ભારતીય દાર્શનિક પરંપરામાં ‘અનિર્વચનીય’ અને ‘અવ્યાકૃત’ એ બે શબ્દો મહત્ત્વના છે. બંને શબ્દોનો અર્થ લગભગ એકસરખો છે, પણ દિશા અલગ છે. અનિર્વચનીય એટલે આ જગતનું એવું ગૂઢ રહસ્ય જેનું નિર્વચન ન થઈ શકે. મત એવો છે કે પરમ રહસ્યોને પામી શકાય છે, પણ શબ્દો દ્વારા વર્ણવી નથી શકાતાં. આ જગત શાશ્વત્ છે કે નાશવાન? આ જગત કોણે બનાવ્યું? શેમાંથી બનાવ્યું? અને જો કોઈ બનાવનાર હોય તો શા માટે બનાવ્યું? આત્મા શું છે? એ દેહમાં આવે છે ક્યાંથી અને મૃત્યુ પછી જાય છે ક્યાં? ઈશ્વર કયા સ્વરૂપમાં રહે છે? એ સર્જક છે, નિયંતા છે કે પછી કેવળ સાક્ષી છે? બંધન અને મોક્ષ શું છે?
આ બધા જીવ અને જગતને લગતા તેમ જ બંધન અને મુક્તિને લગતા માનવીનાં મનમાં પેદા થનારા સ્વાભાવિક પ્રશ્નો છે જેની આસપાસ જગત આખામાં ધર્મો અને દર્શનશાસ્ત્રો રચાયાં છે. પણ ખુલાસો શું છે? ભારતીય દાર્શનિક શાખાઓએ પોતપોતાની રીતે ખુલાસા કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ મોટા ભાગે તો તેને અનિર્વચનીય ગણાવીને પ્રશ્નકર્તાને કહી દેવામાં આવ્યું છે કે દરેક રહસ્યો શબ્દો દ્વારા વર્ણવી ન શકાય. કોઈકે શાંકરભાષ્યમાં કેટલી વાર અનિર્વચનીય શબ્દ આવે છે તેની ગણતરી કરવી જોઈએ. માયાવાદ કે વિવર્તવાદમાં જ્યાં અટવાઈ જવાય ત્યાં શંકરાચાર્યે અનિર્વચનીયનો આશ્રય લીધો છે.
અહીં બુદ્ધ આવે છે. બુદ્ધે જોયું કે જેને વર્ણવી ન શકાય એવાં રહસ્યોને પામવા માટે, તેને બદલવા માટે, તેની કૃપા મેળવવા માટે કર્મકાંડો તો કરવામાં આવે છે; પરંતુ તેનો તર્કબદ્ધ ખુલાસો કરવામાં નથી આવતો. ઈલાજોનો દાવો કરવામાં આવે છે, પણ તાર્કિક ખુલાસા કરવામાં નથી આવતા. બુદ્ધે આનો ખુલાસો કરી આપ્યો અને એ એવો સોંસરવો હતો કે જેનો ખુલાસો માગવામાં આવે છે એનો કોઈ ખુલાસો જ નથી. એ નિરર્થક કાથાકૂટ છે જેમાં જીવન સુધારવા માગતા માણસે પડવાની જરૂર નથી. આને માટે બૌદ્ધદર્શનમાં જે પારિભાષિક શબ્દ વપરાય છે એ ‘અવ્યાકૃત’. જેને તર્કબદ્ધ રીતે, સ્ટેપ બાય સ્ટેપ સમજાવી ન શકાય અથવા ભવસાગરને સામે કાંઠે શું છે કે પછી કાંઠો છે કે નહીં એ પણ ખાતરીથી ન કહી શકાય એ અવ્યાકૃત.
