દિલ્લીનામા
રાજઘાટ પર રોજના સેંકડો કે હજારો પ્રવાસીઓની ભીડ રહે છે, પણ તેમાંના બહુ ઓછા રસ્તો ઓળંગીને સામે ‘રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય’ તરફ જતા હોય છે. આ મ્યુઝિયમને પડખે નાની એવી બંગલી છે, નામ સંન્નિધિ. કાકા કાલેલકરનું નિવાસસ્થાન. હિન્દી પ્રચાર સભા અને અન્ય સંસ્થાઓ જે કાલેલકરે સંભાળી તેનું વડું મથક. આજે કુસુમબહેન શાહ એ સંસ્થાઓની સંભાળ લે છે. ત્યાં યોગ, હિન્દી, નાટક ઈત્યાદિના વર્ગ ચાલે છે, જેને ચરખો ચલાવતા શીખવું હોય તેને અઠવાડિયે એક વાર ઈન્દુબહેન નામનાં મહિલા શીખવાડે છે. સંગ્રહાલયની પાછળ ‘ગાંધી સ્મારક નિધિ’ના સેવકોનાં રહેઠાણ છે. રિંગ રોડ(મહાત્મા ગાંધી માર્ગ)થી બે ડગલાં માંડીને અંદર તરફ આવો તો ભીડભાડમાંથી અચાનક શાંતિ ફેલાઈ જાય છે. સંગ્રહાલય મૂળે મુંબઈમાં નાના પાયે શરૂ થયું, દિલ્હીમાં પણ બે ઘર બદલ્યાં, અંતે રાજઘાટની નજરમાં રહે એટલું ઢૂંકડું આવીને ઠરીઠામ થયું.
સંગ્રહાલયમાં પ્રવેશતાં રિસેપ્શન પર પહેલાં તો વેચાણ માટે પુસ્તકો મુકેલાં છે. આગળ વધતાં જર્જરિત હાલતમાં પણ ગાંધી વિષયે ઘણો સારો સંગ્રહ ધરાવતું પુસ્તકાલય છે. ઉપરના માળે જઈએ તો બે તરફ ગૅલેરીમાં મુખ્ય પ્રદર્શન છે, એક તરફ તસવીરો અને હૃદયકુંજની પ્રતિકૃતિ, બીજી તરફ ગાંધીના રોજ ઉપયોગની ચીજોથી લઈને વિવિધ વસ્તુઓ. જમણી લોબીના છેક છેડે જઈએ તો ત્યાં છે શહાદત ગૅલેરી. આજુબાજુ બાળગોપાળના રેડિયારમણ બંધ થાય અને વિવિધભારતી પ્રવાસીઓ ના હોય ત્યારે શાંતિની બે ઘડીમાં એ તરફ જઈશું.
ત્યાં તમને જોવા મળશે એક જૂની ખદ્દડ ધોતી અને ઊની શાલ, કમર પર લટકાવવાની ઘડિયાળ અને મૂળ ત્રણમાંની એક બુલેટ. ધોતી અને શાલ પરના લોહીના ડાઘના રંગ કાળેક્રમે બદલાતા જઈને લાલમાંથી કથ્થઈ કે શ્યામ બની ગયા છે. ઘડિયાળ, સમજીને જ, બંધ જ પડેલી છે. બંદૂકની ગોળી પિત્તળ જેવા રંગની છે. એ બુલેટને પળ બે પળ ધ્યાનથી જોઈશું. એ બુલેટ ધિક્કાર, ‘હેટ’નું પ્રતીક છે એમ કહેવું હસમુખ ગાંધીની ભાષામાં હેક્નિડ (‘ક’ની નીચે હલન્ત) અને ક્લિશેડ રહેશે, પણ એ બુલેટ દુનિયામાં જે કાંઈ શુભ છે, મંગલ છે, આશામય છે તેની સામેના આસુરી પ્રતિબળોનું કામ એ નિશ્ચય છે.
