સોશ્યલ મીડિયા ભારોભારનું સર્જનાત્મક છે. કમ્પ્યૂટર પણ મલ્ટિ-ડાયમૅન્શનલ છે
કમ્પ્યૂટરને લીધે મારી બે વસ્તુઓ ઝુંટવાઈ ગઇ છે : એક તો, કાગળ પર ઈન્ડિપેનથી પત્ર લખવાની મજા. કેટલી સરસ એ દેશી અને વિલાયતી પેનો હતી. આજે ઠરીને ઠીકરું થઇ ગઇ છે. એ પેનોની સામે જોતાં મને શરમ આવે છે. ’ફરગેટ મી નૉટ’-ના મૉંઘા ભૂરા કાગળ પર લખેલા પ્રેમપત્રો, ઓ ભગવાન ! ખૂબ યાદ આવે છે. બીજી વસ્તુ ચાલી ગઈ તે મારા અતિ સુન્દર હસ્તાક્ષર. ‘મોતીના દાણા જેવા’ તો ચવાઈ ગયેલી ઉપમા છે. બીજી કોઇ ઉપમા સૂઝતી નથી એટલે હું એને ‘અનુપમ’ કહું છું. એ અનુપમ વડે બે કાગળ વચ્ચે ભૂરું કાર્બન પેપર મૂકીને લખેલા લેખો યાદ આવે છે. એ પછી ‘સન્લિટ બૉન્ડ’ પેપર પર લખીને ઝેરોક્ષ કરાવેલા લેખો યાદ આવે છે. આજે તો કશું ટપકાવવું હોય ને કમ્પ્યૂટર બંધ હોય, કાગળનો ટુકડો કે ચબરખી જે હાથ ચડે એ પર ફટાફટ લખી નાખું છું. એટલું બધું જલ્દી જલ્દી કે પછી એને હું જ નથી ઉકેલી શકતો !
સારા હસ્તાક્ષરની ટેવ તો બા-એ પાડેલી. સ્લેટમાં ચાર ખાનાં કરીને પોતે ક ખ ગ ઘ લખે, ને કહે, ઘૂંટીને બરાબ્બર જાડા બનાવ; પણ જોજે, એક પણ એના ખાનાની બ્હાર ન જવો જોઇએ. ત્યારે, સૅકન્ડરીમાં, બરુનો કિત્તો જાતે બનાવવાનો અને કૉપિબુકમાં પોલા પોલા જે A B C D હોય એને શાહીથી ભરવાના. ત્યારે પણ કસોટી એ કે લાઈનની બ્હાર કિત્તો જવો જ ન જોઇએ, ને શાહીથી ભરાઇ જાય એ તો ચાલે જ નહીં. રવિ શંકર માસ્તર મને ‘પાઠમાળા’ શીખવતા. હોમવર્ક માટેનો એમનો આગ્રહ એ કે એમણે પૂછેલા પ્રશ્નોના ઉત્તરો મારે ત્રીજી ઍબીસીડીમાં જ લખવાના. અંગ્રેજી ઍટિકેટ સાથે રૂઆબમાં રવાલ ચાલે ચાલતી મારી એ લાઈનો હજી દેખાય છે. ચિનુ ગાંધી નામે મારા એક મિત્ર છે, ઇજનેર છે, પણ કૅલિગ્રાફી – સુલેખન – કરી જાણે છે. મૂળ કારણ એ કે એમના પણ હસ્તાક્ષર, મોતીના -નો નો ! બસ, બહુ જ સુન્દર છે.
આ સઘળો હસ્તાક્ષરનાશ મને પીડે છે. પરન્તુ બીજી તરફ, કમ્પ્યૂટરના સ્ક્રીન પર સ્વયંભૂ પ્રગટતા આ અક્ષરો, શબ્દો અને વાક્યોની લયવાહી આ જે રમ્ય ફૂલવેલ વિસ્તરતી ચાલે છે, પીડા યાદ નથી આવતી. હસ્તાક્ષર વખતે જમણા હાથનો અંગૂઠો અને પહેલી બે આંગળીઓ ખાસ વપરાય, હવે કમ્પ્યૂટર પર બન્ને હાથની દસેય આંગળીઓ પ્રયોજાય છે. ચોખ્ખી લેખનસૃષ્ટિ જન્મે છે. પીડા પ્રસન્નતા બની જાય છે.
