જીવનના પ્રભાતકાળના સોનેરી હુંફાળા તડકા જેવા બચપણના દિવસો કોઈ ભૂલતું નથી. હું પણ ભૂલ્યો નથી. કરાંચીના જનાબ યાહ્યા હાશિમ બાવાણી. આઝાદી પહેલાંના કાળે અમારી નવ-દસની ઉંમરે એ મારા શેરીગોઠિયા હતા. પછી તો ૧૯૪૭માં હિજરત કરીને પાકિસ્તાન ચાલ્યા ગયેલા અને કાળક્રમે મારા ચિત્તમાં એ ઝાંખી છબી બની ગયેલા.
પણ થોડાં વરસ પહેલાં એ અમારા વતન જેતપુરમાં આવ્યા, ત્યારે અહીંથી હિજરત કરી ગયેલા પહેલાંના પોતાના ઘરની દીવાલો જોઈને રડી પડ્યા હતા. હા, અહીં હતી ઓસરીની ખાંડણી, અહીં હતું અમારું રસોડું, અહીં ભીંતે અમે આડાંઅવળાં ચિતરામણ કર્યાં કરતાં. અહીં અમારી બકરી બંધાતી ને આ ગલીમાંથી પસાર થતા અમારા મોહર્રમના તાજિયા. વતનની ધૂળને એમણે માથે ચડાવી હતી ને પછી જેતપુરની શોભારૂપ એવી કેટલીક હસ્તીઓ – હવે ભલે વૃદ્ધ થઈ ગઈ હતી, પણ એમને ય મળ્યા હતા ને પોશ-પોશ આંસુએ રડ્યા હતા. એમાંના એક હતા એક વારની અંજુમને ઇસ્લામ સ્કૂલના પ્રિન્સિપાલ અને પાછળથી જેતપુર – સુધરાઈના ચીફ ઑફિસર થયા તે ચત્રભુજભાઈ દવે ને બીજા હતા ડૉક્ટર રાજેન્દ્ર બિહારીલાલ વચ્છરાજાની, જે આખા જેતપુરમાં સૌથી સોહામણા પુરુષ હતા અને વહાલથી જેમને સૌ ‘ડૉક્ટર જાની’ના ટૂંકા નામે સંબોધતા. એમની વાણી જ અર્ધી દવાનું કામ કરતી. યાહ્યા હાશિમ બાવાણી પછી એમના બચપણના મિત્રોને શોધી રહ્યા. કેટલાક કાળની ગર્તામાં વિલીન થઈ ગયા હતા, કેટલાક મળ્યા હતા અને પચાસ-પંચાવનની ઉંમરે ખખડી ગયા હતા. મોતિયા ઉતરાવીને બેઠા હતા.
યાહ્યાભાઈએ મારી પણ પૃચ્છા કરી હતી. એમનો હું પાક્કો શેરીભેરુ હતો, પણ હું તો હવે અમદાવાદ રહેતો હતો. એ મને મળવા તો ન આવી શક્યા અને ના તો ફોન કરી શક્યા, કારણ કે એ આવ્યા, ત્યારે મોબાઇલ તો નહોતા જ, પણ સાદા ફોને ય આટલા હાથવગા નહોતા. પણ કરાંચી જઈને મને એમણે લાંબો લાગણીભીનો, નાનપણનાં સંભારણાં તાજાં કરતો પત્ર લખ્યો હતો. એમણે એક વાક્ય એવું લખ્યું હતું, જે વાંચીને મારા દેહમાંથી, ચિત્તમાંથી પણ લાગણીનો ઉકરાંટો પસાર થઈ ગયો હતો. એમણે લખ્યું હતું : ‘ભાઈબંધ, તમને મળી તો ન શક્યો, પણ તમારું સરનામું મેળવીને પણ હું રોમાંચિત થઈ ગયો. જાણે કે આપણી ડાયમંડ ટૉકીઝના પરદે તમને જૂના વારંવાર પટ્ટી કપાઈ જતા પિકચર રૂપે જોયા. એ વખતે તો સાવ ખખ્ખુડી-મખુડી હતા મુઠ્ઠી હાડકાંના! અત્યારે કેવા લાગતા હશો. ફોટું મોકલજો.’
