આજે ‘ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ની અમદાવાદ આવૃત્તિમાં ફોટા સાથે એક સમાચાર છે કે સુરતમાં આઠ વર્ષની દેવાંશી સંઘવી નામની એક છોકરીએ જૈન સાધ્વી થવા માટે દીક્ષા ગ્રહણ કરી. આવું થયા જ કરે છે, વારંવાર. જે પુખ્ત ઉંમરની વ્યક્તિઓ સંપૂર્ણ સંસાર ભોગવ્યા પછી પણ સાધુ થતી નથી, તેઓ પાછા આવાં બાળકોના ત્યાગ પર ગૌરવ લે છે!
આવાં નાની ઉંમરનાં બાળકો કોઈ પણ ધર્મમાં દીક્ષા લઈને સાધુ બને તે યોગ્ય કેવી રીતે કહેવાય?
હિન્દુ ધર્મમાં આટલી નાની ઉંમરે સાધુ કે સાધ્વી થતા હોય કે ખ્રિસ્તી ધર્મમાં પાદરી કે ફાધર કે મધર થતા હોય તો તે જાણમાં નથી. એમ એમનામાં પણ થતું હોય તો તે સદંતર ખોટું જ છે.
બાળક ૮-૧૦ વર્ષનું થાય ત્યાં સુધી રાહ પણ શું કરવા જોવાની? બાળક જન્મે કે તરત જ આપી દો સાધુ કે સાધ્વીને, તેઓ જ એને ઉછેરે અને એને સાધુ બનાવે! હદ થઈ રહી છે આ તો ધર્મને નામે.
૮-૧૦ વર્ષનાં છોકરા કે છોકરીને શી સમજણ પડે કે સાધુ થવું એટલે શું? “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના” એવું નિષ્કુળાનંદ સ્વામીનું એક ભજન છે. આ ત્યાગ અને વૈરાગ્ય એટલે શું એનો ખ્યાલ કેવી રીતે આવે આટલી નાની ઉંમરના બાળકને?
બાળક ૧૮ વર્ષની ઉંમરનું થાય તો જ તે લગ્ન માટે લાયક ગણાય એમ બાળ લગ્ન પ્રતિબંધ ધારો કહે છે. તો પછી ૧૮ વર્ષથી ઓછી વયનું કોઈ બાળક સાધુ કેવી રીતે થઈ શકે? સંસારમાં પ્રવેશ માટેની ઉંમર કાયદાથી નક્કી થાય તો સંસાર છોડવાની ઉંમર પણ કાયદાથી નક્કી થવી જોઈએ. એક ધર્મનિરપેક્ષ દેશમાં એમાં વચ્ચે ધર્મ આવવો જોઈએ જ નહિ.
અમારા ધર્મમાં તો આમ થતું આવ્યું છે કે અમારા ધર્મગ્રંથોમાં આમ લખેલું છે માટે અમે તો એમ જ કરીએ, સરકાર કે કોઈ કાયદો એમાં વચ્ચે ના આવે એવી દલીલ એક ધર્મનિરપેક્ષ ભારત દેશમાં લઘુમતીઓ કર્યા કરે એ તદ્દન વાહિયાત છે.
હમણાં પંજાબ અને હરિયાણાની વડી અદાલતે ૧૫ વર્ષની વયની એક મુસ્લિમ છોકરીનું લગ્ન કાયદેસર ઠરાવ્યું કારણ કે મુસ્લિમ પર્સનલ લો હેઠળ એ શક્ય અને માન્ય છે. પણ બાળ લગ્ન પ્રતિબંધ ધારો-૨૦૦૬ તો ધર્મનિરપેક્ષ કાયદો છે. એમાં ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિના લગ્ન પર પ્રતિબંધ છે. એ તો મુસ્લિમો સહિત બધાને લાગુ પડવો જ જોઈએ. આ મુદ્દો અત્યારે સર્વોચ્ચ અદાલતમાં પડ્યો છે. જો સર્વોચ્ચ અદાલત એમ કહે કે મુસ્લિમ પર્સનલ લો બરાબર છે આ બાબતમાં, તો સંસદે બાળ લગ્ન પ્રતિબંધ ધારો મુસ્લિમોને પણ લાગુ પડે તેવો કાયદો કરવાની હિંમત કરવી જોઈએ.
શા માટે ધર્મનિરપેક્ષ મુસ્લિમો એમ કહેતા નથી કે ઇસ્લામ ધર્મ ગમે તે કહેતો હોય, કુરાન, શરિયત કે હદીસ ગમે તે કહેતા હોય, પણ ધર્મનિરપેક્ષ ભારત દેશનો કાયદો જ મહત્ત્વનો છે અને તેનું જ પાલન થવું જોઈએ? મુલ્લા, મૌલવીઓ કે આયતોલ્લાહો તો એવું ના જ કહે, પણ જેઓ પોતાને ધર્મનિરપેક્ષ મુસ્લિમ કહે છે તેઓ શા માટે મૌન છે આ બાબતે? શું તેમને અંધ રૂઢિચુસ્ત મૌલવીઓનો અને મુસ્લિમોનો ડર લાગે છે?
બાળ લગ્નો તો હિન્દુઓમાં કાયદો હોવા છતાં પણ મોટા પાયે થાય છે જ. પણ એ ગેરકાયદે છે એ મહત્ત્વનું છે. જે હિંદુઓ કાયદાનો ભંગ કરે તેમને સજા થાય એ પણ એટલું જ આવશ્યક છે. એને જ કાયદાનું શાસન કહેવાય.
જૈનો અને મુસ્લિમો બંને લઘુમતી છે. પણ ભારતમાં ધર્મનિરપેક્ષ થવાની કે ધર્મનિરપેક્ષ કાયદાનું પાલન આ બાબતોમાં કરવાની જવાબદારી માત્ર બહુમતી હિન્દુઓની જ છે એવી માનસિકતા જોખમી છે એ સમજવું જરૂરી છે. જે સમાન નાગરિક ધારો (UCC) લાવવાની વાત બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કલમ-૪૪માં લખવામાં આવી છે તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ બધાને સામાજિક બાબતોમાં પણ સમાન ગણવાનો છે, સામાજિક સમાનતા લાવવાનો છે.
માટે :
(૧) બાળ લગ્ન પ્રતિબંધ ધારો બધા નાગરિકોને કોઈ પણ ભેદભાવ વિના લાગુ પડવો જોઇએ.
(૨) ૧૮ વર્ષથી ઓછી વયની વ્યક્તિ કોઈ પણ ધર્મમાં સાધુ બની શકે નહિ તે પ્રકારનો કાયદો સંસદે કરવો જોઈએ.
તા.૧૮-૧-૨૦૨૩
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર