‘ભૂમિપુત્ર’ના વાચકવર્ગને એના અંતિમ પૃષ્ઠનું ખેંચાણ બહુ મોટું. સંભવ છે કે અંક મળે ત્યારે એ છેલ્લું પાનું જ પહેલું વંચાતું હોય! હરિશ્ચંદ્ર બહેનોની આ પ્રસ્તુતિ ખૂબ વાચકપ્રિય બનેલી. કાંતાબહેનના અવસાન બાદ હરવિલાસબહેને આ રજૂઆત સંભાળેલી અને એમની વિદાય પછી, 2010થી આશા વીરેંદ્ર દ્વારા આ વિશિષ્ટ વાચન સામગ્રીની સુપેરે માવજત આજ પર્યંત થઈ છે. દસ વર્ષના લાંબા પટ પર અન્ય ભાષાઓની કથાને આમ રજૂ કરવી, ચુસ્તીપૂર્વક એનું સાતસો-સાડી સાતસો શબ્દોનું માળખું જાળવવું અને મૂળ રચનાનાં હાર્દ અને રસને તથા વાર્તા પસંદગીમાં વિષય તથા પાત્ર વૈવિધ્યને ધ્યાનમાં રાખવાં, એ પૂરતી સજ્જતા અને નિષ્ઠાની અપેક્ષા રાખે એ સ્વયંસ્પષ્ટ છે.
આશા વીરેન્દ્ર આ લાંબા ગાળા દરમિયાન પોતાની સજ્જતા અને નિષ્ઠાનો સરસ પરિચય આપી શક્યાં છે. કેવળ પ્રાદેશિક જ નહીં, વિદેશી વાર્તાઓને પણ એમણે ‘ભૂમિપુત્ર’ના છેલ્લા પૃષ્ઠની આવશ્યકતા મુજબ ઢાળી છે, અને પરિણામે આ કથાઓએ સારી એવી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. ધર્મ અને જાતપાતના, સામાજિક અને ભૌગોલિક તેમ જ સાંસ્કૃતિક સીમાડા વળોટી જનમાનસને સ્પર્શતી આ કથાસામગ્રી મૂળ તો મનુષ્યના અસ્તિત્વની સારપનો અને મનુષ્યત્વનો મહિમા દાખવે છે.
અહીં એવી કથાઓ પસંદ થઈ છે જે સામાન્યતામાં સંગોપિત અસામાન્યતા, અને ભોંયમાં રોપાયેલા માણસોની ઊંચાઈને વ્યક્ત કરે. કુટુંબજીવન અને પારિવારિક સંબંધો ભારતીય ભાવકોનું મનપસંદ ક્ષેત્ર છે, એ જ રીતે સામાજિક સમસ્યાઓ પણ એમના રસનો વિષય. વાર્તાઓમાં એકવિધતા ન આવે અને એનું વિષયવૈવિધ્ય જળવાય એ પરત્વે આશાબહેને ઠીકઠીક જાગરૂકતા રાખી છે. સ્વયં વાર્તાલેખનની શિસ્તમાં પલોટાયાં હોવાથી કથારસ શી રીતે જાળવવો, વાર્તાનો આરંભ અને અંત કઈ ઢબે અસરકારક બની શકે અને ભાષા સંદર્ભે કેવી કાળજી આવશ્યક ગણાય એનો આશાબહેનને પરિચય છે, અને કથાપ્રસ્તુતિનું આ જમા પાસું લેખાય.
‘ભૂમિપુત્ર’ની આ વાર્તાઓ ‘જન્મભૂમિ’માં, અન્ય સામયિકોમાં અને બીજી પદ્ધતિઓ થકી એક વિશાળ વાચક સમુદાયમાં ફરી વળી છે. એમાંની થોડીક વળી ‘તર્પણ’ એક અને બેમાં સંચયરૂપે પ્રગટ થઈ છે. જો કે ક્યારેક સામગ્રી દીર્ઘ વાર્તા કૃતિને લાયક હોય ત્યારે એને ટૂંકામાં સમાવવાનો પડકાર ભારે પડ્યો હોય એમ પણ નોંધવું રહ્યું. ખીચોખીચ ભરેલા ફલક જેવી આ પ્રકારની રચનાઓમાં વાર્તાને મોકળાશભર્યો શ્વાસ લેવામાં મુશ્કેલી પડી છે. ‘અણમોલ ભેટ’ કે ‘બોજ’ (બંને તર્પણ-2) જેવી કૃતિઓ આનાં ઉદાહરણ છે.
ઘટનાપ્રચુર વાર્તાઓ માટે વિસ્તૃત ફલક અનિવાર્ય બને એ હકીકત નજરઅંદાજ કરવા જેવી નહીં પરંતુ સરેરાશ ભાવકનો અભિગમ તો વાર્તારસ માણવા જેટલો જ હોવાથી આવી બારીકાઈ એને માટે જરૂરી ન ગણાય. સામાન્ય ભાવકવ ર્ગ- જે ઘણો મોટો છે – એને આદર્શ અને વાસ્તવનું મિશ્રણ, લાગણીના ઘટ્ટ-ઘેરા રંગો તથા માનવસંબંધો અને કુટુંબજીવનના આટાપાટા માણવામાં ઘણો સંતોષ મળે છે. જે સામગ્રી એને આવો પરિતોષ આપે તેના તરફ એને આકર્ષણ રહેવાનું. એટલે થોડીક મર્યાદા હોવા છતાં ઉપર નોંધેલી ચોક્કસ પ્રકારની વાચનસામગ્રી માટે એને પક્ષપાત રહેવાનો. પરંતુ જ્યારે આશાબહેન સંયત સૂરે, કલાપક્ષને લક્ષ્યમાં રાખી લેખનપ્રવૃત્ત થયાં છે ત્યારે ‘ખાલીપો’ અથવા ‘શિવ-શંભુ’ કે ‘માઈનું ઘર’(તમામ તર્પણ-1) જેવી સાધ્યંત અસરકારક કૃતિઓ નિષ્પન્ન થઈ છે.
ટૂંકી વાર્તા તો નિમિત્ત, એને આધારે સત્ત્વશીલ અને જીવનલક્ષી સામગ્રી પ્રસ્તુત કરવાનો દસ વર્ષથી વણથંભ ચાલતો આ ઉપક્રમ બિરદાવવાનો અવસર છે. અહીં આ કથાઓમાં હૃદયપલટાનાં સરળ સમીકરણો હાજર છે, પરંતુ એનીયે સકારાત્મક અસર ક્યાંક ને ક્યાંક થતી હશે એમ માનવું ગમે. મનુષ્યની સારપને સંકોરવાનો આ પ્રયાસ અને એનાં રચયિતા – બંને અભિનંદનનાં અધિકારી.
હૈદરાબાદ લીટરેચર ફેસ્ટીવલના ફેસબુક પેજ પરથી સાભાર.
https://bhoomiputra1953.com/2020/07/25/l/
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 જુલાઈ 2020; પૃ. 10