ભારતીય જનતા પક્ષ ભારતમાં રાજકીય શૂન્યાવકાશ પેદા કરવાની કોશિશ કરી રહ્યો છે કે જેથી ઓછાંમાં ઓછાં વીસ પચીસ વરસ પડકાર વિના સુખેથી શાસન કરી શકાય અને દેશને શક્ય એટલા પ્રમાણમાં હિંદુ રાષ્ટ્ર બનાવી શકાય. ન્યાયતંત્ર ક્યારે ય નહોતું એટલું ભીંસમાં છે. અનેક જજો પાણીમાં બેસી ગયા છે અને ન્યાયદાનની પવિત્ર ફરજ બજાવી શકવા જેટલી ખુમારી ગુમાવી દીધી છે. મીડિયા અને પત્રકારો ડરેલા નથી, વેચાઈ ગયા છે. તેમણે સત્યનો પક્ષ છોડી દીધો છે અને સત્તાનો અને પૈસાનો પક્ષ અપનાવી લીધો છે.
વિરોધ પક્ષો એટલા કમજોર છે કે તેઓ લોકપ્રતિનિધિગૃહોનો પણ જાહેર ઊહાપોહ કરવા માટે ઉપયોગ કરી શકતા નથી. સંસદ અને વિધાનસભાઓ ઓછામાં ઓછો સમય મળે છે, ઓછામાં ઓછી ચર્ચા કરે છે અને વગર ચર્ચાએ ખરડાઓ પસાર કરે છે. રાજકીય પક્ષોને તોડવામાં આવી રહ્યા છે. મોટા પ્રમાણમાં પક્ષાંતર કરાવવામાં આવી રહ્યું છે. કાં ડરાવીને અને કાં ખરીદીને. રાજકીય નેતાઓ પાસે ડરવા માટે ઘણાં કારણો છે. બહુ ઓછા રાજકીય નેતાઓ હશે જેણે પાપ નહીં કર્યાં હોય. પી. ચિદમ્બરમ, શરદ પવાર અને બીજા કળશીએક શક્તિશાળી નેતાઓને જે તે કેસોમાં સંડોવવામાં આવી રહ્યા છે.
ચૂંટણીપંચ, સી.બી.આઈ., સી.એ.જી. અને અન્ય લોકતાંત્રિક સંસ્થાઓ ઘૂંટણે પડેલી છે. ગઈ લોકસભાની ચૂંટણી વખતે મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા તટસ્થતાથી વર્તતા નથી, એવો આક્ષેપ કરનારા બીજા ક્રમના ચૂંટણી કમિશનર અશોક લવાસાના પરિવાર પર કેસો કરીને તેમને સતાવવામાં આવી રહ્યા છે. સરકારનો આમ કરવા પાછળનો ઈરાદો એવો છે કે તેમને મુખ્ય ચૂંટણી કમિશનર બનતા રોકી શકાય. આવી જ સ્થિતિ અન્ય સંસ્થાઓની છે. સી.બી.આઈ.ના વડા આલોક વર્માને જે રીતે રાતના બે વાગે હુકમ કાઢીને હટાવાયા એ તાજી ઘટના છે.
અને નાગરિક સમાજ? ભારતમાં નાગરિક સમાજે પ્રભાવ ગુમાવી દીધો છે. એનાં અનેક કારણો છે અને એ સ્વતંત્ર લેખનો વિષય છે, પણ હકીકત એ છે કે નાગરિક સમાજ આજે પ્રભાવી હસ્તક્ષેપ કરવાની સ્થિતિમાં નથી.
આમ ભારતીય જનતા પક્ષ માટે અનુકૂળતા અનેક રીતની છે અને છતાં તેને ડર છે કે શું ખબર ક્યારે લોકોનો મોહભંગ થાય! માટે એટલી હદે રાજકીય શૂન્યાવકાશ પેદા કરવામાં આવે કે તૂર્કીની જેમ કોઈ વિકલ્પ જ ન રહે. વાચકોને જાણ નહીં હોય, અને ભારતીય મીડિયા લોકોને જાણ થવા દેતા પણ નથી; પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના આજે જગતમાં તૂર્કીના પ્રમુખ રિસેપ તય્યીપ એરડોગેન સાથે કરવામાં આવે છે. જેવી સ્થિતિ તૂર્કીમાં છે એવી ભારતમાં બની રહી છે એ વાતે જગત ચિંતિત છે.
અહી સવાલ એ છે કે આવી સ્થિતિ પેદા કોણે કરી? નરેન્દ્ર મોદી અને અમિત શાહે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અને બી.જે.પી.એ? ના, એવું નથી. તેઓ તો જે પરિસ્થિતિ દેશમાં છે એના લાભાર્થી છે. લોકતંત્રના કમજોર કરવામાં આવેલા માળખાનો તેઓ પોતાના હિતમાં ઉપયોગ કરી રહ્યા છે. લોકતંત્રને કમજોર કરવાનું કામ કૉન્ગ્રેસે અને કૉન્ગ્રેસ કલ્ચર અપનાવનારા અન્ય રાજકીય પક્ષોએ કર્યું છે. બધાએ મળીને પોતપોતના સ્વાર્થ માટે કર્યું છે. તાત્કાલિક સ્વાર્થ માટે કર્યું છે. પક્ષ પર અને એ દ્વારા સત્તા પર કાયમ વર્ચસ્વ ધરાવી રાખવા માટે તેમણે પક્ષને પરિવારની બાપીકી મિલકતમાં ફેરવી નાખ્યા છે. ન્યાયતંત્ર, સી.બી.આઈ., ચૂંટણી પંચ, સી.એ.જી. જેવી સંસ્થાઓનો તેમણે જ્યારે તેમનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો ત્યારે દુરુપયોગ કર્યો હતો. સત્તા અને સંતતિઅંધ હતા એ લોકો.
તેમણે સડાને જાહેરજીવનમાં અને લોકતંત્રમાં પેસવા દીધો હતો. તેમણે તેને પોષ્યો હતો. તેમણે તેનો દાયકાઓ સુધી લાભ લીધો હતો. અનેક લોકો ઊહાપોહ કરતા હતા અને ચેતવણીઓ આપતા હતા, પણ તેમણે ક્યારે ય તેની ચિંતા કરી નહોતી. જેમણે શરમ સુધ્ધાં અનુભવી નહોતી ત્યાં સુધારાઓ તો બહુ દૂરની વાત છે. તેઓ એટલી હદે સ્વાર્થી અને સત્તાંધ હતા કે જયપ્રકાશ નારાયણ જેવાઓની સલાહ પણ તેમણે માની નહોતી. આમ ખખડી ગયેલું લોકતંત્ર અને સડી ગયેલું જાહેરજીવન બી.જે.પી.ને મળ્યું છે જે તેના સર્જક આ ‘મહાન’ નેતાઓ છે. આમ પણ સંઘપરિવારની લોકતંત્રમાં અને સાધનશુદ્ધિમાં ક્યારે ય શ્રદ્ધા નહોતી અને એમાં તેમને તેના વિરોધીઓએ ભાવતી સ્થિતિ પેદા કરીને આપી. લોકતંત્રનો જીવ ગેર-બી.જે.પી. પક્ષોએ મારી મારીને અધમૂઓ કરી નાખ્યો હતો અને લગભગ નિષ્પ્રાણ કલેવર બી.જે.પી.ને મળ્યું છે. વર્તમાન શાસકો માત્ર લોકતંત્રનું કલેવર ટકાવવા માગે છે, જેમ તૂર્કીમાં બની રહ્યું છે.
આજે હવે તેમના જ કર્યા તેમને હૈયે વાગી રહ્યા છે. તેઓ આજે જ્યારે તેમણે પેદા કરેલી બીમારીનો શિકાર બની રહ્યા છે, ત્યારે એક પણ લોકતાંત્રિક સંસ્થા તેમની મદદે આવી શકવાની સ્થિતિમાં નથી. અહીં એક તુલના કરવા જેવી છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તૂર્કીના પ્રમુખ રિસેપ તય્યીપ એરડોગેન અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મિજાજ, રાજકીય અભિગમ અને વિચારોમાં આમ જુઓ તો કોઈ ગુણાત્મક ફરક નથી અને છતાં ટ્રમ્પ ધારે એમ મનમાની નથી કરી શકતા. આનું કારણ એ છે કે અમેરિકન લોકતંત્ર અને ત્યાંની લોકતાંત્રિક સંસ્થાઓ મજબૂત છે. ટ્રમ્પ ધમપછાડા કરીને પાછા હટી જાય છે. આવું ભારત અને તૂર્કીમાં નથી બની રહ્યું.
