સંતોના પ્રદેશમાં પ્રવેશતા પહેલાં જો આમીર ખુસરોની મહાનતા તેના પૂરા સંદર્ભમાં રેખાંકિત કરવામાં ન આવે તો એ તેમને કરેલો અન્યાય કહેવાય. એવી વિભૂતિ સાથે અન્યાય કહેવાય જેણે ભારતમાં ભક્તિઆંદોલનનો પાયો રોપ્યો. એવી વિભૂતિ સાથે અન્યાય કહેવાય જેણે હિંદુ અને મુસલમાન એમ બંને માટે વતનપરસ્તીના સંસ્કાર દ્રઢ કરી આપ્યા. એવી વિભૂતિ સાથે અન્યાય કહેવાય જેને આપણે ખડી હિન્દવી-હિન્દુસ્તાની બોલી/હિન્દી/ઉર્દૂના પિતામહ કહી શકાય. જી હા, આ ભાષામાં સાહિત્યસર્જન સૌ પહેલાં ખુસરોએ શરૂ કર્યું હતું.
‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’ના લેખક રામધારી સિંહ દિનકરે આમીર ખુસરો માટે કહ્યું છે કે આ દેશે ભારતમાં મુસલમાનોના રાજ્યના આરંભ પછી માત્ર ૬૧ વરસમાં એક એવા મુસલમાનને પેદા કર્યો જે હિંદુસ્તાનના રાષ્ટ્રવાદી મુસલમાનોનો અગ્રણી મહાપુરુષ હતો. આ અંજલિ થોડી ટૂંકી છે. મારા મતે ખુસરો માત્ર રાષ્ટ્રવાદી મુસલમાનોના નહીં, ભારતીય ભાવવિશ્વનો પિતામહ હતો. ખુસરો પછી સહિયારી ઈબાદત વિકસી. ખુસરો પછી ભારતમાં ગંગા-જમની સંસ્કૃતિ વિકસી જેને અંગ્રેજીમાં સિન્ક્રેટીક કલ્ચર કહેવામાં આવે છે. ખુસરો પછી ભારતીય ઈસ્લામે એક અનોખો ચહેરો ધારણ કર્યો. ખુસરોના કારણે ભારતીય મુસલમાન મુસલમાન બન્યા પછી પણ ભારતીયતાથી બહુ દૂર ન ગયો. ખુસરોએ હિંદુ અને મુસલમાન એમ બંનેને વતનપરસ્તી શીખવી અને ખુસરો પછી અત્યારની ભારતીય ભાષાઓ વિકસી અને તેમાં સાહિત્ય ખેડાણ થવા લાગ્યું. ખુસરો પહેલાં મુસલમાનો ફારસી ભાષામાં લખતા હતા અને હિંદુ સર્જકો અપભ્રંશ અથવા ડિંગલ ભાષામાં લખતા હતા.
ભારતમાં હિંદુ મુસ્લિમ એકતાના ચાર મોટા પુરસ્કર્તા થયા એમાં પહેલા હતા આમીર ખુસરો. બીજા અકબર, ત્રીજા કબીર અને ચોથા ગાંધીજી. દુર્ભાગ્યે આપણે ખુસરોની મહાનતા જે રીતે ઓળખવી જોઈએ એ રીતે ઓળખતા નથી. અંગ્રેજોએ આપેલી આંખે ઇતિહાસ જોવાની જગ્યાએ જો આપણે આપણી પોતાની આંખે ઇતિહાસ જોતા શીખીએ તો ઘણા અનર્થો ટાળી શકાય એમ છે. અંગ્રેજોને હિંદુ અને મુસલમાનો વચ્ચે ઝઘડો પેદા કરવો હતો એટલે અમુક રીતે ઇતિહાસ લખ્યો હતો, જે થોડો સાચો છે અને ઘણો ખોટો છે. જેને આઝાદી પછી પણ ધરાર લડવું છે અને પોતાની શરતે રાષ્ટ્રીય એકતાનો દુરાગ્રહ ધરાવે છે એ લોકોને અંગ્રેજોનો ઇતિહાસ માફક આવે છે. આમાં આમીર ખુસરોનો ખો નીકળી ગયો છે અને તેમને જેવો ન્યાય મળવો જોઈએ એ મળતો નથી. માટે અહીં આમીર ખુસરોની વાત કરવા થોભવું પડે એમ છે.
