ગયા સોમવારે સવારે, ચંદ્ર પર પાણીની તલાશમાં, ચંદ્રયાન-૨ રવાના થવાનું હતું, ત્યારે કવિ-ગીતકાર ગુલઝારનો એક ઇન્ટરવ્યુ પ્રકાશિત થયો હતો. ગુલઝાર માટે કહેવાય છે કે તેમને ચંદ્ર માટે સવિશેષ પ્રેમ છે. તેમણે ૩૦ જેટલી કવિતાઓ ચાંદ પર લખી છે. ચંદ્ર જે રીતે પૃથ્વી પર ચમકે છે, એને ગ્રહણ લાગે છે, એ મોટો થાય છે, નાનો થાય છે અને ફરે છે, તે રોમાંસથી લઈને વિરહ અને મસ્તીથી લઈને મૌનના પ્રતીક તરીકે ગુલઝારનાં ગીતો અને કવિતાઓમાં આવે છે. આશા ભોંસલેએ ઘણાં ગીતોને અવાજ આપ્યો છે. ગુલઝાર પેલા ઇન્ટરવ્યુમાં કહે છે, "આશાજીએ એક વાર મને કહ્યું હતું કે ચાંદ ના હોત, તો મારી અંદરનો લેખક બહાર આવ્યો ન હોત. મને લાગે છે કે ચાંદ પર મારો કોપીરાઇટ છે."
૨૦ જુલાઈ ૧૯૬૯ના રોજ, એપોલો ૧૧ મિશન હેઠળ, નીલ આર્મસ્ટ્રોંગ અને તેના બે સાથી વૈજ્ઞાનિકો, બઝ અલ્ડ્રીન અને માઈકલ કોલીન્સ ચંદ્ર પર ઊતર્યા, તેને આ અઠવાડિયે ૫૦ વર્ષ પૂરાં થાય છે. ૧૬મી જુલાઈએ તેઓ ઊડ્યા હતા. ચંદ્ર પર પહોંચતાં ચાર દિવસ લાગ્યા. પૂરી દુનિયામાં લોકો ઉત્સુકતાથી એપોલોની આ ચંદ્ર યાત્રાને જોઈ રહ્યા હતા.
ગુલઝાર ૩૫ વર્ષના હતા. ગુલઝાર કહે છે કે મને યાદ નથી કે ત્યારે હું ક્યાં હતો અને શું કરતો હતો, પણ એ ખબર હતી કે દુનિયાની બહાર એક ડગલું માંડવાનું મનુષ્ય માટે કેટલી મોટી સિદ્ધિ હતી. નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મુક્યો તે ગુલઝારને ગમ્યું ન હતું. કેમ? … એનો જવાબ છેલ્લે.
ગુલઝાર કહે છે કે ચંદ્ર પર પહેલો પગ નીલ આર્મસ્ટ્રોંગે અને બીજો બઝ અલ્ડ્રીને મુક્યો હતો, પણ એ બીજો જ રહી ગયો. દુનિયા તો આર્મસ્ટ્રોંગને જ ઓળખે છે. તમે જો પહેલા નથી, તો લોકો તમને ભૂલી જાય છે. એટલે જ લતા (મંગેશકર) ચાંદ પર પહોંચી ગઈ અને હવે આશાને તો પણ પહોંચવાનું છે.
માનવ સભ્યતાની શરૂઆતથી મનુષ્યો અને પ્રાણીઓ માટે ચંદ્ર રહસ્ય અને અચરજનો વિષય રહ્યો છે. માણસે ચંદ્રને લઈને વાર્તાઓ ઘડી છે, કલ્પનાઓ બાંધી છે, અફવાઓ ફેલાવી છે, કવિતાઓ અને લોકગીતો બનાવ્યાં છે, અભ્યાસનો વિષય બનાવ્યો છે અને સામાજિક રીત-રસમો નક્કી કરી છે.
બીજી સદીનો સીરિયન પ્રહસન લેખક, લુસિયન ઓફ સમોસતા, ચંદ્ર પર પહેલી વાર્તા લખનારો લેખક મનાય છે. તેણે એવી વાર્તા લખી હતી કે અમુક દરિયાઈ યાત્રાળુઓ વાવંટોળમાં ઊંચકાઈને ચંદ્ર પર જઈ પછડાય છે. ત્યાં તેઓ ચાંદપુરુષો અને સૂર્યપુરુષો વચ્ચે યુદ્ધ જુવે છે. લુસિયને માનવ ઇતિહાસમાં પહેલીવાર ચંદ્ર પર કાચનાં વસ્ત્રો પહેરેલાં, દેડકાં ખાઈને જીવતા ઊંચા, કદાવર યંત્રમાનવોની કલ્પના કરી હતી.
ગીતકાર તરીકે ગુલઝારે જે પહેલી ફિલ્મમાં કામ કર્યું, તે બિમલ રોયની 'બંદિની' (૧૯૬૩) હતી. એનાં ગીત 'મોરા ગોરા અંગ લઇ લે'માં એ ચાંદને લઇ આવ્યા – બદલી હટાકે ચંદા, ચુપકે સે ઝાંખે ચંદા, તોહે રાહુ લાગે બૈરી, મુસ્કાયે જી જલાઈકે. ધર્મેન્દ્રના આ પહેલી હીટ ફિલ્મ. બિમલ રોયને ગુલઝારે પહેલાં તો ના પાડી દીધી હતી કે તેમને ફિલ્મી ગીતો નથી લખવાં. ગીત લખ્યું, તો કમાલ કરી. બધાને 'ગોરો' રંગ પસંદ હતો, ત્યારે ગુલઝારના ગીતમાં નાયિકા (નુતન) ખુદને શ્યામ રંગી જોવા ઇચ્છે છે, જેથી તે રાતના અંધકારમાં પ્રેમીને મળે, તો કોઈ જોઈ ન જાય. નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ગયો, તેના છ વર્ષ પહેલાં, આ ગીત લખાયું હતું અને આજે ય એટલું જ મશહૂર છે.