ભગવાન બુદ્ધને જ્યારે કોઈ જિજ્ઞાસુ ઉપર કહ્યા તેવા પ્રશ્ન પૂછતો ત્યારે બુદ્ધ મૂંગા રહેતા. આનો અર્થ એવો નથી કે તેઓ અજ્ઞાની હતા. તેમની આગળના પૂર્વસૂરીઓએ આ વિષે શું કહ્યું છે તેની તેમને જાણ હતી. તેમણે પોતે પણ એ વિષે ચિંતન કર્યું હતું અને એ પછી તેમને સમજાયું હતું કે જે બોગદાનો બીજો છેડો જ નથી ત્યાં કારણ વિના સાધકને શા માટે ઢસડી જવો! શરીરને ઘસીને ધોવાથી શરીરશુદ્ધિ થાય, આકાશનાં રહસ્યો શોધવામાં શરીર ધોવાનું બાજુએ રહે એનો શો અર્થ
મજ્ઝિમનિકાયમાં એક પ્રસંગ આવે છે. માલુંક્ય સુત્ત નામનો એક જિજ્ઞાસુ બુદ્ધને મળવા આવે છે અને જીવ-શરીર-જગત વિષે ઉપર કહ્યા તેવા પ્રશ્નો બુદ્ધને પૂછે છે અને ઉપરથી ઉમેરે છે જો તમે આનો ખુલાસો નહીં કરો તો હું સંઘમાં રહીને સાધના નહીં કરી શકું. બુદ્ધે માલુંક્ય સુત્તને કહ્યું કે ‘ભાઈ, મેં ક્યારે કહ્યું કે હું તારા આ પ્રશ્નોના ઉત્તર આપીશ? તું શું કહે છે એ તું જાણે છે? ઘડીભર ધારી લે કે કોઈ એક માણસને ઝેર લગાડેલું બાણ મારવામાં આવ્યું છે. તેના મિત્રો વૈદને લઈ આવે છે અને વૈદ શરત કરે છે કે હું આના શરીરમાંથી ત્યાં સુધી બાણ નહીં કાઢું અને ઈલાજ નહીં કરું જ્યાં સુધી બાણ મારનાર ગોરો હતો કે કાળો, લાંબો હતો કે ઠીંગણો, તેનું ગોત્ર કયું છે, તેના બાણની પ્રત્યંચા દોરાની બનેલી હતી કે વડવાઈની એની જાણ નહીં થાય. હે માલુંક્ય સુત્ત, તારી શરત (જિજ્ઞાસા) આના જેવી નિરર્થક છે. આ જગત નિત્ય હોય કે અનિત્ય, બન્ને સ્થિતિમાં તારા માટે તો જન્મ-જરા અને મરણનું દુઃખ તો લખાયેલું જ છે. હા, તારા દુઃખના નિવારણનો ઉપાય મારી પાસે છે, બાકી તારી જગત વિશેની જિજ્ઞાસાઓનો મારી પાસે કોઈ ખુલાસો નથી.’
જેમાં કોઈ દાદરો નથી, દરવાજા નથી, બારી નથી એવા ભવનમાં પ્રવેશવાના મનોરથ સેવવાનો શો અર્થ છે? એના કરતાં તારી જિંદગી સુધાર ને ભાઈ! બુદ્ધ પહેલાના અને પછીના વૈદિક દર્શનના વિચારકો એવા ભવનને નકારતા તો નહોતા જ, તેનો મહિમા કરતા હતા; પરંતુ ત્યાં સુધી પહોંચવાનો અને પ્રવેશવાનો માર્ગ જ્યારે કોઈ પૂછે ત્યારે તેને અનિર્વચનીય કહીને, શું કહીશું, હાથ ખંખેરી નાખતા હતા. પરમ રહસ્યોનો અસ્વીકાર તો બુદ્ધ પણ નહોતા કરતા, પરંતુ તેઓ અવ્યાકૃત કહીને પોતાના અને બીજા કોઈના પણ અ-સામર્થ્યનો સ્વીકાર કરી લેતા હતા. જેનું કોઈ સરનામું જ નથી તેને શોધવા શા માટે નીકળવું?
