તિર્યકી
અમે અમને ખૂબ ચાહીએ છીએ. મહામારીના સમયમાં અમારી ખુદ માટેની ચાહના બેહદ વધી ગઈ છે. ધીરેધીરે પ્યાર કો બઢાના હૈ … હદ સે ગુઝર જાના હૈ … આ ગીત અમે રોજ સવારે ગાઈએ છીએ. દિવસરાત એક જ ધૂન છે, શું કરીએ તો અમે અમારા માટેનો પ્રેમ પ્રગટ કરી શકીએ. લાંબા વિચારને અંતે અમે વિચારતી વખતે માસ્ક પહેરવાનું માંડી વાળ્યું છે. એમાં વૈચારિક અવરોધ ઊભો થાય છે, શ્વાસને મોકળાશ ન મળતી હોવાથી વિચારો પર પાબંધી આવી જાય છે. આથી અમે વિચારવાનું ન હોય ત્યારે જ માસ્ક પહેરીએ છીએ.
જાત માટેનો પ્રેમ દર્શાવવાનો ઉત્તમ માર્ગ વર્ષગાંઠ ઊજવવાનો છે; અને એ સમજાતાં અમે એ અપનાવ્યો છે. એમાં કયો અપરાધ થયો? હા, જાહેરમાર્ગ પર કેક કાપવી અને લોકોને એ ખવડાવવી (એમણે પહેરેલાં માસ્ક ખસેડીને) એ કદાચ યોગ્ય નહીં હોય, અને કેટલાક ડાહ્યાઓએ અમારી ટીકા સુધ્ધાં કરી પણ અમે કંઈ એવું બધું માની લઈએ એવા કાચા નથી. દેશમાં લોકશાહી છે, પ્રજા સ્વતંત્ર છે, (કોઈ શક?) તો વર્ષગાંઠનો ઉત્સવ મનાવ્યો, જરા નાચગાન થયાં, ભેટંભેટી થઈ, તો શો વાંધો પડી ગયો? બધાં માંદા પડીને મરી પરવાર્યાં? અમને અમે ખૂબ પસંદ છીએ, તો એ અમારાથી બતાવી ન શકાય? એટલી સ્વતંત્રતા પણ અમારી નહીં?
– તો સારે પ્રસંગે અમે અમારા પ્રશંસકોને જરાક બોલાવ્યા, અમને કોઈ મોટો હોદ્દો મળ્યો હોય ત્યારે લોકો શું હારતોરાયે ન પહેરાવે? હવે હાર કંઈ વેગળેથી ફેંકાય? દો ગજ દૂરીમાં માનો કે હાર ફેંક્યો, અને અમારી ગરદનને બદલે કોઈ અન્યની ગરદનમાં પડ્યો તો? અને મીઠાઈ તો નજીક આવીને જ ખવડાવાયને ? કંઈ એમ થોડું કહેવાય, કે ‘ચલો, આ … કરો જોઉં’ અને એમ બોલીને કાજુકતરી નિશાન તાકી ફેંકાય? અમારી ટીકા થાય છે, કે સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવતા. તે સોશિયલ થયા, નામ થયું, હોદ્દા મળ્યા, સેવામેવાની તક મળી, પછી વળી ડિસ્ટન્સ કેવું? આ સઘળું અમે નામદાર કોર્ટને સમજાવી નથી શક્યા એ અમારી ખામી ગણાય. હકીકતમાં અમારી રજૂઆત એટલી અસરકારક હોવી જોઈતી હતી કે કોઈને કશું કહેવાપણું ન રહે.
– અને અમે અમને ખૂબ ગમીએ, એટલે અમે અમને સુંદર કપડાં પહેરાવ્યાં, પ્રસંગને અનુરૂપ. ખેસબેસ પણ સરસ નવા નક્કોર ઠઠાડ્યાં, અને શાનદાર ઢબે બહાર પડ્યા. કેટલું તેજ અમારી આસપાસ દેખાતું હશે, ત્યાર વિના કંઈ ટોળાં અમારા અભિવાદન માટે, ભેટવા માટે, હાર પહેરાવવા માટે દોડ્યાં હશે? તમે જ કહો, એ ક્ષણે અમે મોં સંતાડીએ તો અમારા જેવા નપાવટ કોણ? અમે હિંમતભેર ઊભા રહ્યા, અચલ, મનોહર સ્મિત સાથે, માસ્ક એટલે જ નીચે સરકાવ્યો, જેથી અમારું હાસ્ય સહુને પ્રસાદ રૂપે મળે. પ્રજાના સેવક છીએ, પ્રજાનું મન રાખવું એ અમારો ધર્મ છે. અમે પ્રજા માટે જ નાચ્યા, એમને માટે જ મોટી-મોટી કેક બનાવડાવી, એમને માટે જ તો ગળું રૂંધાઈ જાય એવડા વજનદાર હાર પહેરી લીધા અને તમે અમારો જ વાંક કાઢો? અન્યાય! ઘોર અન્યાય!
– તોયે અમે અમને બહુ વહાલા, ઘણા પસંદ, અમે અમારા મોટા ચાહક, પ્રશંસક, પ્રેમી, હિતરક્ષક, શુભેચ્છક, સર્વસ્વ. તમે જ કહો, અમે જે કર્યું એનાથી અલગ અમે કશું કરી શકીએ એમ લાગે છે તમને? દિલ ફાડીને અમે અમારી જાતને ચાહી છે, ચાહીએ છીએ અને ચાહીશું. બોલો, હવે? કોરોના-બોરોના આવે એટલે અમે બદલાઈ જઈએ ? હોતું હશે એવું ?
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 16