એ પછી પણ આ પુસ્તકની તૈયારી મિષે અમારી વચ્ચે પત્રવ્યવહાર ચાલ્યો હતો. પણ પચાસ વરસોના વીતવા સાથે અમારી વચ્ચેથી તુંકારાનો લોપ થઈ ગયો હતો. છતાં પત્રનો અક્ષરે અક્ષર ધબકતો હતો. મારાથી પણ પત્રમાં એમને તુંકારો ન લખી શકાયો. લખ્યું, ‘તમારી મેમણકોમ સાથેનો મારો અનુબંધ જૂનો છે. મને કદી કોમવાદનો હલકો વિચાર સુધ્ધાં નથી આવ્યો. એનાં મૂળમાં મારા બચપણના મેમણ શેરીમિત્રો હારૂન, અબ્દુલાહ, ગફાર, ગની અને બીજાઓ છે. આઇસા (આયેશા) નામની લીલી આંખોવાળી છોકરી પણ ઇજાર-આબો પહેરીને અમારી સાથે ત્રણ ખજૂરીએ ખલેલાં પાડવા આવતી. ખજૂરી પર ઊંચે સુધી પથરા ફેંકવાથી નિશાન લાગે તો ચણીબોર જેવડાં લીલાં ખલેલાં નીચે પડતાં, જે છોકરીઓ ખોળો પહોળો કરીને ઝીલી લેતી. આઇસા મારી ખાસ ભેરુ હતી, કારણ કે એને મારા કોડીઓના જંગી કલેક્શનમાં રસ હતો અને મને રસ એના ખોળાનાં લીલાં ખલેલાંમાં. એ મને ખોળો ભરીને ખલેલાં આપતી અને હું એને ગણીગણીને કોડીઓ આપતો. જો કે, એ તો નવ-દસની ઉંમરે જ પાકિસ્તાન ચાલી ગઈ. ઘણાં વરસે એક દોસ્ત જુસબ આમદ જેતપુર આવ્યો, ત્યારે મને એ કહેતો હતો કે આઇસા પાકિસ્તાની ફિલ્મોમાં એની એ લીલી આંખોને કારણે ‘સી’ ગ્રેડની ફિલ્મોમાં રોલ કરે છે. અને એણે બલુચિસ્તાનના એક ખાણ-માલિકને ફાંસ્યો છે. સાંભળીને મારા મનમાં એની ચંચળ, લીલી આંખો ઊપસી આવી.
જનાબ યાહ્યા હાશિમ બાવાણી મારી જ ઉંમરના છે. (આ લેખ લખ્યો તે સમયે) સાઠની આસપાસ. જે પાકિસ્તાનમાં પત્રકાર છે, પણ સર્જકજીવ છે. ત્યાં નામાંકિત વર્તમાનપત્રોના તંત્રીપદે હતા. હજુ પણ ત્યાંના પત્રકારત્વ સાથે સંકળાયેલા છે. ૧૮૦-ઈ, આદમજી નગર, એ બ્લૉક, કાઠિયાવાડ સોસાયટી,મક્કા મસ્જિદ પાસે, કરાંચી(પાકિસ્તાન)માં રહે છે. એમની જન્મભૂમિ અને વતન જેતપુર છે, પણ બીજા હજારો જેતપુરવાસીઓની જેમ એમના દિલમાં જેતપુર પ્રાણસ્થાને છે. બીજાઓ પાસે કલમ નથી, જ્યારે આમની પાસે એક સર્જક-પત્રકારની કલમ છે, એટલે એમણે પુસ્તકો પણ અનેક લખ્યાં છે – એમાંનું છેલ્લું દળદાર, કાળાં પૂંઠાંનું, સોનેરી અક્ષરના ઍમ્બોસવાળું પુસ્તક ‘મારા જેતપુરના મેમણો’ છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી ચાલે છે, એ દિવસોમાં યારદિલીથી એમણે મને એ છેક કરાંચીથી મોકલ્યું. (એ પુસ્તક માટે યથાશક્તિ સામગ્રી મેં એમને મોકલી હતી, જેનો એમણે પ્રસ્તાવનામાં સાભાર ઉલ્લેખ પણ કર્યો છે. અઢીસો જેટલાં પાનાંમાંથી માત્ર શરૂનાં પંચાવનેક પાનાં જ અંગ્રેજીમાં છે, બાકીનાં તમામે તમામ આપણી અને આપણી ગુજરાતી ભાષામાં છે.)
