રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૧૯નો મુસદ્દો આજકાલ ચર્ચામાં છે. બી.જે.પી. સરકારે ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તાનું સુકાન સંભાળ્યું તે પછી તરત જ નવી શિક્ષણ નીતિ ઘડવાનું કામ હાથ ધર્યું હતું. દેશભરમાંથી જે ૨૯ હજાર સૂચનો મળ્યાં હતાં તેનો અભ્યાસ કરી શિક્ષણનીતિનો મુસદ્દો તૈયાર કરવા માટે સરકારે પૂર્વ કેબિનેટ સચિવ ટી.એસ.આર. સુબ્રમણ્યમ્ સમિતિની રચના કરી હતી. આ સમિતિએ ૨૦૧૬માં નવી શિક્ષણ નીતિનો મુસદ્દો સરકારને સોંપ્યો હતો, પરંતુ સરકારે તે જાહેર કરવાને બદલે ઈસરોના પૂર્વ ચેરમેન ડો. કે. કસ્તૂરીનંદનના અધ્યક્ષપદે સમિતિની રચના કરી અને તેને સુબ્રમણ્યમ્ સમિતિની ભલામણો ચકાસવા સહિત શિક્ષણનીતિનો મુસદ્દો નવેસરથી ઘડવાનું કામ સોંપ્યું હતું. જે હવે આપણી સામે છે.
૧૯૪૮માં યુનિવર્સિટી શિક્ષણ માટેના ડો.રાધાકૃષ્ણન્ પંચ અને ૧૯૫૨ના એલ. મુદલિયારના અધ્યક્ષપદ હેઠળના માધ્યમિક શિક્ષણ પંચ પછી ૧૯૬૪માં રચાયેલા કોઠારી કમિશનના રિપોર્ટ પરથી ૧૯૬૮માં સર્વગ્રાહી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અસ્તિત્વમાં આવી હતી. તેના પોણા બે દાયકા બાદ ૧૯૮૬માં નવી શિક્ષણનીતિ ઘડાઈ હતી. ૧૯૯૦માં આચાર્ય રામમૂર્તિ અને ૧૯૯૨માં યશપાલ સમિતિએ ૧૯૮૬ની શિક્ષણ નીતિની સમીક્ષા કરી હતી. તે પછીના સવા ત્રણ દાયકે હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવાનું હાથ પર લેવાયું છે.
અંગ્રેજોની શિક્ષણ નીતિનો ઉદ્દેશ ગુલામી ચાલુ રાખી કારકુનો પેદા કરવાનો હતો. ગાંધીજીની નઈ તાલીમનો ઉદ્દેશ આઝાદી સાથે હાથ અને હૈયાની કેળવણીનો હતો. સ્વાતંત્ર્યોત્તર ભારતના શૈક્ષણિક ઇતિહાસમાં મહત્ત્વના કદમસમી ૧૯૬૮ની શિક્ષણનીતિ, રાષ્ટ્રીય પ્રગતિ, સહિયારા નાગરિકત્વની ભાવના અને સંસ્કૃતિને વેગ આપવાનો તેમ જ રાષ્ટ્રીય ઐક્ય સુદૃઢ કરવાનો હેતુ ધરાવતી હતી. શિક્ષણના સાર્વત્રીકરણ કે સૌના માટે શિક્ષણનો હેતુ ધરાવતી ૧૯૮૬ની શિક્ષણનીતિ માનવમૂલ્યો અને સામાજિક ન્યાય પ્રત્યે દૃઢપણે વચનબદ્ધ થવાના ઉદ્દેશ સાથે નવા પડકારો અને સામાજિક જરૂરિયાતોના સંદર્ભને તાકતી હતી. ઈન્ટરનેટ ક્રાંતિ પછીની ૨૦૧૯ની હાલની શિક્ષણનીતિ ભારત કેન્દ્રિત શિક્ષણવ્યવસ્થાની કલ્પના કરે છે. આ શિક્ષણનીતિ ભારતને જ્ઞાનસમાજ (નોલેજ સોસાયટી) બનાવવાના ઉદ્દેશ સાથે ન્યાયસંગત અને નિષ્પક્ષ સમાજ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે.
ભારતની શિક્ષણનીતિ, માળખું અને પદ્ધતિમાં ધરખમ સુધારા સૂચવતો હિંદીમાં ૬૪૮ પૃષ્ઠોનો રાષ્ટ્રીય શિક્ષણનીતિનો વર્તમાન મુસદ્દો શાળેય શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, અન્ય મુખ્ય ફેક્સ ક્ષેત્ર અને શિક્ષણમાં પરિવર્તન એવા મુખ્ય ચાર ભાગમાં વહેંચાયેલો છે. પૂર્વેના કોઈ પણ એજ્યુકેશન કમિશન કરતાં આ કમિશને પ્રાથમિક શિક્ષણ પર સવિશેષ ભાર મૂક્યો છે. ૭+૪ અને ૧૦+૨ના માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણ માળખાને બદલે કસ્તૂરીનંદન સમિતિએ ૫+૩+૩+૪નું શિક્ષણ માળખું સૂચવ્યું છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણને તેણે શિક્ષણના મૂળભૂત માળખામાં સ્થાન અપાવ્યું છે. ૪થી ૮ વરસના બાળક માટે પ્રથમ તબક્કાનું પાયાનું શિક્ષણ, ૯થી ૧૧ વરસના બાળકનું ૩, ૪, ને ૫ ધોરણનું પ્રાથમિક શિક્ષણ, ૧૨થી ૧૪ વરસ માટે ૬, ૭, અને ૮ ધોરણનું ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ અને ૧૫થી ૧૮ વરસના કિશોરો માટે ૯થી ૧૨ ધોરણના માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણની ભલામણ કરી છે. નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણનો અધિકાર ૬થી ૧૪ વરસનાં બાળકોને અપાયેલો છે. તેનો વ્યાપ વધારીને સમિતિએ ૩થી ૧૮ વરસનાં બાળકોને શિક્ષણનો અધિકાર આપવા ભલામણ કરી છે. મધ્યાહ્ન ભોજન ઉપરાંત માધ્યમિક શાળાઓનાં ૧૨ કરોડ બાળકોને માટે સવારનો નાસ્તો આપવા સૂચવ્યું છે. ૩ વરસ પૂર્ણ કરનાર બાળકના પૂર્વ પ્રાથમિક શિક્ષણની જવાબદારી સરકારના શિરે મૂકી છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંપૂર્ણપણે પુસ્તકોથી મુક્ત અને તે પછીના પ્રાથમિક શિક્ષણમાં મૂળભૂત સાક્ષરતા એટલે ભાષા અને ગણનના જ્ઞાન પર ભાર મૂક્યો છે. ગોખણમાંથી મુક્તિ અપાવતી શિક્ષણ પદ્ધતિ અને તેને અનુરૂપ અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિનો આગ્રહ છે. બાળકોને ભણતર પ્રત્યે આકર્ષણ થાય તેવા આકર્ષક વર્ગખંડો અને શિક્ષકોની અપેક્ષા છે. બુનિયાદી સગવડોથી સજ્જ શાળા પરિસરો ઊભાં કરવાની ભલામણ કરી છે.
માત્ર શિક્ષણ નહીં પણ બાળકોમાં સર્જનાત્મકતા વિકસાવે તેવા ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શિક્ષકોની નિમણૂક પદ્ધતિ વધુ કઠિન અને પારદર્શી બનાવવા ચાહ્યું છે. માધ્યમિક શિક્ષકો માટેનો બી.એડ.નો અભ્યાસક્રમ ચાર વરસનો કરવાની, શિક્ષકોની સતત તાલીમ અને પુસ્તકિયા શિક્ષણના વિકલ્પ સાથે વિષય પસંદગીના વિકલ્પો આપ્યા છે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવા સાથે ત્રિભાષા ફેર્મ્યુલા લાગુ પાડવામાં આવશે.
