જે નાસ્તિક બુદ્ધને સનાતની હિન્દુઓએ ભગવાન વિષ્ણુના એક અવતાર બનાવી દીધા હતા એમના અનુયાયીઓએ એક સૂત્ર અપનાવ્યું હતું : संघम् शरणं गच्छामि। આ સૂત્રને પોતાની જાતને સનાતની હિન્દુ કહેનારા મહાત્મા ગાંધીએ જેની સ્થાપના ૧૯૨૦માં કરેલી તે ગૂજરાત વિદ્યાપીઠના કર્તાહર્તાઓએ RSSને શરણે જઈને સાર્થક કર્યું.
રાજેન્દ્ર ખીમાણીનું કુલનાયક તરીકેનું રાજીનામું એ આ સૂત્ર મુજબની કાર્યવાહી છે. ચેસની રમતમાં એક નિયમ એ છે કે જે રાજાને ચેકમેટ કરે છે તેનો સૌથી પહેલો ભોગ લેવાય છે. રાજા એટલે કે RSS, ભા.જ.પ. અને નરેન્દ્ર મોદી કે અમિત શાહને ચેકમેટ કરવાની હિંમત તો ગૂજરાત વિદ્યાપીઠ ક્યારની ય ગુમાવી ચૂકી હતી. એટલે સંઘને કે ભા.જ.પ.ને શરણે ગયા સિવાય છૂટકો નહોતો.
કોચરબ આશ્રમમાં એક કાર્યક્રમમાં અમિત શાહને નિમંત્રણ આપ્યું ખીમાણીએ, અને પછી એમને નતમસ્તક પ્રણામ કરતો ખીમાણીનો ફોટો વાયરલ થયો ત્યારે જ સાનમાં સમજાઈ ગયું હતું કે પોતાની ખુરશી બચાવવા માટે ખીમાણીએ આ કારસો રચ્યો હતો.
યુ.જી.સી.ના અહેવાલ પછી અને હાઈ કોર્ટના આદેશને અનુસરીને ખીમાણીએ ન રાજીનામું આપ્યું કે ન ગાંધીવાદી ટ્રસ્ટીઓએ તેમનું રાજીનામું લઈ લીધું, એનું પરિણામ જ એ આવ્યું કે પરમ સંઘી અને નરેન્દ્ર મોદી તથા અમિત શાહની કૃપાથી વિદ્યાપીઠના કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રત નિયુક્ત થયા.
પ્રાપ્ત અહેવાલ મુજબ તો આચાર્ય દેવવ્રત એક ફોર્મ્યુલા મુજબ કુલપતિ થયેલા, અને તેમાં એમ હતું કે રાજેન્દ્ર ખીમાણીને કોઈ પણ રીતે કુલનાયક તરીકે ચાલુ રાખવામાં આવશે. વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલનાયક અને અનેક ગાંધી વિચાર પ્રેરિત સંસ્થાઓના ટ્રસ્ટી સુદર્શન આયંગર, સર્વોદય વર્તુળની જાણીતી વ્યક્તિ હસમુખ પટેલ અને રાજેન્દ્ર ખીમાણી પોતે અમિત શાહને મળેલા અને આ ફોર્મ્યુલા માટે સંમતિ આપેલી કે આચાર્ય દેવવ્રત કુલપતિ થાય અને કુલનાયક તરીકે રાજેન્દ્ર ખીમાણી ચાલુ રહે.
ખીમાણી ગયા અને દેવવ્રત થકી RSS અને ભા.જ.પ. પ્રસ્થાપિત થયા. આચાર્ય દેવવ્રતની સફાઈ ઝુંબેશમાં ખીમાણી કચરાની જેમ ફેંકાઈ ગયા.
