તિર્યકી
ઃ મને એક વાતનું અચરજ છે, મોટું અચરજ.
ઃ એમ? બહુ કહેવાય. હાલના સમયમાં કશુંક પણ અચરજ થાય તે બહુ કહેવાય. હવે ખુલાસો આપો, શેનું અચરજ?
ઃ સન્માનયોગ્ય નેતાશ્રી વિમાનની નિસરણી ઊતરી રહ્યા છે, એમનું ધ્યાન એ ક્ષણે સ્વાભાવિક રીતે જ પગથિયાં પર છે, એ ઘડીએ એમને હાથ જોડીને નગરના શ્રેષ્ઠતમ નાયકોની કતાર ખડી છે, કલેક્ટર, મેયર, વરિષ્ઠ સચિવો વગેરે વગેરે. તે એ લોકો નેતાશ્રી હેઠે આવે ત્યાં સુધી રાહ કેમ ના જોઈ શકે? આગોતરાં હાથ જોડીને ખડા રહેવાનો મતલબ શો? હજી મહાનાયકે તો નથી એમના ભણી નજર કરી, કે નથી પ્રતિભાવમાં હાથ જોડ્યા, તો હાથ જોડીને દેવદ્વારે ઊભા હોય એમ આતુરતા, આજીજી, આરત, આર્જવ …
ઃ તમે ભોળા અને નાદાન છો એટલે તમને અચરજ થાય છે. આ તો ઠીક છે કે વિમાન આવી ગયું છે, અને સર્વશ્રેષ્ઠ હવે નીચે આવી રહ્યા છે, બાકી આ લોકોનું ચાલે તો તેઓ ઘેરથી, એમના ડ્રોઈંગરૂમથી જ, હાથ જોડેલા રાખીને આવે! એમના જોડેલા હાથને જોઈને સમસ્ત જગતને જાણ થાય કે એમના ઈષ્ટદેવ પધારવાના હશે. ધન ધન એમની ભક્તિ!
ઃ પણ સમજાતું નથી, કે આ ખુશામતનો કયો, અને કેટલામો પ્રકાર છે? આવી ચાપલૂસી?
ઃ આ પ્રથમ પ્રકાર. અન્ય પ્રકારોમાં હાર ચડાવવાની, સ્તુતિ તથા કીર્તન કરવાની, તુલા વિધિ કરવાની, શબ્દ દ્વારા પ્રશસ્તિ કરવાની તથા કરાવવાની પ્રથા ઠીકઠીક પ્રચલિત છે, પરંતુ આ સહુથી ઉપરનો, નંબર વન પ્રકાર ગણાય છે, જેમાં સર્વોચ્ચની નજર પડે, જ્યારે પડે ત્યારે, જોડેલા હાથ અને નમેલાં મસ્તક જ નજરે ચડે. બંને પક્ષે પરિતોષનો કલ્યાણકારી ભાવ ફેલાય છે, અને સારાં વાનાં થાય છે દેશમાં, બધે ઉત્સવ, ઉત્સવ!
ઃ ધૂળ સારાંવાનાં ! તમને તો કશું દેખાતું જ નથી આજકાલ!
ઃ એવું નથી. તમે મૂળ મુદ્દો સમજશો તો બધું દીવા જેવું ચોખ્ખું થઈ જશે. એ ક્ષણે હાથ જોડવાના હોય તે જ ક્ષણે ધારો કે પગે કીડી અથવા મંકોડો ચડી ગયો, અને એણે ચટકો ભર્યો, તો? અથવા તો એ જ ઘડીએ પ્રચંડ છીંક આવી, અને મોં ઢાંકવા તમારે હાથનો ઉપયોગ કરવો પડ્યો, તો? તમે હાથ જોડ્યા નથી, અને તમારા હાથ અન્ય ક્રિયાઓમાં રોકાયા છે, તે વખતે સન્માનયોગ્ય વ્યક્તિએ નમસ્કાર કરીને તમારા પર નજર ઠેરવી, તો એમને એ ઘડીએ શું જોવા મળશે? જસ્ટ ઈમેજીન ! સહુના હાથ ભક્તિમાં જોડાયેલા, અને તમે બઘવાયેલા, ડાફોળિયાં મારતાં … ઓ માય ગૉડ! મોત જેવું લાગશે તમને ત્યારે, એટલે હાથ તો પહેલેથી જોડેલા જ સારા. છાપ સારી પડે.
ઃ લો, આ તો અમે કોઈ દહાડો વિચારેલું જ નહીં! આટલો ગહન મુદ્દો અમે શી રીતે ચૂકી ગયા?
ઃ તમારું એ કામ નથી. તમે તર્ક, વિતર્ક અને કુતર્કના માણસ. ઘટનાને ચોમેરથી નીરખીને, એના તથ્યને પારખીને, એની આગળ પાછળના સંદર્ભોનું માનસિક વિશ્લેષણ કરીને પ્રજાસમૂહની નાડ પકડીને, આગળ ગયેલા, અને પાછળ આવતા પદવાંછુઓની કુંડળી તપાસીને તમારે વર્તવાનું હોય. એમાં નાની અમસ્તીએ ખામી આવી ગઈ તો ધબાય નમઃ! ના પોસાય લેશ પણ.
ઃ કાન પકડ્યા અમે. હવેથી અચરજ અનુભવવાને બદલે અમે પેલા બધ્ધહસ્ત ભક્તમંડળોનું અભિવાદન કરીશું, માત્ર હાથ જોડીને નહીં, પગે પડીને, અને નાક રગડીને! અંતે તો નમ્યાં, ને સહુને ગમ્યાં, કહેવતો કંઈ અમથી પડે છે? આ મૂકી દઈએ પાણી, નો તર્ક, નો સ્વતંત્ર વિચાર, નો સિદ્ધાંત, બસ, હાથ જોડીને એક કતાર, એક કતાર! કતારોનો સમૂહ-હાથ જોડેલો – વિરાટ, અમાપ, અનંત, ઓહો!!!
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2022; પૃ. 16