જૂઠાણાને પ્રતિષ્ઠિત કરવાની સૌથી પ્રચલિત રીત છેઃ સચ્ચાઈને ધૂંધળી કે સંદેહાસ્પદ કરી નાખો. કશું સો ટકા ભરોસાપાત્ર રહેવા ન દો. કોઈના પણ વિશે ગમે તેવી વાત થઈ શકે અને તેને ઝીલનારા પણ મળી રહે, એવો માહોલ પેદા કરો. અમેરિકાના અવકાશયાત્રીઓ ચંદ્ર પર ગયાના આધારભૂત પુરાવા હોય અને તેને લગતી શંકાના તમામ જવાબ અપાઈ ચૂક્યા હોય તો પણ ‘અમેરિકાની અવકાશયાત્રા નકરું તૂત હતું’ એવી કાવતરાકથાઓ ચગળ્યા કરો. પૃથ્વીની ફરતે ઉપગ્રહો પરિક્રમા કરતા હોવા છતાં, ‘પૃથ્વી ગોળ નથી’ એ વિશેનાં ‘સંશોધનો’ મુખ્યત્વે ર્ધાિમક ઉત્સાહથી પ્રેરાઈને કરતા રહો. માણસજાતનાં કરતૂતોથી પૃથ્વીના પર્યાવરણનો કચ્ચરઘાણ નીકળી ગયો છે, એવું માનવાને બદલે ક્લાયમેટ ચેન્જ-ગ્લોબલ વોર્મિન્ગના અસ્તિત્વનો જ ઇનકાર કરો.
આવાં જૂથો દરેક સમયમાં રહેવાનાં. ‘કોન્સ્પિરસી થિયરી’ એટલે કે દરેકે દરેક બાબતને અસ્વસ્થ શંકાથી જોનારા લોકોનો અને તેમની વાતોમાં આનંદ લેનારાનો આખો વર્ગ હોય છે. પહેલાં તેમના માટે વપરાતો અંગ્રેજી શબ્દપ્રયોગ હતોઃ ‘લુનેટિક ફ્રિન્જ’ એટલે કે થોડા આત્યંતિક, પોતાના વિચારને ઝનૂનથી વળગેલા, હિંસક અને બુદ્ધિશાળી લાગતાં છતાં ચોક્કસ પ્રકારની મનોરુગ્ણતા ધરાવતા લોકો. હવે એવા લોકોનો સમુદાય નાનો – નગણ્ય નથી રહ્યો. તે જાહેર ચર્ચાને અને રાજકારણને ખતરનાક વળાંક આપી શકે એટલો મોટો બન્યો છે અને એવા સમુદાયમાંથી કોઈ અમેરિકાનો પ્રમુખ પણ બની શકે છે. નવા જમાનામાં આ વર્ગનું પાલનપોષણ કરવામાં અને તેમને એકજૂથ કરવામાં સોશિયલ મીડિયાનો ફાળો નોંધપાત્ર છે. આ વર્ગ હાંસિયાને બદલે મુખ્ય ધારામાં આવી ગયો અને તેને રાજ્યાશ્રય મળ્યો, તેના માટે સમાજનું બદલાયેલું સ્વરૂપ જવાબદાર છે? કે આ વર્ગના વધેલા જોરે સમાજનું સ્વરૂપ બદલ્યું છે? આ સવાલ ‘પહેલી મરઘી કે પહેલું ઈંડું?’ એના જેવો છે. પરંતુ બંને એકબીજાને પોષે છે તેમાં બેમત નથી.
સમાજોના અભ્યાસમાં કેટલાક સમાજને ‘હાઇ ટ્રસ્ટ સોસાયટી’, તો કેટલાકને ‘લો ટ્રસ્ટ સોસાયટી’ ગણવામાં આવે છે. હાઇ ટ્રસ્ટ સોસાયટીમાં વિશ્વાસે વહાણ ચાલે છે. બધા નહીં, છતાં મોટા ભાગના માણસો સામાન્ય સંજોગોમાં કાયદાનું પાલન કરે છે, નિયમો પાળે છે, બાંયધરીઓ પર ભરોસો મૂકે છે. અદાલતમાં જવાનું થાય તો ત્યાં ન્યાય મળશે એવો ભરોસો રાખે છે. ટૂંકમાં, આ પ્રકારના સમાજમાં છેક ‘રામરાજ્ય’ નહીં, તો પણ ઘણી હદે ‘ભરોસારાજ્ય’ તો હોય છે. તમે રાજ્યની અને સમાજની ‘સિસ્ટમ’ પર ભરોસો કરી શકો છો અને સામાન્ય સંજોગોમાં દુઃખી થવાનો વારો આવતો નથી. આવા સમાજમાં કોન્સ્પિરસી થિયરીને અમુક હદથી વધારે મહત્ત્વ મળતું નથી.