પુસ્તકનું નામ ભલે ‘મારા જેતપુરના મેમણો’ એવું હોય, પણ એમાં ‘મારા’ શબ્દ ઉપર આત્મીયતાની છૂપી અંડરલાઇન છે ને મેમણો શબ્દની નીચે કોઈ દેખીતી કે છૂપી અંડરલાઇન નથી. મેમણો કેન્દ્રમાં નથી. હિંદુઓની પણ અનેક વાતો એમાં છે. મહાદેવનાં મંદિરોની, જેતપુરના હિન્દુ મહાનુભાવોની, હિન્દુ તહેવારોની જેતપુરમાં થતી ઉજવણી, જેતપુરમાંના સાહિત્યકારોની, રાજકર્તાઓની એમાં ઝીણી ઝીણી વિગતો છે. યાહ્યા હાશિમ બાવાણીએ, આપણને એમ જ લાગે કે આજથી પચાસ વર્ષ પહેલાંના સુંદર રૂપકડા જેતપુર શહેરની જ આ પુસ્તક લખીને પુર્નરચના કરી છે. જૂના જેતપુર શહેરની કાળના ચક્રમાં ચૂરા થઈ ગયેલી એક એક ઈંટને એમણે પોતાની સ્મૃતિના નિભાડામાં ફરી પકાવી છે ને ફરી નવેસરથી એ જૂના શહેરને નવું તોરણ બાંધ્યું છે.
કેટલી મઝાની વાત છે કે એમાં આવડા મોટા પાકા પૂંઠાના પાકિસ્તાની બસો રૂપિયાના (અમેરિકન ડૉલર દસના) પુસ્તકમાં પોતાની અંગત સ્મૃતિઓને ક્યાં ય તરતી મૂકી નથી. જેને પ્રત્યક્ષ જોઈને જેતપુરમાં પોતે રડી પડ્યા હતા, એ ઘર કે એ શેરીનો ફોટોગ્રાફ સુધ્ધાં એમાં નથી. એમનો રસ યાહ્યા હાશિમ બાવાણીની અંગત જેતપુરસૃષ્ટિમાં નહોતો જ. એમનો રસ પચાસ વરસ પહેલાંના સો-દોઢસો વરસના ગાળાના જેતપુર, એના મેમણોએ, એમના હિન્દુ બિરાદરો, એમની સંસ્કૃતિ, એમનો ઇતિહાસ,એમની રહનસહન, એમનો સમાજ અને ગૃહવ્યવસ્થા આલેખવા સાથે અત્યારે પાકિસ્તાનમાં પણ જેતપુરની યાદને એમણે કેવી કેવી રીતે પ્રજ્વલિત રાખી છે, એમાં હતો. એ રીતે તો આ પુસ્તક એ વાતની પ્રતીતિ કરાવે છે કે રાષ્ટ્રના ભાગલા પડી શકે, પણ પ્રજાના નહીં.
પ્રજાની ચેતનાને ડાંગ મારીને પૃથક કરી શકાતી નથી. એવું હોત તો પાકિસ્તાનની ધરતી ઉપર નસીરાબાદમાં એકસો છવ્વીસ ફ્લૅટનો જેતપુર સ્ક્વૅર ન હોત – અને વસાહત ઊભી કરનાર ‘જેતપુર મેમણ એસોસિયેશન’નું અસ્તિત્વ ન હોત. અરે ‘ગુલશને જેતપુર’ નામની એસી ફ્લૅટની સુંદર વસાહત ન હોત. પાકિસ્તાનની ધરતી પર અત્યારે એક ‘જેતપુર પ્લાઝા’ છે. કરાંચીના આદમજી નગરમાં પાંસઠ ફ્લૅટનો ‘જેતપુર – ટૅરેસ’ છે. સુડતાળીસ ફ્લૅટનો ‘બાગે જેતપુર’ છે. ચુમ્માળીસ ફ્લૅટની ‘જેતપુર હાઉસ’ નામની સુંદર ઇમારત ન હોત અને આ બધું કોઈ વ્યાપારી ધોરણે નથી થયું.
પાકિસ્તાન જઈ વસેલા જેતપુરના મેમણોએ પોતાના હાજતમંદ ગરીબ મેમણો માટે આવી વસાહતો બાંધીને એમને તદ્દન મફત અથવા મામૂલી ખર્ચે ત્યાં વસાવ્યા છે. આ અમૂલ્ય પુસ્તકના પૃષ્ઠ ૧૧૪ ઉપર મૂળ જેતપુરના (હવે પાકિસ્તાન જઈને) વસેલા સામાજિક કાર્યકર જનાબ અ. મજીદ અ. શકુર આરબી માહિતી આપે છે કે, “કાઠિયાવાડથી આવેલા જેતપુરવાસી મુહાજીરોનો સૌથી કઠિન પ્રશ્ન વસાહતોનો હતો. શરૂઆતમાં બર્ન્સ રોડ, રણછોડ લાઇન, કાગઝી બજાર, ખારાધર જેવા વિસ્તારોમાં અમુક સો રૂપિયામાં ભાડાના સારા ફ્લૅટો મળી રહેતા હતા, એટલે ઘણા જેતપુરવાસીઓ ત્યાં મકાન મેળવી રહેણાક કરવા લાગ્યા. પણ તેઓમાં બહુમતી એવા ભાઈઓની હતી, જેઓની પાસે જે કાંઈ હતું તે હિજરતમાં ખર્ચ કરી નવરા થઈ ગયા હતા … ઘણાં કુટુંબો એવાં હતાં કે જેઓ માસિક ભાડું ભરવાની સ્થિતિમાં ય નહોતાં.
