હૈદરાબાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ભણતા વધુ એક વિધાર્થીની આત્મહત્યા, ઊગતા સૂરજને પૂજતા આધુનિક સમાજની નિષ્ફળતાનો પુરાવો છે.
આઈ.આઈ.ટી.માં આ વર્ષે આ બીજી આત્મહત્યા છે. મૂળ વારાણસી, ઉત્તર પ્રદેશનો ૨૦ વર્ષનો માર્ક એન્ડ્ર્યુ ચાર્લ્સ, ડિઝાઇનિંગમાં માસ્ટર્સ કરી રહ્યો હતો. તેણે છેલ્લા વર્ષની પરીક્ષા આપી હતી અને અંતિમ પ્રેઝન્ટેશનની તૈયારી કરતો હતો. એને ડર હતો કે તે સારા માર્ક્સ નહીં લાવે. ગઈ ૯મી તારીખે, તે તેની હોસ્ટેલ રૂમના સીલિંગ ફેન પર લટકી ગયો. જાન્યુઆરી મહિનામાં આ જ ઇન્સ્ટિટ્યૂટમાં, મિકેનિકલ એન્ડ એરોસ્પેસના ત્રીજા વર્ષનો વિધાર્થી, એમ. અનિરુદ્ધ, હોસ્ટેલના બિલ્ડીંગ પરથી કૂદીને મરી ગયો હતો.
માર્ક એન્ડ્ર્યુ ચાર્લ્સે મરતા પહેલાં તેના માતા-પિતા અને દોસ્તોને સંબોધીને, આઠ પાનાની ચિઠ્ઠી લખી હતી. તેણે લખ્યું હતું, "મારી પાસે નોકરી નથી, કદાચ મળશે પણ નહીં. ના-લાયકને કોઈ કામ પર રાખતું નથી! મારી ગ્રેડ શીટ દંગ રહી જવાય તેવી છે. હજુ થોડા વધુ અક્ષરો પાડેલા હોત, તો બારાખડી જેવી દેખાત. બીજા સૌની જેમ, મને પણ સ્વપ્નાં હતાં. આ બધી હકારાત્મકતા, સતત હસતા રહેવાનું, લોકોને કહેતા રહેવાનું કે 'હું ઓકે છું,' એ જૂઠ છે. હું ઓકે નથી. ઘરથી દૂર બે વર્ષ, શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ અને આજુબાજુમાં ઉત્તમ લોકો, મે બધું વેડફી નાખ્યું.
"અંકિત, રજ્જો, આઈ.ટી. મેં કામ કરતે કરતે આપની લાઈફ મત ભૂલ જાના. રોજ થોડું થોડું જીવજો. એક હી જિંદગી મિલી હૈ. મને કલ્પના પણ ન હતી કે હું તમને આવી રીતે નિરાશ કરીશ. મને મીસ ના કરતા. હું તેને લાયક નથી. હું બેકાર છું. એટલું જ કે હું તમને એ જ રીતે પ્રેમ કરું છું, જેવી રીતે તમે કરો છો. મિત્રો એવા જ હોય ને? અને હું દુઃખી છું, એટલે આ નથી કરતો. તમે બેસ્ટ પેરન્ટ્સ છો, તેના માટે થેંક યુ. હું આવો નાકામ રહ્યો, તેના માટે સોરી. મારા શરીરને દફન ના કરશો. મેડિકલમાં દાન કરજો. ભારતના ભાવિ ડોક્ટરો માટે એ કામમાં આવશે."
આ ચિઠ્ઠી સમાજના ગાલ પર તમાચો છે. આ આત્મહત્યા પરીક્ષામાં ઓછા માર્ક્સની કે નાપાસ થવાની નથી. આ આત્મહત્યા સમાજની નજરોમાં ના-લાયક, નાકામ, નિષ્ફળ હોવાની છે. બંનેમાં ફરક છે. સમાજિક પ્રાણી તરીકે દરેક માણસો આપસી સહયોગ, સંબંધ, હમદર્દી અને ઉદારતાથી બંધાયેલા છે. એક બાળક માટે બીજી વ્યક્તિની પીડાથી વ્યથિત થવું બહુ સહજ છે. રસ્તા પર કોઈ માણસ અચનાક કોઈ વાહન સાથે ભટકાય અને ચીસ પાડે, તો આપણા મગજમાં પણ એક ટીસ ઊઠે છે અને આપણે પણ ચીસ પાડીએ છીએ. આને હમદર્દી કહે છે.