આમ જુઓ તો સુદર્શન આયંગર, હસમુખ પટેલ અને રાજેન્દ્ર ખીમાણીએ મહાત્મા ગાંધી સ્થાપિત વિદ્યાપીઠ ભા.જ.પ. અને RSSને ચરણે ધરી દીધી. આમ તો, બધા ટ્રસ્ટીઓ પણ એને માટે એટલા જ જવાબદાર. આચાર્ય દેવવ્રતની નિમણૂક કરવા માટે ટ્રસ્ટી મંડળની જે બેઠકમાં નિમંત્રણ અપાયું એમાં હસમુખ પટેલ મતદાન સમયે તટસ્થ રહે અને સુદર્શન આયંગર વિરોધ કરનારા અન્ય ટ્રસ્ટીઓ સાથે ભળી જાય એ તો એક રમતનો ભાગ હતો. આ રમત તેઓ શું પોતાની જિંદગીનાં લગભગ ૬૦ વર્ષ સુધી રાજકારણી રહેલા મહાત્મા ગાંધી પાસેથી શીખેલા? નવ ટ્રસ્ટીઓનાં રાજીનામાં પણ ઘોડો તબેલામંથી નાસી જાય પછી તબેલાને તાળું મારવા જેવી ઘટના હતી. ભયંકર ગેરવહીવટ અને ગેરરીતિના આરોપો છતાં આ ટ્રસ્ટીઓએ ભીષ્મ બનવાનું નક્કી કરેલું! એનું જ આ પરિણામ : संघम् शरणं गच्छामि ।
એક ટ્રસ્ટીએ મારા એક મિત્રને એમ પણ કહેલું કે, “હવે જોજે તું, નરેન્દ્ર મોદી વિદ્યાપીઠને ગ્લોબલ યુનિવર્સિટી બનાવી દેશે.” ગાંધી વિચારે રંગાયેલા આ ટ્રસ્ટીને નરેન્દ્ર મોદીની ક્ષમતામાં અચાનક કેટલી બધી શ્રદ્ધા જાગી! ભક્તિ યુગમાં નવું પગરણ અને નવું પહેરણ!
વિદ્યાપીઠ હોય કે ન હોય પણ, મહાત્મા ગાંધી તો ગ્લોબલ છે જ, માત્ર ગ્લોબલ નહિ પણ યુનિવર્સલ છે. એને ગ્લોબલ બનાવવાની નરેન્દ્ર મોદીની શી તાકાત? અને હા, વિદ્યાપીઠ ગ્લોબલ બને એવું ગાંધી ઈચ્છતા પણ નહોતા એ વિદ્યાપીઠ વિશેના ગાંધીનાં વાક્યો વાંચીએ તો ખબર પડે.
ગુજરાત વિદ્યાપીઠ હવે ગાંધી આશ્રમની જેમ જ સંપૂર્ણપણે ભા.જ.પ. અને RSSના હાથમાં આવી ગઈ છે. વિદ્યાપીઠમાં ગાંધી વિચાર સાથે જેમને નિસ્બત છે તે બધા વિદ્યાપીઠના સંદર્ભમાં હવે નરસિંહ મહેતાનું ભજન ગાય એ જ એક રસ્તો બાકી રહ્યો છે કે શું? : ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ!
લોકશાહી મૂલ્યો અને માનવ અધિકારોનાં મૂલ્યો માટે જિંદગી આપનાર મહાત્મા ગાંધી સ્થાપિત સંસ્થાનું આ નસીબ છે! ભગવાન બુદ્ધના નિર્વાણ પછી બુદ્ધના વિહારોની આવી જ હાલત નહોતી થઈ? નવ કરશો કોઈ શોક, રસીકડાં, નવ કરશો કોઈ શોક! ગાંધી વિચાર માટેની લડાઈ વિદ્યાપીઠ કે આશ્રમ નહિ લડે, એ એમની તાકાત બહારની વાત છે! એ તો એમની બહાર જ લડાશે!
(અહીં જેમનાં નામો લીધાં છે તેઓ મારા દાયકાઓ જૂના મિત્રો છે. ટ્રસ્ટીઓમાં પણ ઘણા. પણ તેથી શું? તેઓ મને ક્ષમા કરે. પરંતુ આશરે ૬૦ વર્ષથી વિદ્યાપીઠને શ્વાસમાં અનુભવનારા માણસ તરીકે અને ૧૩ વર્ષ વિદ્યાપીઠના વિદ્યાર્થી તરીકે રહેનાર વ્યક્તિ તરીકે આ લખ્યું છે.)
તા.૧૬-૦૧-૨૦૨૩