આવા લોકોને વસાવવા માટે જેતપુરની ત્યાં જઈ વસેલી મેમણ કોમના જનાબ આહમદ રંગુનવાલા, જનાબ હાજી અ.લતીફ સાઉ બાવાણી, જ. અબ્દુલ્લાહ અ. અઝીઝ કામદાર, જનાબ યાહ્યા આહમદ બાવાણી, અલ્હાજ ઝકરિયા, હાજી અલીમુહમ્મદ ટબા, અબુબકર ઢેઢી, આહમદ મુનશી, મો. હનીફમિયાં નુર જેવા દાનવીરો અને કાર્યકરો આગળ આવ્યા. તેમણે જ ઉપરની બધી વસાહતો સ્થાપી એ સૌને મકાનો આપ્યાં. એટલું જ નહીં, પણ જેતપુરના નામને એ ધરતી પર જીવતું જાગતું રાખ્યું. એ મકાનમાં હવે તો એમાં રહેનારાઓની પેઢી પછીની પેઢીઓ વસશે. પણ એક વાત નિઃશંક છે, એમાં રહેનારાઓનાં હૃદયમાં જેતપુરનું નામ કાયમ માટે કોતરાયેલું રહેશે. એ જોઈને એમ જ લાગે કે શહેરનો પાયો ભૂગોળમાં નહીં, ઇતિહાસમાં હોય છે. ધરતી પર નહીં, હૃદયમાં હોય છે.
પુસ્તકમાં જેતપુરીઓને જેની યાદ સતાવે છે, એવા અંજુમને ઇસ્લામ સ્કૂલ કે ધોરાજી દરવાજા જેવાં કેટલાંક સ્થળોના કેટલાક ફોટા છે. જેતપુરની સ્થાપનાની વાતો છે. લેખક લખે છે, “જેતપુર મારી જન્મભૂમિ, મારે મન એના કણકણ કંચનના, એની રજરજ રૂપાની, એની ભાદર સૌરાષ્ટ્રની પટરાણી, એના લોક સજ્જન સાથીની જેતપુરની કૂખે જન્મેલા સપૂતોએ અલ્લાહની અસીમકૃપાથી માનવતાની મહેક પ્રસારતાં ઘણાં કામોને અંજામ આપ્યા છે.” આ રીતે લાગણીથી લથબથ શબ્દોએ શરૂઆત કરીને એમણે પછી કેટલાક અધિકૃત ગ્રંથોને આધારે જેતપુરની સ્થાપનાની કથા આલેખી છે. અમરાવાળા અંગે લખાયેલા પુસ્તક ‘અમર યશ અરણ્વ’ અનુસાર નાથવાળાના પુત્ર જેતાવાળાએ બલોચોના કબ્જા હેઠળના નેસડા ઉપર કબ્જો કરીને ગામને પોતાના નામ પરથી ‘જેતાણા’ નામ આપ્યું, જે કાળક્રમે ‘જેતપુર’ તરીકે ખ્યાતિ પામ્યું. એ પછી દાયકાઓ પછી એની વસતિ ૧૩,૦૮૫ (તેર હજાર પંચાસી) માણસોની થઈ એમ જેમ્સ કૅમ્પબેલનું ગૅઝેટિયર નોંધે છે. પ્રો. ડૉ. જશવંત જીવરાજાની(હાલ જેતપુરમાં પ્રોફેસર)ના કહેવા મુજબ ઈ.સ. ૧૭૦૦માં વાળા કાઠીઓએ જેતપુર કબ્જે કરીને એને કિલ્લેબંધ બનાવ્યું હતું. એ વખતે જેતપુરને પાંચ દરવાજા હતા. આજે બે-એક દરવાજા રહ્યા છે, જ્યારે બીજાનાં માત્ર નામ રહી ગયાં છે. આ પછી એ દરેક દરવાજાની ભૌગોલિક સ્થિતિ અને જેતપુરના બાર જેટલાં પરાંની વિગતો છે. આ બધાંના સમર્થનમાં રંગીન ફોટોગ્રાફ્સ તો આ પુસ્તકમાં ઠેરઠેર છે.
