તિર્યકી
ઃ બધું પછી, પહેલાં તારી નિષ્ક્રિયતાનું શું, તે કહે!
ચોમરથી પડઘા પડ્યા પ્રશ્નના. ભય સ્વાભાવિક. પ્રભુ પધારેલા પાંચ ઑગસ્ટે, એટલે એ વિચાર પહેલો. અમારી કઈ નિષ્ક્રિયતા એમણે પકડી પાડી? અમે એટલે મૂર્તિમંત સક્રિયતા! સતત ઝંપલાવનારાં, કૂદી પડાનારાં, ટેકા લઈ દોડનારાં, તે ક્યાં પાછાં પડ્યાં હોઈશું? સમજાયું નહીં. સામે સવાલ પૂછવા જેટલું સાહસ અમારી પાસે ક્યાં? ઊભાં રહ્યાં નતમસ્તક.
ઃ આમ તો બહુ બોલે છે લોક સામે, આજે મૌન! તને પૂછી રહ્યો છું, સંભળાય છે?
હક્કાબક્કા અમે આગળપાછળ જોવા લાગ્યાં, વાંકમાં આવેલા અપરાધી પેઠે.
ઃ અઢાર કરોડ જેવી અધધ રકમ આપી તેનું કંઈ નહીં, પણ તે ઘડીએ ધગધગતા રસ્તે માથે સૂરજ લઈને ભૂખ્યાં-તરસ્યાં વતન ભણી દોડતાં શ્રમજીવીઓ યાદ ન આવ્યાં? ત્યારે કેમ દાતાઓ પાસે હાથ ન લંબાવ્યો તેં, કે બીજાં કોઈએ પણ? કેવી અસહ્ય હતી એ સ્થિતિ, ભાન ન પડ્યું?
ઃ એમાં તો એવું થયું, કે જાણે એમ કે, એટલે કે …
ઃ ચૂપ! એકદમ ચૂપ! બચાવ રહેવા દેજે! રગેરગ જાણું તમારી જમાતને. સંવેદનાના સોગંદ ખાઈને, આંખે આંસુનાં તોરણ બાંધીને, માણસાઈ કાજે મરી પડવાની વાતો કરનારાં તમે જ, કે કોઈ બીજાં? ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવાની લાયકાત પણ ગુમાવી બેઠાં તમે લોક! સાવ લખી વાળેલાં!
ઃ અમે એમાં નહીં. અમને તો અઢાર કરોડનાં મીંડાં ગણતાં પણ નથી આવડતું. ગોથા ખાઈએ. અમારી પાસે તો રોકડ હતી જ ક્યાં, તે દાન કરીએ! ને બસોપાંચસોમાં શું આપવું?
ઃ તમે નહીં, ને તમારાં યાર દોસ્તો, ઓળખીતાંઓ, તમારી જનમભૂમિના ભામાશાઓ, શરમ આવી જરાયે? જીવતું લોક નકામું, અને અમારે નામે ધનના ઢગલા? આવડી નફ્ફટાઈ શોભે ખરી ? આવડો મહેરામણ અટવાતો જોઈને મારી આંખ ભીની થઈ ગઈ તે તમને ના સૂઝયું દાનધરમની હાકલ કરવાનું? અત્યારે વ્હાલેશરી થવા દોડી નીકળ્યા ખુશામતિયા, નર્યા બોદા અને …
ઃ ક્ષમા! ક્ષમા! અમે તો આપના દર્શને નથી આવતાં વરસોથી, આપે જ્યારથી અમને કહ્યું, કે આપે નિવાસસ્થાન બદલ્યું છે ત્યારથી …
ઃ જવા દે એ અપ્રિય બાબત. તારી નિષ્ક્રિયતાનું શું, એ બોલ! તું નહીં ને તારી આસપાસનાં દોડીદોડીને હાથ જોડતાં રહ્યાં, બધાં પર્વોમાં આગલી હરોળમાં બેસી થાળી, ના થાળી નહીં, તાળી વગાડતાં રહ્યાં, દેશપરદેશ ભમ્યાં પારકે પૈસે, અને કૃપા ભેટો ઉઘરાવી, લાંબી લેખણે આ બધું ચીતરી માર્યું અને શું પરાક્રમ કરી નાંખ્યું હોય એમ જયકાર કર્યો, પડ્યો વચ્ચે ક્યારે ય? આ તો પેલી મૃત માતાના શરીરની ચાદર ખેંચતું બાળ જોયું તેની પીડા. થયો હાથ લાંબો તારો, એક વાર પણ?
ઃ એવું તો કોને પૂછું જ્ઞાનીને, કે દાનીને? અમે તો અદના નાસ્તિકમાં ખપીએ, કરડી ખાય ભક્તો અમને! ટૂંપી ખાય!
ઃ તો તારો દંડ સાંભળ. શ્રમજીવીના એક પરિવારને પાંખમાં લેવો પડશે, રસ્તે જેટલાં મૂઆં એમનાં છૈયાં છોકરાંને છાંયડી કરવા દાન ઉઘરાવવું પડશે, ને યજમાનોએ કંઈ સિક્કા-બિક્કા આપ્યા હોય તેમાંથી … થશે આમાંનું એકાદ પણ?
ઃ ક્ષમા ! ક્ષમા ! અમે રંક તો કેવળ બધ્ધહસ્ત ઊભાં રહેવાનું જાણીએ, ફાવે અમને મહિમાગાન અને બહુ બહુ તો …
ઃ તો જા, ભોગ તારા, એવો તો હતાશ છું તારાથી કે … શાપ દેવાનું યે મન નથી થતું ! એમાંયે લાયકાત જોઈએ.
ઃ પણ કો’કે કર્યું છે સારું કામ, અમે નહીં જો કે, પણ કો’કે …
ઃ ઠીક, પણ તારી નિષ્ક્રિયતાનું શું ? બોલ તો ખરો !
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2020; પૃ. 16