કેન્દ્રના ગૃહપ્રધાન, બી.જે.પી.ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પક્ષમાં સર્વેસર્વા અમિત શાહે કહ્યું છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન પક્ષના કેટલાક નેતાઓએ ‘ગોળી મારો’ અને ‘હિંદુસ્તાન-પાકિસ્તાન’ જેવા અભદ્ર વચનો કહ્યાં તેણે બી.જે.પી.ના પરાજયમાં કંઈક અંશે ભાગ ભજવ્યો હોવો જોઈએ. તેઓ જો કે બચાવ કરવાનું પણ ચૂક્યા નહોતા. અમિત શાહે કહ્યું હતું કે પક્ષના હજારો કાર્યકરો ઉત્તેજિત થઈને કાંઈ બોલી દેતા હોય છે તેના તરફ ધ્યાન ન આપવું જોઈએ. અનેક વખતે અમે આવાં નિવેદનોની નિંદા કરીને પક્ષને તેનાથી અળગો કર્યો છે.
સૌ પહેલાં તો તેમને અભિનંદન આપવા જોઈએ. એટલા માટે કે તેમણે કબૂલ કર્યું છે કે ભારતની જનતા, ખાસ કરીને બહુમતી હિંદુઓ, એક હદ પછી મર્યાદાનું ઉલ્લંઘન પસંદ કરતા નથી. તેને પોતાને જ શરમ આવવા માંડે છે કે આ હું શું કરી રહ્યો છું? હકીકતમાં આ વાત જો સાચી હોય તો અભિનંદનની અધિકારી ભારતીય પ્રજા છે. વિવેક વિનાનું જીવન એ જીવન નથી. જો દિલ્હીના અને ભારતના બહુમતી હિંદુઓ આ જાણતા હોય તો તમારે હિંદુ તરીકે અને ભારતીય તરીકે પોરસાવું જોઈએ.
પણ અહીં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. બોલવામાં મર્યાદાનો લોપ શું સાવ નાના કાર્યકર્તાઓએ જ કર્યો હતો? કેન્દ્રના નાણા ખાતાના રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે એક સૂત્રોચ્ચાર કરાવ્યો હતો અને તેમણે કાર્યકર્તાઓને ‘ગોલી મારો સાલોં કો’ એમ કહીને ઝીલવાની સલાહ આપી હતી. આ પ્રધાન સાધારણ રીતે ગમે તેમ બોલવા માટેની ખ્યાતિ નથી ધરાવતા. કેન્દ્રના બીજા અને ઘણા સીનિયર પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ ત્રાસવાદી છે. તેઓ ત્રાસવાદીઓ સાથે સંબંધ ધરાવે છે અને સરકાર પાસે પૂરાવા છે. પ્રકાશ જાવડેકર પણ બેફામ બોલવા માટેની ખ્યાતિ નથી ધરાવતા. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આંદોલનકારીઓ માટે કહ્યું હતું કે જો તેઓ સમજાવ્યા નહીં સમજે અર્થાત્ બોલીથી નહીં સમજે તો ગોળી મારવામાં આવશે. અને વડા પ્રધાન! વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રામલીલા મેદાનમાં સંબોધેલી તેમની પહેલી રેલીમાં કહ્યું હતું કે હિંસા કોણ કરે છે એ તેનાં કપડાં પરથી ઓળખી શકાય છે.
વડા પ્રધાન, કેન્દ્રીય પ્રધાનો અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન કોઈ નાના કાર્યકર્તાઓ નથી. યોગી આદિત્યનાથ તો પાછા ભગવાધારી સંન્યાસી છે. આવો સંન્યાસી? સાધુ ગુંડાની ભાષા બોલે? તો આ બધા મોખરાના નેતાઓ છે અને પક્ષના અધ્યક્ષે કે પ્રવક્તાઓએ તેમનાં આવાં નિવેદનોની નિંદા કરીને પક્ષને અળગો કર્યો નથી. આમ નાના કાર્યકરો ઉત્તેજિત થઈને ગમે તેમ બોલી જાય છે એ આંશિક સત્ય છે, પૂર્ણ સત્ય નથી. પૂર્ણ સત્ય એ છે કે સામાજિક વિભાજન થાય એ પ્રકારની અભદ્રતા ઉપરથી આરોપવામાં આવે છે જેને નાના કાર્યકર્તાઓ ઝીલી લે છે. વરિષ્ઠ નેતા વાડમાં છીંડું પાડે અને નાના કાર્યકર્તાઓ આખેઆખી વાડ જ ઊખેડી નાખે. બીજું દિલ્હીનો ચૂંટણીપ્રચાર સભ્યતાનાં દરેક ધારાધોરણને ઉલ્લંઘીને અભદ્રતાની ટોચે પહોંચી ગયો એની જાણ શું અમિત શાહને નહોતી? ત્યારે જ અભદ્ર વાતો કરનારાઓને ટપારવા જોઈતા હતા. કોઈ કરતાં કોઈએ અભદ્રતાની નિંદા કરી નહોતી.
