આ જિગ્નેશિયો બહુ બોલ બોલ કરે છે. શું સમજે છે એના મનમાં? સોંપી દો છેક ભુતાન સરહદે આવેલા કોકરાઝારની પોલિસને. સીધો દોર થઈ જશે! મેવાણી, તારી વાણીને હવે વિરામ આપ, નહિ તો તને વિરામ આપી દઈશું. મેવાણી, અલ્યા, સમજ તો ખરો કે ન બોલવામાં નવ ગુણ છે. હા, બોલશે એનાં બોર અમે વેચી નાખીશું, તું ચિંતા શીદને કરે છે? તને વાણીમાં રસ છે, અમને મેવામાં. તું ય ખાને મેવા, તને કોણ ના પાડે છે? અલ્યા, અમારા ભેળો આઇને ખા!
અને હા, ખેર છે જિગ્નેશિયાની જેમ બીજું કોઈ આવી રીતે ટ્વીટ કરે તો, બોલે તો, લખે તો, પોસ્ટ કરે તો. તમને તો ચીન સરહદે અરુણાચલ પ્રદેશમાં જ મોકલી દઈશું હા. અને કદાચ આંદામાન પણ મોકલી દઈએ. યાદ છે કે નહિ તમને, અંગ્રેજો કાળાં પાણીની સજા આપતા દેશદ્રોહીઓને? અમે પણ મેવાણી જેવા દેશદ્રોહીઓને નહિ છોડીએ, એમની વાણીને વિરામ આપીશું જ.
થોડું તો સમજો યાર, કેટલું બધું ખરાબ લાગે છે કે જ્યારે મોરિશિયસના વડા પ્રધાન અને અંગ્રેજ વડા પ્રધાન દેશમાં મહેમાન થયા હોય ત્યારે. અમે વિકાસ કરવા અઢાર અઢાર કલાક કામ કરીએ છીએ તેની આ કહેવાતા દલિત નેતાને કશી કિંમત જ નથી. નહિ ચલાવી લઈએ આ બધું હવે. બહુ થયું. આઠ આઠ વર્ષથી અમે તારા જેવાને સહન કરી રહ્યા છીએ. હવે નહિ કરીએ, તમારાથી જેલો ભરી દઈશું, પોલિસની કસ્ટડીઓ ભરી દઈશું. યાદ રાખો. અમારી પાસે પોલિસ છે, લશ્કર છે અને ભગવાન શ્રી રામનો હિન્દુ ધર્મ છે, સમજ્યા ને?
હે ગાંધી અને સરદારની ગરવી ગુજરાતના ગુજરાતીઓ, કશું પણ બોલવાની હિંમત કરી તો આવી બન્યું સમજો. અમારે હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે અને એમાં કોઈ પણ કશું પણ બોલીને મગજમારી કરશે, હવનમાં હાડકાં નાખશે તો નહિ ચાલે, સમજ્યા ને! હિન્દુ રાષ્ટ્રમાં માત્ર અમે કહીએ તે જ બોલવાનું કે લખવાનું. આપણે વિશ્વ ગુરુ બનવાનું છે, જરા સમજો. તમારે તે માટે તમારી વાણીને વિરામ આપવો જ પડશે.
આવી રીતે જ્યારે બબ્બે વડા પ્રધાનો ઘર આંગણે પધાર્યા હોય ત્યારે દેશના પોતાના વડા પ્રધાનને ગોડસેની યાદ અપાવીને બદનામ કરવાનું કાવતરું નહિ ચલાવી લેવામાં આવે. વડા પ્રધાનને શા માટે ગોડસેની યાદ અપાવવામાં આવે છે? નરેન્દ્ર મોદીના આરાધ્ય દેવ ગોડસે છે કે કોઈ રામ કે કૃષ્ણ કે પરશુરામ જેવા ગોડ, એની ચિંતા કોઈએ કરવાની જરૂર નથી. તેઓ તો ક્યારના ય, ૨૦૧૪થી, અરે, ૨૦૦૨થી જ ગોડસેને સાવ ભૂલી ગયા છે, ના, ના, વડનગરમાં ચા વેચતા હતા ત્યારથી જ વિસરી ગયા છે ગોડસેને. તું એ મહાન, न भूतो न भविष्यति, એવા હિન્દુ ધર્મીની એમને યાદ અપાવીને એમનું દિમાગ બગાડે છે! તેઓ એને કારણે દેશને વિકાસને માર્ગે લઈ જવાનું ક્ષ્ણભેર ભૂલી જાય છે અને દેશને અબજો રૂપિયાનું નુકસાન થાય છે, એટલે જ તેઓ ગરીબી અને બેકારી દૂર કરી શકતા નથી. તેઓ તો બીજી ઓક્ટોબર અને ત્રીસમી જાન્યુઆરીએ કાયમ રાજઘાટ જાય છે અને મહાત્માને વંદન કરે છે એ તું કેમ ભૂલી જાય છે? તું જ્યાં ભણ્યો એ એચ.કે. આર્ટ્સ કોલેજમાં તને અધ્યાપકોએ આવી વાહિયાત ચીજો યાદ રાખવાનું ભણાવ્યું!
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે બીજા અધ્યાયમાં કહ્યું છે કે સુખદુઃખને સરખાં સમજવાં. सुखदुखे समे कृत्वा । મેવાણી, તું ઘરમાં હોય કે પોલિસ કસ્ટડીમાં. સુખ અને દુઃખ બંને સમાન ગણીને ચાલ. અમે એટલે જ ગુજરાતમાં શાળાઓમાં ગીતાનું શિક્ષણ આપવાના છીએ કે જેથી ભવિષ્યમાં તેઓ નાગરિકો બને તો આવી રીતે સુખદુઃખને સમાન ગણે!
તા.૨૨-૦૪-૨૦૨૨
સૌજન્ય : હેમન્તકુમાર શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર