તિર્યકી
ઃ યુ.પી.માં એક ગામ. એનું નામ મુ …
ઃ હોય નહીં. માનું જ નહીં. ત્યાં કેવળ સ્વર્ગ છે!
ઃ ભલા માણસ, યુ.પી. એટલે ઉત્તર પ્રદેશ, આપણા દેશનું ગૌરવવંતું રાજ્ય, એમા ગામ શા માટે ન હોય ?
ઃ હું ના પાડું છું ને, પછી ચર્ચા શા માટે?
ઃ ઓકે … ગામનું નામ છોડો. હવે વાત અલગ ઢબે માંડીશ. યુ.પી.માં એક નિશાળ.
ઃ નિશાળ શા માટે? ત્યાં તો સર્વ બાળકો ભણેલાં અને જ્ઞાની જ જન્મે છે. કૃપા છે પરમેશ્વરની એ રાજ્ય પર. સહુ શાસકનાં મસ્તક પાછળ સૂર્યસમ તેજવર્તુળ ચક્રાકારે ફરે છે, તે મેં ખુદ જોયું છે. ત્યાં સહુ પ્રખર સત્યવક્તા અને ….
ઃ ઓકે … નિશાળ સુદ્ધાં છોડો. ત્યાં એક એવી જગ્યા જ્યાં બાળકો વિકસે, અને વિકસવા માટે બપોરે અન્ન ગ્રહણ કરે. હવે આમાં તો તમારે કશો વાંધોવચકો નથી. એમ માનું.
ઃ ચાલશે. પ્રસાદગ્રહણ ઉચિત છે, શું મોટાં, કે શું નાનાં. અન્નદાન મહાદાન. ધન્ય છે એ સ્થળે, ધન્ય એના રખેવાળો, ધન્ય એ કલ્પનાશીલ, આદરપાત્ર મહાનુભાવો જે અન્નનો આવો મહિમા કરે છે!
ઃ આગળ સાંભળશો કે તમારું સંકીર્તન જ ચલાવશો?
ઃ મારું ચાલે તો સંકીર્તન જ આગળ ધપાવ્યા કરું પરંતુ તમને તક આપવી ઘટે. હું લોકશાહીમાં શ્રદ્ધા રાખું છું.
ઃ થેન્ક્યુ. તો આ બાળકોને પોષણ અર્થે ફળો, કઠોળ અને એવો એવો સત્ત્વશીલ આહાર આપવાની યોજના છે ચોપડે.
ઃ ‘ચોપડે’ એમ કટાક્ષ શા માટે? બાળકો અન્ન તો ગ્રહણ કરે જ છે ને! વાસ્તવિકતા છે નક્કર, દેખાય તેવી.
ઃ હા, પણ પોષક આહારને બદલે એમને માત્ર મીઠું અને રોટલી અપાય છે, તમને ખબર છે? નાનાં બાળકોને કેવળ લુખી રોટલી, અને નમક! મને તો સાંભળીને શરમ અને વીડિયો જોઈને કમકમાં આવે છે. ઉછરતી પેઢી સાથે આવો નઘરોળ વહેવાર?
ઃ આ તમારો અંગત પ્રશ્ન છે. તમે હાર્દ સુધી પહોંચ્યા નથી કારણ કે તમારો પનો ટૂંકો પડે છે, તમારી પાત્રતા શંકાસ્પદ છે. સમજાવું નમક એટલે લૂણ, સર્વ ખાદ્યપદાર્થોમાં અને જીવનવ્યવહારમાં શ્રેષ્ઠ. આટલી તો ખબર હશે તમને.
ઃ જી, જાણું બરાબર લૂણના ગુણને.
ઃ બસ, તો આ લૂણને વફાદાર રહેવાનો ગુણ બાળપણથી જ કેળવાય ને દૃઢ થાય તે માટે બાળકોને લૂણ ખવડાવવાનું. રોજેરોજના લૂણથી રાષ્ટ્રભાવના સશક્ત થશે. આ બાળકો મોટાં થઈને ગાજી-ગર્જીને કહેશે, મૈંને દેશ કા નમક ખાયા હૈ! આ નમક માટે પ્રાણ આપવા તત્પર હશે આ બાળકોની આખેઆખી પેઢી, સમજાય છે હવે કંઈ?
ઃ મુદ્દો તો પડકાયો પણ તો પછી સરકારી કેન્ટીનોમાં અને પ્રધાનો દ્વારા અપાતાં ભોજનોમાં નમક-રોટીનો આહાર કેમ પ્રચલિત નથી? ત્યાં કેમ ઘી કેળાં?
ઃ જુઓ, પાછું ગોથું ખાધું ને? એ તો ઉછરી ગયાં બધાં, હવે નમક ખાય, કે ન ખાય, શો ફેર પડવાનો? આપણે તો કાલની પેઢીમાં રાષ્ટ્રભાવના વિકસાવવાની છે. ભાવિનો વિચાર કરો!
ઃ તો મારું એક સૂચન છે. નમકપાત્ર સજાવી શકાય. એ આનંદથી ઝબોળેલું શ્વેત હોય, ઉપર તારા જેવી તેજસ્વી ટીપકીઓનું આલેખન હોય, સુખડનો કોતરણીવાળો ચમચો હોય અને પાર્શ્વભૂમાં, હાલના સત્તાધીશો પાસે છે એવા કોઈ ગીતકાર-સ્વરકાર હોય તેમણે રચેલું ગીત વાગ્યા કરે. દેશ કા નમક – શ્રેષ્ઠ નમક, નમક-નમક, ધમક-ધમક, નમક-નમન, નમન-નમક એવું કંઈક … કેવો વિચાર લાગે છે?
ઃ ઉત્તમ, પેલા રિપોર્ટરને કહો કે આવું નાવીન્યપૂર્ણ દેખાડે ને દૂધમાંથી પોરા કાઢવાનું છોડે!
ઃ અબી હાલ સંદેશો પાઠવું છું. સત્યદર્શન એટલે સુંદર દર્શન, નાહક કૂટાતો ફરે છે તે કરતાં ઉપર કહ્યું એવું ગીત રચી કાઢે તો ઍવોર્ડ-બૅવોર્ડ બી મળી જાય એને!
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 24