આપણે જોયું કે શ્રમણ અને બ્રાહ્મણ પરંપરામાં મુખ્ય ભેદ બે છે. એક એ કે શ્રમણો અંતિમ સત્ય હાથ લાગ્યું હોવાનો દાવો કરતા નથી, એટલું જ નહીં, અંતિમ સત્ય અંતિમ સ્વરૂપમાં કોઈને પણ હાથ લાગી શકે એમ તેઓ માનતા નથી. બીજો ભેદ એ છે કે શ્રમણો કોઈના પણ વચનને અંતિમ પ્રમાણ માનતા નથી. વેદોના તો નહીં જ, પણ પોતે કહેલાં વચનો પણ નહીં. આપણે જે કહીએ છીએ કે માનીએ છીએ એનાં કરતાં સત્ય અલગ હોવાની સંભાવનાઓનો તેઓ સ્વીકાર કરે છે. આનો અર્થ એ કે અર્હ્નંતો પણ ખોટા સાબિત થઈ શકે છે તેનો તેઓ સ્વીકાર કરે છે. જો ઉપરના બે તત્ત્વો સ્વીકાર્ય હોય તો શ્રમણે પોતાના વિશેના, પોતાને સમજાયેલા સત્ય વિશેના, હાથ લાગેલા પંથ વિશેના, પ્રમાણો વિશેના આગ્રહો છોડી દેવા પડે. એ માટે તમારે માખણ જેવા કોમળ અને અનાગ્રહી બનવું પડે. એ કઈ રીતે બની શકાય? શ્રમણો શુદ્ધ માણસ બનવા માટે કોઈ ઈશ્વર, વચન કે કૃપા જેવાં અવલંબનો સ્વીકારતા નથી; પણ પોતાના તપથી પોતાને ઉજાળવામાં માને છે. આમ શ્રમણ પરંપરા સ્વાવલંબી પુરુષાર્થી છે, જ્યારે કે બ્રાહ્મણ પરંપરા કૃપાર્થી છે.
જે શ્રમ કરે એ શ્રમણ એવો શ્રમણનો અર્થ છે. એ શ્રમ કષાયોને સાફ કરવાનો છે. શ્રમણ શબ્દનો એક બીજો અર્થ છે; શમન. વૃત્તિઓનું શમન કરે (શાંત પાડે) એ શ્રમણ. વૃત્તિઓનું શમન કરવા માટે પણ પરિશ્રમ કરવો પડે. આમ શ્રમણ શબ્દ શ્રમના અર્થમાં લો કે શમનના, સાધકને તે તપશ્ચર્યાની એક જ દિશાએ દોરી જશે.
આ લેખમાળામાં મેં લખ્યું છે કે ભારતીય દાર્શનિક પરંપરા અને તેના દ્વારા ઘડાયેલી જીવનશૈલી આત્મશોધન (સેલ્ફ-કરેક્શન) કરનારી છે. વેદોની કૃપાપરક સંહિતાઓનો જ્યારે ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માટે અને લાલચના સ્વરૂપમાં અતિરેક થવા લાગ્યો તેમ જ સ્થાપિત હિતો જ્યારે તેનો દુરુપયોગ કરવા લાગ્યા ત્યારે વેદોના ઋષિઓએ આરણ્યક મંત્રો લખીને ઉપાસના પર ભાર મુક્યો હતો અને એ પછી ઉપનિષદો લખીને આત્મા અને પરમાત્માની સમજ આપનારાં જ્ઞાનપરક મંત્રો લખ્યાં હતાં. ભગવદ્ ગીતાએ પણ કામના, ઉપાસના અને જ્ઞાનમાં વિવેક કરવાનું શીખવ્યું છે. સાંખ્યમાં આવતી ત્રિ-ગુણની વાત અને તેની સાથે યોગસૂત્ર પણ જાતને ઉજાળવા માટેની જહેમત છે. ટૂંકમાં જાતને ઉજાળવી એ ભારતીય દાર્શનિક પરંપરાનું અને સમાજનું એક અનોખું પાસું છે. આમ અતિરેકોને ખાળવા માટે વિવેક અને શ્રમનું મહત્ત્વ બ્રાહ્મણ પરંપરાએ પણ સ્વીકાર્યું છે. સાંખ્ય અને યોગસૂત્ર આનું પ્રમાણ છે.