બીજી એક વાત. વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીથી લઈને અદના કાર્યકર્તા સહિત કોઈએ, ફરી કહું છું કોઈ કહેતાં કોઈએ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે કેમ મર્યાદા નહોતી ઓળંગી? ત્યારે કોઈએ વાડ ઠેકી નહોતી અને અત્યારે બધા વાડ ઠેકવા માંડ્યા છે? ત્યારે તો દરેક જણના મોઢેથી વિકાસના અમૃતવચનો ઝરતાં હતાં. વિધાનસભાની ચૂંટણી વખતે દિલ્હીમાં જે ભાષામાં અરવિંદ કેજરીવાલ બોલતા હતા એ ભાષામાં ૨૦૧૪ની સાલમાં ગુજરાતનો હવાલો આપીને નરેન્દ્ર મોદી બોલતા હતા. ડીટ્ટો.
આ બધું આયોજનના ભાગરૂપે કરવામાં આવતું હતું. ૨૦૧૪માં પણ અને અત્યારે દિલ્હીમાં પણ. હવે જાહેરમાં તો એમ કહેવાય નહીં કે દેશમાં હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ કરવાનું છે? જાહેરમાં તો કહેવાય નહીં કે આપણે હિંદુઓની અંદર વિધર્મીઓ સામે નફરત પેદા કરવાની છે. જાહેરમાં તો કહેવાય નહીં કે મનફાવે એવાં જૂઠાણાં ફેલાવવાનાં છે. આખરે માણસાઈ એટલી મહાન છે કે ઈચ્છા હોય કે ન હોય, તેનો જાહેરમાં જયઘોષ કરવો જ પડે છે અને માણસાઈનો અભાવ એટલો અપ્રતિષ્ઠિત છે કે તેનું આરોપણ છૂપી રીતે કરવું પડે છે. માટે ઉપરથી આ બધું કરવામાં આવે એટલે નીચે એ આપોઆપ પહોંચવા માંડે.
ઈરાદો પાણી માપવાનો હતો. જો હિંદુ આંગળી પકડીને ગંદકીના સાગરમાં ઊંડે ને ઊંડે ઊતરતો જાય, ઝેર પીતો જાય, ઝેર ઓકતો થાય, નફરતથી રાતોપીળો થતો જાય અને હિંદુ અને માત્ર હિંદુ બની જાય તો આમ આદમીની કામગીરીના પ્રભાવને દફનાવી શકાય. કામગીરીના મોરચે ટકી શકાય એમ હતું જ નહીં એટલે એક જ આશરો બચતો હતો દિલ્હીના મતદાતાને ઝેરીલો હિંદુ બનાવવાનો. આપણે પણ કાંઈ ઉકાળી ન શકીએ તો કોઈ વાંધો નહીં. ઝેર પાયેલો હિંદુ આપણી સાથે છે જે ભૂખ્યો મરી જશે, પણ મુસલમાનને ગાળ દેવાનું નહીં ચૂકે.