આ બુદ્ધ. બુદ્ધને સમજાઈ ગયું હતું કે સરનામાં વિનાના ભવનને શોધવા માટે વિદ્વાનો નિરર્થક મલ્લિનાથી કરે છે અને કર્મકાંડી બ્રાહ્મણો, જિજ્ઞાસુ પણ ભયભીત માનવીને ત્યાં પહોંચાડી દેવાના દાવા કરીને છેતરે છે. માનવીમાં બન્ને ચીજ હોય છે; જિજ્ઞાસા પણ હોય છે અને ભય પણ હોય છે એટલે વૈદિક પરંપરામાં બન્ને દિશાએ પ્રપંચ ચાલતા હતા. ઓછામાં પૂરું શ્રમણ પરંપરામાં જૈનોએ સામાન્ય માણસને સદે નહીં એવી આકરી તપશ્ચર્યાનો વળી ત્રીજા અંતિમનો માર્ગ અપનાવ્યો હતો.
એટલે ભગવાન બુદ્ધ માલુંક્ય સુત્તને કહે છે કે જગતના રહસ્યોની બધી વાત છોડ, તારે દુઃખથી છૂટકારો મેળવવો છે? તો તેનો મારી પાસે ઈલાજ છે. અહીં બુદ્ધની સંવાદ કરવાની શૈલી વિષે બે વાત કહેવી જોઈએ. એમ કહેવાય કે બુદ્ધ લોકોની વચ્ચે રહેતા, દરેકને મળતા, દરેકની સાથે તેને સમજાય એવી ભાષામાં વાતો કરતા, ક્યારે ય પોતાને જ્ઞાની કે બીજાને ઓછો આંકતા નહોતા, તેઓ આગ્રહોથી મુક્ત મૃદુ હતા અને તેમની આંખો અને વાણીમાંથી કરુણા વહેતી હતી. તેમને કોઈ અપમાનિત કરે તો ક્યારે ય તેઓ ક્રોધ નહોતા કરતા. તેઓ મલ્લીનાથી કરનારા દાર્શનિક તરીકે કે આંજી દેનારા તપસ્વી તરીકે લોકોની વચ્ચે નહોતા જતા, પરંતુ હમસફર હમશાગિર્દ તરીકે લોકોની વચ્ચે જતા હતા. આંટીઘૂંટી વિનાનું સરળ જીવન અને ભાષાભરમ વિનાનો સરળ ઉપદેશ!
શું હતો એ ઉપદેશ? ભગવાન બુદ્ધે ચાર આર્યસત્યો કહ્યા છે. સામાન્ય માણસને કામમાં આવે એવાં ખપનાં અને અનુસરી શકાય એવા સુલભ.
૧. દુ:ખ આર્ય-સત્ય છે.
જન્મ દુઃખ છે, જરા દુ:ખ છે, વ્યાધિ દુ:ખ છે, મૃત્યુ દુ:ખ છે, અપ્રિય માણસને મળવું એ દુઃખ છે, પ્રિય માણસથી વિખુટા પડવું એ દુઃખ છે, ઈચ્છા પૂરી થાય તો પણ દુઃખ છે કારણ કે એક દિવસ મેળવેલી ચીજ હાથથી જતી રહે છે અને ઈચ્છા પૂરી ન થાય એ પણ દુઃખ છે. આમ દુખં દુખં (દુઃખ જ દુઃખ) એ પહેલું આર્ય-સત્ય છે.
૨. દુઃખ સમુદાય આર્ય-સત્ય છે.
માણસના માર્ગમાં જે પણ દુઃખ આવે છે તેની પાછળ કારણ અથવા કારણ સમુદાય હોય છે અને તેનું મૂળ કાયમ તૃષ્ણામાં હોવાનું. ટૂંકમાં તૃષ્ણા દુઃખનું કારણ છે.
૩. દુઃખનો ઉપાય છે:
દુઃખ જો તૃષ્ણાનું પરિણામ હોય તો તેનો ઉપાય છે જ. જો કારણથી મુક્ત થવાય તો પરિણામથી પણ બચી શકાય છે એ સાદું અનુભવસત્ય છે.
૪. દુઃખ-નિરોધ-ગામિની-પ્રતિપદ આર્ય સત્ય અથવા પ્રતીત્યસમુત્પાદ.
