આજે ભારતમાં અને દુનિયામાં લોકશાહી અને માનવ અધિકારોના શિક્ષણ અને શિક્ષકો બંનેની ભારે આવશ્યકતા છે. એ બંનેની ભયંકર અછત પ્રવર્તે છે.
મેનેજમેન્ટ, કોમર્સ, ઇજનેરી, ફાર્મસી અને દાક્તરી શિક્ષણમાં તો માનવ અધિકારો અને લોકશાહીના શિક્ષણનો સદંતર અભાવ પ્રવર્તે છે.
રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર જેવાં કુદરતી વિજ્ઞાનો તેમ જ ભાષાઓ અને ભાષાશાસ્ત્ર તથા અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે જેવી સમાજવિદ્યાઓ ભાગ્યે જ લોકોને ભણવા જેવા વિષયો લાગતા હોય છે.
આર્ટ્સ વિદ્યાશાખામાં પણ લોકશાહી અને માનવ અધિકારોનું ગંભીરતાથી કોઈ શિક્ષણ આપવામાં આવતું નથી.
પરિણામે, નાગરિકો સમાજ, બજાર અને રાજ્ય નામની સંસ્થાઓ વિશે ભાગ્યે જ કશી યોગ્ય સમજણ ધરાવે છે.
તેથી લોકશાહી અને માનવ અધિકારો એમ બંનેના શિક્ષણ અને શિક્ષકોનો અકલ્પનીય દુકાળ પ્રવર્તે છે.
આ પરિસ્થિતિ માત્ર ભારતમાં છે એવું નથી. દુનિયાભરમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનો વાયરો ફૂંકાયો ત્યારથી, એટલે કે ૧૯૮૦ના દાયકાથી, આ સ્થિતિ ઊભી થઈ છે. ભારતમાં ૧૯૯૧થી સવિશેષ.
બહુરાષ્ટ્રીય કંપનીઓ અને મહાકાય કંપનીઓ તેમ જ સરકારો પણ એમ જ ઈચ્છે કે નાગરિકો પોતાના અધિકારો વિશે કશું જાણે જ નહિ, સમજે જ નહિ. તો જ તેમનો બંનેનો સત્તા અને નફા પ્રાપ્તિનો ધંધો પૂરબહારમાં અને બેરોકટોક ચાલી શકે ને.
૧૯૮૦ના દાયકા પછી દુનિયાભરમાં લોકશાહી વિરોધી માનસ વધુ મજબૂત બન્યું છે એનું એક કારણ બેફામ નફાખોરી કરવાની સ્વતંત્રતા પણ છે અને તેને જ લોકો અને સરકારો દ્વારા વિકાસ સમજવામાં આવે છે. ફ્રીડમ હાઉસનો ૨૦૨૨નો અહેવાલ એમ કહે છે કે દુનિયાના ૮૦ ટકા લોકો રાજાશાહી અને તાનાશાહી કે તાનાશાહી જેવી વ્યવસ્થામાં જીવી રહ્યા છે.
વિદ્યાર્થીઓને બજારમાં બરાબર ફિટ થઈ જાય તેવા બનાવવાની લાયમાં સરકારો તનતોડ મહેનત કરે છે. સરકારો અને કંપનીઓને તેમની નીતિરીતિ સામે અવાજ ઉઠાવે અને પોતાના જન્મસિદ્ધ માનવ અધિકારોનું રક્ષણ કરે એવા નાગરિકો જોઈતા જ નથી. મનુષ્ય જંતુ જેવો બની જાય એ આજની રાજકીય અને આર્થિક વ્યવસ્થાની અનિવાર્ય જરૂરિયાત છે.
શિક્ષક દિન, ૨૦૨૪.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર