ઉત્તરાખંડના નવનિયુક્ત મુખ્યમંત્રી તિરથ સિંહ રાવતે એક વિવાદસ્પદ બયાન સાથે તેમની ઇનિંગ શરૂ કરી છે. મંગળવારે રાજ્યના બાળ સંરક્ષણ પંચના એક કાર્યક્રમમાં ભાગ લેતાં તેમણે કહ્યું હતું કે ફાટેલાં જીન્સ પહેરતી સ્ત્રીઓ દેશની સંસ્કૃતિ બગાડી રહી છે. ખુદનો અનુભવ વર્ણવતાં મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, "હું એક દિવસ જયપુરથી વિમાનમાં આવી રહ્યો હતો. મારી બાજુમાં એક બહેનજી બેઠી હતી. મેં એની તરફ જોયું તો નીચે ગમ બૂટ પહેર્યા હતા. ઉપર જોયું તો ઘૂંટણ સુધી જીન્સ ફાટેલી હતી. તેની સાથે બે બાળકો હતાં. સ્ત્રી એન.જી.ઓ. ચલાવતી હતી. જો આવી સ્ત્રી સમાજમાં લોકોને મળવા અને તેમની સમસ્યાઓ ઉકેલવા જાય, તો સમાજને અને આપણા બાળકોને કેવો સંદેશો મળે?"
રાવતે એ મહિલા તેનાં સામાજિક કાર્ય મારફતે સમાજને અને બાળકોને શું સંદેશો આપે છે તે કહેવાને બદલે તેના ફાટેલા જીન્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, તેને અરુચિકર ગણાવીને સોશ્યલ મીડિયામાં તેમની ભારે નિંદા કરવામાં અને હાંસી ઉડાડવામાં આવી હતી. અનેક સ્ત્રીઓએ ખુદનાં ફાટેલાં જીન્સ પહેરેલા ફોટા પોસ્ટ કરીને વિરોધ પણ નોંધાવ્યો હતો. સ્ત્રીઓનાં વસ્ત્રોને લઈને 'ચિંતા' કરવાવાળા રાવત પહેલા રાજકરણી નથી (અને છેલ્લા પણ નહીં હોય). ભારતના રાજકારણીઓ સંસ્કૃતિના પતનનું કારણ સ્ત્રીઓનાં વસ્ત્રોમાં શોધતા રહ્યા છે.
૨૦૧૬માં, તત્કાલીન કેન્દ્રીય પ્રવાસન મંત્રી મહેશ શર્માએ પર્યટકોને સ્કર્ટ નહીં પહેરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે પર્યટકોને એરપોર્ટ પર જ એક ‘વેલકમ કીટ’ આપવામાં આવી રહી છે, જેમાં તેમણે શું કરવું અને શું ન કરવું તેની સૂચનાઓ છે. મહેશ શર્માએ અપરાધીઓ માટે કોઈ ‘પનીશમેન્ટ કીટ’ જાહેર કર્યાનું જાણમાં નથી. સમાજવાદી પાર્ટીના મુંબઈના નેતા અબુ આઝમીને પણ સ્ત્રી વિરોધી અપરાધોમાં વસ્ત્રોનો વાંક દેખાયો હતો. તેમણે કહ્યું હતું કે સ્ત્રીઓ ઉઘાડાં વસ્ત્રો પહેરે છે એટલે પુરુષોનું ધ્યાન ખેંચાય છે અને બળાત્કાર થાય છે. આઝમી સાહેબ એમાં કહેવા માંગતા હતા કે બળાત્કાર થાય તેની જવાબદારી પુરુષોની નથી, સ્ત્રીઓની છે.
સ્ત્રીઓનાં વસ્ત્રોને લઈને પુરુષ રાજકારણીઓને જ ‘તકલીફ’ છે એવું નથી. આ એક સામાજિક માનસિકતા છે. આવા સ્ત્રી-વિરોધી પૂર્વગ્રહો સ્ત્રીઓમાં પણ છે. દિલ્હીમાં નિર્ભયા કાંડ થયો, ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસની નેતા અને મહારાષ્ટ્ર રાજ્ય મહિલા પંચની સભ્ય આશા મિર્જેએ તેમાં નિર્ભયાને જ દોષિત ઠેરવી હતી.
મિર્જેએ પાર્ટીની મહિલા પાંખને સંબોધતા કહ્યું હતું, “નિર્ભયાએ તેના મિત્ર સાથે રાતે ૧૧ વાગે ફિલ્મ જોવા જવાની જરૂર હતી? આપણે સાચવવું જોઈએ. આપણે જાતને સવાલ પૂછવો જોઈએ કે આપણે ક્યાં જઈએ છીએ અને ત્યાં જવું ખરેખર જરૂરી છે?”
