જેલવાસીની એક કેદી તરીકેની નહીં, પણ એક ઇન્સાન તરીકે હસ્તીને સ્વીકૃતિ અપાવીને ‘નવજીવન’ ગાંધીજીનું કામ કરી રહ્યું છે.
ગાંધી સાહિત્યના પ્રકાશન અને પ્રચાર-પ્રસારને વરેલાં ‘નવજીવન ટ્રસ્ટ’ના ઉપક્રમે રવિવારે સાંજે ટ્રસ્ટના જ પરિસરમાં આવેલાં જિતેન્દ્ર દેસાઈ સભાગૃહમાં એક હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો હતો. તેમાં અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓએ ભજન રજૂ કર્યાં. ત્યાર બાદ, કેદમાંથી તાજેતરમાં મુક્ત થયેલા ચિત્રકાર નરેન્દ્રસિંહ રાઠોડનું તેમ જ તેમનાં પત્ની ગીતાબહેનનું સન્માન કરવામાં આવ્યું. નરેન્દ્રસિંહે ચૌદ વર્ષની સજા દરમિયાન જેલમાં દોરેલાં દેશભક્તિનાં અને કુદરતી દૃશ્યોનાં ચિત્રો જેલની કૅન્ટિનની બહારની દિવાલોને આજે પણ શોભાવી રહ્યાં છે. જેલમાંથી છૂટ્યા બાદ પણ જેલ સાથે ચિતારા તરીકેનું તેમનું જોડાણ ચાલુ રહ્યું છે. બંદીવાનોના જીવનમાં પણ કંઈક રંગ-ઉમંગ આવે તેવા ઉમદા વિચાર સાથે તેમણે પોતાની કળાનો ઉપયોગ કર્યો છે. તેમણે હમણાં ધોમધખતા એપ્રિલ-મે દરમિયાન જેલની એક દિવાલના સોએક મીટર હિસ્સાને સાઠ ચિત્રોથી ચમકાવ્યો છે. જેલના મુલાકાતીઓ જે ગાંધી-ખોલી અને સરદાર-ખોલી જોવા માટે અચૂક આવતા હોય છે, તે રસ્તાના કોટની દિવાલની અંદરની બાજુ નરેન્દ્રસિંહે તેમના ગામ ધોળકાની ફાઇન આર્ટસના કેટલાક વિદ્યાર્થીઓની મદદથી ચિત્રો દોર્યાં છે. આ ચિત્રોમાં ગાંધી, સરદાર અને વિવેકાનંદનાં પોર્ટ્રેઇટ્સ્, કોમી એખલાસ, બાપુના ત્રણ વાંદરા, ધ્વજવંદના જેવાં વિષયો પરનાં ચિત્રો ઉપરાંત ચાવીઓ, સાંકળો, આકાશ તરફ ઊડાન ભરી રહેલાં પંખીઓ જેવાં પ્રતીકાત્મક ચિત્રો પણ છે. ‘નવજીવને’ પ્રશસ્તિપત્ર અને ત્રીસ હજાર રૂપિયા આપીને ચિત્રકારનું સન્માન કર્યું.
સન્માન પહેલાંના ભજન કાર્યક્રમના ભજનિકો ભરત મારુ, ઘનશ્યામસિંહ રાઠોડ, ભંવરલાલ કલાલ, શાંતિલાલ લુહાર અને પ્રવીણ બારોટ સરેરાશ દસ વર્ષથી જેલમાં છે. તેમણે બધાએ તેમની હક-રજાઓ દરમિયાન આ કાર્યક્રમ આપ્યો હતો. જેલવાસીને માટે દર વર્ષે મળતી ચૌદ રજાઓ ખૂબ મૂલ્યવાન હોય છે, કારણ કે વર્ષમાં એટલા જ દિવસ તેમને પરિવાર સાથે વીતાવવા મળતા હોય છે. પરિવાર જેલવાસી માટે કેવો અદકેરો હોય છે તેની ઝલક ઝવેરચંદ મેઘાણીનાં ‘જેલ-ઑફિસની બારી’ નામના અસ્વસ્થકારક વાર્તાસંગ્રહમાં મળે છે. એ પુસ્તકની ભાવભૂમિ મેઘાણીભાઈએ 1930-31ના અગિયાર મહિના દરમિયાન સાબરમતી જેલમાં વેઠેલા કારાવાસ પરથી રચાઈ છે.
