તાજેતરમાં ‘ગુલિસ્તાઁ-એ-શાયરી’ મૂલ્યવાન ગ્રન્થના સંપાદક તથા ભાવક શ્રેષ્ઠ “નટવર ભટ્ટ”નું વડોદરા ખાતે દુઃખદ નિધન થયું. પત્રકારણમાં લાંબી કારકિર્દી ધરાવનાર નટવર ભટ્ટ સાહિત્યનો લગાવ ધરાવતા હતા અને તેનો અનોખો ઉન્મેષ તેમના સંપાદનમાં સુપેરે પ્રગટે છે. ડિસેમ્બર, ૨૦૧૯માં પૃ. ૭૩૬, હાર્ડબાઉન્ડ ગ્રન્થમાં નટવર ભટ્ટે પોતાનું સમગ્ર જીવનસંગીત પ્રગટ કરી દીધું છે. ગ્રન્થમાં મૂલ્ય-દર્શાવ્યું છેઃ શૅરો-શાયરીનો લગાવ. ભાવયિત્રી પ્રતિભાની આવી શબ્દસાધના જવલ્લે જ જોવા મળે છે. ૭૩૬ પૃષ્ઠોમાં ૭૨૯ શૅર મૂકવામાં આવ્યો છે. વિષયવાર વર્ગીકરણ કરીને મૂક્યા છે. ગુજરાતી, હિન્દી, ઉર્દૂ ભાષાઓમાંથી પસંદગીપૂર્વકના મૂક્યા છે. પૃષ્ઠમાં છ-સાત કે આઠ શૅર લેખે ૭૨૯ પૃષ્ઠોમાં કુલ શૅર કેટલા થાય તે જોવું પણ રસપ્રદ. ૧૦૪ વિષયોમાં વર્ગીકરણ નોંધપાત્ર. અને શાયરો? જોશ મલિહાબાદી, જિગર મુરાદાબાદી ફિરાક ગોરખપુરી, નિદા ફાઝલી, કૈફી આઝમી, સાહિર લુધિયાનવી વગેરે, કેટલાં ય નામો જોવા મળે. છ દાયકાથી વધુ સમય કામ કરીને લાખો શેરમાંથી પસાર થઈને જેમાં જિન્દગી જોવા મળી તેવા શેર પસંદ કર્યા છે. નટવર ભટ્ટનું આ કામ નોંધવું જોઈએ અને તપસ્વીને ભાવભરી અંજલિ અર્પણ કરવી જોઈએ.
ભાવનગરની બાર્ટન લાઈબ્રેરીને ‘ગુલિસ્તાઁ-એ-શાયરી’ પુસ્તક ભેટ ધરવા માટે સંપાદકે મને કામ સોંપ્યું હતું તે ધન્ય સ્મરણ છે.
નટવર ભટ્ટ પોતાના અભ્યાસકાળથી શબ્દપ્રીતિ ધરાવનાર પ્રતિભા હતા. હજુ અભ્યાસ પૂરો કરે તે પહેલાં ઈ.સ. ૧૯૪૭માં ‘મુંબઈ સમાચાર’ સાપ્તાહિકમાં તેમની વાર્તાઓ પ્રસિદ્ધ થવા લાગી હતી. ઈ.સ. ૧૯૫૦માં ‘જનશક્તિ’ દૈનિક શરૂ થતાં એમાં ‘સમાજનાં વહેણ’ નામક વિભાગનું સંપાદન કર્યું. સમર્પણ, અભિષેક, અખંડ આનંદ, વિરાટ જાગે, સ્ત્રી સાપ્તાહિક, લોકતંત્ર, પ્રજાતંત્ર, લોકસત્તા, આસ્થા, પરમતત્ત્વ વગેરે સામયિકોમાં લેખો, વાર્તાઓ લખતા રહ્યા. ‘કવિ રહીમ’ પરિચય પુસ્તિકા લખી, ૧૯૭૪માં. ૧૯૭૬માં અમીર ખુસરો વિશે નાનકડું પુસ્તક કર્યું.
ઈ.સ. ૧૯૮૦-૮૧માં ‘મુંબઈ સમાચાર’ સાપ્તાહિકમાં ‘ઉર્દૂ શાયરીનું ગુલશન’ વિભાગનું સંચાલન કર્યું.
ઈ.સ. ૧૯૫૦થી શૅરશાયરીનો ગાઢ લગાવ થયો. સેંકડો પુસ્તકો આત્મસાત કર્યા. પોતાની સંવેદનાને અહીં તેમણે પ્રતિબિંબિત થતી અનુભવી. જીવનનો મર્મ અને ધર્મ શાયરીમાં જોયો. ગુજરાતી, હિંદી, ઉર્દૂ ભાષાના કવિઓને અનેક મુશાયરામાં માણ્યા. પોતાની આ સુગુંધયાત્રાની મહેંક સૌમાં વહેંચવા, પ્રસરાવવા ‘ગુલિસ્તાઁ-એ શાયરી’ પુસ્તક સંપાદિત કર્યું જેમાં સૌ ભાવકોને ઊંડા ઉતરવા ઇજન આપવાની એમની ભાવના રહી હતી.
આઁખે વિષય પર લગભગ ૭૨ શૅર પ્રસ્તુત કર્યા. મીરના બે શૅર જોઈએ :
૧. રહતે હો તુમ આઁખોં મેં ફિરતે હો તુમ્હીં દિલમેં
મુદત સે અગરચે યહાઁ આતે હો ન જાતે હો.
૨. આઁખેં જો ખુલ રહી હૈં મરને કે બાદ મેરી
હસરત યહ થી કિ ઉનકો મૈં એક નિગાહ દેખુઁ.
ભાવભરી શ્રદ્ધાંજલિ પ્રસ્તુત છે.
ભાવનગર
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 06