નવ વર્ષ પછી, ૧૯૭૨માં, ગુલઝારનો પહેલો કાવ્ય સંગ્રહ આવ્યો, તેનું નામ હતું 'એક બૂંદ ચાંદ.' ગુલઝારની કવિતામાં ચંદ્ર પ્રતીક બનીને આવે અને ઘણીવાર ખુદ દ્રશ્ય બની જાય. ૨૦૧૩માં, કવયિત્રી અને લેખક સબા મહમૂદ બશીરે ગુલઝારની ચાંદ-કવિતાઓ પર પીએચ.ડી કરી, તે થિસીસનું શીર્ષક હતું – આઈ સ્વૉલો મૂન ( હું ચાંદને ગળી ગયો).
એક સબબ મરને કા, એક તલબ જીને કી, ચાંદ પુખરાજ કા, રાત પશ્મીને કી.
ચાંદ જીતને ભી શબ ચોરી હુઆ, સબ કે ઈલ્ઝામ મેરે સર આયે
સબા એમાં લખે છે, "ગુલઝાર માટે ચાંદ ક્યારેક ઘૂંટણભેર આવે – આજ કી રાત, દેખા ના તુમને, કૈસે ઝૂક ઝૂક કે કોહનિયોં કે બલ, ચાંદ ઇતને કરીબ આયા હૈ. એ કયારેક દુઃખી ગ્રહ છે – દામન એ શબ પે લટકતા હૈ ચાંદ કા પૈબંદ (રાતનાં વસ્ત્ર પર એક સાંધાની જેમ ચાંદ લટકે છે). એક બાજુ ગુલઝાર ચાંદ કા ટીકા માથે લગાઈ કે (બંટી ઔર બબલી) લખીને તેને નવોઢાના લલાટનું સન્માન આપે છે, તો બીજી તરફ એ એની ખીલ્લી પણ ઉડાવે છે – રોજ અકેલી આયે, રોજ અકેલી જાયે, ચાંદ કટોરા લિયે, ભિખારન રાત (મેરે અપને – ૧૯૭૧)"
ગુલઝારનો ચાંદ અલગ અલગ પરિસ્થિતિઓમાં અનેક રૂપમાં આવે છે. એકમાં એ ઓશીકું બની જાય છે, જેની નીચે સપનાં દબાયેલાં પડ્યાં છે. બીજામાં એ પથારી બની જાય છે. એકમાં એ ૫૦ પૈસાની સિક્કો છે. બીજામાં એ નાવ છે, જેમાં બેસીને પ્રવાસીઓ રાતની યાત્રા કરે છે. એક દ્રશ્યમાં શાયર પાનની જેમ, ચાંદનીને ચાવે છે. બીજામાં એ વંઠી ગયેલા તારાઓ સાથે મસ્તી કરવા જતાં, જખ્મી થઇ ગયેલું બાળક છે.
સબા બશીર ધ્યાન દોરે છે કે ગુલઝારના ચાંદમાં ખાલી કવિતા જ નથી, વિજ્ઞાન પણ છે. ૧૯૮૮માં ગુલઝારે લખેલી – નિર્દેશિત કરેલી ફિલ્મ 'લિબાસ'માં લતાએ અફલાતૂન રીતે ગયેલાં ગીતમાં ગુલઝાર લખે છે – સીલી હવા છૂ ગઈ, સીલા બદન છિલ ગયા, ગીલી નદી કે પરે ગીલા સા ચાંદ ખીલ ગયા. વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર પાણી હોવાના પુરાવા મેળવ્યા, તેના બે દાયકા પહેલાં ગુલઝારે પૃથ્વી પર પાણીની નદીની સામે આકાશમાં ખીલેલા ભીના ચંદ્ર પર પાણીની કલ્પના કરી હતી.
પણ માણસે ચંદ્ર પર પગ મુક્યો, તો ગુલઝારને લાગ્યું કે સપનાંના ચાંદ પર કોઈ પગલું મૂકે, તો એ બરાબર ના કહેવાય. કેમ? ગુલઝાર કહે છે, "ચાંદ સદીઓથી કવિઓની પ્રેરણા રહ્યો છે, પણ નીલ આર્મસ્ટ્રોંગ સાચ્ચે જ ચાંદ પર ઊતર્યો અને તેના પર ચાલ્યો, તો તેની સાથે જે મોહક ભ્રમ જોડાયેલો હતો, તે કંઇક અંશે તૂટી ગયો. ચાંદ વધુ પડતો વાસ્તવિક થઇ ગયો, અને એના પરનાં લખાણો ઓછાં થઇ ગયાં."
ગુલઝાર એ તૂટેલાં સંબંધમાં ય કવિતા લઇ આવ્યા:
નયે નયે ચાંદ પે રહને આયે થે
હવા ન પાની, ગર્દ, ન કૂડા
ન કોઈ આવાજ, ન હરકત
ગ્રેવિટી બિન તો પાંવ નહીં પડતે હૈ કહીં
આપને વજન કા ભી અહસાસ નહીં હોતા
ચલતે હૈ
જો ભી ઘૂટન હૈ, જૈસે ભી હો
ચલ કે જમી પર રહેતે હૈ
https://www.facebook.com/permalink.php?story_fbid=2326053994389313&id=1379939932334062&__tn__=K-R