ભજનમાં આવેલા કારાવાસીઓ રજા પર હોવાને કારણે તેમની સાથે પોલીસ ન હતી. કાર્યક્રમના સંચાલક અને બાહોશ પત્રકાર પ્રશાંત દયાળે કહ્યું તેમ ખરેખર તો એમાંથી કોઈ પણ ભાગી જઈ શકે એમ હતા. આપણે પણ કલ્પી શકીએ કે એને પકડવાનું આટલા મોટા દેશમાં અઘરું પડે. પણ પ્રશાંતભાઈએ બહુ વિશ્વાસ સાથે ઉમેર્યું કે આ બધા ભજનિકોને હમણાં કહ્યું હોય કે તમે પાછા જેલમાં જતા રહો, તો રિક્સા કરીને રજા પરના આ કેદીઓ ત્યાં પહોંચી જાય ! રજા પર ન હોય એટલે કે અત્યારે જેલમાં જ હોય તેવા કેદીઓનાં ભજનોનો એક કલાકનો કાર્યક્રમ એપ્રિલ મહિનાથી દર શુક્રવાર, શનિવાર અને રવિવારે સાંજે સાત વાગ્યે ‘નવજીવન’ના ઉપક્રમે યોજાય છે. તેના ‘કર્મ કાફે’ના ઓટલે બિલકુલ ખુલ્લામાં મંડળી ભજનો ગાય છે. સેંકડો ભજનોની જાણકાર આ મંડળી જેલના સંગીતશિક્ષક વિભાકર ભટ્ટ પાસેથી તાલીમ મેળવે છે. મંડળીના શ્રોતાઓમાં ગાંધી-થાળી કે પુસ્તકો માટે આવનારા મુલાકાતીઓ ઉપરાંત આઠ-દસ પરિવારો નિયમિતપણે માત્ર આ બંદીવાનોને સાંભળવા આવે છે. તેમાંથી કેટલાંક તેમની સાથે ગાવા ય બેસી જાય છે, મોકળાશથી વાતો પણ કરે છે. જેલવાસીઓ સાથે સેલ્ફી પડાવનારાની સંખ્યા વધી રહી છે ! કેદી સાથે લોકો સેલ્ફી પડાવે એ કેદી માટે અસાધારણ વાત છે. જેલવાસીની તેની કેદી તરીકેની નહીં પણ એક અચ્છા ઇન્સાન તરીકે હસ્તીને મળેલી એ મંજૂરી છે. એ સ્વીકૃતિ અપાવીને ‘નવજીવન’ ગાંધીજીનું કામ કરી રહ્યું છે.
ગાંધીજીના કારાવાસ તેમના જીવનનું રસપ્રદ પાસું છે. ‘યેરવડાના અનુભવો’ પુસ્તકમાં તેમણે ‘હું રીઢો થયેલો ગુનેગાર છું’ એમ નોંધ્યું છે. બાપુએ કુલ ઓગણીસ વખત જેલવાસ વેઠ્યો છે. દક્ષિણ આફ્રિકામાં 1908થી પાંચ વર્ષ દરમિયાન નવ વખત, અને ત્યાર પછી ભારતમાં 1944 સુધીમાં સુધીમાં દસ વખત. આમાંથી કેટલાક વિશે તેમણે વિગતવાર લખ્યું છે. ગાંધીજી માનતા કે વ્યક્તિ ‘ક્ષણિક ઘેલછા અને સાચા માર્ગદર્શનને અભાવે’ ગુનો કરે છે. તેમની સાફ હિમાયત હતી કે ‘જેલો સ્વાશ્રયી સુધારગૃહો બની જાય’, ‘કેદીઓને જેટલું આપી શકાય તેટલું અનુકૂળ વાતાવરણ મળી રહે’, ‘કેદીને એક એવા ઉદ્યોગનું જ્ઞાન મળી રહે કે જે એને જેલમાંથી છૂટ્યા પછી સ્વતંત્ર ધંધો કરવામાં મદદરૂપ થઈ પડે અને આબરુદાર નાગરિકનું જીવન ગાળવા તરફ તેમને ઉત્તેજન મળે’, ‘કેદીઓને વિશે જે અવિશ્વાસ રાખવામાં આવે છે તેને બદલે વિશ્વાસ સ્થપાય’.
ગાંધીને અપેક્ષિત અભિગમ સાથે ‘નવજીવન’ ગયાં ત્રણ વર્ષથી સાબરમતી જેલ સત્તાવાળાઓ સાથે કાર્યરત છે. શરૂઆત તો ગાંધી-વિચારનાં પુસ્તકોનાં વાચન પર આધારિત ‘ગાંધી-પરીક્ષા’થી થઈ જે દર વર્ષે સોએક જેલવાસીઓ આપે છે. ચાળીસેકની ઉંમરના શમ્સુદ્દીનભાઈ તેમાં હંમેશાં પહેલા નંબરે આવે છે. તેઓ અંગ્રેજીમાં પરીક્ષા આપે છે, એટલું જ નહીં વાંચવા આપેલાં પુસ્તકોમાંની ભૂલો તરફ ધ્યાન પણ દોરે છે. ‘કર્મા ફાઉન્ડેશન’નાં પ્રિયાંશી પટેલ થકી મહિલા જેલમાં ગોઠવવામાં આવેલ સેનેટરિ પૅડ બનાવવાના યુનિટમાં ઘણી બહેનો તાલીમ અને રોજગારી મેળવે છે.