બીજાનાં દુઃખે દુઃખી થવું તે બુનિયાદી માનવ વૃતિ છે, પણ આપણે આ વૃતિથી વિરોધાભાસી સમાજમાં રહીએ છીએ, જેમાં દુનિયાની કુલ વસ્તીના એક ટકો લોકો પાસે દુનિયાની અડધોઅડધ સમૃદ્ધિ છે. આપણને બેઘર લોકો કરતાં, ઘરની વધતી કિંમતોની વધુ ચિંતા છે. આપણને આપણી રાજકીય પાર્ટીઓ આપણાં હિત જોશે કે નહીં તેની શંકા છે. સમાજમાં આપણી કિંમત આપણે શું છીએ, તેના પરથી નક્કી થાય છે. આધુનિક સામાજિક, રાજકીય અને આર્થિક વ્યવસ્થામાં લોકો બંધાયેલા રહેવાને બદલે વિમુખ હોવાનો અહેસાસ કરે છે.
એમાં આપણને એવું શીખવાડમાં આવ્યું છે કે સફળતાનો સૌથી મોટો માપદંડ પૈસો છે – આપણી આર્થિક લાયકાત આપણી માણસ તરીકેની લાયકાતને નક્કી કરે છે. સફળ એ છે જેની પાસે નામ છે અને દામ છે. જે સાધારણ છે, ગુમનામ છે, તે ગરીબ છે. આપણે સૌ અસાધારણ બનવા માટે એકબીજાની હરીફાઈમાં છીએ. એમાં જે સૌથી નિષ્ઠુર છે, તે જીતે છે અને સમાજની વાહવાહી મેળવે છે.
જે ક્રૂર છે, નિર્મમ છે, પ્રેક્ટિકલ છે, તે મક્કમ મનનો અને દિલેર છે. જેનામાં હમદર્દી છે અને ભાવનાત્મક સમજદારી છે, તે કમજોર છે. આપણે માનીએ છીએ કે માણસ બુનિયાદી રીતે કરુણામય અને લગાવવાળો છે, પણ આધુનિક સમાજનું જે વાતાવરણ છે, તે માનવીય સ્વભાવથી વિરોધી છે. આ નવું નથી. માણસના સહઅસ્તિત્વનો પાયો જ સહકાર અને સમાનતા પર રચાયેલો છે. આપણાં આપસી પરંપરાગત મૂલ્યો આ સહઅસ્તિત્વમાંથી આવ્યાં હતાં. આધુનિક સમાજનાં આ 'નવાં' મૂલ્યો, લાલચ, હરીફાઈ અને પાવરની વાસના, સમાજની ઘણી બધી ખરાબીઓના મૂળમાં છે. આપણને આ પણ ખબર છે.
ઇન્ફેક્ટ, આપણને આ બંને પરસ્પર વિરોધી મૂલ્યોની ખબર છે, તે જ આપણી મુસીબતનું મૂળ છે. આપણને એક અચ્છા પિતા અને અચ્છા પતિ બનવું છે, આપણને લાગણીશીલ મિત્ર અને સાથીદાર બનવું છે, આપણને આપણાં મોટેરાંઓ સાથે પરિપૂર્ણ સંબંધ રાખવો છે, આપણને આપણા મગજનો મૌલિક અને રચનાત્મક ઉપયોગ કરવો છે અને આપણને રાજકીય-સામાજિક રીતે જાગૃત જીવન જીવવું છે, પણ આપણે આપણા આ માનવીય વ્યવહારની બુનિયાદ અને સામાજિક માપદંડો પર ખરા ઉતરવાની મજબૂરી વચ્ચે પીસાઈ ગયા છીએ. જે પણ રસ્તે જાવ, તમે એકમાં તો નાકામયાબ જાવ જ છો.
તમે માણસ બનવા જાવ છો, તો સમાજની નજરમાં નિષ્ફળ જાવ છો. સામાજિક રીતે સફળ થાવ છો, તો માણસ તરીકે ખુદની નજરમાંથી પડો છો. આપણે બંને રસ્સી પર ચાલવા જઈએ છીએ, અને બેલેન્સ ગુમાવીએ છીએ.
૨૦ વર્ષનો માર્ક એન્ડ્ર્યુ ચાર્લ્સ, કદાચ આવી જ રસ્સી પરથી પડ્યો હતો.
https://www.facebook.com/permalink.php?story_fbid=2320264434968269&id=1379939932334062&__tn__=K-R