ખાનાની બ્હાર નહીં જવાનું બા-એ ભલે કહેલું, આજે તો મારું ભાવજગત કે જ્ઞાનજગત કક્કો ને બારાખડીની બ્હાર ને બ્હારથી યે બ્હાર કોણ જાણે કેટલે બ્હાર ચાલી ગયું છે. આ ‘ભાવજગત’ અને ‘જ્ઞાનજગત’ પણ ચવાયેલા શબ્દપ્રયોગો છે. એમાં ‘જગત’ તો સાવ ફુલાવેલો લાગે છે. એટલે મને એમ છે કે એ બન્ને ‘જગતો’-ને ઈરેઝર હેઠળ મૂકી દઉં. એટલે કે, ચૅંકી નાખવાનું ખરું પણ ભૂંસી નાખવાનું નહીં. જોનારાંને દેખાવું જોઇએ. એથી એમ સૂચવાય કે ભૂલોનો એકરાર તો હું કરીશ ત્યારે, પણ એ માટે હું આ ક્ષણથી તત્પર છું. મારી વાચનયાત્રાને તો મેં ઈરેઝર હેઠળ મૂકેલી છે. એકાદ વાર તો માણસે પોતાનું બધું ઈરેઝર હેઠળ મૂકી દેવું જોઇએ … અરે, પણ આ બધી ફિલસૂફી માટે થોડી છે આ જગ્યા? સૉરિ.
હું વાત તો કરતો’તો પત્રલેખન, હસ્તાક્ષર અને સુલેખનને ગુમાવ્યાની. જો કે મારે કરુણ અતીતરાગ નથી ગાવો. ગયું તે ભલે ગયું. નવાનું સ્વાગત છે. પણ નવાથી જે આડ અસરો અને આડ પેદાશો જન્મી છે તેની વાતો તો શૅઅર કરી જ શકાય. આમે ય આજકાલ આપણે શૅઅર શું કરીએ છીએ? વ્હૉટ્સઍપ પર, ફેસબુક પર, સાહિત્યિક – જેવું રેડીમેડ જે કંઇ ઠલવાયું હોય એના પર નજર નાખીને ફૉરવર્ડ કરી દઇએ છીએ. ‘લાઈક’ ‘સુપર્બ’ ‘અફલાતૂન’ ‘ગ્રેટ’ જેવી એકાક્ષરી કમેન્ટ્સ મોકલી દઇએ છીએ. વિદેશી પુસ્તકોની અધ્યાત્મની કે સાહિત્યની મૂલ્યવાન વાતો લગભગ રોજે રોજ પીરસાય છે. નીવડેલા અધ્યાપકો પાસે અપેક્ષા રહે છે કે એ વાતોને તેઓ સમુચિત દિશામાં જરાક તો વિસ્તારે. મોટાભાગના તેઓ દેખા દે છે પણ ચૂપ બેઠા રહે છે. ટૂંકમાં, કહેવાય સોશ્યલ મીડિયા પણ એમાં સોશ્યલ જેવું કંઇ છે નહીં.
