મુખ્યધારાનો વિકાસ ફક્ત આર્થિક જ છે?

રાજેશ લકુમ
ગુજરાતના વિકાસ માટે સૌથી વધારે જમીન સંપાદન આદિવાસી વિસ્તારમાંથી કરવામાં આવે છે. જમીન સંપાદનથી આદિવાસી સંપૂર્ણ કે આંશિક રીતે પોતાના જીવનનિર્વાહનાં સાધનોથી વંચિત બન્યા છે. જમીન સંપાદન સમયે રાજ્ય દ્વારા રોજગારી આપવાનાં વચનો આપવામાં આવે છે. સાથે-સાથે જમીન સંપાદન સામે રાજ્ય દ્વારા વળતર નક્કી કરવામાં આવે છે, પરંતુ આદિવાસીમાં વળતરની સ્વીકાર્યતાનો પ્રશ્ન સામે આવે છે કારણે કે જમીન સંપાદન સામે વળતર ખૂબ જ નજીવું છે. અસરગ્રસ્ત આદિવાસીઓ દ્વારા વળતરની રકમ સામે વિરોધ કરવામાં આવે છે. પરંતુ વંચિત આદિવાસીનો અવાજ સરકાર સુધી પહોંચતો નથી. વળતરની રકમ મેળવવા માટે કરવો પડતો ખર્ચ પણ ખૂબ જ વધારે છે. ગરીબ અને વંચિત આદિવાસી વળતરનો ખર્ચ કરવાની યોગ્ય રીત ન હોવાથી દયનીય પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ સમગ્ર વિસ્થાપનની પ્રક્રિયામાં આદિવાસી પર સામાજિક અને આર્થિક વિપરીત અસરો પડે છે. આદિવાસીનું જીવન અંધકારમય થઈ જાય છે.
વિસ્થાપનની સૈદ્ધાંતિક સમજ વિશે માઇકલ કેરનેયના (Michael Cernea) કહે છે કે વિસ્થાપન ગરીબો માટે મોટું જોખમ ઊભું કરે છે. જેમાં આદિવાસીઓ ભૂમિહીનતા, બેરોજગારી, બેઘર, વંચિતતા, ભૂખમરો, સામાન્ય / સામુદાયિક સંપત્તિથી વંચિત, વધા જતાં સામુદાયિક સ્થાનાંતરણ અને ગરીબી તરફ દોરી જતી પ્રક્રિયાનો ભોગ બન્યા છે (Cernea, 2002). ગુજરાતમાં જમીન સંપાદન દ્વારા ખેતીલાયક જમીનને બિન-ખેતીલાયક બનાવવામાં આવે છે. ઐતિહાસિક રીતે જોઈએ તો ગુજરાતની સ્થાપના બાદ Transportation Projectમાંથી ધીમે ધીમે Water Resources Project અને Industrial Project પર વધારે ભાર આપવામાં આવ્યું. પરિણામે દક્ષિણ ગુજરાતમાં ડેમ બનાવવા માટે જમીન સંપાદન કરવામાં આવી છે જેની સૌથી વધારે અસર આદિવાસી પર થઈ છે. જ્યારે મધ્ય-ગુજરાતમાં કેનાલ નેટવર્ક માટે જમીન સંપાદન કરવામાં આવી, જેની અસર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમુદાય અને દલિતો પર થઈ છે.
