મંગળવારે બે ઘટનાઓ એવી બની છે જે બંધારણીય અને કાયદાકીય રાજની ચિંતા કરનારાઓને શાતા આપનારી છે. આપણે ઇચ્છીએ કે આ સ્પિરિટ જળવાઈ રહે. આમ એટલા માટે કહેવું પડે છે કે વડા પ્રધાનની પહેલી મુદ્દત દરમ્યાન જુદા તેવર જોવા મળ્યા હતા. સ્પિરિટ જળવાઈ રહે એમાં વડા પ્રધાનને અને બી.જે.પી.ને બંનેને લાભ છે.
પહેલી ઘટના દિલ્હીમાં મળેલી બી.જે.પી.ના સંસદીય પક્ષની બેઠકની છે, જેમાં વડા પ્રધાને ઈંદોરમાં બનેલી ઘટનાની આકરી નિંદા કરી છે. બી.જે.પી.ના મહામંત્રી અને પક્ષના પહેલી હરોળના નેતા કૈલાશ વિજયવર્ગીયના વિધાનસભ્ય પુત્ર આકાશ વિજયવર્ગીયે સરકારી અધિકારીને જાહેરમાં ક્રિકેટના બેટથી માર્યો હતો. એની વીડિયો ક્લીપ વાયરલ થયા પછી બચાવ કરવાપણું હતું જ નહીં, પણ એ છતાં પિતા-પુત્રે અને પક્ષે બચાવ કર્યો હતો.
મધ્ય પ્રદેશની કૉન્ગ્રેસ સરકારે આકાશ વિજયવર્ગીયની ધરપકડ કરી હતી. બે દિવસ પછી જ્યારે અદાલતે આકાશ વિજયવર્ગીયને જામીન પર મુક્તિ આપી, ત્યારે તેનું જેલની બહાર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સરઘસ સુધ્ધાં કાઢવામાં આવ્યું હતું જેમાં, ત્રણ સંસદસભ્યો પણ હાજર હતા. આરોપીના પિતા અને બી.જે.પી.ના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયનો બચાવ કરતા કહ્યું હતું કે તેમનો પુત્ર ગરીબોને મદદરૂપ થવા ઇચ્છતો હતો એટલે ઉશ્કેરાઈ ગયો હતો. દેશ માટે ઉશ્કેરાનારાઓને અને હિંદુ ધર્મ માટે ઉશ્કેરાનાઓને કાયદો હાથમાં લેવાની છૂટ છે, એ તો આપણે જાણીએ છીએ, ગરીબો માટે ઉશ્કેરાઈ જવાની આ પહેલી ઘટના.
આ ઘટનાની ગંભીર નોંધ લેતા વડા પ્રધાને પક્ષના નેતાઓ તેમ જ કાર્યકર્તાઓને ચેતવણી આપી છે કે ‘મનમાની નહીં ચલેગી. ગમે તે હોય, ગમે તેનો પુત્ર હોય આ પ્રકારનું વર્તન ચલાવી નહીં લેવાય. નિવેદન, આવેદન, દનાદન એ પક્ષની સંસ્કૃતિ નથી. એવા લોકોની સામે પગલાં લેવાવાં જોઈએ.’ વડા પ્રધાને કાયદો હાથમાં લેનારાઓને ખુલ્લી ચેતવણી આપી ત્યારે કૈલાશ વિજ્યવર્ગીય સભાગૃહમાં ઉપસ્થિત હતા. વડા પ્રધાને આકાશ વિજયવર્ગીયનું નામ લીધું નહોતું, પરંતુ આવેદન, નિવેદન, દનાદન એ તેના શબ્દો છે જે વડા પ્રધાને જાણીજોઇને દોહરાવ્યા હતા.
