સામાન્ય રીતે સાહચર્યનો અર્થ આપણે દામ્પત્યજીવન સાથે જોડીએ છીએ, પણ કમ્પૅન્યન્શિપ અથવા એસોસિયેશનના અર્થમાં, સાહચર્ય એટલે, સાથે રહેવું કે ફરવું તે, સહચાર, સંગ, સાથ, સોબત, હંમેશાં સાથે હોવું તે. સંપાદક અને સાહિત્યકાર ભરત નાયક-ગીતા નાયકે, આ સાહચર્ય શબ્દને, અથવા એ ભાવને, સાહિત્યની સોબતના દાયરામાં ચરિતાર્થ કર્યો, તેનું આ અનોખું પુસ્તક 'સાહચર્ય' છે. ગુજરાતમાં નાના-મોટા શહેરોમાં, નાના-મોટા સ્વરૂપે અનેક સાહિત્ય શિબિરો થાય છે. ભરત નાયક-ગીતા નાયકે ત્રીસેક વર્ષ સુધી આવી શિબિરોનું આયોજન કરેલું. આટલી ધીરજ અને ઉત્કટતા એ મોટી વાત છે.
શિબિરોમાં સાહિત્ય અને કળાની વાતો થાય, સર્જન થાય, તે તો ક્યાંકને કયાંક કાગળોમાં હોય (આ કિસ્સામાં તેમનાં બે સામયિકો, 'ગદ્યપર્વ' અને 'સાહચર્ય'માં), પણ આ શિબિરોનાં સંસ્મરણો ‘આવજો .. આવજો' કર્યા પછી ભુલાઈ જાય. એને અંકે કરીએ તો કેવું? 'નવનીત-સમપર્ણ' સામાયિકના સંપાદક, દીપક દોશીને, આ સવાલ થયેલો અને એમણે જવાબમાં આ પુસ્તક આપ્યું છે. ૭ જુલાઈના રોજ, એસ.પી. જૈન ઑડિટોરિયમ, ભવન્સ કેમ્પસ, અંધેરી, મુંબઈમાં સવારે ૧૦.૩૦ વાગે આ પુસ્તકનું પ્રકાશન થયું.
એમાં કેવા સાહિત્યકારો અને કલાકારોનાં સંસ્મરણો છે? થોડાં નામો: ગુલામમોહમ્મદ શેખ, બાબુ સુથાર, નૌશિલ મહેતા, પ્રબોધ પરીખ, અજય સરવૈયા, અજીત ઠાકોર, હિમાંશી શેલત, કિરીટ દૂધાત, કાનજી પટેલ, કમલ વોરા, બિપીન પટેલ, હર્ષદ ત્રિવેદી, અતુલ ડોડિયા, મનોજ શાહ, બકુલ ટેલર, સોનલ શુક્લ, ઉત્કર્ષ મઝુમદાર, વગેરે.
દીપક દોશી મને કહે, "ગુલામમોહમ્મદ શેખે સાહચર્ય અંકના એક ઉદ્ઘાટન પ્રવચનમાં કહ્યું હતું કે આવી સાહિત્યિક નિસબતવાળી સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ ભારતમાં બીજે ક્યાં ય મેં જોઈ નથી." એમાંથી દીપક દોશીને વિચાર આવ્યો કે ત્રીસ વર્ષની આ શિબિરોને લઈને, એમાં ભાગ લેનારા સર્જકોને તેની કેવી યાદગીરી છે, તે એકઠી કરાવી જોઈએ.
"લાભશંકર ઠાકર અને મિત્રોની 'રે મઠ'ની ઘણી યાદો ખોવાઈ ગઈ," દીપક કહે છે, "તો મને થયું કે બે વ્યક્તિઓ – ભારત નાયક અને ગીતા નાયક-ની ત્રીસ વર્ષની આટલી સરસ નિષ્ઠા ગાયબ ના થઇ જાય, તે માટે કશુંક કરવું જોઈએ."
આ નિષ્ઠાની શરૂઆત સુરેશ જોશીના 'સાયુજ્ય' સામાયિકથી થયેલી. બે અંક નીકળ્યા, અને બંધ થઇ ગયું. ભરત નાયક-ગીતા નાયકે, પહેલાં ગદ્યપર્વ અને પછીથી સાહચર્યમાં, શિબિરોનાં સર્જનો પ્રગટ કરેલાં, તેને ત્રીસ વર્ષ થયાં.
શિબિરમાં શું થાય? મેં પૂછ્યું. દીપક કહે, "વર્ષમાં ત્રણ-ચાર દિવસ માટે બધા, ગુજરાતમાં ક્યાંક, ભેગા થાય. ગીતા બહેન બધું સંકલન કરે. એમાં લેખકો હોય, ચિત્રકારો હોય, નાટ્યકારો પણ હોય. લખે, વાતો કરે, વિચારો કરે, એકબીજાને મળે, ખાય-પીવે. રાત્રે બધું રજૂ કરે. ગુલામમોહમ્મદ શેખ, સ્કૂલના વિધાર્થીની શિસ્ત સાથે, પીળા રંગના કાગળો લઈને સવારથી બેસી જાય. સાંજે એ બોલે, તો છક થઇ જવાય. ભૂપેન ખખ્ખરના 'મોજીલા મણિલાલ,' આવી રીતે જ એક શિબિરમાંથી આવેલા."
"મને પુસ્તકનું આ કવર ગમી ગયું," મે કહ્યું. દીપક કહે, "એ અતુલ ડોડિયાનું છે. ખંડાલામાં શિબિર થઇ હતી, ત્યારે કવિ રામચંદ્ર પટેલ આવી રીતે ઊભા હતા અને અતુલ ડોડિયાએ તેમનો ફોટો પાડેલો. તેના પરથી પેઈન્ટિંગ બનાવ્યું. પછી તો કરોડો રૂપિયામાં એ વેચાયું."
દીપક મને કહે, "એક શિબિરમાં અમે એક ખેડૂતને બીડી વાળતો અને પીતો જોયો. કુતૂહલવશ મેં પૂછ્યું કે આવી રીતે તાબડતોબ બનાવીને પીવો? એણે હોંકારો કરીને મને બીડી થમાવી દીધી. હું ક્યારે ય પીવું નહીં. તે દિવસે પીધી. નિકોટીનની એવી કીક વાગી કે આજુબાજુમાં શાંતિ પથરાઈ ગઈ હોય તેવું લાગ્યું."
"પુસ્તક તમને મોકલાવું છું, ગમશે," દીપકે દોશીએ કહ્યું.
મને થયું, કીક અને શાંતિ બંને પાક્કી.
https://www.facebook.com/raj.goswami.31/posts/2550941664956161