તિર્યકી
લખીમપુર-ખીરી. પૂછશો નહીં ક્યાં આવ્યું. આપણા દેશમાં જ, ઉત્તરપ્રદેશ નામના ઉત્તમ પ્રદેશમાં, જ્યાં કાયદો-વ્યવસ્થા શ્રેષ્ઠ. એમાં જ તો એક મંદિરના નિર્માણ પ્રસંગે કહેવાયું, કે નવા ભારતનો ઉદય થઈ રહ્યો છે. સાંભળેલું એ બધું ? નવું ભારત, સર્વોત્તમ ભારત.
બસ, આ દિવ્ય અને ભવ્ય સ્થળે ત્રણ વર્ષની એક બાળકીની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી. પ્રજા અહીંની ધર્મનિષ્ઠ. બાળકીનું શબ જોઈ તરત ને તરત આંખો બંધ કરી રામનામસ્મરણમાં ડૂબી જાય એવી. નેતા અહીંના સમર્થ રક્ષક. સહુને વહેંચે પ્રાર્થના-પુસ્તિકા. ક્યાંક રજતતુલા, અને ક્યાંક સુવર્ણતુલામાં તોલાય મહાન નેતાઓ. સહુ ભગવત્ તુલ્ય. હવે ભગવાન તો ત્રાજવામાં બેસે નહીં, એટલે પ્રતિનિધિઓ રવાના કરે પ્રજામાં. પ્રજા સમજું અને ધાર્મિક, સત્યપરાયણ અને પવિત્ર, એટલે પ્રતિનિધિઓ માટે પંડનાં પાથરણાં કરે. આટલા અદ્ભુત વાતાવરણમાં કોણ પ્રચાર કરે છે કે હિંસક વૃત્તિઓ આપણા સમાજમાં વધતી જાય છે? એમને દેખાતું નથી, કે જ્યારથી મંદિરનિર્માણની પ્રવૃત્તિએ વેગ પકડ્યો છે, ત્યારથી સર્વત્ર અગરબત્તીની સુવાસ ફેલાતી રહે છે ? કોઈએ અગરબત્તી ન પેટાવી હોય તોપણ આ સુવાસ ફેલાય તે ચમત્કાર વિના શક્ય છે ? અરે, એટલું તો ઠીક, તમે હવામાં જ બધું સાંભળી શકશો, ભજન, ભક્તિસ્તોત્ર, નામજપન અને જયજયકાર. તમારામાં આસ્થા જોઈએ, ભક્તિભાવનો પ્રભાવ જોઈએ, તમારો દેશ સર્વોત્તમ છે, એવી દૃઢ માન્યતા જોઈએ. આવો દેશપ્રેમ હોય ત્યારે જ તો વિકાસ શક્ય છે. એમાં બાળકીઓ જરૂરી નથી અલબત્ત, એક અહિંસક અને ધર્મભાવના માટે મરી ફીટનારા દેશ તરીકે એક પણ બાળકીની ક્રૂરહત્યા થાય એ અયોગ્ય જ ગણાય છતાં એમનું પૃથ્વી પર હોવું અનિવાર્ય નથી. એ ન હોય તો કંઈ ફરક?
– તો મુદ્દો હતો ધાર્મિક સદ્ભાવનો, જે ભવ્ય મંદિરની રચના બાદ આકાર પામ્યો જ છે, એમાં બેમત નથી. અને આમ જુઓ તો રાક્ષસો રામરાજ્યમાં ક્યાં નહોતા ? એ હોય ત્યારે જ તો અધર્મની ખબર પડે, દુરાચારની વ્યાખ્યા મળે, દુષ્કર્મ એટલે શું, એની સમજ પડે. એ ન હોય તો પ્રભુને સંહારની તક ક્યાંથી મળવાની ? ધર્મની સ્થાપના માટે અધર્મનું હોવું આવશ્યક છે, જો ધર્મ સ્થપાયેલો જ હોય, તો સંતો, સદ્ગુરુઓ અને ધાર્મિક આગેવાનો કરશે શું ?
દેશમાં બાળકીઓ અને કન્યાઓને ભયાનક અન્યાય થઈ રહ્યો છે, અને એમની હયાતી જોખમમાં છે એમ લાગે છે તમને ? બનતું હશે ક્યાંક-ક્યાંક. ઉત્તરપ્રદેશ કુખ્યાત છે આ બાબતે એમ કહો છો ? તે જ્યાં ધર્મરાજ્યની સંભાવના હોય ત્યાં જ પહેલાં દુરાચાર હોયને? એનાથી અકળાઈને જ તો સદ્તત્ત્વો અનિષ્ટ પર વિજય મેળવવા તત્પર થશે. આ જે બનતું આવ્યું છે, ત્રણ વર્ષની કે છ વર્ષની, કે બાર વર્ષની બાળકીઓ સાથે, એ હજી વધારે બનશે. ક્રૂરતા અને દુરાચાર જ્યારે પરાકાષ્ઠાએ પહોંચશે, ત્યારે જ એનો સંહાર શક્ય બનશે. આ અંગત અર્થઘટન નથી. જુઓ પ્રાચીન ઇતિહાસ. કાયમ એ પ્રમાણે જ થયું છે.
– અને હજી તો શાપ આપવાનો અભ્યાસક્રમ કોઈ વિદ્યાપીઠમાં દાખલ થયો નથી. એ હજી પ્રારંભની અવસ્થામાં છે અને એના માર્ગદર્શકોની શોધ સમસ્ત દેશમાં ચાલે છે. જોજો, એ પણ મળી આવશે. શાપ દેવાનો શાસ્ત્રીય તાલીમવર્ગ ચાલુ થશે, પછી સર્વ બાળકીઓનાં માતાપિતાને એ દિશામાં દીક્ષિત કરવામાં આવશે. ખર્ચ રાજ્ય સરકાર માથે લેશે. આટલું તો નક્કી થયું જ છે. બાળકીઓ પર અત્યાચાર ગુજારનાર તમામને એનાં સ્વજનો શાપ આપી શકશે, કાયદેસર. એમાં દોષિતોને વિકલાંગ બનાવી શકાશે. એમનું રાખમાં રૂપાંતર થઈ શકશે અને એમને પશુપક્ષીમાં પણ પલટી શકાશે. શક્યતાઓનો સઘન અભ્યાસ ચાલુ છે. પાઠ્યપુસ્તકો તૈયાર થઈ રહ્યાં છે. પછી જોજો, કેવું કલ્યાણરાજ્ય આવે છે, તે!
જરાક ખમો …
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 16