અમિતભાઈ, સાચી વાત તો એ છે કે ધર્મસંકટ દિલ્હીના હિંદુ મતદાતા સામે હતું. નમકહરામ બનવું કે નમકહલાલ. આમ આદમી પાર્ટીના છોકરાઓએ તેમના માર્ગમાં નાખવામાં આવતાં અનેક અવરોધોની સામે લડીને હાર્યા વિના કામ કરી બતાવ્યું છે. તેઓ સાદગીથી જીવે છે. ભ્રષ્ટાચારનું એક પણ પ્રકરણ બહાર આવ્યું નથી. તેમણે જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે. જો વિઘ્નો નાખવામાં ન આવ્યાં હોત તો હજુ વધુ કામ કરી શક્યા હોત. તેઓ હવે પછી શું કરવાના છે એની વાત કરે છે અને કામ અને શાસન સિવાયની બીજી કોઈ વાત નથી. હા, તેઓ મુસ્લિમ વિરોધી ઉચ્ચારણો નથી કરતા, પણ રાષ્ટ્રવાદી ઉચ્ચારણો તો કરે જ છે. તો શું કરવું? તેમને હિંદુ વિરોધી કહીને કે પછી અધૂરા હિંદુ કહીને જાકારો આપવો? જો એમ કરીએ તો નગુણા ગણાઈએ. દિલ્હીના હિંદુઓની કસોટી થઈ હતી અને તેઓ કસોટીમાંથી પાર ઉતર્યા છે. ઉપકાર સાટે અપકાર કરવાનું હિંદુ ધર્મ નથી શીખવતો. અમિત શાહ અને બી.જે.પી.ના બીજા નેતાઓએ ભલે જાહેરમાં નહીં, પણ ખાનગીમાં આ વાતની નોંધ પણ લેવી જોઈએ.
દિલ્હીનાં પરિણામો બીજા પક્ષો માટે અને બીજાં રાજ્યોના શાસકપક્ષો માટે ધડારૂપ છે. જો કોમી ધ્રુવીકરણ રોકવું હોય અને પોતાની રાજકીય પ્રાસંગિકતા જાળવી રાખવી હોય તો શાસનના મોરચે ધ્યાન કેન્દ્રિત કરે. એટલું કામ કરે, એટલું સ્વચ્છ શાસન આપે એટલી નમ્રતા અને જવાબદેહી કેળવે કે તેને ત્યાંના હિંદુ મતદાતા સામે દિલ્હીના હિંદુની માફક ધર્મસંકટ પેદા થાય કે નમકહરામ બનવું કે નમકહલાલ! બી.જે.પી. ઉપર પ્રહારો કરવાની જગ્યાએ વિરોધ પક્ષોને જ્યાં આદર્શ શાસન આપવાનો મોકો મળે ત્યાં દિલ્હીવાળો પ્રયોગ કરવો જોઈએ. બી.જે.પી.ના કોમવાદી-ફાસીવાદી રાજકારણને અપ્રાસંગિક કરવાનો આ જ એક ઉપાય છે.
દરમ્યાન અત્યારે તો બી.જે.પી.ના ટ્રોલ્સ કહે છે કે દિલ્હીના હિંદુ મતદાતાઓ નમકહરામ સાબિત થયા. નગુણા નીવડ્યા. એમ પણ કહે છે કે ભિખારી માનસ ધરાવતા હિંદુઓ મફતની લાલચમાં હિંદુ તરીકે ઊણા ઉતર્યા. કોઈ તો દિલ્હીના હિંદુ મતદાતાઓ માટે દેશદ્રોહી જેવો શબ્દ પણ વાપરે છે. અઢાર અઢાર કલાક કામ કરનારા બલિદાની નેતાની કદર કરવામાં અને સાથ આપવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા એ કેમ સાંખી લેવાય! જો સાથ છોડી દો તો તમારું લેબલ ગમે ત્યારે બદલાઈ શકે છે. જર્મનીમાં આમ જ બન્યું હતું.
આનો અર્થ સમજાયો? સાથ નિભાવો તો જ સાચા રાષ્ટ્રભક્ત. અન્યથા … હવે વિચારશો તો સમજાશે કે મુસલમાનોના, અન્ય લઘુમતી કોમના, દલિતોના, આદિવાસીઓના, છેવાડાનાં રાજ્યોના વતનીઓના, સી.એ.એ.-એન.આર.સી. સામેના આંદોલનમાં બ્રાહ્મણ સહિત બુદ્ધિશાળી અને સમજદાર હિંદુ સવર્ણો કેમ જોડાય છે? તેમને સાથ આપવાની અને સાથ છોડવાની બંને પ્રકારની આઝાદી જોઈએ છે. તેઓ આઝાદીનું મૂલ્ય સમજે છે.
બાકી, ગમે ત્યારે લેબલ બદલાઈ શકે છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 ફેબ્રુઆરી 2020