બાપુ!
આ ‘ગાંધીટોપી’ એટલે શું?
એમાં હીરા-મોતી જડેલાં હોય છે?
કે ટોપીને સોનાનો વરખ ચડાવેલો છે!
તમને થાતું હશે મારે શું પંચાત!
પણ આ તો એની ડિમાન્ડ
વધી ગઈ છે ને આજકાલ
એટલે પૂછું છું!
સાચું કહું તો … મને તો પહેલાં એમ જ હતું.
આ ‘ગાંધીટોપી’ ચોક્કસ
કોઈ મોટા ફૅશન-ડિઝાઇનરે ડિઝાઇન કરી હશે!
એ તો પછી શું થયું કે … મેં કાલે આ ‘ગાંધીટોપી’
સિગ્નલ ઉપર નાનાં ભૂલકાંઓના
સાદ સાથે વેચાતી જોઈ –
“લઈ લો … લઈ લો … ‘ગાંધીટોપી’,
એ લઈ લો … સો રૂપિયાની ત્રણ …
સો રૂપિયાની ત્રણ!”
ત્યારે મને સમજાયું કે આ તો
મારા દાદા પહેરતા હતા એ ધોળી ટોપી છે.
એટલે મેં જ્યારે સિગ્નલ પર,
લઈ લો … લઈ લો … ‘ગાંધીટોપી’ લઈ લો …
ને બદલે
“લઈ લો … લઈ લો …
‘મારા દાદા પહેરતા એ ટોપી’ લઈ લો …”
બોલીને એ સફેદ ટોપી વેચવાનો પ્રયાસ કર્યો તો,
કોઈએ ના લીધી!
પછી એની એ જ ટોપીને
તમારા નામની ટેગ લગાડી વેચી
તો એ … ‘ગાંધીટોપી’;
વેચાઈ ગઈ!
બસ ત્યારથી મેં શું કર્યું છે –
જે વસ્તુ બજારમાં ના ચાલે એને
તમારા નામ સાથે જોડું છું …
જેવી રીતે
ગાંધીની ટોપી
ગાંધીનાં ચશ્માં, ગાંધીની લાકડી, ગાંધીની ઘડિયાળ,
ગાંધીની ખાદી અને ….
ગાંધીનું સત્ય!
E-mail : panchalbrijesh02@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2019; પૃ. 11