ગુજરાતમાં આર્થિક વિકાસ માટે અનેક વિકાસના પ્રોજેકટો હાથ ધરવામાં આવે છે જેમાં ડેમ, કારખાનાં, ખાણ-ખનીજ ખનન માટે, પ્રવાસન સ્થળો માટે, એરપોર્ટ, રેલવે અને રોડ-રસ્તાઓ વગેરે માટે જમીન અધિગ્રહણ કરવામાં આવે છે. જમીન સંપાદન દ્વારા ગરીબ અને વંચિત સમુદાયના લોકો સૌથી વધારે અસરગ્રસ્ત બને છે. તો અસરગ્રસ્ત એટલે શું? અસરગ્રસ્ત એટલે “જમીન સંપાદનના ધારા- 1884ની કલમ 4 મુજબ, જમીન સંપાદનની સૂચના પ્રારિત કરવામાં આવી હોય, એ અગાઉ એક વર્ષથી ડૂબાણમાં જતાં વિસ્તારમાં રહેતા હોય, ખેતી કરતાં હોય અને જીવનનિર્વાહ ચલાવતા હોય – એ લોકો અસરગ્રસ્તો ગણાય”. પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા જમીન સંપાદન કરવા વ્યક્તિગત સૂચના પ્રારિત કરી નથી, પરંતુ જાહેર સૂચના પ્રારિત કરવામાં આવી છે જે સંપૂર્ણ ગેરબંધારણીય છે. યુવા રાજકીય કર્મશીલ રોમેલ સૂતરિયાના મતે “સાપુતારાથી SOU રોડ પ્રોજેકટ માટે આદિવાસીની જમીનો લેવા જાહેર નોટિસ ગેરકાયદેસર છે. કાયદાની જોગવાઈ મુજબ દરેક ખેડૂતને વ્યક્તિગત નોટિસ પાઠવવી તે જમીન સંપાદન અધિકારીની જવાબદારી છે. નિયમ અનુસાર કાર્યવાહી નહિ તો વિદ્રોહ નક્કી છે”. જમીન સંપાદન, પુનર્વસન અને પુનઃ સ્થાપન અધિનિયમ, ૨૦૧૩ અંતર્ગત વાજબી વળતર અને પારદર્શિતાના અધિકારની કલમ ૨૧ (૧) (૨) હેઠળ રસ ધરાવતી વ્યક્તિઓને જાહેર સૂચના અને ગેઝેટ બહાર પાડવાની જોગવાઈ કરવામાં આવી છે. (Under Section 21 (1) (2) of the right to fair compensation and transparency in land acquisition, rehabilitation and resettlement act, 2013, public notice to persons interested and gazette). કાયદાકીય જોગવાઈનું ભંગ સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે.
આ સિવાય જમીન સંપાદન અને અસરગ્રસ્ત આદિવાસીઓ પર અનેક અભ્યાસો થયા છે. લેન્સી લોબો, શશીકાન્ત કુમાર (2009) Land Acquisition, Displacement and Resettlement in Gujarat 1947-2004, પુસ્તકમાં ગુજરાતમાં વિકાસશીલ પ્રોજેકટ માટે લોકોની જમીન સંપાદન કરવામાં આવે છે. જમીન સંપાદનની એક અસર એટલે વિસ્થાપન. ગુજરાતમાં વિસ્થાપનની સૌથી વધારે અસરો ઉપેક્ષિત લોકો પર પડી છે. આ અભ્યાસમાં 139 વસાહતો અને 1937 ઘરો વિશે માહિતી લેવામાં આવી હતી (Lobo & Kumar, 2009). વર્ષ 1947-2004 સમયગાળા દરમ્યાન ખાનગી જમીન સંપાદનને કારણે ગુજરાતમાં આશરે 25 લાખ એટલે કે 2.5 મિલિયન અસરગ્રસ્ત કે વિસ્થાપિત બન્યા છે અર્થાત્ રાજ્યના 5 ટકા લોકો અસરગ્રસ્તો કે વિસ્થાપિતો છે. જેમાંથી 61 ટકા લોકો જળસંબંધિત યોજનાઓને કારણે, 23 ટકા પરિવહન અને સંચાર યોજનાને કારણે, 6 ટકા ઉદ્યોગોને કારણે અસરગ્રસ્ત કે વિસ્થાપિત બન્યા છે. ગુજરાતના કુલ 18,000 ગામડાંમાંથી આશરે 40 ટકા ગામડાંઓ અસરગ્રસ્ત છે તેમાં કેટલાંક આંશિક રીતે, તો કેટલાંક સંપૂર્ણપણે. ગુજરાતમાં બે પ્રકારની જમીન સબંધિત સમસ્યા જોવા મળે છે એક, રાજ્ય પ્રેરિત વંચિતતા જેમાં ગરીબ અને વંચિત લોકો પાસેથી જમીન લઈને વધારે વંચિત બનાવવામાં આવે છે. બીજી તરફ તે જમીન અન્ય ધનિક લોકોને લીઝ પર આપવામાં આવે છે. બે, ભૂમિહીન અને સીમાંત ખેડૂતો, આદિવાસી જમીન વિહોણા બન્યા છે. આદિવાસી વિરુદ્ધ બિન-આદિવાસીને પ્રાથમિકતા આપવાનો આવે છે (લોબો & કુમાર, 2008).