પરંતુ એમ લાગે છે કે એટલે પૂરતું નહોતું. વેદો અપૌરુષેય છે, વેદ અંતિમ પ્રમાણ છે, તેનો શબ્દ ખોટો હોઈ જ ન શકે એમ કહીને બ્રાહ્મણો કર્મકાંડનો અતિરેક કરતા હતા. એમાંથી અધિકાર-ભેદ પેદા થયા હતા. આ અર્ચન-પૂજન અને ફળપ્રાપ્તિનો અધિકારી ગણાય અને આ ન ગણાય. આમાંથી જ્ઞાતિ-વ્યવસ્થા વાડાબંધ થતી ગઈ અને પછી તો જન્મ આધારિત બનવા લાગી. સ્ત્રીઓને અધિકારોથી વંચિત રાખવામાં આવી. કર્મકાંડના નામે પશુ હિંસા કરનારા યજ્ઞો થવા લાગ્યા. આ બધું જ કૃપા મેળવવા માટે થતું હતું અને પાછું કૃપા મેળવવાનો અધિકાર સાર્વત્રિક નહોતો. બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ, ગીતા, સાંખ્ય અને યોગસૂત્રકારના પ્રયત્નો છતાં પ્રમાણનો આશ્રય લઈને કૃપા વેચવાના અને ડરાવતા રહેવાના બ્રાહ્મણોના પ્રપંચો નિરસ્ત નહોતા થયાં.
પ્રાચીન ભારતમાં આવી જે સ્થિતિ હતી એમાંથી પ્રજાને છોડાવવા માટે શ્રમણ પરંપરા વિકસી. તેમણે વેદો સહિત કોઈના પણ પ્રમાણનો અસ્વીકાર કર્યો. તેમણે કર્મકાંડો અને કર્મકાંડો દ્વારા મળતી કૃપાઓનો અસ્વીકાર કર્યો. તેની જગ્યાએ પુરુષાર્થ પર ભાર મૂક્યો. તેમણે અધિકાર ભેદનો પણ અસ્વીકાર કર્યો.
અસ્વીકાર. મહામૂલું રતન છે આ. અસ્વીકાર કરવા જેટલી સમજ અને હિંમત માણસ બનવા માટેની પહેલી જરૂરિયાત છે. ખૂબ ઊંડું મનોમંથન કરશો તો ખ્યાલ આવશે કે અસ્વીકાર કેવી કિંમતી જણસ છે! જગતનો ઇતિહાસ એમ કહે છે કે સમાજનું ઉત્થાન અસ્વીકાર દ્વારા જ થાય છે. શંકા કર્યા વિના અને પ્રશ્નો પૂછ્યા વિના બધું જ સ્વીકારીને જીવતો સમાજ આગળ વધતો નથી અને ધીરે-ધીરે પ્રાણ ગુમાવી દે છે. આરણ્યક ઋષિઓએ, ઉપનિષદ્કારોએ, ભગવાન વ્યાસે કે પતંજલિએ સાચી દિશા બતાવી હતી; પરંતુ ખોટાનો અસ્વીકાર નહોતો કર્યો. બુદ્ધે, મહાવીરે, શ્રમણ પરંપરાના અન્ય દાર્શનિકોએ અને પરલોકમાં નહીં માનનારા જડવાદી લોકાયતોએ ખોટાનો અસ્વીકાર કરવાની હિંમત કરી હતી. આ રીતે તેઓ આપણી પરંપરાને શુદ્ધ માનવીય સ્વરૂપ આપવાની દિશામાં એક ડગલું આગળ લઈ ગયા હતા.