ત્રીજા પ્રકરણમાં મેમણોના કૌટુંબિક, વ્યક્તિગત અને સામાજિક સંસ્કારોનું ઝીણું-ઝીણું રસપ્રદ વર્ણન – એ વાંચતા જ જાણે કે અર્ધી સદી પહેલાંના જેતપુરના કોઈ મેમણના ઘરના વાતાવરણમાં પહોંચી જવાય છે. મોટા ભાગના શ્રીમંત મેમણો દેશાવર ખાસ તો રંગૂન કમાવા જતા અને પાછળથી તેમની બાનુઓ અને બચ્ચાં કેવી રીતે જીવનચર્યા રાખતાં તેનાં આબેહૂબ વર્ણનો છે. શબ્દેશબ્દ ઉતારવાની લાલચને રોકી દઉં. જેતપુર મેમણજમાતની સ્થાપના, જિમખાનાં, વાતો ઇતિહાસનાં માતબર પ્રકરણો જેટલી સુંદર છે. આઝાદી પહેલાંના જેતપુરનું વર્ણન ભારે રોચક છે. એ પછી આદમજી સહિતના જેતપુરના નામાંકિત મેમણો કે જેમણે પાકિસ્તાન જઈ ભારે નામના મેળવી, તેમની વિગતો છે. એમાં ૧૯૧૮માં મહાત્મા ગાંધીજીના આગમનનું વર્ણન છે, તો કાઇદેઆઝમ ઝિન્નાહના જેતપુરમાં આગમનની તવારીખની હકીકતો છે. એ સાલ ૧૯૪૦ની હતી. જેતપુરની ખિલાફત ચળવળની કથા છે, તો જેતપુરમાં ખાદી-ચળવળનો આલેખ પણ એમાં છે. મેમણોની શાદીમાં વરરાજા પણ ખાદીનાં કપડાં પહેરે એવો શિરસ્તો અપનાવવામાં આવ્યો હતો. કેળવણીકાર પિતા, અબજોપતિ સર આદમજીએ પોતાના પુત્ર ઝકરિયાની શાદીમાં દુલ્હાને ખાદીનો સંપૂર્ણ લિબાસ પહેરાવ્યો હતો.
જેતપુરમાં મેમણોનું આગમન કઈ રીતે? રસપ્રદ ઇતિહાસ છે. બે લીટીમાં આ લેખમાં લખી શકાય તેમ નથી, પણ ઇતિહાસકાર જેમ્સ કૅમ્પબેલના ગૅઝેટિયરમાં નોંધાયા મુજબ ઈસવી સન ૧૪૨૨માં હઝરત પીર યુસુફુદ્દીન(રહ.)ના હાથે સિંધમાં લોહાણા જ્ઞાતિમાંથી મુસલમાન તરીકે કન્વર્ટ થયા હતા. સિંધથી સવાસો વર્ષ પછી તેઓ કચ્છમાં આવ્યા અને ત્યાંથી પછી ગુજરાત ભણી ગયા. ગુજરાતના બાદશાહ મહેમૂદ બેગડાએ જૂનાગઢમાં સૈયદો, કાઝીઓ, મેમણો અને વહોરાઓને વસાવ્યા હતા. જેતપુરમાં સૌ પ્રથમ બાવાણીઓના વડવા બાવાભાઈ ૧૮ મી સદીમાં આવ્યા અને એમના પગલે પછી અનેક મેમણ કુટુંબો આવ્યાં.
જેતપુરના મેમણ ઉમર સોબાની અને મિયાં મોહંમદ છોટાણીએ તો ગાંધીજીની સાથીદારી પણ કરી હતી. ગાંધી સાહિત્યમાં પણ એનો માનભર્યો ઉલ્લેખ છે. આ પુસ્તક વાંચીને એવું લાગ્યું કે જાણે પાકિસ્તાન તરફથી બંદૂકની ગોળી નહીં, પણ ફૂલનો દડો આવ્યો.
(નોંધઃ આ લેખ સાલ ૨૦૦૦ની આસપાસ લખાયો છે. અફસોસ કે મિત્ર યાહ્યા હાશિમ બાવાણી પણ જન્નતનશીન થઈ ગયા છે.)
[વેબગુર્જરી, ૨-૦૯-૧૯ના સદ્ભાવથી, મૂળ લેખમાંથી સંપાદિત]
E-mail : rajnikumarp@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2019; પૃ. 18-19 તેમ જ 12