તિર્યકી
જે અમે સાંભળ્યું ને વાંચ્યું, તે તમે ય સાંભળ્યું ને વાંચ્યું હશે કે ટોળાંની હિંસા માટે વપરાતો શબ્દ આપણો નથી, પારકો છે અને આપણા દેશની મહાન પરંપરાને અપમાનિત કરવા ખાસ હેતુસર વપરાય છે. બદનામ કરે છે કોઈક દુષ્ટો!
હવે ગરબડ એવી થઈ છે કે ટોળાં દ્વારા હિંસા તો થઈ છે એમ પુરાવા છે, મોટામાં મોટો પુરાવો શબ, મૃતદેહ. એના પર મારનાં નિશાન, જીવલેણ ઘા. કોઈના શાપ દ્વારા એ વ્યક્તિ મરી નથી, કોઈ પવિત્ર આત્માના નિઃશ્વાસ થકી એ મરી નથી, પરમપિતાના કોપને કારણે મરી નથી, પ્રદૂષણને કારણે મરી નથી, ભૂખતરસથી મરી નથી, મરી છે તો મારથી જ મરી છે. તો મૃત્યુના કારણ માટે જ્ઞાનીઓ કયો શબ્દ વાપરશે? અમારું કુતૂહલ અમને ઠરવા નથી દેતું. આ વ્યક્તિ મરણશરણ થઈ, તો શાથી થઈ? તે પણ ટોળાંની વચ્ચોવચ્ચ?
તમે પેલો શબ્દ – જે પ્રતિબંધિત છે અને અંગ્રેજી અખબારો જેનો છૂટથી ઉપયોગ કરે છે – તે વાપરી નહીં શકો, કારણ કે તમે દેશભક્ત છો અને દેશની અપકીર્તિ વિશ્વમાં થાય તે તમને કબૂલ નથી, તો તમે કરશો શું? ધારો કે તમે ક્યાં ય વિદેશમાં નિમંત્રણને માન આપી પહોંચ્યા છો અને તમારો ઇન્ટરવ્યૂ લેવા અખબારી પ્રતિનિધિઓ પધાર્યા છે. એ તમને પૂછે, કે તમારા દેશમાં ટોળાં થકી હત્યાના બનાવો બન્યા છે, તે સાચું? એ તો પેલો પ્રતિબંધિત શબ્દ જ વાપરશે, જે અમે અહીં ચાહી કરીને ટાળ્યો છે.
હવે તમારી કસોટી છે. ભારતદેશ પ્રેમનો દેશ છે, એ સન્માન અને સદ્ભાવનો દેશ છે. અહીં ટોળાં માણસને ભેટે છે અને હૂંફ આપે છે, એનો આદર કરે છે, અને એના રક્ષણ માટે પોતાનો જીવ આપી દે છે. એમ તમે સાબિત કરવા મથશો, કેમ કે પારકા પ્રદેશમાં દેશને નીચાજોણું થાય તે તમને શી રીતે પોસાય? તમે તો કટ્ટર દેશભક્ત છો.
– એટલે તમારે ચિત્કાર સાથે ઊભા થઈ જવાનું.
નો, નો, નો, માય ફ્રૅન્ડ ! ઇટ વૉઝ નૉટ – (પેલો પ્રતિબંધિત શબ્દ, જે ગેરબંધારણીય છે.)
– તો પેલો કલમબાજ તમને ઝીણી નજરે માપીને બીજો ધડાકો કરશે.
ઓકે … ધેન વૉટ વોઝ ઇટ ? વૉટ વોઝ ધ કૉઝ ઑફ ડેથ ?
આ ક્ષણે ગર્વથી ડોક ફુલાવી, ઉન્નતમસ્તકે તમારે ઉચ્ચારવાનું કે લવ … માય ડિયર ફ્રેન્ડ! જસ્ટ એક્સેસિવ લવ! લવ વિધાઉટ બાઉન્ડ્રી!
અતિશય પ્રેમ, ધોધમાર પ્રેમ, ગૂંગળાવી નાખતો પ્રેમ, શ્વાસ અટકી જાય એવો પ્રેમ, દેહના ભુક્કા બોલી જાય એવો પ્રેમ, હતા-નહતા કરી નાખે એવો પ્રેમ, અમરત્વ બક્ષતો પ્રેમ, સ્વર્ગમાં વિહાર કરાવે એવો પ્રેમ, અહીંની પીડાઓમાંથી પૂર્ણ મુક્તિનું વરદાન આપતો પ્રેમ …
આ સઘળું તમારે એકીશ્વાસે બોલવાનું છે, એ યાદ રહે. તમારે એની મદદથી તમારા દેશની ઉન્નત લાગણીઓ અને બંધુત્વનું મહાગાન કરવાનું છે. આ તક રખે ચુકાય! તો થાવ સાબદા, નરબંકડા! (સ્ત્રીઓને સામેલ નથી કરી, કારણ કે ટોળાંઓ થકી જે સત્કાર્ય થયાં તેમાં મહિલાઓની હાજરી નોંધાય એવું બન્યું નથી.) દેશ કે દેશની પ્રજા શરમ અનુભવે એવું તમારા નામે તો ન જ લખાવું જોઈએ!! થઈ જાય ખરાખરીનો ખેલ, જોવા દો સમસ્ત દુનિયાને કે આ દેશ સત્યનો પૂજારી છે, પ્રેમનો પૂજારી છે, પ્રાણ નીકળી જાય એવા ચસચસતા આલિંગનમાં માહેર છે … (આમે ય આજકાલ આપણે ભેટતા, અને ઉષ્માએ ખીલી ઊઠતા મહાનુભાવો જોયા નથી શું?)
અબ્રામા, વલસાડ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2019; પૃ. 24