એમ લાગે છે કે પક્ષનું મધ્ય પ્રદેશ એકમ આકાશ વિજયવર્ગીય સામે પગલાં લેશે. આ પહેલાં તેમણે ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના વખાણ કરનારાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર, અનંત હેગડે અને નલીન કાતિલ(કર્ણાટકના સંસદસભ્યની અટક જ ચોક્કસ પ્રકારના સંસ્કારની ખાતરી કરાવે છે. તેમની મૂળ અટક શેટ્ટી છે.)ની નિંદા કરી હતી. અનંત હેગડેને તેમણે આ વખતે પ્રધાનમંડળમાં લીધા નથી તેનું કારણ કદાચ તેમની લાંબી જીભ છે. એમ તો ગિરિરાજ સિંહ પણ લાંબી જીભ ધરાવે છે અને તેમને પ્રધાન બનાવવામાં આવ્યા છે. જો કે હમણાંથી તેઓ ઓછું બોલે છે. વડા પ્રધાન પ્રજ્ઞાસિંહ ઠાકુરને માફ કરવાના નહોતા, પણ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.
ખેર, આ કોલમમાં મેં આ પહેલાં લખ્યું હતું કે નરેન્દ્ર મોદી તેમની પહેલી મુદ્દતનાં શાસન-સંસ્કારનો વારસો બીજી મુદ્દતમાં પણ આગળ ન ચલાવે તેમાં તેમનો લાભ છે. છેવટે ઇતિહાસ ભક્તો નથી લખવાના પણ મૂલ્યાંકનનો ઝીણો ચાળણો ધરાવનારા ઇતિહાસકારો લખવાના છે અને તેઓ નિષ્ઠુર હોય છે.
બીજી ઘટના ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં બની છે. ઉત્તર પ્રદેશની સરકારે અન્ય પછાત જાતિમાં આવતી ૧૭ જાતિઓને અનુસૂચિત જાતિ(દલિત-શિડયુલ્ડ કાસ્ટ)ની યાદીમાં ફેરવી નાખવાનાં નિર્ણયને કેન્દ્ર સરકારે ગેરબંધારણીય ઠરાવ્યો છે. કેન્દ્રના સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતાના પ્રધાન થાવરચંદ ગેહલોતે મંગળવારે રાજ્યસભામાં ખુલાસો કર્યો હતો કે ઉત્તર પ્રદેશ સરકારનું પગલું અનુચિત અને ગેર-બંધારણીય બંને છે. તેને આવો કોઈ અધિકાર જ નથી. આ અધિકાર માત્ર સંસદની મંજૂરી સાથે કેન્દ્ર સરકાર ધરાવે છે અને રાજ્યો આવો કોઈ અધિકાર નથી ધરાવતા.
વાચકોને જાણ હશે કે દલિતો અને આદિવાસીઓ માટેની અનામતની જોગવાઈ બંધારણીય છે અને અન્ય પછાત જાતિઓ માટેની જોગવાઈ કાયદાકીય છે. બંધારણીય જોગવાઈમાં ફેરફાર કરવાનો અધિકાર માત્ર સંસદને છે, બીજા કોઈને નથી. રાષ્ટ્રપતિ પણ તેની સાથે છેડછાડ ન કરી શકે. ઉત્તર પ્રદેશની સરકારે જે ૧૭ જાતિઓને શિડયુલ કાસ્ટની યાદીમાં ફેરવી છે એમાં કાશ્યપ, રાજભર, ધીવાર, બિંદ, કુમ્હાર, કેવટ, નિષાદ, ભર, મલ્લાહ, પ્રજાપતિ, ઢીમર, બાથમ, તુર્હા, ગોડિયા, માંઝી અને મછુહાનો સમાવેશ થાય. આમાંની કેટલીક જ્ઞાતિઓને બિહાર સરકારે અતિ પછાતની યાદીમાં મૂકી છે.