કોઈ એવો તર્ક કરે કે આવાં વિધાનો પાછળનો હેતુ સ્ત્રીઓના રક્ષણનો છે, પરંતુ અપરાધ કે સામાજિક મૂલ્યોને સ્ત્રીઓનાં વસ્ત્રો સાથે જોડી દેવાં એ પછાતપણું છે. તાલીબાનો એટલા માટે તો સ્ત્રીઓને બુરખામાં ઢાંકી રાખતા હતા અને તેનું ઉલ્લંઘન કરતી સ્ત્રીઓને જાહેરમાં કોરડા ફટકારતા હતા. ગમે તેવાં વસ્ત્રો હોય, સ્ત્રી વિરોધી અપરાધો અને હિંસા દુનિયામાં દરેક જગ્યાએ બનતી ઘટના છે. તેને વસ્ત્રો સાથે કોઈ સંબંધ નથી. ઇન ફેક્ટ, જીન્સ તો સ્ત્રીઓનું એક શક્તિશાળી હથિયાર પણ છે.
દુનિયામાં દર વર્ષની ૨૯મી એપ્રિલે ‘ડેનિમ ડે’ મનાવવામાં આવે છે. ૯૦ના દાયકામાં ઇટાલીમાં એક ડ્રાઈવિંગ શિક્ષકને બળાત્કારના આરોપમાંથી છોડી મુકાયો હતો, કારણ કે સુપ્રીમ કોર્ટે એવો તર્ક કર્યો હતો કે પીડિતાએ જીન્સ પહેરેલું હતું, અને તે બળત્કારમાં સરળતાથી નીચે ન ઉતરે, તેને પીડિતાએ જાતે જ ઉતાર્યું હશે, જેનો અર્થ બળાત્કાર નહીં પણ સહમતીથી સેક્સ થાય છે. આ ચુકાદાનો ખૂબ વિરોધ થયો. ઈટાલિયન સંસદમાં સ્ત્રીઓ જીન્સ પહેરીને ગઈ.
તેમના સમર્થનમાં કેલિફોર્નિયા સેનેટ અને એસેમ્બલીમાં જીન્સ પહેરવામાં આવ્યાં હતાં. આનાથી પ્રેરાઈને લોસ એન્જેલસની એક નારીવાદી સંસ્થાએ ૧૯૯૯માં ‘ડેનીમ ડે’ની સ્થાપના કરી હતી. તે દિવસથી લઈને દુનિયામાં દર વર્ષે અંદાજે ૧૨ કરોડ લોકો જાતીય હિંસાના વિરોધમાં ડેનિમ જીન્સ પહેરે છે.
બદનસીબે, ભારતમાં સ્ત્રીઓનાં વસ્ત્રોને લઈને ઘણી રૂઢિચુસ્તતા છે. એક તરફ આપણે સ્ત્રીઓને દેવી અને શક્તિનો અવતાર ગણાવીને તેનાં ગુણગાન ગાઈએ છીએ અને બીજી તરફ આપણે તેના પર પરિવાર, સમાજ, રાષ્ટ્રની ઈજ્જતનો ભાર નાખીને તેના શરીરને શરમનું પ્રતીક માનીએ છોએ. પૂરા માનવ ઇતિહાસમાં સ્ત્રીઓને તેમનાં શરીરને લઈને અલગ-અલગ પ્રકારના અનુભવ કરાવામાં આવ્યા છે. આપણે સિનેમામાં સ્ત્રી-શરીરના ‘ઓબ્જેક્ટિફિકેશન’ (વસ્તુકરણ) સામે બૂમો પાડીએ છીએ, પરંતુ આપણા રોજીંદા જીવનમાં અને સાસ્કૃતિક મૂલ્યોમાં આપણે સ્ત્રીને તેના શરીરથી આગળ જોવા તૈયાર નથી. એમાં ત્રણ કારણોનો ઇતિહાસ છે :
એક, પ્રાચીન સમયથી લઈને સ્ત્રીને એક મનુષ્ય ઓછી અને શરીર તરીકે વધુ ગણવામાં આવી છે. એટલા માટે પૌરાણિક કથાઓમાં સ્ત્રી તપોભંગ કરનારી છે.
બે, સ્ત્રીનું શરીર શરમનું મૂળ છે. પ્રાચીન સમયથી જ સ્ત્રી શરીરને ઢાંકવા વસ્ત્રો પહેરે છે, જ્યારે પુરુષ શરીરનું રક્ષણ કરવા વસ્ત્રો પહેરે છે. બાળકીઓને જન્મથી જ શરીરને ઢાંકવાનું શીખવાડવામાં આવે છે. એટલા માટે આપણે સ્તનપાન જેવી સૌથી શુદ્ધ અને નિર્દોષ ક્રિયા પણ કામુકતાનો વિષય બની ગઈ છે.