‘નવજીવન’ ભજનિકોને ભજન ગાવા માટે મહેનતાણું આપે છે. તેણે યોજેલાં બંદીવાન ચિત્રકારોનાં ચિત્રોનાં પ્રદર્શનમાં થયેલી કૃતિઓનાં વેચાણમાંથી કલાકારોને આવક થઈ હતી. તે જેલવાસીઓને તેમણે બનાવેલી ગણપતિની મૂર્તિઓને વેચાણ માટેની વ્યવસ્થા દ્વારા આવકનો રસ્તો ઊભો કરે છે. ગુજરાત ભરની જેલોના કેદીઓની લેખનકળાની અભિવ્યક્તિ માટે બહાર પાડવામાં આવતા ‘સાદ’ ત્રૈમાસિક લેખકોને ‘નવજીવન’ પુરસ્કાર પણ આપે છે. ટ્રસ્ટ દ્વારા કેદીઓ માટે ચલાવવામાં આવતાં પ્રૂફ-રીડિંગ અને પત્રકારત્વનાં પ્રમાણપત્ર અભ્યાસક્રમમાં અત્યારે વીસેક વિદ્યાર્થીઓ છે. અહીં જ પ્રૂફ-રીડિંગ શીખેલા મિલનભાઈએ એટલી બધી આવડત કેળવી કે તેમની પાંચ વર્ષની સજા પૂરી થયાં બાદ ‘નવજીવને’ તેમને પોતાને ત્યાં પ્રૂફરીડર તરીકે નિમણૂક કરી. ‘નવજીવન’ ઉપરાંત પણ સરકાર પોતે અને કેટલીક સંસ્થાઓ સમયાંતરે જેલ-સુધારાનું કામ કરતી રહે છે. જેમ કે, અમદાવાદનાં ‘અંધજન મંડળ’ માટે સાત જેલવાસીઓનાં જૂથે અત્યાર સુધીમાં સાતસો જેટલાં પુસ્તકોનું ઑડિયો રેકૉર્ડિંગ કર્યું છે. મેઘાણીભાઈના પૌત્ર પિનાકીભાઈની પહેલથી મેઘાણી-ખોલી અને તેની બાજુમાં પુણ્યશ્લોક રવિશંકર મહારાજ તેમ જ અબ્બાસ તૈયબજીની ખોલીઓને પણ તાજેતરમાં સ્મારક તરીકે વિકસાવવામાં આવી છે. તેમાં મદદરૂપ થનાર નાયબ જેલ અધિક્ષક પી.બી. સાપરાએ આ સ્મારકો લાગણીપૂર્વક બતાવ્યાં.
કેદીઓ પ્રત્યે જેલ અધિકારીઓની લાગણીએ સાબરમતી જેલ સુધારણામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ગુજરાતની જેલોના સર્વોચ્ચ વડા મોહન ઝાની સક્રિય હકારાત્મકતા અને અનેક અધિકારીઓના વિધેયાત્મક અભિગમથી ‘નવજીવન’નું કામ શક્ય બન્યું છે. ‘નવજીવન’ના મૅનેજિન્ગ ટ્રસ્ટી વિવેક દેસાઈની ગાંધીવિચારની સમજનું નક્કર રૂપ જેલનાં કામમાં જોવા મળે છે. ‘નવજીવનનો અક્ષરદેહ’ માસિકના અભ્યાસી સંપાદક કિરણ કાપુરે જેલસુધારાને લગતાં ઉપક્રમોનું નિષ્ઠાપૂર્વક સંકલન કરે છે. અલબત્ત, ‘નવજીવન’નું આ કામ સુપેરે પાર પડી રહ્યું છે તેની પાછળ પ્રશાંત દયાળની પત્રકાર તરીકેની શાખ અને માણસ તરીકેની કરુણા છે. વિવેકભાઈ અને પ્રશાન્તભાઈ ગાંધીનું આ કામ ‘ગાંધી દોઢસો’ પછી પણ ચલાવશે એવી આશા અસ્થાને ન હોય.
********
10 જુલાઈ 2019
સૌજન્ય : ‘ક્ષિતિજ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”; 12 જુલાઈ 2019
પ્રશાન્ત દયાળની ફેઇસબુક દિવાલેથી સાભાર મેળવી આ લિંક ક્લીક કરવી અને ભજનો સાંભળવા :
dwhttps://gujarati.news18.com/videos/gujarat/video-listen-to-the-inmates-of-gandhijis-favorite-devotees-887466.html?fbclid=IwAR0XqEAm-G_Nsl7USqXG9Zj-_bs5lMXVYMJ46cbIGI1d5dKTgD5cZTWic