
રવીન્દ્ર પારેખ
કોઈ પણ ચેનલ ચાલુ કરો તો મોટે ભાગે ત્યાં કોઈ ફેરનેસ ક્રીમની, ટૂથપેસ્ટની કે પાનગુટકાની જાહેરાતો જોવા મળશે. એ સમાચારની, ફિલ્મની કે ટી.વી. પ્રોગ્રામની ચેનલ હોય તો પણ જાહેરાત તો દેખાતી જ રહે છે. ઘણીવાર તો વહેમ પડે છે કે માત્ર જાહેરાતની વચ્ચે જ જોનાર વ્યક્તિ, ફિલ્મ કે પ્રોગ્રામ કે સમાચાર જોઈ રહી છે. એ સમજી શકાય એમ છે કે કમાવા માટે કે પ્રોગ્રામો માટે જાહેરાતનો આશરો લેવો પડે, પણ એવી જાહેરાતોમાં સિલેક્ટિવ રહી શકાયને ! જે અક્ષય કુમાર ફિલ્મની શરૂઆતમાં મિત્રને સિગારેટ ન પીવાની સલાહ આપતી જાહેરાત કરતો હોય એ જ કમર્શિયલ બ્રેકમાં વિમલ કેસરીની જાહેરાત પણ કરે, એ કેવું? પૈસા માટે મરી ફીટવા જેટલી ગરીબીથી કેમ પીડાતા હશે આવા ફિલ્મી કલાકારો? અમિતાભ બચ્ચન જેવા સદીના મહાનાયકને પણ પાન મસાલાની જાહેરાત કરવી પડે એવી કઇ લાચારી છે એ નથી સમજાતું. એ સમજી શકાય એમ છે કે જાહેરખબરની કંપનીઓ મોટા કલાકારોનો આગ્રહ એટલે રાખે કે તેમની પ્રોડક્ટનું એટલું વેચાણ વધે, પણ કલાકારોને તો તેમની ચોઈસ હોય ને ! એ કેમ વેચાવા આટલા બધા જીવ પર આવી જાય છે? ક્રિકેટના ભગવાન થયા પછી સચિન તેંડુલકરે મ્યુચ્યુઅલ ફંડની દલાલી કરવી પડે કે શાહરુખ ખાન કે અજય દેવગણ જેવાએ સ્પ્રે કે પાન મસાલાની જાહેરાતમાં ભાવ ઉપજાવવો પડે, ત્યારે પ્રશ્ન થાય કે તેમનો અભિનય હવે જાહેરાત પૂરતો જ સીમિત રહી ગયો છે કે શું? એમાં ય કોઈ સાધારણ પ્રોડક્ટની જાહેરાત હોય તો ધૂળ નાખી, પણ લોકોના આરોગ્ય સાથે રમત રમતી જાહેરાતોમાં કલાકારે જોડાવું પડે એ કેવળ ને કેવળ શરમજનક છે.
જો કે, લોકો પણ ઓછા જવાબદાર નથી. એવી પ્રોડક્ટ વેચાતી હશે ને લોકો ખરીદતાં જ હશે, નહિતર એવી કંપનીઓ ને જાહેરાતો બંધ થયા વગર કેમ રહે? લોકોને પણ મૂરખ બનવાનો શોખ હોય છે. એ જ તો આવી વાહિયાત વસ્તુઓ ખપાવતાં હોય છે નહિતર મેગીબેગી કે બિંગો ટેડેમેડે જેવી જાહેરાતો ચાલે કેવી રીતે? એ ચાલે છે એટલે હેલ્થ ઈન્સ્યોરન્સની જાહેરાતો ચાલે છે. મહિનાના 300-400માં કરોડનો ઈન્સ્યોરન્સ ઉતારનારી કંપનીઓ એ પણ સૂચવે છે કે હવે હોસ્પિટલો કરોડ રૂપિયા વગર ઈલાજ કરવા બહુ રાજી નથી. સાધારણ માંદગીઓને કોરોનાએ એટલી મોંઘી કરી છે કે દરદીઓ ઘરે રહે તો કદાચ બચી જાય, પણ હોસ્પિટલમાં તો વધેરાવાનું લગભગ પાકું જ છે.