આમ તો બીજી ઓક્ટોબર પ્રસંગે પોરબંદરથી લેખ શરૂ કરાય, બુલેટ તો ત્રીસમી જાન્યુઆરીએ લખવાના લેખમાં યાદ કરાય. પણ આજકાલ ભારતમાં રોજના ધોરણે એને યાદ રાખવી પડે એમ છે. ત્યારના ભા.જ.પ.પ્રમુખ લાલ કૃષ્ણ અડવાણીએ ૨૦૦૪ની ચૂંટણી અભિયાનયાત્રા પોરબંદરથી, કીર્તિમંદિરે નમન કરીને શરૂ કરેલી. નવી સરકારની શપથવિધિ પહેલાં રાજઘાટે નમન કરવાનો પણ ક્રમ છે, અને આમ આદમી જેવાં આન્દોલનો પણ રાજઘાટથી રામલીલા મેદાનની પદયાત્રાથી આરંભાયા છે. પણ કોઈકે આ લેખની જેમ ચૂંટણી અભિયાન કે પાર્ટી લોન્ચ માટે ગાંધી સંગ્રહાલયની શહાદત લોબી કે પછી તીસ જનવરી માર્ગ પર ઘટનાસ્થળની પસંદગી કરવી જોઈએ. આમે ય, એક ભા.જ.પ. ઉમેદવારે લોકસભાની ચૂંટણીના અભિયાનની શરૂઆત ગોડસેને અંજલિ આપીને કરી હતી. છાપાંની ભાષામાં જેને અત્યંત વિશ્વસનીય સૂત્રો કહેવાય તેવાઓ પાસેથી પણ સાંભળ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજ્ઞા ઠાકુરની ટિપ્પણીથી વ્યથિત હતા અને હજુ છે. પણ હકીકત એ છે કે અત્યારે સુશ્રી પ્રજ્ઞા અને લાઈક-માઈન્ડેડ મહાનુભાવો સંસદમાં ટ્રેઝરી બેન્ચ પર બેસે છે, અને આપણા પ્રતિનિધિ તરીકે એ દેશનો વહીવટ કરે છે જેને આઝાદ બનાવવામાં એમની વિચારધારાનો કોઈ ફાળો નહોતો, અને જેમને ફાળો હતો તેમની એ વિચારધારાએ હત્યા કરી.
ગાંધી અલબત્ત લાંબી માંદગી પછી પથારીમાં છેલ્લા શ્વાસ લેવા માગતા પણ નહોતા, અને શહાદતને સક્રિય રીતે ઝંખી રહ્યા હતા. એક તરફ લખાણવાળા કાગળના ટુકડાને ય એળે ન જવા દે તે મહાત્મા મરણનો પણ પૂરો ઉપયોગ કરવા માગતા હતા. સોક્રેટિસ અને ઈસુ ખ્રિસ્ત વિષે જિંદગીભર મનન કરનારને એ પણ ખ્યાલ હતો કે જીવનનો અર્થ મૃત્યુમાં સમાયેલો છે. બ્રાઈસ પારાઈન નામના ફ્રેન્ચ ફિલસૂફે સોક્રેટિસના મૃત્યુના સંદર્ભમાં એવું કહેલું કે, ભાષામાં ‘સાચું’, ‘ખોટું’, ‘સારું’, ‘ખરાબ’ વગેરે ધારાઘોરણોનું સતત ધોવાણ થતું રહે છે, અને શબ્દોને ફરી એમના સાચા અર્થ સાથે જોડવા બલિદાન આપવું પડતું હોય છે. ગાંધી બાબતે પણ એમ જ છે. ફલાણાભાઈ ‘સમાજસેવા’ કરે છે, ‘સર્વધર્મસમભાવ’માં માને છે, ‘પ્રામાણિક’ છે, એવા ઉદ્દગારોમાં શબ્દોના અર્થ આજે બદલાઈને ઊભા છે, ગાંધીએ એમના મરણથી એ શબ્દોને સાચા અર્થ સાથે ફરી એક વાર જોડ્યા.
પણ એ પછીના દાયકાઓમાં ફરી શબ્દોના અર્થ બદલાઈ ગયા. જે રીતે તેમણે દેહ ત્યાગ્યો, તેને કારણે દેશભરમાં દાયકાઓ સુધી ધિક્કારની વિચારધારા અમુક હદથી વધુ સફળ ન થઈ શકી. પણ એ કાળ પૂરો થયો.
કાશ્મીરના નિર્ણયની પછીના દિવસોમાં, ગંભીર મિજાજે નહિ પણ રમૂજમાં, એક ભાઈએ કહ્યું કે દેશ કૉંગ્રેસમુક્ત તો થતાં થશે, પણ એ પહેલાં દેશ સંઘમુક્ત તો નહિ થઈ જાય ને? એમનું કહેવું હતું કે કલમ ૩૭૦નું કામ તો થઈ ગયું, મંદિરનું પણ હવે નક્કી થવા તરફ છે અને જ્યાં સુધી સિવિલ કોડનો સવાલ છે તો ટ્રિપલ તલાકથી એ દિશામાં પણ શરૂઆત થઈ ગઈ. આમ ને આમ ચાલ્યું તો ૨૦૨૪ સુધીમાં બધો એજન્ડા પૂરો થઈ જશે તો પછી સંઘની દુકાન (સિક, એમ જ) બંધ થઈ જશે. અલબત્ત, માણસના દિમાગમાં ધિક્કારવૃત્તિ જ્યાં સુધી રહેશે અથવા સાથે મળીને રહેવાની કુનેહ નહિ કેળવાય ત્યાં સુધી પોતાનાં વર્તુળો નાનાં કરતાં જવાની રમતો ચાલ્યા કરશે.