આઈવર જેનીંગ્સ નામના બ્રિટિશ બંધારણવિદ્ હતા. તેમણે કહ્યું હતું કે માત્ર શ્રેષ્ઠ બંધારણ હોવાથી મહાન રાષ્ટ્ર આકાર પામતાં નથી. તેને માટે લોકશાહીનું પોષણ કરવું જોઈએ અને લોકશાહીનું પોષણ સમૃદ્ધ પરંપરા વિક્સાવાથી થાય છે. તેમણે કહ્યું હતું કે લખેલા શબ્દ કરતાં લોકતાત્રિક પરંપરા વધારે પરિણામકારક નીવડે છે. લખેલા શબ્દના અનેક અર્થો કરી શકાય છે, પણ ચીલામાં ચીલો પાડી નહીં શકાય. કાં તો ચીલો ચાતરો અથવા ચીલે ચાલો. ચીલો એવો મજબૂત હોવો જોઈએ કે ચીલો ચાતરવા માગતા માણસને ચીલો ચાતરતા ડર લાગે અને શરમ આવે. અને એ છતાં પણ જો એવો પ્રયાસ કરવામાં આવે તો લોકતાંત્રિક સંસ્થાઓ તેમ કરતાં અટકાવે. અમેરિકામાં ઠીકઠીક પ્રમાણમાં આમ બની રહ્યું છે.
૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતનું બંધારણ ઘડનારી બંધારણ સભાની છેલ્લી બેઠકમાં ડૉ. આંબેડકરે પણ તેમના શબ્દોમાં એ જ વાત કહી હતી જે સર આઈવર જેનીંગ્સે કહી હતી. સારા શાસકો નબળું બંધારણ હોય તો પણ લોકશાહીનું સિંચન કરી શકે છે અને નબળા શાસકો શ્રેષ્ઠ બંધારણ હોવા છતાં લોકતાંત્રિક રાષ્ટ્રોને નિષ્ફળ બનાવી શકે છે. ભારતને એક લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે નિષ્ફળ બનાવવામાં કૉન્ગ્રેસે અને બાકી પક્ષોએ ભાગ ભજવ્યો છે. આજે તેઓ તેનો શિકાર બની રહ્યા છે ત્યારે તેમની વહારે આવનાર કોઈ નથી.
આ દેશમાં લોકશાહી ટકાવી રાખવાની જવાબદારી આપણા સહુની છે, કારણ કે આપણો કોઈ અંગત સ્વાર્થ નથી. એને માટે આપણે ‘ભારતીય નાગરિક’ બનવું પડશે. માત્ર, માત્ર, માત્ર ‘ભારતીય નાગરિક’. હજુ મોડું નથી થયું. રાજકીય પક્ષો પાસેથી કોઈ આશા નહીં રાખતા. તેઓ તો આત્મનિરીક્ષણ પણ નથી કરતા. લોકસભાની ચૂંટણીમાં પરાજિત થયેલા પક્ષોના કોઈ રાજકીય નેતાએ ભૂલ કબૂલ કરી હોય એવું હજુ સુધી જોવા મળ્યું નથી. તેઓ હજુ પણ બચી નીકળવાના છીંડાં શોધી રહ્યા છે.
હિંદુ થવાથી રામરાજ્ય નથી મળવાનું જેમ મુસ્લિમ થવાથી પાકિસ્તાનીઓને ખુદાનું રાજ્ય નથી મળ્યું. આપણને પણ એવું જ રાજ્ય મળશે જેવું પાકિસ્તાનીઓને મળ્યું છે. માત્ર ભારતીય નાગરિક થવાથી કાયદાનું રાજ્ય મળી શકે એમ છે. માટે અત્યારે દેશને બચાવવાની જવાબદારી આપણી છે. રહી વાત રાજકીય શૂન્યાવકાશની તો લોકો જ્યારે વિકલ્પની જરૂરિયાત અનુભવવા લાગે ત્યારે શૂન્યાવકાશ ભરાઈ જતો હોય છે, એટલે તેની ચિંતા કરવાની જરૂર નથી.
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 03 ઑક્ટોબર 2019