હવે જે જાહેરાતો ટી.વી.ના પ્રોગ્રામ્સ ચલાવે છે તે કેવા હોય છે તે પણ સૌ જાણે છે. જે સિરિયલમાં સ્ટોરી જેવું ખાસ કૈં હોય જ નહીં, એકની એક વાત પર ઢગલો રિએક્શન્સ કેમેરા દેખાડ દેખાડ કરતો હોય એવી સિરિયલો મહિનાઓ, મહિનાઓ નહીં, વર્ષોથી ચાલ્યાં કરતી હોય ને એને ઊની આંચ ન આવતી હોય ત્યારે લોકોને મૂરખ બનાવી શકાય છે ને લોકો મૂરખ બનવા રાજી પણ હોય છે એ વાત માનવી પડે. કોઈ પણ સામાજિક સિરિયલ ધારો કે મહિનો જોવાનું ચૂકી જવાય ને પછી જોવાય તો પણ કશું જ ચૂકી જવાતું લાગે નહીં, એવી સિરિયલો લોકો ને જાહેરાતો ચલાવે છે. આમ તો એ બધી સિરિયલોનાં નામ દઈને વાત કરી શકાય, પણ નામ દેવામાં પણ એની જાહેરાત કરવા જેવું જ થાય ને એટલી પાત્રતા ય બચી ન હોય ત્યાં નામ દઈને પણ શું કરવાનું? એ ખરું કે કેટલીક વેબ સિરિઝ સરસ બની છે, પણ મોટે ભાગની સિરિઝમાં અશ્લીલ ગાળો અને સેક્સનાં દૃશ્યો વાસ્તવિક્તાને નામે પરાણે ઘૂસાડાય છે ને જે પ્રચાર પામે છે તે તો એવી જ સિરિઝ, એટલે એની વાતો પણ લિટર દૂધ માટે ડેરી ખોલવા જેવી જ લાગે એમ બને. આપણને એનો પણ વાંધો પડતો નથી કે ક્રાઇમ સિરિયલોએ કેટલી બધી હત્યાઓને પ્રેરણા આપી છે? નથી તો એ હત્યાઓ અટકવાનું નામ નથી દેતી કે નથી તો એવી સિરિયલો અટકતી, એની પણ કમાલ જ છે ને ! બાકી, હતું તે સાઉથની હિન્દી ડબ્ડ ફિલ્મોએ પૂરું કર્યું છે. ખરેખર તો સાઉથની ફિલ્મોએ હિન્દી ફિલ્મ ઉદ્યોગને જોખમમાં મૂકી દીધો છે, તે એ હદે કે હિન્દી ફિલ્મના કલાકારો પણ હવે સાઉથની ફિલ્મોમાં કામ શોધવા લાગ્યા છે. સાઉથની મોટે ભાગની ફિલ્મો તો હિંસાનો દેખાડો માત્ર જ છે !
દેખાડો એ આજનો સ્થાયી ભાવ છે. છીંક આવે તો દેખાડો કેન્સરની તીવ્રતાનો થાય છે. બધાંએ બધું જ બતાવી દેવું છે ને હોય એટલું જ દેખાડવાથી સંતોષ નથી. હોય એનાથી અનેકગણું દેખાડવું છે. સેલ્ફી આજની જગજાહેર ટ્રેજેડી છે. સેલ્ફીમાં ‘સેલ્ફ’નો ઉપયોગ બીજાને ‘બતાવી દેવા’ માટે જ થતો હોય છે. એવું જ સમાચાર ચેનલોનું પણ છે. જાહેરાતોમાંથી પરવાર મળે તો તે સમાચારો પણ બતાવે છે. તેનાં એન્કરો સર્વગુણ સંપન્ન હોય તેમ ભાવિ પણ ભાખી આપતા હોય છે. એકનાં એક દૃશ્યો ને સમાચારો, એક જ સમય ગાળામાં એટલી વખત માથે મરાતાં હોય છે કે જોનાર અધમૂઓ થવાનો જ બાકી રહે. સમાચાર આપતી વખતની એન્કરોની ટિપ્પણી એકતરફી ઉશ્કેરણીનું કામ કરે છે. એમાં અપાતાં મંતવ્યો પૂર્વગ્રહ પ્રેરિત અને હિંસક હોય છે. સ્થાનિક કે પ્રાદેશિક સમાચારોમાં જે તે વિસ્તારની કૃષિ, સમાજ કે પાલિકાની વાતોમાં લોકોની કે સત્તાધીશોની કામગીરી અંગે એન્કરો અક્કલનું પ્રદર્શન એવી રીતે કરતાં હોય છે કે તેમને કોઈ પૂછનાર નથી. એમાં વળી ચૂંટણી કે યુદ્ધના સમાચારો તો વધુ પક્ષપાતી હોય છે. યુદ્ધ શરૂ થવાનું હોય તો દૃશ્યો એવી રીતે બતાવાય છે કે જાણે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હોય. રશિયા-યુક્રેન વચ્ચે થયેલ યુદ્ધને ચગાવવામાંથી કોઈ ભારતીય ચેનલો બાકાત રહી નથી. રશિયા-યુક્રેને યુદ્ધ થંભાવવું હોય તો તે વાતે ચેનલો રાજી ન હોય એવી તેની પ્રસ્તુતિ રહી છે. યુદ્ધથી થતી ખાનાખરાબી દર્શાવવામાં ચેનલોએ ખાસ રસ દાખવ્યો છે. ઘણીવાર તો પ્રશ્ન થાય કે યુદ્ધ શરૂ કરાવવામાં ચેનલોએ તો કોઈ ભાગ ભજવ્યો નથી ને? ચેનલો સ્વાભાવિક રીતે જ શાસકોને પ્રાધાન્ય વધુ આપે, પણ તેની ભાટાઈ કરતી હોય તો તે બરાબર નથી. ‘ગોદી મીડિયા’ શબ્દ એમને એમ પ્રચારમાં નથી આવ્યો. એ ખરું કે ચેનલો જાહેરાતો પર ચાલે છે, પણ તે ખરીદાઈ ગઈ હોય એટલી હદે તો કોઇની ખુશામત ન જ કરી શકે. પ્રેસને રોકનારું પરિબળ છે, પણ ચેનલો પર અંકુશ માટે પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા જેવું કૈં નથી. પ્રેસની સ્વતંત્રતાનો વાંધો ન જ હોય, પણ જવાબદારીનાં ભાન વગરની સ્વતંત્રતા તો જોખમી જ નીવડે. એ બાબતે સુપ્રીમ કોર્ટે પણ સરકારને ટકોર કરી છે. સુપ્રીમે તો ત્યાં સુધી કહ્યું છે કે ચેનલો એજન્ડા-સંચાલિત છે ને તે સમાજને વિભાજિત કરી રહી છે, સનસનાટીભર્યા સમાચારો માટે ચેનલો સ્પર્ધામાં ઊતરે છે, સમાચાર કવરેજ ટી.આર.પી. દ્વારા ચલાવવામાં આવે છે, તેનાં એન્કરો સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરે છે ને તેથી તેમને ઑફ એયર કરી દેવા જોઈએ. એ એન્કરો પર નિર્ભર છે કે તે ચેનલો પર ચાલતી ડિબેટને કઇ દિશામાં લઈ જવા માંગે છે. પેનલમાં ઉપસ્થિત સભ્યોને કેટલું વેઇટેજ આપવું તે એન્કર નક્કી કરે છે ને એમાં ઘણી વાર નિષ્કર્ષ સહજ નથી જ રહેતો.
હેટ સ્પીચની ઘટનાઓમાં કાર્યવાહીની માંગ કરતી અરજીઓની સુનાવણી વખતે સુપ્રીમકોર્ટે આવી ટિપ્પણીઓ કરી હતી. સરકારે બચાવમાં કહ્યું હતું કે તે ક્રિમિનલ પ્રોસિજર કોડમાં અલગથી સુધારા પર વિચાર કરી રહી છે. કોર્ટે એ મામલે ટકોર કરી હતી કે ચેનલો જે કહે છે તેની દેશ પર અસર પડે છે એ વાતનું ધ્યાન રખાવું જોઈએ. સુપ્રીમે એમ પણ કહ્યું કે ભારતમાં ‘મુક્ત અને સંતુલિત’ પ્રેસની જરૂર છે. એનો અર્થ જ એ કે ભારતમાં મુક્ત અને સંતુલિત પ્રેસનો અભાવ છે. મીડિયા પક્ષપાતી હોય કે સરકાર કે ઉદ્યોગપતિઓ દ્વારા પ્રભાવિત હોય તો તે મુક્ત અને સંતુલિત ન જ હોય એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. અત્યારની ટી.વી. ચેનલો સ્વતંત્ર ઓછી ને સ્વચ્છંદી વધુ છે એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 જાન્યુઆરી 2023