આનો અર્થ એ કે એકબીજાને પ્રભાવિત કરે એવા કાર્ય-કારણ સમુદાયને જો અપનાવવામાં આવે તો એ બધાં મળીને જે સામૂહિક પરિણામ આપે છે એ દુઃખ નિવારણનું કારણ બને છે. એવાં આઠ આચરણ છે અને તેને એક સાથે અપનાવવાનાં છે કે જેથી તે કાર્ય-કારણ સમુદાય બને. બુદ્ધે આઠ આચરણ બતાવતી વખતે દરેકની આગળ ‘સમ્યક્’ એવું માત્રાવાચક વિશેષણ વાપર્યું છે. સમ્યક્ એટલે યોગ્ય માત્રામાં. ન થોડું ન વધારે.
૧. સમ્યક્ દૃષ્ટિ: અર્થાત્ દૃષ્ટિમાં વિવેક. ગમતું નજરે પડે તો લોભાવું નહીં અને ન ગમતું નજરે પડે તો વિચલિત થવું નહીં.
૨. સમ્યક્ સંકલ્પ: જે કરવા યોગ્ય નથી એ નહીં કરવાનો સંકલ્પ અને જે કરવા યોગ્ય છે એ કરવાનો સંકલ્પ.
૩. સમ્યક્ વચન: જૂઠ, બકવાસ, ઈર્ષા, નિંદા વગેરેથી બચવું અને જો કોઈની પ્રસંશા કરવા જેવું લાગે તો ઉદારતાપૂર્વક કરવી, પણ તેમાં અતિરેક ન થવો જોઈએ.
૪. સમ્યક્ કર્માન્ત: હિંસા કરવી નહીં. જેના પર આપણો અધિકાર ન હોય તે ભોગવવું નહીં, અને અધિકાર હોય એ પછી પણ ભોગવવામાં વિવેક કરવો. જે ભોગવવા જેવું હોય તે જ ભોગવવું અને એટલું જ ભોગવવું.
૫. સમ્યક્ આજીવ: આજીવિકા ખોટા માર્ગે ચલાવવામાં ન આવે.
૬. સમ્યક્ વ્યાયામ: વ્યાયામ એટલે પ્રયત્ન. વ્યસન છોડવાનો પ્રયત્ન, મનમાં પાપ-ભાવ જાગે તો તેને રોકવાનો પ્રયત્ન, સારા વિચાર અને વલણને વધારવાનો પ્રયત્ન વગેરે.
૭. સમ્યક્ સ્મૃતિ: મનમાં ગ્લાનિ પેદા કરે તેવી કે પછી ઇન્દ્રિય સુખોની સ્મૃતિથી બચવું અને મંગળભાવ જગાડે એવી સ્મૃતિઓ સાથે રાખવી.
૮. સમ્યક્ સમાધિ: મનમાં પેદા થતા વિતર્ક અને વિચારમાં વિવેક કરવો, સુખ અને દુઃખ વચ્ચે વિવેક કરવો અને શાંતિ અને એકાગ્રતા સાથે જાતને ઓળખવાનો યત્ન કરવો વગેરે.
જીવનને સફળ બનાવવા આટલું પૂરતું છે. એ પણ પાછું પ્રમાણસર. કોઈ દિશામાં અતિરેક કરવાનો નથી. જો આટલું કરશો તો દુઃખથી મુક્તિ મળશે અને માણસને એનાથી વધારે જોઈએ છે શું? નથી ક્યારે ય હાથ ન લાગે એવા જીવ અને જગતના રહસ્યો શોધવા જવાની જરૂર કે નથી દુઃખથી બચવા કર્મકાંડો કરવાની જરૂર. આ છે બુદ્ધનો મધ્યમમાર્ગ જે સ્વાભાવિક રીતે લોકાર્થી સુલભ માર્ગ છે.
અપ્પ દીપો ભવ (તું જ તારો પ્રકાશ એટલે કે પથદર્શક બન) એ બુદ્ધનું અમર વાક્ય છે!
16 જુલાઈ 2019
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 જુલાઈ 2019