આમીર ખુસરોનો જન્મ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પતિયાલી નામના ગામમાં ઈ.સ. ૧૨૫૩માં થયો હતો એમ માનવામાં આવે છે. અમીર ખુસરોના પિતા તુર્ક હતા અને તેઓ સુલતાન નસિરુદ્દીનના શાસનકાળમાં ભારત આવ્યા હતા. આમીર ખુસરો શેખ નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા. જ્યારે નિઝામુદ્દીન ઓલિયાનું અવસાન થયું અને તેના દેહને કબરમાં પધરાવવામાં આવ્યો ત્યારે ખુસરોએ તેમની ઊંડી પીડા આવા શબ્દોમાં વ્યક્ત કરી હતી:
ગોરી સોવત સેજ પર, મુખ પર ડાલે કેસ,
ચલ ખુસરો ઘર આપનો, રૈન ભઈ સબ દેસ.
આ પંક્તિઓમાં બે ચીજ પ્રગટ થતી જોવા મળશે. એક તો પ્રેમની ઉત્કટતા. જો ગુરુ કે મુરશિદ માટે આટલી ઉત્કટતા હોય તો ઈશ્વર માટે કેટલી હશે! બીજું દિલ્હી, મથુરા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વપરાતી ખડી બોલી સાથેની ખુસરોની ભાષાની નજદીકી અને અત્યારની હિન્દી/ઉર્દૂ ભાષાનાં બીજ. બારમી-તેરમી સદીમાં ભારતમાં લોકવ્યવહારની ભાષા અપભ્રંશથી આગળ જઇને વિવિધ બોલીઓમાં પરિવર્તિત થવા લાગી હતી. એ પૂર્ણરૂપે વિકસી નહોતી, પણ વિકસતી જતી હતી.
હિંદુ પ્રજા પકડી રાખનારી અને બીજાને કે નવાને પ્રવેશ નહીં આપવા દેવાની કે નહીં સ્વીકારવાની માનસિકતા ધરાવતી પ્રજા છે. આને કારણે બુદ્ધ અને મહાવીરે અનુક્રમે પાલી અને પ્રાકૃત જેવી લોકભાષાનો આગ્રહ રાખ્યો હોવા છતાં એ બંને ધર્મના અનુવર્તી પંડિતોએ કે સાધુઓએ લોકભાષા છોડીને સંસ્કૃતમાં જ ગ્રંથો લખ્યા હતા. એ પછી જ્યારે પ્રાકૃત-પાલીમાંથી અપભ્રંશ વિકસી ત્યારે સર્જકો અપભ્રંશનો સ્વીકાર કરતા નહોતા અને પાલી-પ્રાકૃતને ચડિયાતી ભાષા માનતા હતા. જ્યારે અપભ્રંશમાંથી ગુજરાતી, મરાઠી, અવધી, બ્રજ, મૈથિલી, બંગાળી જેવી લોકભાષાઓ વિકસી ત્યારે પંડિતો અપભ્રંશનો આગ્રહ રાખતા હતા અને લોકભાષાઓને નકારતા હતા. ભારતમાં મુસલમાનોની તો કોઈ ભાષા જ નહોતી, કારણ કે વિદેશી મુસલમાનોની ભાષા વિદેશી હતી અને ધર્મપરિવર્તિત ભારતીય મુસલમાનોની ભાષા એ જ હતી જે પાડોશી હિંદુની હતી.
આમ હિંદુ ભદ્રવર્ગ અપભ્રંશનો આગ્રહ રાખતો હતો, વિદેશી મુસલમાન ફારસીમાં લખતા હતા અને સાધારણ હિંદુસ્તાની (જેમાં હિંદુ અને મુસલમાન બંનેનો સમાવેશ થાય છે) લોકભાષામાં વ્યવહાર કરતા હતા ત્યારે આમીર ખુસરોએ લોકભાષામાં સાહિત્યસર્જન કર્યું હતું અને એ પણ કેટલા ઊંચા દરજ્જાનું એ ઉપરની પંક્તિમાં જોઈ શકાશે. આટલી ભૂમિકા પછી એટલું તો સ્પષ્ટ થઈ જ ગયું હશે કે આમીર ખુસરો હિન્દી/ઉર્દૂ ભાષાના પિતામહ છે.