અન્ય અભ્યાસ લેખ કનુ વસાવાનો, આ લેખમાં “મધ્ય પ્રદેશની વિસ્થાપિતો : આદિલોક ટીમની મુલાકાત” પર લખવામાં આવ્યો છે આ લેખ જોઈએ તો તેમાં નર્મદા યોજનાથી આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા. વિસ્થાપન બાદ પુનઃ વસવાટ સમસ્યાની સાથે-સાથે સીધી અસર મૂળ સંસ્કૃતિ, બોલી અને સામાજિક વ્યવહાર પર પડી. આ વસાહત ગુજરાતના ખેડા જિલ્લાના ખડગોદરા ગ્રામ પંચાયતમાં આવેલ છે. આ વસાહત મૂળ મધ્ય પ્રદેશના નિમઈ પ્રદેશના આદિવાસી લોકોની વસાહત છે. તેમનું મૂળ કકરાના ગામ, જિલ્લો અલીરાજપુરના વતની છે આ નર્મદા વસાહતની મુલાકાત દરમ્યાન તેમની વેદના જાણી “ભારે હૃદયે વતન છોડ્યું અને અજાણ્યા પ્રદેશમાં આવી પડ્યા. ગુજરાતમાં આવ્યા પછી સૌથી મોટો પ્રશ્ન આવ્યો તે અજાણ્યા પ્રદેશના લોકો સાથે અજાણી ભાષામાં વ્યવહાર. આવ્યા પછી થોડા દિવસ તો બધાને ઊંઘ ન આવે. રાત્રે મોડે સુધી બેસીને બધા વાતો કર્યા કરે. પોતાની જાતને ગોઠવવાનો સતત પ્રયત્ન બધા કરતાં હતા”. આ પ્રકારની વસાહતો ગુજરાતમાં ૮૮ જેટલી છે. વતન બદલાતા મૂળ પરંપરામાં પણ બદલાવ આવ્યો. પોતાના વતન સંસ્કૃતિ, પ્રકૃતિ, નદી, ડુંગરો, જંગલો વચ્ચે કુદરતના સાનિધ્યમાં મજા હતી. પરંતુ વિસ્થાપનના કારણે આદિવાસીઓ ધીમે-ધીમે આદિવાસીપણામાંથી બહાર આવ્યા (વસાવા, ૨૦૧૯). આર્થિક કટોકટી અને સામાજિક સંબધોનો હાસ થયેલ જોઈ શકાય છે. જન્મ, લગ્ન અને મરણ જેવા સામાજિક વ્યવહારો નવા પ્રશ્નો ઉદ્દભવ્યા.
વિસ્થાપનની અનેક અસરો જોવા મળે છે જેવી કે સંસ્કૃતિ સાથે જોડાયેલ સામાજિક સંબંધો વેરવિખેર થઈ જાય છે. લાંબા સમયના સ્થાપિત સંબંધોમાં વિક્ષેપ ઊભો થાય છે સાથે-સાથે રોજગારીના પરંપરાગત સ્રોતો અને બજારની કડીઓ તૂટી જાય છે. બાળ-સંભાળ, ખાદ્ય સુરક્ષા અને આંતર-સામુદાયિક લેતી-દેતીના વ્યવહાર (Intra-Community Credit Transfers) પણ નાશ પામવા લાગ્યો છે. વિકાસના નામે ગરીબ અને વંચિત લોકોનું અનૈચ્છિક સ્થાનાંતરણ (Involuntary Relocation) કરવામાં આવે છે જેને બળજબરીપૂર્વકની હકાલપટ્ટી (Forced Eviction) પણ કહી શકાય. વિસ્થાપનથી અસ્તવ્યસ્ત જીવન થઈ જવાના લીધે આદિવાસીઓ વર્ષો સુધી મનોવૈજ્ઞાનિક આધાત(Psychological Trauma)માંથી બહાર આવી શકતા નથી. જમીન વિહોણા, બેરોજગાર, ભૂખમરો અને સામુદાયિક સંસાધનો વંચિત બની જાય છે (Murickan, George, Emmanuel, Boban & Pillai, 2003).
