળવણી થઈ છે. પરંતુ ૨૦% વસ્તી ધરાવતા લઘુમતી વસ્તી સમૂહો માટેની રૂ. ૫,૦૨૯ કરોડની બજેટ જોગવાઈ દેશના કુલ બજેટની તુલનામાં તો ૦.૧૬% જ છે.
દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનવાનું કેટલું કઠિન છે. અને તે માટે કેવી પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ અને અર્થનીતિ જરૂરી છે તેની પ્રતિતી આ બજેટ કરાવે છે.
(તા.૧૯-૦૨-૨૦૨૦)
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 19 ફેબ્રુઆરી 2020