(હપ્તો ૨)
આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાએ ગાયું છે: ‘નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.’ પહેલાં મુંબઈ કે મુંબાઈ હતું તેને અંગ્રેજોએ બોમ્બે બનાવ્યું. અંગ્રેજોએ જેને બોમ્બે બનાવેલું તેને આપણે ફરી મુંબઈ બનાવ્યું. ભૂતકાળમાં બીજાં કેટલાંક નામે પણ ઓળખાતું હતું આ શહેર. ગ્રીક લોકો તેને હેપ્ટેસિનીઆ તરીકે ઓળખતા. પોર્ટુગીઝ લોકો તેને ‘બોમ્બિયમ’ કહેતા. ઈ.સ. ૧૫૩૮માં દક્રિસ્ટો નામનો માણસ તેને ‘બોઆવિડા’ કહે છે. તો બારાબોસા નામનો બીજો એક માણસ લગભગ એ જ અરસામાં તેને ‘થાણા-મયામ્બુ’ તરીકે ઓળખાવે છે. ઈ.સ. ૧૭૫૦ની આસપાસ મુંબઈનો ઉલ્લેખ ‘બુઆં બહીઆ’ તરીકે થયો છે. તો વળી હિન્દીભાષીઓ આ શહેરને ‘બમ્બઈ’ કહેતા.
પણ અસલ નામ મુંબાઈ કે મુંબઈ. એ નામ મળ્યું કોળી લોકોની કુળદેવી મુંબા-આઈ પાસેથી. આ મુંબા-આઈ તે કદાચ મહાઅંબા આઈ, પાર્વતીનું એક રૂપ. અથવા બિન-આર્ય જાતિઓ જે અનેક દેવ-દેવીઓની પૂજા કરતી તેમાંની કોઈ દેવી પણ તે હોઈ શકે. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં આજે પણ ‘મોમ્માઈ’ દેવીની પૂજા થાય છે. એટલે મુંબઈના કોળીઓ અને સૌરાષ્ટ્રના કોળીઓ વચ્ચે કોઈક સંબંધ હોય એ પણ શક્ય છે. એક દંતકથા પ્રમાણે શિવજીની સૂચનાથી પાર્વતીએ માછણ તરીકે અવતાર લીધો, જેથી કઠોર પરિશ્રમ કરવાનો ગુણ તેમનામાં વિકસે. આ રીતે અવતાર લઈને પાર્વતી કોળી લોકોની સાથે રહેવા આવ્યાં. એ કોળી લોકો તેમને ‘મુંબા’ તરીકે ઓળખવા લાગ્યા. માછીઓ અને માછણો પાસેથી તેઓ મહેનત, એકાગ્રતા, સાહસ વગેરેના પાઠ શીખ્યાં. પછી પાછા જવાનો વખત આવ્યો. પણ કોળી લોકો તેમને જવા દેવા રાજી નહોતા. એટલે ખુદ શિવજી આવ્યા અને કહ્યું કે ‘મહાઅંબા’ની મૂર્તિ રૂપે પાર્વતીજી સદાકાળ માટે તમારી સાથે રહેશે. એટલે કોળીઓએ મુંબા દેવીનું મંદિર બનાવ્યું. કોળીઓ તેમને આઈ (માતા) તરીકે પૂજતા એટલે તે મુંબાઈ દેવીનું મંદિર કહેવાયું. આજે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ઊભું છે એ જગ્યાએ મુંબા-આઈ કે મુંબાદેવીનું અસલ મંદિર આવેલું હતું. ઈ.સ. ૧૬૭૫માં એ બંધાયેલું. લોકો એ વિસ્તારને ‘બોરીબંદર’ તરીકે ઓળખતા કારણ એ વખતે ત્યાં બંદર હતું અને ત્યાંથી બોરી કહેતાં કોથળાઓમાં ભરેલો માલસામાન આવતો-જતો.