આદિવાસી સમુદાય જળ, જમીન અને જંગલ જેવી સામુદાયિક સંપત્તિનાં સાધનો પર નિર્ભર હોય છે. જમીન સંપાદનથી આદિવાસીઓ બધુ જ ગુમાવે છે. સરકાર દ્વારા જમીન સંપાદન સામે આદિવાસીઓ માટે સશક્ત ભાવિ ઘડતર યોજના બનાવવી જોઈએ. કારણ કે આદિવાસી સમાજ નિરક્ષરતા, ગરીબી અને બેરોજગારી ગ્રસ્ત તો છે જ; અને જમીન સંપાદન બાદ વધારે વંચિત અને ગરીબ બને છે. જ્યાં સુધી સ્વમાનભેર પુનર્વસન કરવામાં નહિ આવે ત્યાં સુધી આદિવાસી ફક્ત આર્થિક રીતે જ નહિ પણ સાંસ્કૃતિક રીતે પણ પછાત રહી જશે. આદિવાસી જ્ઞાન-વિજ્ઞાન ભૂલી અન્ય સ્થળે નવી સંસ્કૃતિ અપનાવે છે પોતાની જ્ઞાન-મીમાંસા પ્રગટ કરવામાં પાછળ રહી જાય છે. નવા સ્થળે ધીમે ધીમે પોતાના સંસ્કૃતિ નાશ પામતી જાય છે. પુનર્વસનના નામે અન્ય સામાજિક માળખામાં દબાણપૂર્વકની વસાહત (Forced resettlement on social structure) બનાવવામાં આવે છે. આ આદિવાસીઓના પુનઃ સ્થાપન માટે સરકારી વસાહતો કેટલી યોગ્ય છે? કારણ કે આદિવાસીઓ સ્થાવર અને જંગમ મિલકતની સાથે-સાથે મૂલ્યવાન સંસ્કૃતિ પણ દૂર થઈ જાય છે. નવી જગ્યાએ આદિવાસી સામે નવા સામાજિક પ્રશ્નો ઉદ્દભવે છે. જેની અસર મહિલાઓ પર વધારે અસર પડે છે. પરંપરાગત રૂઢિઓને બદલે અન્ય વ્યવસ્થાનું સમાજીકરણ કરવું પડે છે. ધીમે ધીમે આદિવાસી મહિલાઓમાં પણ મૂલ્યો અને સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે. સ્થાનિક લોકો વિરુદ્ધનું વિસ્થાપન એ માનવ અધિકારનું હનન છે અને આદિવાસીઓને સામાજિક અન્યાય કરવામાં આવે છે. જમીન સંપાદન બાદ જે પ્રોજેકટ નાંખવામાં આવે છે તેનો મોટો આર્થિક લાભ શહેરી મધ્યમ અને ઉચ્ચ વર્ગને થાય છે. આજે સ્થાનિક લોકો વિકાસના વિરોધમાં સંઘર્ષ કરી રહ્યા છે. પુનર્વસનની નીતિઓ સામે સવાલો ઊભા કરી રહ્યાં છે.
સાભાર : પહેલ ત્રિમાસિક, પ્રેમલ જ્યોતિ, અમદાવાદ, પાનાં. 19- 22.
References:
Cernea, M. (2002). Impoverishment Risks and Reconstruction. Washington DC: the Brookings Institution.
Lobo & Kumar. (2009). Land Acquisition, Displacement, and Resettlement in Gujarat 1947- 2004. New Delhi: Sage Publications.
Murickan, George, Emmanuel, Boban & Pillai. (2003). Development- Induced Displacement. Bangalore: Indian Social Institute.
લોબો & કુમાર. (2008). ગુજરાતનો વિકાસ: જમીન સંપાદન, વિસ્થાપન અને અસરગ્રસ્તો- એક વણથંભી કૂચ’, . બરોડા : સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટ.
વસાવા, ક. (2019). મધ્ય પ્રદેશનાં વિસ્થાપીતો આદિલોક ટીમની મુલાકાત. આદિલોક, 13-15.
સૂતરિયા, ર. (2022, ડિસેમ્બર 20). આદિવાસીઓની જમીન લેવા પર જાહેર નોટિસ. વ્યારા: ફેસબુક પોસ્ટ.
માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર, અમદાવાદ :
e.mail : rajesh.cug@gmail.com