એક રીતે ગિરીશ પટેલની પહેલી સંવત્સરી અને સત્તરમી સપ્ટેમ્બરનો નર્મદાનિમિત્ત જશન એ બંને નજીક નજીકનાં અઠવાડિયામાં આવ્યાં, તે પણ સૂચક જોગાનુજોગ લેખાશે : ડેમમાંથી ઉભરાતાં પાણીને કારણે ડુબમાં જતાં ગામોનાં ક્રંદન અને વડાપ્રધાનના જન્મદિવસને સાંકળીને મનાવાતો જશન! શું કહેવું, સિવાય કે કલાપીની સાખે, કે તમારાં રાજદ્વારોના ખૂની ભપકા નથી ગમતા.
નર્મદા બંધના પ્રામાણિક, રિપીટ, પ્રામાણિક સમર્થકો અને મેધા પાટકર તેમ બાબા આમટેથી ગિરીશ પટેલ લગીના ઝુઝારુ વિરોધીઓ, એમની ચિંતાના કેન્દ્રમાં આમ આદમી હતો અને છે. નારાયણ દેસાઈએ ભરીબંદૂક કહ્યું હતું તેમ એમની ચિંતા એક પા જો સૂચિત બંધનાં દુષ્પરિણામોની હતી તો બીજી પા ગુજરાતની વાસ્તવિક જળજરૂરતના તકાજાની હતી. જ્યારે બંધની પરિકલ્પના થઈ ત્યારે વિશ્વસ્તરે વિજ્ઞાન અને વિકાસના સંદર્ભમાં એને અંગે આશા અને શ્રદ્ધાના ધોરણે કેમ જાણે જાડી તો જાડી એકંદરમતી હતી. મેધાબહેને જ્યારે કાર્યારંભ કર્યો ત્યારે બંધ બાબતે એ ચોક્કસ ન હતાં. દરમ્યાન, જ્યારે નર્મદા બંધના કામે વેગ પકડ્યો ત્યારે વિશ્વસ્તરે પ્રામાણિક પુનર્વિચારની શરૂઆત થઈ ચૂકી હતી એ દુર્દૈવ વાસ્તવ છે.
વાત માત્ર આટલી જ નથી. બંધના હિમાયતીઓના રાજકારણી બડકમદારો અને આકાઓમાં એક નોંધપાત્ર હિસ્સો એવો હતો જેણે એક પ્રકારના નર્મદા બ્રાન્ડ રાષ્ટ્રવાદનો ઝંડો ઉપાડવામાં ચૂંટણીફતેહ જોઈ, અને છેવટ જતાં એ રાષ્ટ્રવાદ ભા.જ.પ.ના ભગવામાં ઠર્યો. બંધતરફી કે બંધવિરોધી જે સૌ પ્રામાણિક મંતવ્યધારીઓ હતા એમની સમજમાં આમ આદમીનાં સુખદુઃખ એક કેન્દ્રવર્તી ચાલના અને કસોટી રૂપ હતાં. બંધવિરોધી નમૂનેદાર લોકઆંદોલનના પ્રતાપે અને બંધતરફી છાવણીના રચનાત્મક અગ્રણીઓની દિલી પહેલથી વિસ્થાપિતો માટે જે પેકેજ છેવટ જતાં ઉભર્યું એ જો એક તબક્કે અપ્રતિમ લેખાયું હોય તો એનું શ્રેય ઇતિહાસવસ્તુ તરીકે આ વાતમાં પડેલું છે. દરમ્યાન, બેઉ છાવણીઓનાં રચનાત્મક પરિબળોની એક જુદી સહિયારી છાવણીની શક્યતા ઊભી થઈ તે પણ ઇતિહાસવસ્તુ તરીકે આપણે લક્ષમાં લેવા જોગ છે. જેમ જનદ્રોહી જશન અને સાર્થક સુમિરન, બેઉની આરંભે ઉલ્લેખેલી સહોપસ્થિતિ સૂચક છે તેમ પાછોતરાં વરસોની બીજી પણ એક સૂચક સહોપસ્થિતિ આ ક્ષણે સહજ સાંભરે છે : બે’ક દાયકા પર કેવડિયા વિસ્તારમાં નિદર્શન સામે સાંસ્થાનિક કાળની કલમો લાગુ પાડવામાં આવી ત્યારે તેની સામે વિરોધલાગણી વ્યક્ત કરવામાં બાબુભાઈ જશભાઈ અને ગિરીશ પટેલ બેઉ એક સાથે હતા.
એમનું આ પ્રકારનું સાથે આવવું ઇંદિરા ગાંધીના કટોકટીકાળ બાદના આવકાર્ય લોકશાહી ઉઘાડ પછી અને છતાં જે બાબતો બાકી ખેંચાતી હતી અને સત્તા-પ્રતિષ્ઠાનની માનસિકતા કેવા ગેરલોકશાહી વળાંકો તેમ જ આમળા લઈ શકે એ સંદર્ભે વિચારવાની દૃષ્ટિએ ખાસું ખાણદાણ પૂરું પાડે છે. આમ પણ, ગુણગ્રાહી ગિરીશભાઈ ફેરકુવા સબબ ઘણીવાર ચુનીકાકા(ચુનીભાઈ વૈદ્ય)ને સંભારતા કે બેઉ બાજુએ હળવામળવા અને વૈચારિક આપલેની રીતે બંધતરફી ચુનીભાઈ અને બંધવિરોધી ગિરીશભાઈ વચ્ચે ધીરે ધીરે કેવી રેશમગાંઠ બંધાવા લાગી હશે.
૨૦૧૯ના ઑક્ટોબરમાં ઊભીને આ બધો જોગાનુજોગ કે વ્યક્તિગત સંબંધોની પલટાતી તરાહ સંભારવા પાછળનો આશય કોઈ નિવાપાંજલિ રૂપ સુમિરનનો માત્ર નથી. પણ ૧૯૬૯ના કૉંગ્રેસના ભાગલા અને ગાંધી શતાબ્દીથી માંડીને ૨૦૧૯ના ભા.જ.પ. દિગ્વિજય અને ગાંધી સાર્ધ શતાબ્દીની એક પૂરી પચાસીના છેડે, દેખીતા અંધારા બોગદા વચાળે ફૂટતાં પ્રકાશકિરણોની સહિયારી ખોજનો અને ગિરીશભાઈ પરત્વે અનુમોદનાત્મક આલોચનામાં તે માટે પડેલી સામગ્રીને સમજવાનો ખ્યાલ છે.
કટોકટી ઊઠી ત્યારે, હું ધારું છું ડેવિડ સેલિગ્મેને, એક ચોંટડૂક વિધાન કર્યું હતું : કટોકટી (ઈમરજન્સી) ગઈ, કટોકટી (ક્રાઇસિસ) ચાલુ છે.
આ એ ચાલુ કટોકટી હતી અને છે જે ગાંધીદીધા તાવીજના સ્મરણથી સ્પષ્ટ સમજી શકાય એમ છે અને જેનું સંવૈધાનિક તેમ સામાજિક વાસ્તવ આંબેડકરે બેસતા પ્રજાસત્તાકે બોલી પણ બતાવ્યું હતું કે સૌને મતાધિકારની રાજકીય સમાનતાની સાથોસાથ આર્થિક-સામાજિક અસમાનતા(વિષમતા)ના ભયાવહ પડકારભર્યા તબક્કામાં આપણે પ્રવેશી રહ્યા છીએ. આ લખું છું ત્યારે અમૃત અભિવાદન વખતના ગિરીશભાઈનાં એ હિતવચનો સાંભરે છે કે કટોકટી પછીના કટોકટી તબક્કાને વટવા સારુ રામમનોહર લોહિયાના શબ્દોમાં કહીએ તો ગાંધી, માર્ક્સ, આંબેડકર એકત્રીકરણની જરૂર છે.
તમે મને પૂછો તો બૌદ્ધિક કર્મશીલ છેડેથી એમ કહું કે ગાંધીયુગથી શરૂ થયેલી વિરલ પ્રક્રિયા(વિ-વર્ણ અને વિ-વર્ગ થતી આવતી તરુભાઈ)ની તાકીદ આજે છે એટલી કદાચ ત્યારે પણ નહોતી. ગિરીશભાઈને એમનાથી નાની વયનાં મેઘાબહેનમાં નેતૃત્વનો જે ગુણ વસ્યો તે સાચો, પણ એથીયે અધિક તો એમણે જે જોયુંનોંધ્યું અને જેનાથી એ જિતાયા એ તો એ વાત કે અસરગ્રસ્ત આદિવાસીઓ વાસ્તે કામ કરતાં કરતાં એમની આખી જીવનશૈલી કેવી બદલાઈ ગઈ. અભ્યાસી એ હતાં, સમસંવેદનાવશ એ વિવર્ગ ને વિવર્ણ જેવાં પણ થઈ ગયાં.
ગિરીશભાઈએ, જેના વિકલ્પે (બલકે ટીકારૂપે) આપણા શીર્ષ નેતૃત્વે ‘હાર્ડવર્ક’ એવી જીભચાલાકી કરી હતી તે હાર્વર્ડમાં એલ.એલ.એમ. કર્યું. પણ મ્યુનિસપલ દીવે ભણતરના એમના વાસ્તવ સાથે આ નવ્ય વિદ્વત્તાએ એમનામાં સામાન્ય માણસનાં વાસ્તવિક સુખદુઃખ પરત્વે સહાનુકંપાવશ સક્રિયતા કે રાજકીય હસ્તક્ષેપ અગર નાગરિક ચાલના ઓર ઉત્કટપણે જગવ્યાં. ગુજરાતને (અને ભારતને) એનો પહેલો ચમત્કારક સાક્ષાત્કાર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન માટેની એમની ઉદ્યુક્તિ સાથે થયો. નાગરિક અધિકારો, રાજકીય અધિકારો, લોકશાહી અધિકારો – જે કહો તે – એની સંમિલિત લડાઈનો એ કેમ જાણે એક એવો ટેઈક ઑફ હતો જેમાં સિત્તોતેરના બીજા સ્વરાજની એક પાયાની ચાવી રહેલી હતી.
આજે જ્યારે ન્યાયતંત્રમાં આ મુદ્દે ને મોરચે જસ્ટિસ ભગવતી અને જસ્ટિસ ક્રિષ્ણા અય્યર પ્રકારની ભૂમિકા નાખી નજરે જણાતી નથી અને વકરતી વિષમતા તેમ જ વંચિતતા વચાળે રાષ્ટ્રવાદની મોહની અને મૂર્છાથી કામ લેવાઈ રહ્યું છે ત્યારે ગિરીશભાઈનું સ્મરણ દૂઝતા જખમ જેવું છતાં (કદાચ એટલે જ) શાતાકારી અનુભવાય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2019; પૃ. 01-02