ખુસરોના દેશપ્રેમનું પ્રમાણ તેમના મસનવી ‘નુહે-સિપહ્ર’(નવ આકાશ)માં કહેલા આ કથનથી મળશે: “સંભવ છે કે કોઈ મને પૂછશે કે, ખુસરો હિંદુસ્તાન માટે આટલી શ્રદ્ધા કેમ રાખે છે? મારો જવાબ એવો છે કે હિંદુસ્તાન મારી જન્મભૂમિ છે, મારું વતન છે. ખુદ નબીએ કહ્યું છે કે વતનપ્રેમ માણસના ધર્મપ્રેમમાં સમાહિત છે, તેમાં આવી જાય છે.” બીજી એક જગ્યાએ દિલ્હીની મહાનતા ગાતા ખુસરો કહે છે: “આ દિલ્હી નામના ચમનની કહાની જો મક્કા સાંભળે તો મક્કા પણ શ્રદ્ધાપૂર્વક દિલ્હીની પરિક્રમા કરવા આવે.” આ મસનવી ‘નુહે-સિપહ્ર’ આખેઆખો ભારત અને ભારતીય સંસ્કૃતિની મહાનતાની ગાથા ગાનારો છે. ભારતની સામે તેણે સમરકંદ, બુખારા, બસરા, તુર્કી, રશિયા, ચીન, ખુરાસાન, ઈજીપ્ત જેવા દેશોને તુચ્છ ગણાવ્યા છે. ખુસરોએ ભારતની જેટલી પ્રશસ્તિ કરી છે એટલી કોઈ હિંદુએ પણ નહીં કરી હોય. અંગ્રેજોએ લખેલો ઇતિહાસ આત્મગ્રહણ કર્યો હોવાથી બિચારા હિન્દુત્વવાદી દેશપ્રેમીને ખુસરોની અને ખુસરોના યોગદાનની તેમ જ તેની દેશભક્તિની જાણ પણ નથી.
ખુસરોએ હિંદુઓની ધાર્મિક આસ્થાની પણ પ્રસંશા કરી છે અને મુસલમાનોને તેમાંથી બોધ લેવાનું કહ્યું છે. ઈશ્વરની મૂર્તિ સમક્ષ ગદગદિત હિંદુ માટે તેણે કહ્યું છે કે, “તીરનું નિશાન ભલે ખોટું હોય, પણ ગતિ કેવી તેજ છે!” અર્થાત્ એક મુસલમાન તરીકે ખુસરો મૂર્તિપૂજાની તો પ્રસંશા ન કરી શકે, પણ તીવ્રતાની તો કરી જ છે. આડકતરી રીતે તેણે સગુણ બ્રહ્મની પ્રાસંગિકતા માન્ય રાખી છે.
ખુસરોનું હજુ એક મોટું યોગદાન ભારતીય સંગીતના ક્ષેત્રે છે. કવ્વાલી, તરાના અને હિંદુસ્તાની ખયાલ સંગીત ખુસરોના કારણે વિકસ્યું છે એમ સંગીતજ્ઞો કહે છે.
ભારતમાં ઇસ્લામના આગમન પછી આમીર ખુસરો ભારતીય મુસલમાનોનો પહેલો અવાજ હતો. અત્યંત સ્વસ્થ, સર્વ સમાવેશક અને સર્વગ્રાહી. એ અવાજ ભારતીય મુસલમાનોનો અવાજ કેમ નહીં બન્યો? એ અવાજને હિંદુઓએ કેમ નહીં ઝીલ્યો અને પડઘો નહીં પાડ્યો? નહોતો ઝીલ્યો અને નહોતો પડઘો પાડ્યો એવું નથી. મધ્યકાલીન સંતોએ અને સૂફીઓએ એ અવાજ ઝીલ્યો હતો અને પડઘો પાડ્યો હતો. પણ પછી વ્યવસ્થિત આયોજનના ભાગરૂપે એ અવાજને શાંત કરવામાં આવી રહ્યો છે.
e.mail : ozaramesh@gmail.com
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 ઑક્ટોબર 2019