ત્રણ, સ્ત્રીઓનાં વસ્ત્રો ધ્યાન ખેંચવા માટે હોય છે. બહુ બધા લોકો આ ગેરસમજ પાળે છે કે સ્ત્રીઓ એટેન્શન મેળવવા માટે જ ફેશનેબલ વસ્ત્રો પહેરે છે. અમુક અંશે એ સાચું પણ છે, પરંતુ સ્ત્રીઓ ખુદને સારું લાગે એટલા માટે પણ ફેશન કરતી હોય છે. સ્ત્રીઓ બધું પુરુષોને ધ્યાનમાં રાખીને કરે છે તે પુરુષપ્રધાન માનસિકતા છે.
વસ્ત્રોને લઈને સ્ત્રીઓની મુસીબત દરેક સમાજમાં છે. સાર્વજનિક બાબતો અભ્યાસ કરતા વોશિંગ્ટન સ્થિત પ્યુ રિસર્ચ સેન્ટરે ૧૯૮ દેશોના કરેલા એક સર્વેક્ષણમાં ખબર પડી હતી કે ૨૦૧૬થી ૨૦૧૮ વચ્ચે ૫૬ દેશોની સ્ત્રીઓને તેમનાં વસ્ત્રોના કારણે સામાજિક-ધાર્મિક વિરોધ સહન કરવો પડ્યો હતો. ૬૧ દેશોની સરકારોએ સ્ત્રીઓ માટે ડ્રેસ-કોડ જારી કર્યા હતા.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સમયમાં ભારત આવેલા ખ્રિસ્તી મિશનરીઓને ભારતીય ગ્રામીણ સ્ત્રીઓ અર્ધનગ્ન લાગતી હતી. કેરળમાં સ્ત્રીઓ તેમના સ્તન ઢાંકતી ન હતી. મિશનરીઓએ તેમને લાંબા વસ્ત્રો પહેરાવાનું શીખવાડ્યું હતું. ૧૯૪૭ સુધીમાં, ખાસ કરીને ભદ્ર વર્ગની ભારતીય સ્ત્રીઓનાં વસ્ત્રોનું પશ્ચિમીકરણ થઇ ગયું હતું. આખા હાથના બ્લાઉઝ અને પેટીકોટ અંગ્રેજોની દેન છે, જેને મોટા ભાગની સ્ત્રીઓએ અપનાવી લીધા હતા. આજે ભલે પશ્ચિમના સમાજને બુરખા સામે વિરોધ હોય, પણ યુરોપમાં સ્ત્રીને પગથી માથા સુધી ઢાંકવાનો એક આખો વિક્ટોરિયન ઇતિહાસ છે. પ્રાચીન ભારતમાં માથે ઓઢવાની પ્રથા ન હતી. અગાઉ મુસ્લિમ અને પછી બ્રિટિશ શાસકોના પ્રભાવમાં ‘આઘું કાઢવા’ની પરંપરા આવી હતી.
સ્ત્રીને જ્યારે ‘સંપત્તિ’ અને ‘ઇજ્જતની રખેવાળ’ માનવામાં આવે, ત્યારે તેની લૈંગિકતા પર નિયંત્રણ રાખવાની વાત પણ આપોઆપ આવી જાય. સ્ત્રીનાં વસ્ત્રોને લઈને સમાજને આટલી બધી સનક છે, કારણ કે મૂળભૂત રીતે સમાજ એવું માને છે કે પુરુષમાં જે વિકાર ઉત્પન્ન થાય છે, તે સ્ત્રીના શરીરના કારણે થાય છે. પ્રાચીન કાળમાં મેનકાના નાચના કારણે પુરુષનું મન વિચલિત થતું હતું. ૨૧મી સદીમાં વિમાનમાં ફાટેલાં જીન્સ પહેરીને ઉડતી સ્ત્રીના કારણે સંસ્કાર જોખમાય છે.
સ્ત્રીના શરીર સાથે આટલા બધા વળગાળથી અકળાયેલી એક્ટ્રેસ પ્રોતિમા બેદીએ ૧૯૭૪માં મુંબઈના જુહુ બીચ પર વસ્ત્રો કાઢી નાખીને નગ્ન દોડ લગાવી હતી. એ નિર્ણયનો ખુલાસો કરતાં બેદીએ કહ્યું હતું, “મારી છાતી, મારા શરીર અને મારા સ્ત્રી હોવાને પુરુષો જે રીતે વિચારતા રહેતા હતા એનાથી હું કંટાળી ગઇ હતી. મારી અંદરની સ્ત્રીની કોઇને કદર ન હતી. મને સ્ત્રી હોવાનો સતત અહેસાસ કરાવવામાં આવતો હતો. હું એક પુરુષની જેમ સિગારેટ પણ ન ખરીદી શકું. એક સામાન્ય પુરુષ માટે જે આમ વાત હોય, તે હું ના કરી શકું. કેમ? મારામાં આ રોષ ભરાયો હતો, અને એક દિવસ નક્કી કર્યું કે દુનિયાને મારું શરીર બતાવી જ દઉં કે જુવો આ બધું છે અંદર!”
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 28 માર્ચ 2021