અસ્વીકાર કરવામાં મહાવીર કરતાં બુદ્ધ હજુ એક ડગલું આગળ હતા. ભગવાન મહાવીરે તપશ્ચર્યા દ્વારા આત્મપ્રક્ષાલન કરવા પર અને એ રીતે પોતાને મુક્ત કરવા પર ભાર મૂક્યો હતો. બુદ્ધે ગ્રંથ અને પંથના નામે જકડી રાખવામાં આવતા સમાજને મુકત કરવાનો પ્રયાસ કર્યો હતો. બુદ્ધ કદાચ પહેલા ફિલસૂફ હતા જેમણે આત્મચિંતનની સાથે સમાજચિંતન કર્યું હતું. આ જગતમાં અધિકારભેદ જેવું કશું હોતું નથી અને અધિકારભેદ ગયો કે દરેક પ્રકારના સામાજિક ભેદભાવો આપોઆપ ગયા.
બુદ્ધની બીજી વિશેષતા એ કે તેમણે મધ્યમમાર્ગ બતાવીને જીવનદર્શનને લોક્સુલભ બનાવી આપ્યું. આકરી તપશ્ચર્યા દરેક વ્યક્તિ કરી શકતી નથી. તપશ્ચર્યાનો માર્ગ અઘરો છે એટલે લોકો દેવી-દેવતાઓને અને બ્રાહ્મણોને પ્રસન્ન કરવાનો અને એ રીતે કૃપા મેળવવાનો આસાન માર્ગ અપનાવે છે. પરિણામે સમાજ કહેવાતા કૃપાર્થીઓની પકડમાંથી મુક્ત થતો નથી. બીજું આત્મ-પ્રક્ષાલન માટે હાડ ગાળી નાખવાની જરૂર પણ નથી. જેમ કર્મકાંડ એક અતિરેક છે એમ તપશ્ચર્યાનો પણ અતિરેક થઈ શકે છે. માણસને માણસ બનવા માટે બે જ ચીજની જરૂર છે; એક સારાસાર વિવેક કરી શકવા જેટલી દ્રષ્ટિની અને બીજી કરુણાની. તમારે કૃપાની યાચના કરનારા મૂઢ ટોળાંનો હિસ્સો બનવાનું નથી અને સમાજથી મોં ફેરવીને આત્મકેન્દ્રી તપસ્વી બનવાની જરૂર નથી. વિવેકી અને કરુણાવાન બનો એમાં બધું આવી ગયું. તમે આપોઆપ માનવકેન્દ્રી બની જશો.
ભગવાન બુદ્ધ આજે આખા જગતમાં સૌથી પ્રિય અને આદરણીય છે એનું કારણ આ છે. બુદ્ધના દર્શનમાં માનવ કેન્દ્રમાં છે. નથી ઈશ્વર કે નથી આત્મા. આવો ક્રમશ: વિકાસ જગતની બીજી કઈ વિચાર-પરંપરામાં જોવા મળે છે? વિધર્મીને પરાણે ‘જય શ્રીરામ’ બોલાવનારા અને તેનું તાડન કરનારા તેમ જ તેવા લોકોને ટેકો આપનારા લોકો સો ટકા ભારતીય પરંપરાના ફરજંદ નથી. તેઓ આવા સંસ્કાર ક્યાંક બીજેથી લાવ્યા છે. એ સંસ્કાર ક્યાંથી આવ્યા અને શા માટે આવ્યા એની વાત આગળ ઉપર કરવામાં આવશે.
અત્યારે તો ભગવાન બુદ્ધને વિવેક અને કરુણાના સંસ્કાર ક્યાંથી મળ્યા એનો એક પ્રસંગ જોઈ લઈએ.