દરિયા કાંઠે વસતા કોળીઓએ પોતાની કુળદેવીનું મંદિર પણ દરિયા નજીક બાંધ્યું હોય તો તે સમજી શકાય તેમ છે. પણ અંગ્રેજોના સેન્ટ જ્યોર્જ કિલ્લાની સાવ નજીક ઉત્તર દિશાની દીવાલની લગોલગ એ મંદિર હતું એટલે સલામતીની દૃષ્ટિએ અંગ્રેજોને જોખમ લાગ્યું. એટલે ૧૭૩૭માં તેમણે મંદિર ત્યાંથી ખસેડીને ફાંસી તળાવને કિનારે નવું મંદિર બનાવ્યું. એ તળાવને કાંઠે ગુનેગારોને જાહેરમાં ફાંસી અપાતી હતી એટલે લોકો તેને ફાંસી તળાવ કહેતા. પછી વખત જતાં મુંબાદેવીનું મંદિર આજના ઝવેરી બજાર પાસે ખસેડ્યું. એ મંદિર તે આપણે જેને મમ્માદેવી કે મુમ્બાદેવી તરીકે ઓળખીએ છીએ તે મંદિર. જો કે આજે અહીં જે મંદિર છે તે પણ અસલનું મંદિર નથી. ફરીથી બંધાયેલું છે. બીજાં ઘણાં મંદિરોની જેમ આ મંદિરની બાજુમાં પણ એક તળાવ હતું. હરજીવનદાસ વિઠ્ઠલદાસનાં વિધવા પૂતળીબાઈએ એ તળાવ ઈ.સ. ૧૭૭૪માં પોતાને ખર્ચે બંધાવી આપેલું. આ લખનારે નાનપણમાં તે તળાવ જોયેલું એ બરાબર યાદ છે. પછી વખત જતાં બીજાં ઘણાં તળાવોની જેમ એ તળાવ પણ પુરાઈ ગયું. આ મંદિરની એક બાજુ ઝવેરી બજારમાં સોનાચાંદીનાં ઘરેણાં મળે તો બીજી બાજુ તાંબાકાંટામાં જાતભાતનાં વાસણ મળે. એક જમાનામાં ઘરેણાં કે વાસણ ખરીદવા આખા મુંબઈમાંથી લોકો અહીં આવતા. અને એ જમાનામાં આ બંને બજારોમાં ગુજરાતી વેપારીઓનું વર્ચસ્વ. અને હા, ઘરેણાં ખરીદતાં પહેલાં અને વાસણ ખરીદ્યા પછી મુંબાદેવી જલેબીવાળાની દુકાને જઈને જલેબી-ગાંઠિયા ખાવાનું તો કોઈ કઈ રીતે ભૂલે? છેક ૧૮૯૭માં શરૂ થયેલી એ દુકાન આજે પણ અડીખમ ઊભી છે.
અગાઉ જ્યાં મંદિર હતું એ જગ્યાએથી આપણા દેશની જ નહિ, આખા એશિયા ખંડની પહેલવહેલી રેલવે લાઈન શરૂ કરવા પાછળ વ્યવહારુ કારણ હતું. આ લાઈન માટેના પાટા, બીજો સાધન-સરંજામ, ટ્રેનના ડબ્બા, તેને ખેંચવા માટેનાં એન્જિન, એ બધું જ ગ્રેટ બ્રિટનથી લાવવાનું હતું. કારણ એ વખતે તેમાંનું કશું જ આ દેશમાં બનતું નહોતું. એટલે એ બધું બોરીબંદર પર ઉતરે અને ત્યાંથી જ રેલવે લાઈન નાખવાનું શરૂ થાય તે સગવડભર્યું. આ રેલવે શરૂ કરવાનું કામ કર્યું હતું એ વખતની ગ્રેટ ઇન્ડિયા પેનેનસુલા રેલવે નામની ખાનગી કંપનીએ. તેની શરૂઆત ૧૮૪૯માં લંડનમાં થઇ હતી. આ ટ્રેનની યોજના પાર પાડવા માટે એક ખાસ સમિતિ રચવામાં આવી હતી. સર જમશેદજી જીજીભાઈ અને જગન્નાથ શંકરશેઠ જેવા ‘દેશીઓ’ પણ તેના સભ્યો હતા. આ કંપનીએ જે બોરીબંદર સ્ટેશન બાંધેલું તે લાકડાનું હતું.
