લેખન થકી વાર્તાની સૃષ્ટિ શબ્દોમાં ઊતરી રહી હતી, પણ ત્યાંથી અટકવાનું ન હતું. એ દૃશ્યોને પડદા પર જીવતાં કરવાનાં હતાં. એ કામમાં પડકાર જ પડકાર હતા. અમે ગામ ઊભું કરવા માટે જે સ્થળ નક્કી કર્યું હતું. ત્યાં પહોંચવા માટે ભુજથી ૯૦ કિલોમીટર દૂર આવેલા ખાવડા પહોંચવું પડે. ખાવડાથી ૧૮ કિલોમીટર દૂર ગયા પછી ટૂરિઝમ વિભાગનો બંગલો આવે. ત્યાંથી થોડા કિલોમીટર આગળ જઈએ ત્યારે એ જગ્યા આવે, જ્યાં આજુબાજુ રણ સિવાય બીજું કશું ન દેખાય. ત્યાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ(બી.એસ.એફ.)નો બનાવેલો રસ્તો છે. એ રસ્તે તેમની જ અવરજવર હોય કેમ કે, એ બિનલશ્કરી નાગરિકો માટે નથી.
આવી જગ્યાએ બે-ચાર માણસ અને એક કૅમેરા લઈને તો શૂટિંગ થઈ જાય, પણ સો-દોઢસો-બસો માણસનો કાફલો હોય, સાથે સિનેમાની લાઇટો ધરાવતી ટ્રક હોય, તો બધો વહીવટ કેવી રીતે પાર પાડવાનો? હું અને પ્રતીક લખવાની પ્રક્રિયામાં હતા, જ્યારે આયુષ પટેલ અને મીત જાની પાસે એક્ઝિક્યૂશન(અમલ)ની જવાબદારી હતી. અમે તો હોંશે હોંશે જગ્યા નક્કી કરી આવ્યા, પણ આયુષ-મીતને એ જગ્યા વિશે ખબર પડી, ત્યારે જોવા જેવી થઈ. આવી વિચિત્ર અને જ્યાં કશી જ સુવિધા ન હોય, બલ્કે શક્ય એટલી અગવડો હોય ત્યાં આટલાં બધાં માણસોને લાવવાં-લઈ જવાનાં-રાખવાનાં અને તેમની સગવડ સાચવવાની. તેનો વહીવટ અને આર્થિક પાસું એટલાં આકરાં હતાં કે અમારી વચ્ચેના સંબંધો બગડી જાય, એટલું જ બાકી રહ્યું.
થોડી વધુ તપાસ કરતાં વીસેક કિલોમીટર દૂર એક ‘તોરણ રિસૉર્ટ’ મળ્યો. ત્યાં બહુ ઓછા લોકો જતા હોવાથી સુવિધાઓના અને જાળવણીના પ્રશ્નો હતા. અમે પોતે રહેવાની વ્યવસ્થા ઊભી કરીએ, તો તેમાં બીજાં પરિબળો ઉપરાંત પાણીની ગણતરી પણ કરવી પડે. કારણ કે ત્યાં પાણી ટૅન્કરથી જ મંગાવવું પડે. શરૂઆતમાં અમે વિચારેલું કે રહેવા-ખાવા-પીવાની તકલીફ ન પડે તો ઘણું. પણ પછી સમજાયું કે રહેવા-ખાવાનું તો ઠીક, બાથરૂમની ડૉલ સુદ્ધાંના પ્રશ્નો હતા. ટૂથપેસ્ટ જેવી મામૂલી વસ્તુ લેવી હોય તો અઢાર કિલોમીટર દૂર ખાવડા જવું પડે, પણ થોડી વધારે સુવિધાની જરૂર પડે તો સો કિલોમીટર દૂર પણ જવું પડે. મને યાદ છે કે અમારી વીસ ગાડીઓ રોજ દોડાદોડ કરતી હતી. કેટલીક ગાડીઓ રોજ ભૂજ જતી હતી.
આટલી મુશ્કેલી ઓછી હોય તેમ, શૂટિંગની પરવાનગીના મુદ્દે નવી મુસીબત ઊભી થઈ. અમારા સાથીદાર આયુષ પટેલને લાગતું હતું કે કલેક્ટરની પરવાનગી પૂરતી છે. પરંતુ અરજી કરી ત્યારે ખબર પડી કે આ સરહદી વિસ્તાર હોવાને કારણે ત્યાં ‘બોર્ડર સિક્યુરિટી ફોર્સ’નું એન.ઓ.સી. (વાંધો નથી એવું પ્રમાણપત્ર) જોઈએ. તે મેળવવા ગયા ત્યારે જાણ થઈ કે અમારે જ્યાં કામ કરવાનું છે, તે જંગલ ખાતામાં આવે છે. એટલે તેમની પણ મંજૂરી લેવી પડે. ત્યાં પહોંચ્યા ત્યારે કહેવામાં આવ્યું કે આ બધા ઉપરાંત સ્થાનિક પોલીસ સબ-ઇન્સપેક્ટરની પણ રજા લેવી પડે કે અમે લોકો શૂટિંગ કરીએ એમાં તેમને કશો વાંધો નથી.
જેમ ફિલ્મ એક સપનું હોય છે, તેમ ચાર ચાર વિભોગોમાંથી નિયમ પ્રમાણે સડસડાટ ફાઈલ નીકળી જાય ને પરવાનગીઓ મળી જાય, તે પણ જુદા પ્રકારનું સપનું છે. ફરક એટલો કે ફિલ્મનું સપનું તો ક્યારેક સાકાર થઈ પણ જાય. છતાં ઘણા લોકોની જુદા જુદા પ્રકારની મદદ પછી શૂટિંગ માટે નક્કી કરેલા સમય પહેલાં પરવાનગીના કોઠા વીંધી શકાયા.
[“સાર્થક જલસો” – ૧૩, અભિષેક શાહ સાથે ઉર્વીશ કોઠારીએ ‘હેલ્લારો’ના સર્જનની કરેલી અજાણી વાતોના લેખમાંથી]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2019; પૃ. 22