ગૃહત્યાગ કર્યા પછી બીજાની જેમ સિદ્ધાર્થ પણ કોઈ માર્ગ બતાવનારા ગુરુની શોધમાં ભટકતા હતા. જ્યાં જુઓ ત્યાં શ્રમણોની છાવણીઓ નજરે પડતી હતી અને તેઓ હાડ ગાળી નાખનારી તપશ્ચર્યા કરતા હતા. સિદ્ધાર્થ તેમની સાથે ચર્ચા કરતા હતા અને દરેક તપસ્વી આત્મ-પ્રક્ષાલન માટે તપશ્ચર્યાને અનિવાર્ય લેખાવતા હતા. સિદ્ધાર્થને પણ લાગ્યું કે તપશ્ચર્યાનો માર્ગ ચકાસી જોવો જોઈએ એટલે તેમણે એક જગ્યાએ બેસીને ચાળીસ દિવસના ઉપવાસ અને ચિંતન શરુ કર્યું. સિદ્ધાર્થ જે જગ્યાએ બેસીને તપશ્ચર્યા કરતા હતા ત્યાં એક ભરવાડની દીકરી ઘેટાં-બકરાં ચરાવવા આવતી હતી. બુદ્ધ અન્નનો દાણો મોઢામાં નાખતા નહોતા એ તેનાથી જોવાતું નહોતું. તે રોજ દૂધનો પ્યાલો હાથમાં રાખીને બુદ્ધની આજુબાજુ ફરતી રહેતી. ભૂખ લાગે તો તરત તેને દૂધ આપી શકાય.
એમ કહેવાય છે કે ચાલીસમાં દિવસે બુદ્ધને પ્રકાશ થયો કે જો દુનિયામાંથી દુઃખ દૂર કરવું હોય તો કરુણાવાન બનવાની અને તૃષ્ણાઓનો ત્યાગ કરવાની જરૂર છે. બુદ્ધે આંખ ખોલી તો પેલી છોકરી દૂધના પ્યાલા સાથે સામે ઊભી હતી. એ છોકરીની આંખમાં તપશ્ચર્યાથી કૃશ થઈ ગયેલા બુદ્ધ માટે અપાર કરુણા હતી. એ ક્ષણે ભગવાન બુદ્ધને બીજાં બે સત્ય હાથ લાગ્યાં. ભગવાને વિચાર્યું કે મને આકરી તપશ્ચર્યા કર્યા પછી જે સત્ય હાથ લાગ્યું એ આ છોકરીને વગર તપશ્ચર્યા કર્યે હાથ લાગેલું છે. આના બે અર્થ થયા. એક તો એ કે માણસને માણસ બનવા માટે નથી કોઈની કૃપાની જરૂર કે નથી આકરી તપશ્ચર્યાની જરૂર. વચ્ચે, લોકસુલભ મધ્યમમાર્ગે ચાલીને માણસ ટકોરાબંધ સાચો માણસ બની શકે છે. બીજું એ કે અધિકારભેદ જેવી કોઈ ચીજ નથી. તપસ્વી બુદ્ધની કરુણામાં અને ભરવાડની છોકરીની અંદર રહેલી કરુણામાં કોઈ ફરક નથી. ઊલટું બુદ્ધ તો કાંઈક શોધતા હતા જ્યારે પેલી છોકરીની કરુણા સહજ નિર્વ્યાજ હતી.
દરેક વ્યક્તિ મુક્ત થવાને અધિકારી છે. દરેક વ્યક્તિ સમાન છે. દરેક વ્યક્તિ લોકસુલભ મધ્યમમાર્ગે મુક્તિ મેળવી શકે છે. માત્ર માણસે માણસ બનવાનું છે અને તે માટે ન તો ઈશ્વર કે નહીં આત્મા, પણ માનવને કેન્દ્રમાં રાખવાનું છે.
08 જુલાઈ 2019
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 14 જુલાઈ 2019