તો પછી ઉત્તર પ્રદેશની સરકારે આવું પગલું શા માટે ભર્યું? જેનો અધિકાર જ નથી એવું સાહસ શા માટે કર્યું? આમ તો બી.જે.પી. અનામતની જોગવાઈની વિરુદ્ધ છે. જાહેરમાં ભલે ટેકો આપવામાં આવતો હોય, પણ અંદરથી તે તેની વિરુદ્ધ છે. એટલે તો ઓ.બી.સી.માં માંગે એ બધાને ઘૂસાડીને જોગવાઈને હાસ્યાસ્પદ, અવ્યવહારુ અને અપ્રાસંગિક બનાવવામાં આવી રહી છે. ઘરમાં એટલા બધા માણસોને ઘૂસાડી દો કે સામે ચાલીને આ પ્રથાનો અંત લાવવાની માગણી થવા લાગે. માત્ર એસ.સી./એસ.ટી.ને હાથ લગાડી શકાતો નથી, કારણ કે તે બંધારણ દ્વારા સુરક્ષિત છે. તો શું અનામતની બંધારણીય જોગવાઈનું પણ પાણી માપવાનો ઈરાદો હતો? કદાચ હોઈ શકે. રાજ્ય સરકારને આટલી જાણ ન હોય એ માની ન શકાય.
બીજું, આ ૧૭ જ્ઞાતિઓને શિડયુલ કાસ્ટનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ ઉત્તર પ્રદેશમાં જ્યારે માયાવતીની સરકાર હતી ત્યારે તેણે પણ રજૂ કર્યો હતો. ફરક એ હતો કે ત્યારે માયાવતીની સરકારે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી કે તેણે સંસદમાં ખરડો લાવીને આ જાતિઓને શિડ્યુલ કાસ્ટનો દરજ્જો આપવો જોઈએ. ત્યારની કેન્દ્ર સરકારે ફેરફાર કરવામાં અનુકૂળતા નહોતી બતાવી અને વાત સમાપ્ત થઈ હતી. યોગી આદિત્યનાથને આ વાતની જાણ ન હોય એવું બને? એ પ્રસ્તાવની ફાઈલ પર નોંધો લખાયેલી હશે.
ત્રીજું, જે ૧૭ જાતિઓને શિડ્યુલ કાસ્ટની યાદીમાં મૂકવામાં આવી છે તેમાં એક જાતિ રાજભર છે જે મુખ્ય પ્રધાનની પોતાની જ્ઞાતિ છે. જો અનામતની સુરક્ષિત જોગવાઈ મળતી હોય તો દલિત તરીકે ઓળખાવવામાં શું ખોટું છે! તેઓ શું પોતાની જ્ઞાતિને મદદ કરવા માગતા હતા? હોઈ શકે છે.
અહીં કોઈ સવાલ કરી શકે કે યોગી આદિત્યનાથ તો સાધુ છે, યોગી છે અને યોગીને જ્ઞાતિ હોય? હોય. આજકાલના સાધુઓ બધી જ સાંસારિક ઓળખો સાથેના સંન્યાસી છે. ભગવામાં કે શ્વેતમાં ફકીરી આવી ગઈ. બીજો સવાલ. દેશપ્રેમી જ્ઞાતિવાદી પણ હોય? હોય. ભારતમાં સરેરાશ નાગરિકની ચામડી ખોતરશો તો કોઈને કોઈ ઓળખનું લોહી જોવા મળશે. ભારતમાં દેશપ્રેમી અને રાષ્ટ્રવાદી પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચ જેવા પ્રસંગે જ જોવા મળે છે.
મૂળ વાત પર પાછા ફરીએ. કેન્દ્ર સરકારે સ્પષ્ટ શબ્દમાં તેની પોતાના પક્ષની રાજ્ય સરકારને જણાવી દીધું છે કે તમને ફેરફાર કરવાનો કોઈ અધિકાર નથી, પછી ઈરાદો ગમે તે હોય.
વેરી ગૂડ. ખૂબ અભિનંદન. આ સ્પિરિટ જાળવાઈ રહે એવી આશા રાખીએ છીએ.
02 જુલાઈ 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 07 જુલાઈ 2019