પરંતુ ‘લો ટ્રસ્ટ સોસાયટી’માં કશું ભરોસાપાત્ર નથી હોતું. શાસક બોલે ત્યારે જ લોકોને ખબર હોય છે કે એ જૂઠું બોલી રહ્યો છે, નાટક કરે છે. છતાં એ શાસક પણ ચાલે છે ને લોકોને તેનાં જૂઠાણાં સામે એટલો વાંધો પણ પડતો નથી, કારણ કે ફ્ક્ત શાસક નહીં, બીજી સંસ્થાઓ અને એ બધાને ચલાવનારા મોટા ભાગના લોકો પણ જૂઠાણાં સાથે ઘરોબો કેળવી ચૂક્યા હોય છે. જૂઠાણાં રાજ્યાશ્રય મેળવીને મુખ્ય ધારાનો હિસ્સો બની જાય છે. પછી (સચ્ચાઈની દૃષ્ટિએ) કશું પવિત્ર રહેતું નથી. આવા સમાજમાં સામાન્ય નિયમનું શીર્ષાસન થઈ જાય છેઃ જૂઠાણાં પર આંખ મીંચીને ભરોસો ન મૂકનારને – તેના પ્રત્યે શંકા સેવનારને સમાજવિરોધી કે લોકવિરોધી કે દેશવિરોધી તરીકે ખપાવી દેવામાં આવે છે. આવા સમાજમાં લોકોને કોઈ સંસ્થા પાસેથી ન્યાયપૂર્ણ – નિયમ મુજબની કાર્યવાહીની અપેક્ષા નથી રહેતી. લોકોએ સ્વીકારી લીધું હોય છે કે એમાં તો આવું જ બધું ચાલશે.
અવિશ્વાસનું અને જૂઠાણાંનું વાતાવરણ લાંબું ટકે તે આપખુદશાહી માટે મોકળું મેદાન કરી આપે છે, કેમ કે ચોતરફ અનિશ્ચિતતાથી ઘેરાયેલા લોકોને શાસકો નહીં, ઉદ્ધારકો ખપે છે. તેમને લાગે છે કે અસાધારણ પરિસ્થિતિમાં અસાધારણ પગલાંથી કામ લેવામાં અને કાયદા – નિયમો નેવે મૂકવામાં કશું ખોટું નથી. ઘણા બધા લોકોની માનસિકતાનું ‘હેકિંગ’ થઈ જાય છે. મૂળભૂત મૂલ્યો પ્રત્યેનો આદર માળિયે ચડી જાય છે ને શાસક પ્રત્યેનો અહોભાવ વિચારપ્રક્રિયા પર પડદો પાડી દે છે. યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના પ્રોફેસર તુફૈકીએ ‘વાયર્ડ’ વેબસાઇટના એક લેખમાં લખ્યું છે તેમ, ઘાતકી અને આપખુદ શાસક કુબ્લાઈ ખાનના રાજ માટે કહેવાતું હતું કે ત્યાં ‘અડધી રાત્રે નાની છોકરી સોનું પહેરીને નીકળી હોય તો પણ તેને કંઈ ન થાય.’ આવી ‘સલામતી’નાં વખાણ કરતી વખતે એવું અપેક્ષિત હોય છે કે આવી સલામતી જોઈતી હોય તો નાગરિક તરીકેના અધિકાર ભૂલી જવાના, પરંતુ યેલ યુનિવર્સિટીના ઇતિહાસના અધ્યાપક તિમોથી સ્નાઇડરે લખ્યું હતું તેમ, જે શાસક તમને તમારી સ્વતંત્રતાના બદલામાં સુરક્ષા આપવાની વાત કરે, તેની વાત માનતા નહીં, કારણ કે તે સ્વતંત્રતા લઈ લેશે ને સુરક્ષા આપી નહીં શકે. (કેમ કે તેમનું રાજપાટ જ તમે ભયમાં – માનસિક અસુરક્ષામાં – રહો તેના પર ટકેલું હોય છે.)
પ્રોફેસર તુફૈકીએ લખ્યું છે કે સમાજને લાગુ પડતી આ વાત ઇન્ટરનેટની આલમ માટે પણ સાચી છે. ઇન્ટરનેટ પર શું સાચું એ નક્કી કરવું લગભગ અશક્ય થઈ પડયું છે. અમુક વાત ‘ફેક’ છે એવો દાવો પણ વિરોધીઓએ કે હિતશત્રુએ કરાવેલો હોઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોનું સ્વાભાવિક વલણ ફેસબુક-એપલ-ગૂગલ-એમેઝોન જેવી તોતિંગ કંપનીઓ પર ભરોસો કરવાનું રહે છે. ઉદ્ધારક હોવાનો દાવો કરતા શાસકોની જેમ, આ મહાકંપનીઓનાં પોતાનાં લક્ષણ સીધાં નથી. તેમના અનેક ગોટાળા બહાર આવતા રહે છે. છતાં, લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે તે બધા ગોટાળા નજરઅંદાજ કરીને પણ તેને વળગેલા રહે છે. તેમની આપખુદશાહી ચલાવી લે છે અને તેને સ્થિરતાની-વિશ્વસનિયતાની કિંમત ગણી લે છે, પરંતુ આ જાતને છેતરવાનો ધંધો છે.
કોઈ વ્યક્તિ કે કંપની પર આંખ મીંચીને કે તેનાં બધાં કરતૂતો નજરઅંદાજ કરીને ભરોસો મૂકવાથી, એકને બદલે બીજું અનિષ્ટ ફૂલેફાલે છે અને એક તબક્કા પછી તે રાક્ષસી બની જાય છે. આવી સ્થિતિમાં તુફૈકીએ સૂચવેલો ઉપાય વ્યક્તિ કે કંપની નહીં, સંસ્થાઓ મજબૂત કરવાનો છે. એટલે જ, આ પ્રકારના શાસકો સંસ્થાઓનાં નામ રાખીને તેમનાં માળખાં તોડીફેડી નાખે છે.
ઇન્ટરનેટ પણ આખરે સમાજમાં વસતા લોકોથી જ ચાલતું હોય, તો તે સમાજના નિયમોથી શી રીતે બાકાત રહી શકે?
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 30 જૂન 2019