કાવ્ય નાટક કે વાર્તાની સુન્દરતા ક્યાં શૅઅર કરીએ છીએ? સુખ્યાત કવિની પંક્તિ વિશે કોઇની જોડે કોઇ કલાકથી ચર્ચાએ ચડી ગયું હોય એવું બને છે ખરું? આસપાસમાં જોઇને કહેજો. એક વાર અમે ત્રણ મિત્રો અનિલ જોશીના કાવ્યમાં આવે છે એ ‘શકુન્તલાની ખાલી આંગળી’ શબ્દગુચ્છ વિશે રાતના આઠથી મધરાત લગી મચી પડેલા. પોતાને ‘બાળક’ કહેતી એક તેજસ્વી બાળાએ થોડા દિવસ પર મને એક આસ્વાદ્ય અને સૂચક વાક્ય મોકલ્યું : You have my heart to feel the sweetest vibes thriving in you : તારામાં ઊછરી રહેલા સુમધુર ભાવસ્પન્દનોને અનુભવવા તારી પાસે મારું હૃદય તો છે : આ એનો મેં કરેલો કામચલાઉ અનુવાદ છે. મૂળમાં અંગ્રેજી ભાષા પ્રભાવકપણે ભાવવહન કરે છે. ગુજરાતીમાં એટલી જમાવટ નથી થતી. અહીં એક સમર્પિત હૃદય છે અને એક આતુર હૃદય છે. બન્નેને એક થવું છે; અથવા તેઓ એક છે જ; આ તો એકત્વના સુખદ તોષનો અમસ્તો ઉદ્ગાર છે. નામ તરીકે vibe વ્યક્તિને વિશેની લાગણી સૂચવે અને ક્રિયાપદ તરીકે સમ્મતિ. માણસ કહી શકે She and I are totally vibing. પણ છોડો આ બધી હૃદયોનાં vibrations-ની ગહન-સુન્દર વાતો. આપણે ક્યાં આવા કશા સુવિચારો સાથે પાનું પાડીએ છીએ? ને અંગ્રેજી !? રામ રામ ભજો ! છીએ તે જ ઠીક છીએ !
ઈશ્વરદત્ત શક્તિઓને ઓળખવાને બદલે, નથી લાગતું કે આપણે ક્ષુલ્લક વાતોમાં રમમાણ થઇ ગયા છીએ? આપણને ખબર નથી કે આપણું એ ધ્યાન કમ્પનીઓ દ્વારા બારોબાર ‘વેચાય’ છે ! આપણાં વાચન – જો હોય તો – ઉતાવળિ યાં થઇ ગયાં છે. મૅસેજ આવ્યો છે, વળતો મૅસેજ ઝટ મોકલી દેવો છે. આ બેકાબૂ પ્રવૃત્તિ માટે કેટલાક એમ કહે છે કે સોશ્યલ મીડિયા તો એવું જ હોય. ના ! એ લૂલો બચાવ છે. સોશ્યલ મીડિયા ભારોભારનું સર્જનાત્મક છે. દુનિયાભરના લોકો ક્રીએટિવ સોશ્યલ મીડિયાના લાભોથી રળિયાત છે. કમ્પ્યૂટર પણ મલ્ટિ-ડાયમૅન્શનલ છે. અધ્યાપક પત્રકાર સાહિત્યકાર કે સાહિત્યરસિક માટે કમ્પ્યૂટર કાગળ-પૂંઠાં વિનાનું પુસ્તક છે, સામયિક છે, ડિક્શનરી છે. દીવાલો વિનાની લાઈબ્રેરી છે. ક્લાસરૂમ વિનાની યુનિવર્સિટી છે. સ્ટુડિયો છે. ગ્રામોફોન છે. રૅકર્ડર છે. થીએટર છે. સિનેમા છે. મ્યુઝિયમ છે. આર્ટ ગૅલેરી છે. જિમ્નેશિયમ છે. કોઇપણ આર્ટને માટેની વર્કશૉપ છે. કમ્પ્યૂટરને તમારા ખૉળા સિવાય કશાની જરૂર નથી – તમારી લૅપ જો ટૉપ હોય.
મારે, ગગનેથી અહર્નિશ ઝળુંબતી આ બહુહસ્તપાદ નવતાની જ વાતો કરવી’તી પણ એક પીડાથી બીજી પીડામાં ચાલી ગયો … સૉરિ …
પ્રગટ : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની કટાર, “નવગુજરાત સમય”, 13 જુલાઈ 2019
https://www.facebook.com/suman.shah.94/posts/2601940589836838