આખા મુંબઈ શહેરમાં ૧૮૫૩ના એપ્રિલની ૧૬મી તારીખે રજા જાહેર કરવામાં આવી હતી. કારણ આપણા દેશની પહેલવહેલી પેસેન્જર ટ્રેન આ સ્ટેશનેથી તે દિવસે ઉપડી હતી, બપોરે ૩.૩૫ વાગ્યે, અને ૨૧ માઈલનું અંતર ૫૭ મિનિટમાં કાપીને તે થાણા સ્ટેશને પહોંચી હતી. વચમાં સાયન સ્ટેશને તે ૧૫ મિનિટ ઊભી રહી હતી. તે દરમ્યાન ત્રણ એન્જિનોમાં પાણી ભરવામાં આવ્યું હતું અને ડબ્બાઓના પૈડાંને તેલ સિંચવામાં આવ્યું હતું. પહેલા, બીજા, અને ત્રીજા વર્ગના બધું મળીને કુલ ૧૪ ડબ્બામાં ૪૦૦ મુસાફરો બેઠા હતા અને સુલતાન, સિંધ, અને સાહેબ નામનાં ત્રણ એન્જિન એ ૧૪ ડબ્બાને ખેંચતા હતા. બોરીબંદરથી ટ્રેન ઉપડી તે વખતે તેને ૨૧ તોપોની સલામી આપી હતી. મુસાફરોનું મનોરંજન કરવા માટે નામદાર ગવર્નરનું બેન્ડ પણ ટ્રેનમાં તેમની સાથે જ મુસાફરી કરતું હતું. આખે રસ્તે પાટાની આજુબાજુ લોકોનાં ટોળાં આ નવી નવાઈ જોવાને ઉમટ્યાં હતાં. થાણા સ્ટેશનની બહાર બે મોટા તંબુ તાણ્યા હતા. એકમાં અંગ્રેજ મહેમાનો માટે અને બીજામાં ‘દેશી’ મહેમાનો માટે ખાણીપીણીની વ્યવસ્થા હતી. જે દેશીઓ એ ટ્રેનમાં બેસીને થાણા ગયા હતા તેમાંનાં કેટલાક ગુજરાતીઓનાં નામ: માણેકજી નસરવાનજી પીતીત, મેરવાનજી જીજીભાઈ, લીમજી માણેકજી બનાજી. ત્યાર બાદ જ્યારે રોજિંદી ટ્રેન-સેવા શરૂ થઇ ત્યારે મુંબઈથી થાણે સુધીનું પહેલા વર્ગનું ભાડું હતું બે રૂપિયા દસ આના, બીજા વર્ગનું એક રૂપિયો એક આનો, અને ત્રીજા વર્ગનું પાંચ આના ત્રણ પાઈ. (એ વખતે દેશમાં રૂપિયા, આના, પાઈનું ચલણ પ્રચલિત હતું.)
આજે મુંબઈગરા માટે તો ટ્રેન એ રોજિંદા જીવનની એક જરૂરિયાત બની ગઈ છે. પણ એ જમાનામાં તો એ એક મોટી નવી નવાઈ હતી. અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદે મુંબઈથી રણતુંડી (ઘાટ) સુધીની મુસાફરી ટ્રેનમાં કરી હતી. તે પછી લખેલા એક કાવ્યની થોડીક પંક્તિઓ જોઈએ:
ગાડીમાંથી રચના જોતાં હરખ્યું મન મુજ
ડુંગર મોટા, પડેલ લાંબા અજગર જેવા
દેખાયા તે રંગરંગના,
કેટલાકના કળોઠી જેવા રંગ ચળકતા,
કેટલાક તો કાળા બલ્લક,
કેટલાક તો ભૂરા-રાતા
કેટલાક તો ઝાડ ઝૂમખે, પાકા લીલા,
કેટલાક તો ફક્ત ઘાસથી કાચા લીલા,
જેની માંહે વચ્ચે વચ્ચે લાલ માટીના
ઢળતા લીટા શોભે સારા.
આવા ડુંગરો વચ્ચેથી ટ્રેન પસાર થતી હોય ત્યારે વચમાં વચમાં બોગદાં (ટનલ) પણ આવે. તેમાંથી ટ્રેન પસાર થાય ત્યારે? રોમાંટિક નર્મદ કહે છે:
ગાડી જ્યારે જાય ટનલમાં ચિંઈઈ કરીને
ત્યારે સહુ જન થાય અજબ બહુ,
એવી વેલા થોડી વારના અંધારામાં
નિજ પ્રિયજનને છાતીસરસું ખૂબ ચાંપવું
એ સુખડું તો સ્વર્ગનું સાચે.
આકાશમાં ખીલતા મેઘધનુષમાં તો સાત રંગ હોય છે. પણ આ મોહમયી મુંબઈ નગરીના રંગોનો તો પાર આવે તેમ નથી. અને આ શહેરની એક ખાસિયત એ છે કે કોઈ પણ રંગ અહીં કાયમી બનતો નથી, રંગો સતત બદલાતા રહે છે. નવી નવી ભાત ઉપસતી રહે છે. અને એટલે આ શહેર ચાલતું નથી, સતત દોડતું રહે છે. ક્યારે ય સૂતું નથી, સતત જાગતું રહે છે. ક્યારેક હારી જાય તો બીજે જ દિવસે બેઠું થઇ દોડવા લાગે છે. એવા આ આપણા શહેરની કેટલીક વધુ વાતો હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
[પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 20 જુલાઈ 2019]