ઉચ્ચ શિક્ષણને વધુ ઉદાર, લિબરલ આર્ટ્સ અને વિષય પસંદગીમાં વિવિધતા આપવાની ભલામણ છે. સ્નાતક કક્ષાનું શિક્ષણ ૪ વરસનું અને વિકલ્પે ૨ કે ૩ વરસનું સૂચવ્યું છે. જય વિજ્ઞાન અને જય અનુસંધાનના મંત્રને સાકાર કરવા સંશોધન પર ખાસ ભાર મૂક્યો છે. રિસર્ચ માટે પૂરતી નાણાકીય જોગવાઈ સાથેના રાષ્ટ્રીય પંચની સ્થાપના કરવાની ભલામણ છે. વડા પ્રધાનના અધ્યક્ષસ્થાને નેશનલ એજ્યુકેશન કમિશનની રચના કરવાની ભલામણ કરાઈ છે. તેને કારણે શિક્ષણની સ્વાયત્તતા અને સ્વતંત્રતાને વણછો લાગવાની દહેશત રહે છે. શિક્ષણના વિકાસ માટે સરકારો પૂરતાં નાણાં ફળવતી નથી તે સૌથી મોટો અવરોધ છે. કોઠારી કમિશને છેક ૧૯૬૮માં જી.ડી.પી.નાં ૬ % નાણાં શિક્ષણ માટે ફાળવવા ભલામણ કરી હતી. કેન્દ્રની કોઈપણ પક્ષની સરકારે જી.ડી.પી.ના ૩ %થી વધુ નાણાં ફળવ્યાં નથી. હવે હાલની શિક્ષણ નીતિમાં પણ જી.ડી.પી.ના ૬ %ની ભલામણ કે હાલના કુલ ખર્ચના ૧૦ %ને આગામી દસ વરસોમાં ક્રમશઃ વધારીને ૨૦% કરવાની ભલામણ છેતરામણી છે. અપૂરતી નાણાકીય જોગવાઈથી અમલ શક્ય નથી. ૨૦૧૯ની રાષ્ટ્રીય શિક્ષણનીતિ આગામી દોઢ બે દાયકા સુધી અમલી રહેશે તેવો આશાવાદ સેવાય છે. સમિતિએ તેની ભલામણો માટે ૨૦૩૫ સુધીની ટાઈમલાઈન આપી છે. ૧૯૬૮, ‘૮૬ કે ‘૯૨ની શિક્ષણ નીતિની ભલામણોનો હજુયે અમલ થયો નથી ત્યારે શિક્ષણના અધિકારનો દાયરો વિસ્તારવા સહિતની ભલામણો લાગુ પાડવા ભારે બહુમતીની નહીં દૃઢ રાજકીય ઇચ્છાશક્તિની જરૂર છે. ત્રિભાષાના મુદ્દે સરકારે આરંભે જ પીછેહઠ કરી છે. શિક્ષણ સમવર્તી યાદીનો વિષય છે અને અમલ રાજ્ય સરકારોએ કરવાનો છે ત્યારે આ શિક્ષણનીતિ કેટલી રાષ્ટ્રીય બની રહેશે તે પણ સવાલ છે. બહુ કનડતી સેમેસ્ટર સિસ્ટમ ચાલુ રહેવાની હોય, શિક્ષણનું વ્યાપારીકરણ અટકવાનું ન હોય, વ્યાવસાયિક શિક્ષણના નામે કશું નવું થવાનું ન હોય, ગામડાં, ખેડૂતો અને ગરીબોને શિક્ષણનીતિમાં ઉચિત સ્થાન ન હોય તો તેનાથી ઝાઝો ફેર પડશે નહીં. અંગ્રેજોના જમાનાથી ચાલ્યો આવતો જૂન માસથી શૈક્ષણિક વરસનો આરંભ કેટલો ઉચિત છે તેનો કોઈ પંચ વિચાર સુધ્ધાં ન કરે તે કેવું ?
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 10 જુલાઈ 2019