દોઢ મહિના પછી પણ કાશ્મીર દુનિયાની સૌથી મોટી ઓપન જેલ તરીકે બરકરાર છે, અને લિન્ચિંગનો દોર પણ બરકરાર છે, એ માહોલમાં આપણે ગાંધી સાર્ધશતાબ્દી ઉજવવા જઈ રહ્યા છીએ.
જો કે, એમનો શતાબ્દી ટાણે પણ આપણા કાકા-દાદાઓનો રેકર્ડ એવો જ હતો. સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયે (શ્રાદ્ધના દિવસોમાં) આ લખતી વખતે યાદ આવે કે પચાસ વરસ પહેલાં, એકસોમી જન્મજયંતીને થોડા દિવસો બાકી હતા ત્યારે ગાંધીના અમદાવાદમાં કોમી રમખાણ થયાં હતાં, અને એનાં છાંટાં સાબરમતી આશ્રમ સુધી ઊડ્યાં હતાં.
શું કરીએ? ગાંધી રાષ્ટ્રપિતા ખરા, પણ પિતાની પસંદગીમાં આપણને ક્યાં અવકાશ હોય છે? તેમને દેશના પિતા ગણાવવામાં ભાવ એવો હોય છે, એમના સંતાન-દેશે પણ એમના નકશેકદમ પર ચાલવું. પિતાએ એવા સંસ્કાર આપ્યા, એની કેળવણી પણ આપી, પણ દરેક સંતાન પાસે એ ક્ષમતા કે અભિગમ ના પણ હોય. ગાંધી રાષ્ટ્રપિતા ખરા, પણ સંતાન તરીકે દેશ હરિલાલ સાથે વધારે સારી રીતે આઈન્ડેટીફાય કરે છે, સાયુજ્ય અનુભવે છે.
શું ભારત કે શું દુનિયા, અત્યારે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના જમાનામાં જ્યારે પાણી પર રમખાણો થવાનાં છે ત્યારે હર કોઈને એ માણસની સમજની જરૂર છે, જે સાબરમતીમાંથી પણ ખપ પૂરતું જ પાણી લઈને નહાતો કારણ કે એ માનતો કે નદી કંઈ એના બાપની નથી.
આ બધી કરમકહાણી તો ઠીક છે, અહીંથી આગળ રસ્તા કયા છે? ગાંધીના એકાદશ વ્રતો તરફ વળીએ તો, આપણે સૌ મોર-ઓર-લેસ સત્ય અને અહિંસાવાળા જ છીએ અને ઘરબાર લઈને બેઠા પછી અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્યને આદર્શ એટલે કે વ્યવહારુ નહીં તેમાં માની લઈએ, પણ પાતંજલ યોગસૂત્ર ઈત્યાદિથી આગળ વધીને ગાંધીએ ઉમેરેલાં મૂલ્યોમાંનું એક ઓછું જાણીતું એક વ્રત, મોરારજી દેસાઈના સમાધિસ્થાનના યાદ રાખીને, જીવનમાં ઉતારવા જેવું ખરુંઃ સર્વત્ર ભય વર્જનમ્. પોપ્યુલિસ્ટ ઓટોક્રેટ્સને પોસતી લાગણીઓમાં નંબર એક છે ભય. માર્થા નસબોમના ગયા વર્ષના પુસ્તકના નામમાં જ એનો સાર આવી જાય છે, ‘મોનાર્કી ઓફ ફિયર’. થોડો વખત અભયની આંગળી પકડીને ચાલીએ, જોઈએ કેટલે પહોંચાય છે.
બીજું, ‘નિરીક્ષક’ના બધા સુજ્ઞ વાચકોને નહિ પણ મારા જેવા વાચક સિવાય બીજું કશું ના હોય તેવા અને કાયમ ગાંધી વિશે કે બીજા વિષયો વિશે નવી ચોપડીઓની તાલાવેલીમાં રહેતા હોય તેમણે ગાંધીના ઢગલાબંધ સુવાક્યોમાંથી આ એક ચિતરાવીને મઢાવી રાખવું ઘટે.
“આપણામાંથી ઘણા નકરું વાચન કરનારા હોય છે. તે વાંચે છે, પણ વિચારતા નથી. તેથી વાંચેલાનો અમલ તો શાને જ કરે? તેથી થોડું વાંચવું, તે વિચારવું અને તેનો અમલ કરવો. અમલ કરતાં જે યોગ્ય ન લાગે કે રદ કરવું ને પછી આગળ વધવું. આમ કરનાર ઓછા વાચનથી પોતાનો નિર્વાહ કરી શકે, અને મૌલિક કામો કરવા જવાબદારી વહોરવા લાયક થાય.”
(ગાંધીજીનો અક્ષરદેહ – ૫૦ : ૩૬૪-૬૫)
E-mail: ashishupendramehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2019; પૃ. 16 તેમ જ 15