(હવામાં બુલંદ અવાજો, એકમેકને વળોટતા, આભ બેદતા, જનસમૂહને મૂર્છિત કરતા.)
(એક અતિશય નિર્બળ અવાજ)
ઃ પણ હે જગવિધાતા, અમને શ્વાસ લેવામાં તકલીફ છે, અમને કહેવામાં આવ્યું છે, કે તમે પોતે તમારો પ્રાણવાયુ લઈ આવો. એ માટે અમારે વૃક્ષો પાસે જવાનું હતું પરંતુ એ વૃક્ષો ફોર લેઈન માટે કપાઈ ગયાં છે, અને થોડાં બુલેટ ટ્રેનના આવાગમન અર્થે. હવે ક્યાં જઈએ? માર્ગદર્શન, પ્રભુ!
(ગેબી આકાશવાણી)
ઃ વૃક્ષો વાવો. તમને વારંવાર કહ્યું છે, કે વૃક્ષો વાવો. જુઓ, જેમ અત્યારે અમે તમારે માટે ઑક્સિજન પ્લાન્ટ ખડા કરવામાં રોકાયા છીએ કે નહીં? કશું ક્યારે ય મોડું હતું નથી. આ ઑક્સિજન પ્લાન્ટ ચાલુ થશે ત્યાં સુધીમાં કદાચ આ મહામારીનું પાંચમું મોજું આવી શકે તો એમને માટે આ પ્લાન્ટ ઉપયોગી થશે. જેમ કેરીનો ગોટલો વાવો છો ત્યારે …
(બીજો મૃતઃપ્રાય કંઠ)
ઃ અમને જાણ છે એ બાબતની આપણે જે કેરી ખાઈએ છીએ તે આપણા વડવાઓએ વાવેલા ગોટલાની છે, પણ અત્યારે આટલું લોક સ્મશાનઘાટ પહોંચે છે તે વિશે …
(બુલંદ પડઘા)
ઃ જીવન અને મૃત્યુ આપણા હાથની વાત નથી. ક્યારે ય નહોતી, એ શું નથી જાણતાં સહુ? જે બચવાનાં નથી એ લાખ ઉપાયે પણ નહીં બચે.
(ત્રીજો ડૂબતો અવાજ)
ઃ પણ અમે તો આપને ઉધ્ધારક લેખે જ નીરખ્યા છે, અમારી જવાબદારીઓ હજી માથે છે, અત્યારે મરવાનું અમને પોસાય એમ નથી, મારા પરિવારનો હું એકમાત્ર કમાતો સભ્ય છું, મહાનાયક!
(ગગનમંડળમાંથી પડઘા)
ઃ નચિંત બનો સહુ ! પાંચ કિલો અનાજ તમામ જરૂરતમંદોને મળવાનું છે, બે મહિના લગી. તમારાં સગાંવ્હાલાં ભૂખે નહીં મરે. જાન ન હોય તો કંઈ નહીં, જહાન તો છે ને ! અને એ તો તમારી પાછળ રહેવાનું જ છે. જરા પાછળ જુઓ, ચાલી આવે છે એક લાંબી કતાર અડગ નિર્ધાર સાથે, કર્મશીલ અને ગતિશીલ એમની પાસે લોખંડની ખાટ જેવુંયે છે કશુંક. ચાલો, પૂછીએ એમને કે એ કયા સત્કાર્ય અર્થે નીકળ્યાં છે!
(મહાનાદની આસપાસ ઝીણા ઝીણા અવાજો)
ઃ ના, ના, સર! એમને કંઈ પૂછતા નહીં. અત્યારે મૌન જ યોગ્ય છે, સર ! તમે કશું બોલતા નહીં, પ્લીઝ …
(મહાનાદ)
ઃ અમે શું ડરપોક છીએ? સામી છાતીએ ઘા ઝીલનારા અમે ચૂપ રહીએ? આ દેશબાંધવોને જરૂર પૂછીશું કે કયા મહાકાર્ય અર્થે તેઓ આ સરંજામ સાથે નીકળ્યાં છે ! એમનું સાહસ સરાહનીય છે.
(કતારમાંનો પહેલો જીવ)
ઃ હે વંદનીય ! આ ખાટ તો ભઠ્ઠી છે સ્મશાન માટેની. ત્યાં મસાણમાં ટોકન લઈને બેસવું પડે છે એમ સમાચાર છે. તો આ શું કે પોતાનો સામાન પોતે જ લઈને નીકળે તો પીડા નહીં. અંતિમક્રિયાનું એ ટુ ઝેડ બધું આ ઝોળામાં છે. ત્યાં ગયા કે ફટ ગોઠવી ભઠ્ઠી, પાછળ મારો છોકરો લાકડાં લઈને એ ચાલ્યો આવે … હવે નો પ્રોબ્લેમ, નો ટોકન, નો લાઈન. જ્યાં જ્યાં દેખાય ત્યાં ફટ ભઠ્ઠી ગોઠવીને ઝટ કાંડી ચાંપી એટલે પત્યું. અમારે તો, કૃપાળુ, આપનું કહ્યું માથે, શું જીવતાં કે શું મૂએલાં, આધાર જાતનો, ખુદનો, પેલો કયો બોલ આપેલો આપે? જેમાં આતમ-બાતમ આવતું’તું તે? આતમનો ભાર?
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 01